Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કચ્છી કન્યાનાં લગ્ન તોડાવવા ઇન્સ્ટાગ્રામ પર ખતરનાક રમત

કચ્છી કન્યાનાં લગ્ન તોડાવવા ઇન્સ્ટાગ્રામ પર ખતરનાક રમત

Published : 19 February, 2026 06:28 AM | Modified : 19 February, 2026 08:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ સાથેની યુવતીની તસવીરોને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી અશ્ળીલ બનાવીને વાઇરલ કરી દીધી કોઈકે: બાવીસ તારીખે લગ્ન કરવા જઈ રહેલી છોકરીએ કહ્યું કે એટલું સારું છે કે મંગેતરને મારા પર વિશ્વાસ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાલાસોપારામાં રહેતી ૨૩ વર્ષની કચ્છી યુવતીનાં લગ્ન તોડાવવાના ઇરાદાથી અજ્ઞાત વ્યક્તિએ તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ સાથેના ફોટો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા એડિટ કરીને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે યુવતીએ ગઈ કાલે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંબંધિત તમામ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસના આધારે તપાસ શરૂ કરીને આરોપીની શોધ શરૂ કરી છે. આ ઉપરાંત એક યુવતીની જિંદગી પર ગંભીર અસર થવાના પ્રશ્નને ધ્યાનમાં રાખીને મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસની સાઇબર ટીમ પણ સક્રિય બનીને આ કેસ પર કામ કરી રહી છે. બીજી તરફ યુવતીએ દોષી સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માગણી સાથે પોલીસ પાસેથી ન્યાયની આશા વ્યક્ત કરી છે.

નાલાસોપારામાં રહેતી યુવતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં બાવીસમી ફેબ્રુઆરીએ લગ્ન નક્કી થયાં છે, પરંતુ લગ્ન તોડાવવાના ઇરાદાથી અજ્ઞાત વ્યક્તિએ મારા ભૂતકાળના મિત્ર સાથેના ફોટો AI દ્વારા એડિટ કરીને અશ્લીલ સ્વરૂપમાં ઇન્સ્ટાગ્રામના વિવિધ IDમાં વાઇરલ કર્યા હતા. સૌથી પહેલાં મારા મંગેતરે આ ફોટો જોઈ મને ફોન કરીને એના વિશે પૂછપરછ કરી હતી અને ઇન્સ્ટાગ્રામ ID સાથે ફોટો મોકલ્યા ત્યારે મને જાણ થઈ કે આ તમામ તસવીરો બનાવટી છે. જોકે મારા મંગેતરને મારા પર પૂર્ણ વિશ્વાસ હોવાથી મારું બધું ટકી રહ્યું હતું, પણ સમાજમાં મારી બદનામી થાય અને લગ્ન તૂટી જાય એ હેતુથી કોઈએ ખોટું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને ફોટો વાઇરલ કર્યા છે. આ ઘટનાથી મારા પરિવાર પર અને મારા લગ્નજીવન પર ગંભીર અસર થઈ હોવાની શક્યતા સામે આવતાં મેં નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દોષી સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગણી છે.’



નાલાસોપારા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે તમામ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનાં IP ઍડ્રેસ શોધીને એ કોણે બનાવ્યાં છે એની માહિતી ભેગી કરી રહ્યા છીએ. આ કેસમાં યુવતીનાં લગ્ન તોડાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે જેના માટે AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK