Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ઘેરબેઠાં સ્પા જેવી ફીલ આપશે આ બાથ સૉલ્ટ

ઘેરબેઠાં સ્પા જેવી ફીલ આપશે આ બાથ સૉલ્ટ

17 June, 2024 10:04 AM IST | Mumbai
Pallavi Acharya

આજે જાણી લો બાથ સૉલ્ટના ફાયદા શું છે અને બેસ્ટ રિઝલ્ટ માટે એનો ઉપયોગ કઈ રીતે કરવો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કરકરા નમકની અંદર ચોક્કસ એસેન્શિયલ ઑઇલ્સ મિક્સ કરીને તૈયાર થતું બાથ સૉલ્ટ અદ્‍ભુત રિલૅક્સિંગ અનુભવ આપવાની સાથે રિફ્રેશિંગ પણ લાગશે. ત્વચા પર જામેલો મેલ અને ડેડ સ્કિન દૂર કરવાની સાથે એમાં રહેલું ઍરોમૅટિક ઑઇલ બીજા પણ હેલ્થ બેનિફિટ્સ આપે છે. આજે જાણી લો આ ફાયદા શું છે અને બેસ્ટ રિઝલ્ટ માટે એનો ઉપયોગ કઈ રીતે કરવો


મુંબઈની ભેજવાળી ગરમી, તેજ રફતાર, પ્રદૂષણ અને પસીનામાં શરીર એટલું ચીકણું થઈ જાય છે કે ગમેતેટલું નાહીએ તો પણ જાણે ત્વચા ક્લીન થતી જ નથી. પુષ્કળ પસીનાના કારણે સાંજ પડ્યે થાક પણ ખૂબ મહેસૂસ થાય છે. મન થાય કે ક્યાંક સ્પામાં જઈને રિલૅક્સ થઈએ તો કેવું સારું? ભલે સ્પામાં ન જઈએ, પણ જો ઘરમાં બાથ સૉલ્ટ હોય તો સ્પા જેવી ફીલ તો મેળવી જ શકાય છે.મીઠું ખાવા માટે નહીં પણ નહાવા માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી જ ડૉક્ટરો મીઠું ખાવાની ભલે ના પાડે, બ્યુટિશ્યનો સૉલ્ટ બાથ લેવાની હિમાયત કરે છે. જોકે આ માટે વપરાતું નમક એ ખાવામાં વપરાતું રોજિંદું સૉલ્ટ નથી, એ એપ્સમ સૉલ્ટમાંથી બને છે. ટેબલ સૉલ્ટનું કેમિકલ નામ સોડિયમ ક્લોરાઇડ છે જ્યારે એપ્સમ સૉલ્ટ એવું સમુદ્રી નમક છે જેનું કેમિકલ કમ્પાઉન્ડ મૅગ્નેશિયમ સલ્ફેટ છે.


ગરમીમાં ખૂબ પસીનો થવાથી ત્વચા પર ધૂળ અને રજકણો ચોંટી જાય છે. સ્કિન પર ચીપકેલો આ મેલ કેટલાક લોકોને ચોમાસામાં ચામડીના રોગ પેદા કરે છે. તેથી વધુ નહીં તો વીકમાં એક વાર પણ જો બાથ સૉલ્ટથી બાથ લેવામાં આવે તો રિલૅક્સેશન સહિતના અગણિત ફાયદા મળી શકે છે. તેથી જ બોરીવલી ઈસ્ટમાં આવેલા HGK બ્રાઇડલ સ્ટુડિયો ઍન્ડ સૅલોંનાં બ્યુટિશ્યન અને કૉસ્મેટોલૉજિસ્ટ હર્ષા ગોહિલ કોઠારી બાથ સૉલ્ટને જાદુઈ ચીજ ગણાવતાં કહે છે, ‘આ એક એવી વસ્તુ છે જે માણસને તન-મનથી રિલૅક્સ કરી હળવાફૂલ બનાવે છે.’

શું છે આ બાથ સૉલ્ટ?


બાથ સૉલ્ટ હકીકતમાં તો દરિયાનું કુદરતી મીઠું છે જેને આપણે જાડું મીઠું પણ કહીએ છીએ એમ જણાવતાં પચીસ વર્ષથી આ ફીલ્ડમાં કામ કરી રહેલાં ઇન્ટરનૅશનલ મેકઅપ આર્ટિસ્ટ હર્ષા ગોહિલ કોઠારી કહે છે, ‘દરિયાના કુદરતી મીઠામાં કેટલીક ફ્લેવર્સ અને ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી બાથ સૉલ્ટ બનાવવામાં આવે છે જેનો અમે વર્ષોથી સ્પા અને પેડિક્યૉર મૅનિક્યૉર માટે પણ ઉપયોગ કરીએ છીએ. નમકમાં વિવિધ પ્રકારનાં એસેન્શિયલ ઑઇલ્સ ઉમેરવામાં આવે છે જે અલગ-અલગ અસરો કરે છે. જોકે બાથ સૉલ્ટનો ઉપયોગ રોજેરોજ ન થાય. વીકમાં બેવાર બાથ સૉલ્ટથી બાથ લેવો આજના તનાવગ્રસ્ત જીવન માટે જરૂરી છે. તન અને મનથી હળવાફૂલ થવા માટે આ સૌથી સરળ અને બેસ્ટ ઉપાય છે.’

કઈ રીતે વાપરવું?

બાથ સૉલ્ટ ત્વચાની અંદર બરાબર ઊતરે એ માટે બે રીતે વાપરી શકાય છે. સૌથી ઉત્તમ ફાયદા માટે બાથટબમાં વાપરવું. બાથટબમાં લ્યુક વૉર્મ વૉટર ભરીને એક કપ જેટલું બાથ સૉલ્ટ નાખીને એને બરાબર હલાવવું. ઓગળી જાય એ પછી એમાં પાંચથી દસ મિનિટ બેસવું. એપ્સમ સૉલ્ટ ઓગળતાં જ મૅગ્નેશિયન અને સલ્ફેટ છૂટાં પડી જાય છે. આ બન્ને ખનીજ દ્રવ્યો ત્વચા વાટે શરીરમાં જાય છે અને માંસપેશીઓને રિલૅક્સ કરે છે. એસેન્શિયલ ઑઇલની અરોમા પણ રિફ્રેશિંગ કામ કરે છે. બાથટબ ન હોય તો બાલદીમાં એકથી દોઢ ચમચી એપ્સમ સૉલ્ટ નાખીને ઓગાળવું અને પછી એ પાણી ધીમે-ધીમે શરીર પર રેડીને નાહવું. મહિનામાં એકાદ વાર એપ્સમ સૉલ્ટને ડાયરેક્ટ ત્વચા પર અપ્લાય કરીને પણ નાહી શકાય. શરીરને થોડુંક ભીનું કરી હાથમાં સૉલ્ટ લેવું અને આખા શરીરે ધીમે-ધીમે રગડવું. નમકના કણો પીગળી જાય ત્યાં સુધી એમ જ રહેવા દેવું. કણો પીગળી ગયા પછી કોકરવરણું પાણી રેડીને નાહી લેવું.

બાથ સૉલ્ટ હંમેશાં ક્રિસ્ટલ ફૉર્મમાં જ ખરીદવું, પાઉડર કે પેસ્ટ થઈ ગયેલા સૉલ્ટની ક્વૉલિટી સારી નથી હોતી.

બાથ સૉલ્ટના ફાયદા - હર્ષા ગોહિલ કોઠારી

સ્કિન સાફ કરે : ગરમીમાં પસીનો પુષ્કળ થાય છે. પસીના સાથે ભળેલા કચરાના કારણે શરીર પર જે બૅક્ટેરિયા અને જર્મ્સ પેદા થાય છે એને બાથ સૉલ્ટ મારી નાખે છે અને સ્કિનને સાફ કરે છે. તેથી સ્કિનને લગતા ખરજવું, ખંજવાળ જેવા રોગો સામે રક્ષણ મળે છે અને એની બળતરા ઘટાડે છે.

તનાવ દૂર કરી રિલૅક્સ કરે : કુદરતી મીઠામાં રહેલાં રસાયણો અને તત્ત્વોના કારણે બાથ સૉલ્ટ નાખીને બાથ લેવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થવાના કારણે તન અને મન હળવાંફૂલ થાય છે, તનાવ ઓછો થવાથી રિલૅક્સેશન લાગે છે.

શરીરનો દુખાવો ઓછો થાય : મીઠાનાં કુદરતી રસાયણો શરીરનો દુખાવો દૂર કરે છે. એમાંનાં ખનિજો ત્વચામાં શોષાઈ એને ડિટૉક્સિફાય કરે છે. શરીરની બળતરા અને સોજો ઘટાડે છે. શરીરની પીડા ઘટાડવાના એના ગુણને લઈને પિરિયડ સમયનો દુખાવો ઓછો કરવા માટે બાથ સૉલ્ટ નાખીને સ્નાન કરવાથી ફાયદો થાય છે.
ઊંઘ સારી આવે : તનાવ હળવો થવાથી અને શરીરનો થાક અને દુખાવો ઓછો થવાથી અને મીઠાનાં રસાયણો શરીરના તાપમાનને નિયંત્રિત કરતાં હોવાથી સૉલ્ટ બાથ લેવાથી ઊંઘ સારી આવે છે.

સ્ક્રબર જેવું કામ કરે : બાથ સૉલ્ટના ક્ષાર નાહવાના પાણીમાં ઓગળીને તમારી ડેડ સ્કિનને દૂર કરી સાફ કરવા સ્ક્રબર જેવું કામ કરે છે. તેથી સૅલોં અને સ્પામાં એનો ઉપયોગ થાય છે.

સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરે : બાથ સૉલ્ટના કુદરતી ક્ષારો સ્કિનને સ્વસ્થ રહેવામાં આવતા અવરોધો દૂર કરે છે અને ત્વચાને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રાખતા હોવાથી સ્કિન મૉઇશ્ચરાઇઝ્ડ રહે છે. દરિયામાં તરવામાં આવે ત્યારે  ત્વચા સુકાઈ નથી જતી, મૉઇશ્ચરાઇઝ્ડ રહે છે.

ઍન્ટિ-એજિંગ : બાથ સૉલ્ટમાં ઍન્ટિ-એજિંગ ગુણ પણ છે. મીઠાનાં તત્ત્વો સ્કિનમાં શોષાઈને સ્કિનને ટાઇટ કરતાં હોવાથી એ ત્વચાને ટેમ્પરરી રિન્કલ-ફ્રી કરે છે

નેગેટિવિટી દૂર કરે : બાથ સૉલ્ટ પાણીમાં નાખીને સ્નાન કરવાથી નેગેટિવિટી દૂર થાય છે એવું આપણે ત્યાં વરસોથી માનવામાં આવે છે.

રોજ નહીં પણ વીકમાં બે વાર બાથ સૉલ્ટ નાખી બાથ લઈ શકાય. બાથ સૉલ્ટમાં હવે અગણિત ફ્લેવર્સ ઉપલબ્ધ છે, પણ બેસ્ટ રિઝલ્ટ માટે એસેન્શિયલ ઑઇલ ધરાવતા એપ્સમ સૉલ્ટની પસંદગી કરવી બહેતર છે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2024 10:04 AM IST | Mumbai | Pallavi Acharya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK