Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ગરબાના લુકમાં હવે કાશ્મીરી ગૉગલ્સનો તડકો

ગરબાના લુકમાં હવે કાશ્મીરી ગૉગલ્સનો તડકો

Published : 09 October, 2026 04:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચણિયાચોળી અને ઑક્સિડાઇઝ્ડ જ્વેલરીની સાથે હવે કાશ્મીરી ગૉગલ્સ પણ બની રહ્યાં છે ગરબા-લુકનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ. ડેકોરેટિવ મેટલ ફ્રેમ, રંગીન લેન્સ, મિરરવર્ક અને સાઇડમાં લટકતી ચેઇનવાળાં કાશ્મીરી ગૉગલ્સ ટ્રેડિશનલ આઉટફિટને ફન્કી ટચ આપે છે

કાશ્મીરી ગૉગલ્સ

કાશ્મીરી ગૉગલ્સ


નવરાત્રિમાં ચણિયાચોળી, ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી અને રંગબેરંગી ઍક્સેસરીઝ તો દર વર્ષે જોવા મળે છે; પરંતુ આ વખતે તમારા ગરબા-લુકમાં એક સ્ટાઇલિશ ટ્વિસ્ટ ઉમેરવો હોય તો કાશ્મીરી ગૉગલ્સ અજમાવી શકાય. રંગીન લેન્સ, ડેકોરેટિવ ફ્રેમ અને સાઇડમાં લટકતી ચેઇન કે લટકણવાળાં આ ગૉગલ્સ ટ્રેડિશનલ આઉટફિટને થોડો બોહેમિયન અને ફન્કી ટચ આપે છે. ખાસ કરીને ગરબા-નાઇટના ફોટોશૂટ અને રીલ્સમાં આ ઍક્સેસરી આખા લુકનું ફોકસ બની શકે છે.

ફ્રેમ જ છે આ ગૉગલ્સની ખાસિયત



કાશ્મીરી ગૉગલ્સમાં સામાન્ય સનગ્લાસિસ કરતાં ફ્રેમ પર વધુ ડીટેલિંગ જોવા મળે છે. કેટલાંક ગૉગલ્સમાં મેટલિક અથવા ઑક્સિડાઇઝ્ડ ફિનિશ હોય છે; જ્યારે કેટલાંકમાં મિરર, બીડ્સ, મોતી કે રંગીન સ્ટોનનું કામ જોવા મળે છે. સાઇડમાં નાની ચેઇન, લટકણ કે ઘૂઘરી જેવી ડીટેલિંગ હોય તો ચાલતી વખતે પણ એ હલનચલન કરે છે અને ગૉગલ્સને વધુ ફેસ્ટિવ લુક આપે છે.
અહીં લેન્સ કરતાં ફ્રેમની ડિઝાઇન વધુ ધ્યાન ખેંચે છે. એટલે તમારા આઉટફિટમાં પહેલેથી જ ઘણું વર્ક હોય તો બહુ હેવી ગૉગલ્સ લેવાને બદલે મિનિમલ ડીટેલિંગવાળી ફ્રેમ પસંદ કરી શકાય.


ચણિયાચોળી સાથે કેવી રીતે સ્ટાઇલ કરશો?

મિરરવર્ક, બાંધણી કે કચ્છી વર્કવાળાં ચણિયાચોળી સાથે મેટલ ફ્રેમવાળાં ગૉગલ્સ સરસ લાગે છે. જો ચણિયાચોળીમાં સિલ્વર વર્ક વધારે હોય તો ઑક્સિડાઇઝ્ડ ફ્રેમ પસંદ કરી શકાય અને ગોલ્ડન વર્કવાળા આઉટફિટ સાથે ગોલ્ડન અથવા ઍન્ટિક ફિનિશની ફ્રેમ લઈ શકાય.


ગૉગલ્સમાં સાઇડ ચેઇન કે લટકણ હેવી હોય તો કાનમાં બહુ મોટાં ઇઅર-રિંગ્સ પહેરવાની જરૂર નથી. એને બદલે નાનાં ઝૂમખાં કે સ્ટડ્સથી લુક બૅલૅન્સ કરી શકાય. આમ ચહેરા પર એકસાથે ઘણીબધી ઍક્સેસરીઝ ભેગી નહીં થાય.

ઇન્ડો-વેસ્ટર્ન લુકમાં પણ ચાલશે

આ ગૉગલ્સ માત્ર ચણિયાચોળી પૂરતાં સીમિત નથી. ક્રૉપ ટૉપ અને લાંબા સ્કર્ટ, કુરતી સાથે ધોતી પૅન્ટ કે મિરરવર્કવાળા ઇન્ડો-વેસ્ટર્ન સેટ સાથે પણ એને પહેરી શકાય. ખાસ કરીને સિલ્વર અથવા ઑક્સિડાઇઝ્ડ ફ્રેમ બ્લૅક, વાઇટ કે ડેનિમ જેવા સિમ્પલ આઉટફિટમાં પણ ફેસ્ટિવ ટચ ઉમેરી શકે છે.

ફોટોમાં વધુ ફન્કી લુક

ગરબા રમતી વખતે ગૉગલ્સ આંખો પર રાખવાને બદલે ફોટો કે રીલ માટે માથા પર પણ પહેરી શકાય. ખાસ કરીને સાઇડમાં લટકતી ચેઇન અથવા લટકણવાળી ડિઝાઇન હોય તો પોઝમાં એની ડીટેલિંગ સારી રીતે હાઇલાઇટ થાય છે. ગ્રુપ ફોટોમાં પણ બધા એકસરખાં ગૉગલ્સ પહેરવાને બદલે અલગ-અલગ ફ્રેમ અને લેન્સ-કલર પસંદ કરવાથી લુક વધુ ઇન્ટરેસ્ટિંગ બની શકે છે.
નવરાત્રિના ટ્રેડિશનલ લુકમાં જો જ્વેલરી સિવાય એક અલગ ઍક્સેસરી ઉમેરવી હોય તો આ વખતે ગૉગલ્સને પણ તક આપી શકાય. યોગ્ય ફ્રેમ પસંદ કરો અને એને તમારા આઉટફિટના વર્ક સાથે બૅલૅન્સ કરો, જેથી ગૉગલ્સ લુકમાં ઉમેરો કરે અને આખા લુક પર હાવી ન થઈ જાય.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK