ટૅક્સ-ઑફિસરોનો અરેસ્ટ-પાવર ગયો, કાનૂની કાર્યવાહી માટેની મર્યાદા એક કરોડમાંથી વધારીને પાંચ કરોડ રૂપિયા
ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી GST કાઉન્સિલની મીટિંગમાં રાજ્યોના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો, નાણાપ્રધાનો તથા સિનિયર અધિકારીઓ સાથે કેન્દ્રીય ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ.
એપ્રિલ ૨૦૨૭થી ટ્રસ્ટ-બેઝ્ડ સિસ્ટમ થશે લાગુ, સામાન્ય દંડની રકમ પચીસ હજારમાંથી ઘટાડીને ૧૦,૦૦૦ રૂપિયા
વેપારીઓ અને કરદાતાઓ માટે કારોબાર સરળ બનાવવાના હેતુથી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલે ગુરુવારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. કાઉન્સિલે ટૅક્સ-અધિકારીઓ પાસેથી ધરપકડ કરવાની સત્તા પાછી ખેંચી લેવાની તેમ જ કાનૂની કાર્યવાહી માટેની નાણાકીય મર્યાદા પાંચગણી વધારીને પાંચ કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત કરદાતાઓ માટે રીફન્ડની પ્રક્રિયાને વધુ ઝડપી અને મોટા ભાગે ઑટોમેટેડ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
GST કાઉન્સિલની ૫૭મી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ‘સામાન્ય દંડની રકમ ૨૫,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૦,૦૦૦ રૂપિયા કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલા આ તમામ નીતિવિષયક સુધારાઓ ૨૦૨૭ની પહેલી એપ્રિલથી અમલમાં આવશે. આ ઉપરાંત જો કોઈ કરદાતા રિટર્ન ફાઇલ કરવામાં મોડું કરે, ચુકવણીમાં ભૂલ કરે કે બાકી રકમ રહી જાય તો તેની પાસેથી માત્ર વસૂલાત, વ્યાજ અને પ્રમાણસર દંડ જ લેવામાં આવશે. એની બહાર કોઈ બિનજરૂરી દંડાત્મક પગલાં લેવામાં આવશે નહીં.’
નાણાપ્રધાને કહ્યું હતું કે ‘GST 2.0ની સમગ્ર પ્રક્રિયા વિશ્વાસના સિદ્ધાંત પર આધારિત છે. બિઝનેસ અને ટૅક્સપેયર્સ પર વિશ્વાસ મૂકવો જરૂરી છે અને વહીવટી તંત્રે એની રોજિંદી કામગીરીમાં બિનજરૂરી દખલગીરી ટાળવી જોઈએ.’
ઇન્વર્ટેડ રેટ સ્ટ્રક્ચર હેઠળ ઇનપુટ સર્વિસિસ માટે પણ રીફન્ડ આપવાની મહત્ત્વની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે. આ લાભ ૨૦૨૬ની ૧ નવેમ્બરથી અથવા એ પછી મેળવેલી ક્રેડિટ પર લાગુ થશે. આ સાથે જ બહુવિધ રાજ્યોમાં નોંધાયેલા સેન્ટ્રલ GST (CGST) કરદાતાઓ માટે ફેસલેસ ટૅક્સ અસેસમેન્ટ શરૂ કરવાનો સરકારનો ઇરાદો હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
GST કાયદામાંથી ધરપકડની સત્તા સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે અને પ્રોસિક્યુશનની લિમિટ એક કરોડથી વધારીને પાંચ કરોડ કરવામાં આવશે. વળી ૧૦,૦૦૦થી ઓછી રકમની નાણાકીય બાબતોમાં કોઈ સત્તાવાર નોટિસ આપવામાં આવશે નહીં.
કેન્દ્રીય અને રાજ્યોના નાણાપ્રધાનો ધરાવતી કાઉન્સિલે લઘુતમ સજાની જોગવાઈ દૂર કરવાની પણ ભલામણ કરી છે. હવે દરેક કેસમાં દંડ, કેદ કે બન્ને પ્રકારની સજા નક્કી કરવાનો અધિકાર ન્યાયતંત્રની વિવેકબુદ્ધિ પર છોડવામાં આવશે.
આ બેઠકમાં ટૅક્સના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટૅક્સ-સંબંધિત બાબતો પર વર્ષમાં એક વાર માત્ર GSTને સમર્પિત બેઠકમાં વિચારણા કરવામાં આવશે.
કાઉન્સિલ ફાસ્ટ રીફન્ડ માટે સહમત થઈ છે, જે મુજબ ઍક્નૉલેજમેન્ટનો સમયગાળો ૧૫ દિવસથી ઘટાડીને ૧૦ દિવસ કરવામાં આવશે. ૧૦ દિવસની અંદર ડેફિશ્યન્સી મેમો આપવામાં ન આવે તો એ દાવાને સ્વીકૃત માનવામાં આવશે. સિસ્ટમ ઍક્નૉલેજમેન્ટના ૩ કામકાજના દિવસોમાં તમામ દાવાઓમાંથી ૯૦ ટકા દાવાઓને મંજૂરી આપી દેવામાં આવશે.
GST કાઉન્સિલે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરીને ટ્રાન્સપોર્ટ અને મોટર વ્હીકલ રેન્ટલ સર્વિસિસને પાંચ ટકાના નીચા GST દરની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે પ્રતિબંધિત ઇનપુટ ટૅક્સ ક્રેડિટને આધીન છે.
