Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શા માટે પિતૃપક્ષમાં કોઈ માંગલિક કાર્યો થતાં નથી?

શા માટે પિતૃપક્ષમાં કોઈ માંગલિક કાર્યો થતાં નથી?

Published : 05 October, 2023 04:00 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

પિતૃપક્ષ દરમિયાન થતી શ્રાદ્ધની પૂજા અને એના રિવાજો પાછળ કોઈને કોઈ તથ્યો રહેલાં છે

પ્રતીકાત્મક તસવીર

શ્રાદ્ધ સ્પેશ્યલ

પ્રતીકાત્મક તસવીર


પિતૃપક્ષ દરમિયાન થતી શ્રાદ્ધની પૂજા અને એના રિવાજો પાછળ કોઈને કોઈ તથ્યો રહેલાં છે. કઈ માન્યતાઓ અને કયાં કારણોસર આ શ્રાદ્ધ પક્ષને આપણે ઊજવીએ છીએ, કેમ માંગલિક કાર્યો થાય નહીં, કાગવાસનું શું મહત્ત્વ છે અને પુરાતન કાળમાં શ્રાદ્ધ થતાં કે નહીં એ વિશે વિદ્વાન લેખકો પાસેથી મેળવીએ જાણકારી...

હાલમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે. ઘરે બ્રાહ્મણને બોલાવીને થતાં શ્રાદ્ધના પૂજાપાઠ અને ભોજન એ પરંપરાના ભાગરૂપે આપણે કરીએ છીએ. આપણા પૂર્વજોને ભાવતાં ભોજન બનાવીએ છીએ. મોટા ભાગે એમાં ખીર-પૂરી હોય અને એ છત પર કાગવાસ તરીકે કાગડાને ખવડાવીએ છીએ. આ સિવાય શ્રાદ્ધના દિવસોમાં દાન-પુણ્યનો મહિમા પણ ખરો. આ બધા રીતરિવાજો આંખ બંધ કરીને બ્રાહ્મણ કહે એમ કરી નાખીએ એના કરતાં એની પાછળનું એનું મહત્ત્વ સમજીએ તો વધુ યોગ્ય છે. આજે વિદ્વાનો પાસેથી જાણીએ પિતૃપક્ષનો મહિમા.



આપણે માનીએ કે ન માનીએ, પણ આપણે જે કંઈ પણ છીએ એ આપણા પૂર્વજોને કારણે છીએ. આપણા જીન્સ કે શરીર રચના જ નહીં, આપણી અઢળક આદતો એ પૂર્વજોની દેન છે. આ સિવાય વારસામાં મળેલો પૈસો કે મિલકત જ નહીં, વિચારસરણી પણ એમની દેન છે. માનવ આજે આટલી પ્રગતિ કરી શક્યો છે એનું કારણ એના પૂર્વજો જ છે. એમની કરેલી પ્રગતિને આપણે આગળ ધપાવી રહ્યા છીએ. એમનું અઢળક ઋણ છે આપણા પર અને એ કૃતજ્ઞતા સાથે શ્રાદ્ધ કરીએ તો એ યોગ્ય ગણાય. હિંદુઓ પુનર્જન્મમાં માને છે. હિંદુ માન્યતા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે વૈતરણી નદી પાર કરીને એ યમલોક પહોંચે છે. જે લોકો આ વૈતરણી પાર નથી કરી શકતા એ લોકો પૃથ્વી પર જ પ્રેત બનીને રહે છે. જ્યારે એમનાં સંતાનો કે કુળના લોકો શ્રાદ્ધ કરે છે કે એમની અધૂરી ઇચ્છાઓની પૂર્તિ માટેના પ્રયત્નો કરે છે ત્યારે એ પ્રેતને વૈતરણી પાર કરવાની શક્તિ પ્રદાન કરે છે અને એ યમલોક જવા સમર્થ બને છે અને વૈતરણી પાર કરી યમલોક રહેતા પિતૃઓ ફરીથી જન્મ લેવા માટે ત્યાં ઊંધા લટકીને રાહ જોઈ રહ્યા હોય છે.


શ્રાદ્ધ પાછળનાં કારણો

શ્રાદ્ધનાં બે મુખ્ય કારણો છે. એ સમજાવતાં માયથોલૉજિસ્ટ અને પ્રસિદ્ધ લેખક દેવદત્ત પટનાઈક, જેમણે ‘ગરુડપુરાણ બાય દેવદત્ત પટનાઈક’ નામના પુસ્તકમાં પિતૃપક્ષ વિશે વિસ્તારથી લખ્યું છે તેઓ કહે છે, ‘શ્રાદ્ધ દ્વારા આપણે મૃત લોકોને પ્રેરણા આપવાની હોય છે કે એ હવે પૃથ્વી લોક છોડીને યમલોક જઈ શકે છે. એમની અધૂરી ઇચ્છાઓ એમના કુળ દ્વારા પૂરી કરવાના બધા પ્રયત્નો કરવામાં આવશે અને બીજું, શ્રાદ્ધ દ્વારા એમને એ સાંત્વના પણ આપવામાં આવે છે કે એમના કુળનાં સંતાનો પરણશે અને બાળકોને જન્મ આપશે, જેના દ્વારા પિતૃઓની પૃથ્વી પર ફરી આવવાની ઇચ્છા પણ પૂરી થઈ શકશે. આમ બાળકને જન્મ આપવાને પિતૃ ઋણની ચુકવણી માનવામાં આવે છે. પિતૃઓ ફરી જન્મ લઈ શકે એ માટે જીવિત મનુષ્યોએ આ ફરજ નિભાવવી જરૂરી માનવામાં આવે છે. એટલે જ જેમનાં બાળકો નથી એ દંપતીઓ શ્રાદ્ધ વખતે પિતૃઓની માફી માગે છે કે અમે તમારું ઋણ ચૂકવી નથી શક્યાં એ બદલ અમને માફ કરો.’


આ દિવસો છે અશુદ્ધ

શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને યાદ તો કરવાના છે પરંતુ એમની સાથે એટલું પણ નથી જોડાવાનું કે તેઓ પૃથ્વી પર પાછા ફરે. આ વાત સમજાવતાં દેવદત્ત પટનાઈક કહે છે, ‘આપણે ત્યાં મૃત્યુને અશુદ્ધ માનવામાં આવ્યું છે. એટલે જ સૂતક જેવો કન્સેપ્ટ પણ છે. શ્રાદ્ધ દરમિયાન પિતૃઓ આપણી નજીક આવે છે. આપણે એમને યાદ કરીએ છીએ અને બાંહેધરી પણ આપીએ છીએ કે અમે તમારી ઇચ્છાઓને પૂર્ણ કરીશું. પરંતુ એક વસ્તુનું ધ્યાન, જે શ્રાદ્ધ દરમિયાન રાખવું જોઈએ કે એમને એટલા પણ યાદ નથી કરવાના કે તેઓ અહીં પૃથ્વી પર જ આવીને વસી જાય. એટલે જ આપણે એમનાં ભાવતાં ભોજન બનાવીએ છીએ પણ એમને ખવડાવતાં જમણા હાથનું કાંડું એવી રીતે ફેરવીએ છીએ જેના દ્વારા એ દર્શાવાય છે કે તમે આ જગતના નથી. આમ પિતૃપક્ષમાં પિતૃ આવે એ મંગળ છે, પણ એ સમય અશુદ્ધ જ માનવામાં આવે છે.’

માંગલિક કાર્યોમાં વિઘ્ન

તો શું આ અશુદ્ધ હોવાને કારણે જ પિતૃપક્ષમાં કોઈ સારાં કાર્યો નહીં થતાં હોય? આ પ્રશ્નનો જવાબ આપતાં ‘ધ હિડન હિંદુ’ નામના બેસ્ટ સેલર પુસ્તકના લેખક અક્ષત ગુપ્તા કહે છે, ‘હા, એ હકીકત છે. એક રીતે લોકોને લાગે કે પૂર્વજોના આશીર્વાદથી તો બધાં કામો સફળ થાય છે. તો શ્રાદ્ધમાં તો પૂર્વજો આપણી વધુ નજીક હોય છે તો કામો વધુ સારાં થતાં હોવાં જોઈએને. પણ એવું નથી, પિતૃપક્ષ દરમિયાન બધા જ આત્માઓની શક્તિ ઘણી વધી જાય છે. જે આત્માઓની શક્તિ વધી એમાં સારા અને ખરાબ બંને પ્રકારના આત્માઓ હોય છે. જો આપણે માનતા હોઈએ કે આપણા વડીલો આપણને કોઈ પણ રીતે શું કામ નુકસાન પહોંચાડે તો પણ એક વસ્તુ સ્પષ્ટ છે. પિતૃઓ જેટલા જલદી ખુશ થાય છે એટલા જલદી નારાજ પણ થઈ શકે છે. જો એ નારાજ થાય તો આપણાં સારાં કામોમાં વિઘ્ન આવી શકે. એટલે લોકો શુભ કામો આ દિવસો દરમિયાન કરતા નથી.’

કાગવાસ કેમ?

શ્રાદ્ધમાં આપણા પૂર્વજોનાં ભાવતાં ભોજન આપણે બનાવીએ છીએ, પરંતુ કાગડાને એ ધરવા પાછળ શું કારણ છે? કાગડો એ ખાય તો આપણે કેમ માનીએ છીએ કે એ ભોજન આપણા પૂર્વજોને મળી ગયું? આ પ્રશ્નોનો જવાબ રામચરિતમાનસમાંથી મળે છે. એ વિશે વાત કરતાં અક્ષત ગુપ્તા કહે છે, ‘રામના એક પરમભક્ત હતા, જેમનું નામ કાગભુશંડી. એ ચિરંજીવી છે અને કળયુગના અંત સુધી એ રહેશે એવી માન્યતા છે. કાગભુશંડી એક સમયે મોટા શિવભક્ત હતા અને શિવને જ સંપૂર્ણ માનીને એમણે વિષ્ણુનું અપમાન કર્યું હતું, જેને કારણે શિવ એના પર ક્રોધિત થયા અને શિવે જ એમને ૧૦૦૦ વખત સર્પયોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. એનાથી વિચલિત થઈને એમણે શિવની માફી માગી. માફીમાં શિવે એને કહ્યું કે સર્પયોનિ પછીનો જન્મ એનો વિષ્ણુભક્ત તરીકે થશે. આમ કાગભુશંડી મહાન રામભક્ત બન્યા. પરંતુ ફરી એમણે લોમેશ ઋષિ, જે નિરાકારને માનતા હતા એનું અપમાન કર્યું. લોમેશ ઋષિએ ગુસ્સે ભરાઈને એને શ્રાપ આપ્યો કે કાગડાની જેમ કાવ-કાવ કરતાં તારું મુખ કાગડા જેવું બની જાય. ત્યારથી કાગભુશંડી કાગડાના રૂપમાં જીવે છે. એમણે કાગરૂપમાં જ શ્રીરામની બાલ્યાવસ્થાને માણી હતી. એને વારંવાર માણી શકાય એ માટેનું વરદાન એમણે પ્રાપ્ત કર્યું હતું, જેને લીધે એ ફરી-ફરીને ભૂતકાળમાં જઈને રામની બાલ્યાવસ્થા જોઈ શકતા હતા. આમ કાગભુશંડી આવીને શ્રાદ્ધનું ભોજન સ્વીકારે તો એ ભૂતકાળમાં ભ્રમણ કરીને એ આપણા પૂર્વજો સુધી આ અન્ન પહોંચાડવામાં સક્ષમ છે એવી માન્યતાને કારણે શ્રાદ્ધનું ભોજન કાગડાને આપવામાં આવે છે.’

પુરાતનકાળમાં શ્રાદ્ધ

ધર્મશાસ્ત્રમાં શ્રાદ્ધનો ઉલ્લેખ ઘણો જોવા મળે છે એમ જણાવતાં દેવદત્ત પટનાઈક કહે છે, ‘વનવાસ દરમિયાન રામે દશરથ માટે શ્રાદ્ધપૂજા કરેલી. કવિ ભાસ લિખિત પ્રતિમાનાટકમમાં પણ રામ શ્રાદ્ધ કરે છે એવો ઉલ્લેખ છે. ઉત્તરાખંડ અને ઓડિશામાં પણ આ કથાઓ ઘણી પ્રચલિત છે કે પાંડવોને પાંડુ રાજા માટે શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવ્યું હતું. જો એ શ્રાદ્ધ નહીં કરે તો એમના પિતાને સ્વર્ગ નહીં મળે. જગન્નાથપુરીનું મંદિર એ એકમાત્ર મંદિર છે જ્યાં પ્રભુ જગન્નાથ દર વર્ષે રામનાં માતા-પિતા દશરથ, કૌશલ્યા, કૃષ્ણનાં માતા-પિતા જશોદા- નંદ, દેવકી-વાસુદેવ અને વામન અવતારનાં માતા-પિતા અદિતિ અને કશ્યપનું શ્રાદ્ધ કરે છે. ભીષ્માષ્ટમી માઘ મહિનામાં ઘણા બ્રાહ્મણો ઊજવે છે, જેમાં ભીષ્મને યાદ કરીને વિષ્ણુસહસ્ત્રનામના જાપ કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે ભીષ્મ નરકમાં છે અને એને ક્યારેય મોક્ષ નહીં મળે, કારણ કે એણે એનો વંશ આગળ વધારવા બાળકોને જન્મ નથી આપ્યો. એમણે એમનું પિતૃઋણ ચૂકવ્યું નથી. આમ શ્રાદ્ધક્રિયાનો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે.’

પાળવા કે નહીં

શ્રાદ્ધની પ્રક્રિયા ઘણી પૌરાણિક છે. ઘણા લોકો એને ફક્ત કર્મકાંડ સમજતા હોય છે તો ઘણા લોકો એને પરંપરા. એક સમયે બ્રાહ્મણોએ લોકોને શ્રાદ્ધના નામે ઘણા ડરાવ્યા હતા. લૂંટ ચલાવી હતી. આજે પણ ઘણા લોકો એવું કરે છે. એટલે જ બૌદ્ધિક લોકો આ ક્રિયાઓ પાછળ તર્ક શોધતા હોય છે. એ વિશે સ્પષ્ટતા કરતાં દેવદત્ત પટનાઈક કહે છે, ‘હકીકતે આ પરંપરાઓ છે, જે સમાજને બાંધે છે. દરેક પરંપરા પાછળ તથ્ય હોય એવું જરૂરી નથી. આજકાલ બાળકો એમનો જન્મદિવસ કેક કાપીને મનાવે છે તો એ એક પરંપરા જ છે. એમાં કશું તથ્ય નથી. એટલે હંમેશાં દરેક ક્રિયાને સમજવાની નથી હોતી, એને સમાજના એક ભાગ સ્વરૂપે નિભાવવાની હોય છે. આ બાબતે તર્ક કામ કરતા નથી.’

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2023 04:00 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK