જેમ તૂટી ગયેલી કેળનો તાર જેમ પાછો સાંધી શકાતો નથી, તૂટી ગયેલા કાચનું વાસણ જેમ પુનઃ સાંધી શકાતું નથી, તપેલીમાંથી ઢોળાઈને જમીન પર પડી ગયેલા દૂધને ફરીથી તપેલીમાં ભરી શકાતું નથી એમ વિશ્વાસ એક વાર તૂટી જાય તો લાખ પ્રયાસ પછીયે પુનઃપ્રતિષ્ઠિત કરી શકાતો નથી.
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.
‘ત્રણ મિનિટથી તમને ફોન લગાડી રહી છું, તમે છો ક્યાં?’
પતિ હતો તો પોતાના મિત્ર સાથે હોટેલમાં, પણ પત્નીને તેણે જવાબ આપી દીધો.‘મંદિરમાં હતો, દર્શન કરીને હમણાં જ બહાર નીકળ્યો.’
‘કયા મંદિરમાં હતા?’
‘દેરાસરમાં... મહાવીર સ્વામીના.’
‘એક કામ કરો, તમે દેરાસરમાં પાછા જાઓ અને ભગવાન મહાવીર સ્વામીના ગભારાની જમણી બાજુ પર જે ઘંટ છે એ વગાડીને એનો અવાજ મને સંભળાવો.’
‘એ ઘંટ આજે સવારે જ ટ્રસ્ટીઓએ કઢાવી નાખ્યો છે.’
‘તો એમ કરો કે ભંડારા પર કાયમ જે ઘંટડી પડી હોય છે એનો અવાજ મને સંભળાવો.’ પતિએ ફોન કાપી નાખ્યો.
પતિ-પત્ની વચ્ચેના અતિ નિકટના ગણાતા સંબંધમાં પણ વચનક્ષેત્રે જો આ હદનો વિશ્વાસઘાત પ્રવર્તતો હોય તો એથી આગળના દૂરના સંબંધોમાં વચનવિશ્વાસની અપેક્ષા રાખવાથી હાથમાં હતાશા સિવાય બીજું શું આવવાનું?
ADVERTISEMENT
વિશ્વાસની જ્યારે વાત નીકળી છે ત્યારે એક નક્કર વાસ્તવિકતા આંખ સામે રાખજો કે કરોડોની સંપત્તિ એક વાર હાથમાંથી ચાલી જાય છે. તોય પુણ્ય-પુરુષાર્થના જોરે એને ફરી પાછી લાવી શકાય છે.
કોઈ પણ કારણસર સંબંધના ક્ષેત્રમાં પ્રેમમાં કડાકો બોલાઈ ગયા પછીયે માફી માગી લેવાથી કે ઝૂકી જવાથી સંબંધમાં પ્રેમની પુનઃપ્રતિષ્ઠા કરી શકાય છે.
જીવનમાં આકસ્મિકપણે કો’ક એવી પરિસ્થિતિ ઊભી થવાથી ડહોળાઈ ગયેલા મનની શાંતિને સમય જતાં સમ્યક સમજના માધ્યમે પુનઃઅનુભૂતિનો વિષય બનાવી શકાય છે. જોકે એક વાત ભૂલતા નહીં.
જેમ તૂટી ગયેલી કેળનો તાર જેમ પાછો સાંધી શકાતો નથી, તૂટી ગયેલા કાચનું વાસણ જેમ પુનઃ સાંધી શકાતું નથી, તપેલીમાંથી ઢોળાઈને જમીન પર પડી ગયેલા દૂધને ફરીથી તપેલીમાં ભરી શકાતું નથી એમ વિશ્વાસ એક વાર તૂટી જાય તો લાખ પ્રયાસ પછીયે પુનઃપ્રતિષ્ઠિત કરી શકાતો નથી. જો એ પ્રતિષ્ઠિત થાય તો સામેવાળાના ઉપકાર માત્ર માટે સાવધાન. વિશ્વાસ જીવનભર અકબંધ રહે એ માટે સતત જાગૃત રહેજો, કારણ કે એ વિશ્વાસ જ શ્વાસને વિશેષ બનાવશે.
વાસ્તવદર્શી વિચારધારા થકી જીવનપરિવર્તનનું નિમિત્ત બનતા જૈન ગુરુવરને ભારત સરકારે પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા છે
