Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આંધ્ર પ્રદેશમાં વાવાઝોડા અર્નબે વેર્યો વિનાશ, પાંચ લોકોનાં મોત

આંધ્ર પ્રદેશમાં વાવાઝોડા અર્નબે વેર્યો વિનાશ, પાંચ લોકોનાં મોત

Published : 29 October, 2026 09:13 AM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશામાં ૩૦ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, સાવચેતીના ભાગરૂપે અનેક ટ્રેનો તથા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

ઓડિશાના પુરીમાં ફરી વળેલું દરિયાનું પાણી.

ઓડિશાના પુરીમાં ફરી વળેલું દરિયાનું પાણી.


બુધવારે વહેલી સવારે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન અર્નબ આંધ્ર પ્રદેશના બાપટલા અને વિશાખાપટનમ વચ્ચેથી યાનમ કાંઠે ત્રાટક્યું હતું. ઇન્ડિયા મીટિયોરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના સત્તાવાર અહેવાલ મુજબ વાવાઝોડું જ્યારે જમીન પર ટકરાયું ત્યારે પવનની મહત્તમ ઝડપ ૧૨૫થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી, જે વધીને ૧૫૦ કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી. આ ભયાનક તોફાનને કારણે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે અત્યંત ભારે વરસાદ ખાબક્યો હતો, જેને પગલે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તોફાનના લૅન્ડફૉલની પ્રક્રિયા સવારે ૮ વાગ્યા સુધી ચાલી હતી અને ત્યારબાદ વાવાઝોડું નબળું પડીને ધીમે-ધીમે આગળ વધ્યું હતું.

વાવાઝોડાની સૌથી ભયાનક અસર આંધ્ર પ્રદેશમાં જોવા મળી હતી, જ્યાં અત્યાર સુધીમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. વિશાખાપટનમમાં વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અનાકાપલ્લી અને ભીમવરમમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઉપરાંત વીજળીનો કરંટ લાગવાથી પણ બે લોકોનાં મોત થયાના અહેવાલો છે. કાકીનાડા અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં સેંકડો વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયાં હતાં અને અનેક સ્થળોએ વીજપુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ વાવાઝોડાને કારણે ૩૧થી વધુ મકાનોને મોટું નુકસાન પહોંચ્યું હતું. લાખો એકર ખેતીલાયક જમીનમાં ઊભા પાકનો નાશ થયો છે. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની બચાવટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. રાજ્યના ૧૩ જેટલા જિલ્લાઓમાં હજી પણ ખતરો ટળ્યો નથી અને ઓચિંતા પૂરની આગાહી કરવામાં આવી છે. 



અર્નબ વાવાઝોડાની અસર પાડોશી રાજ્ય ઓડિશામાં પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી હતી. ઓડિશાના દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ લોકોને નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાંથી બહાર કાઢીને ૨૦૩૭ જેટલા સુરક્ષિત શેલ્ટરમાં ખસેડ્યા છે. મલકાનગીરી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થવાની પૂરી સંભાવના છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓડિશાના ૧૬ જિલ્લાઓમાં તમામ સ્કૂલો આગામી આદેશ સુધી બંધ રાખવા આદેશ અપાયો હતો. બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં દોઢથી અઢી મીટર ઊંચાં મોજાં ઊછળવાની સંભાવના હોવાથી લોકોને ઘરમાં જ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.


ફ્લાઇટ‍્સ અને ટ્રેનો રદ
ખરાબ હવામાન અને વાવાઝોડાને કારણે દેશના વિવિધ ભાગોમાં ટ્રાન્સપોર્ટેશન સેવાઓ પર મોટી માઠી અસર પડી છે. ચેન્નઈ એરપોર્ટ પરથી વિશાખાપટનમ અને વિજયવાડા જતી ૧૨ જેટલી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ઇન્ડિગોએ પણ પોતાના યાત્રીઓ માટે વિશેષ અૅડ‍્વાઇઝરી જાહેર કરી હતી. સઘર્ન રેલવે દ્વારા કોરોમંડલ એક્સપ્રેસ સહિત બાવીસ જેટલી ટ્રેનો રદ અથવા ડાઇવર્ટ કરવામાં આવી હતી. 

પશ્ચિમ બંગાળમાં પણ ૩૧ ઑક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઝારખંડ સરકારે પણ વરસાદની સંભાવનાને પગલે રાંચી અને સિંઘભૂમ સહિતના જિલ્લાઓમાં સાવચેતીના પગલારૂપે સ્કૂલો બંધ રાખવાનો  નિર્ણય લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 09:13 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK