અંદર બેઠેલો અહંકાર (ઈગો) જુદા-જુદા સ્વરૂપે પ્રેઝન્ટ થતો હોય છે. અહંકારને ઘણી દીકરીઓ છે.

પ્રતીકાત્મક તસવીર
અંદર બેઠેલો અહંકાર (ઈગો) જુદા-જુદા સ્વરૂપે પ્રેઝન્ટ થતો હોય છે. અહંકારને ઘણી દીકરીઓ છે.
પહેલી દીકરીનું નામ છે, ઈર્ષ્યા (જેલસી). બીજાનો ઉત્કર્ષ થાય એમાં મને શું વાંધો હોય? પણ ના. મારા કરતાં તેમની લીટી મોટી થઈ જાય તો મારી લીટી નાની લાગવાની. આ તો મારા ઈગો પરનું આક્રમણ કહેવાય. તરત અહંકારની દીકરી ઈર્ષ્યા ઍક્ટિવ બની જાય.
અહંકારની બીજી દીકરી છે, નિંદા. ઈર્ષ્યા બીજાની લીટી મોટી થઈ જવાથી તરફડે છે તો નિંદા બીજાની લીટીને નાની કરવાનું મિશન આદરે છે. બીજાની લીટી જેમ-જેમ ભૂંસાશે એમ એની સામે મારી લીટી મોટી બનતી જવાની.
અહંકારની ત્રીજી દીકરીનું નામ છે, આત્મપ્રશંસા. પોતાની લીટીને ખેંચી-ખેંચીને લાંબી કરવાની મથામણનું નામ છે આત્મપ્રશંસા. વ્યક્તિના નામ માટે એમ કહેવાય છે કે જેનું નામ છે તેને તો એનો ઉપયોગ કરવાનો અવસર ભાગ્યે જ આવે જે બીજાને ઉપયોગ કરવા માટે જ સર્જાયેલું છે એનું નામ - નામ.
પ્રશંસા પણ નામ જેવી ઘટના છે. એ બીજાએ કરવાની ચીજ છે. ઘણા માણસો બીજાને તેમની પ્રશંસા કરવાનો અવસર જ નથી આપતા. તેમને જાતે રાંધેલી રસોઈ જ વધારે ભાવતી અને ફાવતી હોય છે. બીજા દ્વારા થતી પ્રશંસા જોઈએ એવો ટેસ્ટ નહીં આપે એવો કદાચ તેમને ડર હશે.
અહંકારની ચોથી દીકરીનું નામ છે, નામનાની કામના. સફળતા કે સીડીનાં દર્શન જ્યાં થાય ત્યાં યશની ભાગીદારી અથવા સંપૂર્ણ માલિકી હક નોંધાવવાની ઘણી જગ્યાએ રેસ ચાલતી હોય છે.
અંગ્રેજીમાં કહેવત છે, ‘Success has many fathers, failure is an orphan’
સફળતા કે પ્રશંસનીય કાર્યમાં તેના યશનો ક્લેમ કરવા ઘણા લોકો મેદાને પડી જતા હોય છે. ક્યારેક તો ચોક્સ બાબતમાં પોતે એક તણખલું પણ ન તોડ્યું હોય એવા લોકોમાં પણ યશનો તાજ પહેરવા માટે પડાપડી થતી હોય છે. ખરેખર યશના અધિકારી પ્રશંસાભીરુતાને કારણે ઘણી વાર ખૂણામાં સંતાઈ જાય છે ત્યારે રેઢા પડેલા યશના લાડવાને ખાઈ લેવા નામભૂખ્યા માણસો એના પર તૂટી પડે છે. નામનાની કામના એ એવી માનસિક રુગ્ણતા છે જે ભીતરમાં ચૌર્યવૃત્તિ પેદા કરે છે. નાહકના અને મફતિયા યશને ચોરી લેવાની અને લૂંટી લેવાની સ્પર્ધા ચાલુ થઈ જાય છે. આજના સોશ્યલ મીડિયા અને વૉટ્સૅપના જમાનામાં મફતિયા યશના માલિક થવાનું ખૂબ સહેલું થઈ ગયું છે. જમીન કે પ્લૉટની બાબતમાં એમ કહેવાય છે કે કબજો બળવાન છે, પણ નામ અને પ્રતિષ્ઠા કે કોઈ પણ હકના કે નાહકના યશના અધિકારી બનવા માટે પ્રચાર બળવાન છે. જેને પ્રચાર કરતાં સારો આવડે તે મફતિયા યશનો પણ માલિક બની જાય, પરંતુ એટલું સમજી રાખવું જોઈએ કે દામચોરી અને કામચોરી કરતાં પણ નામચોરી બહુ મોટી ચોરી છે.
બીજી ચોરી માટે કાયદામાં સજાની જોગવાઈ છે. કામચોરી કરનારને પણ કદાચ બૉસ પાણીચું પકડાવીને તેના ગુનાની સજા કરે છે, પરંતુ નામચોરી કરનાર પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરતું નથી. સામાજિક સ્તરે પણ નામચોરી સામે પગલાં લેવાની કોઈ વ્યવસ્થા નથી. એથી દુનિયામાં નામચોરીનો પ્રભાવ વધ્યો છે.
યાદ આવે શ્રી કુમારપાળભાઈ વી શાહ.
તેમણે પોતાનું સંપૂર્ણ જીવન શાસનસેવા અને સંઘસેવા માટે સમર્પિત કરી દીધું છે. ધર્મ વ્યવસ્થા અને સંઘ વ્યવસ્થાનાં કરોડો રૂપિયાનાં સત્કાર્યો પ્રતિવર્ષ તેમના માધ્યમથી થાય છે. સાધર્મિક ભક્તિ, માનવસેવા અને જીવદયાનાં કાર્યોનો તો મહાયજ્ઞ વરસભર તેમના દ્વારા ચાલુ જ હોય છે. ભારતભરમાં કોઈ પણ જગ્યાએ કુદરતી આફત આવી પડે કે કોઈ પણ હોનારત સર્જાય ત્યારે તરત જ રાહતકાર્યના મહાયજ્ઞનાં તેમના દ્વારા મંડાણ થઈ જતાં હોય છે. ઉદારદિલ શ્રેષ્ઠીઓ કોઈ પણ શરત વગર અને નામની ભાવના વગર લાખો-કરોડો રૂપિયાના ઢગલા તેમની પાસે કરી જાય છે. લાખો-કરોડો રૂપિયાનાં સત્કાર્યો કે રાહતકાર્યો માટે તેમને ક્યારે ટહેલ નાખવી પડતી નથી. ક્યારેક તો તેમને દાતાઓને ના પાડવી પડે છે એટલી હદે દાનની વર્ષા તેમનાં કાર્યો માટે થાય છે.
હજારો ગુણોના રત્નોથી તેમનું વ્યક્તિત્વ મઢાયેલું છે, પરંતુ એ બધા ગુણોમાં ઊડીને આંખે વળગે એવો ગુણ - પ્રશંસાભીરુતા.
આમ તો કુમારપાળભાઈ બહુ નીડર છે, પણ પ્રશંસાની બાબતમાં અત્યંત ડરપોક છે. પોતાની પ્રશંસાથી ખૂબ ડરે છે અને દૂર ભાગે છે.
કુમારપાળભાઈ આ યુગના અવ્વલ આદર્શ છે. તેમની શાસનસેવા, સંઘસેવા, માનવસેવા અને પશુસેવા માટે તો આદર્શ છે જ, તેમના આંતરિક ગુણવૈભવ માટે પણ તેઓ કલિકાળનો મહાઆદર્શ છે. ખરા હકની પ્રશંસાથી પણ ભાગતા રહેવાની તેમની પ્રશંસા-પલાયનવૃત્તિનો ગુણ આદર્શ રૂપ છે, કોઈ પણ ક્ષેત્રમાં સેવાકાર્ય કરનારા સાચા સેવાર્થીઓ કે કહેવાતા સેવાર્થીઓએ કુમારપાળભાઈનું આલંબન સતત નજર સામે રાખવા જેવું છે.
કોઈ સેવાકાર્ય કરવા માટે પડાપડી હોય એની જગ્યાએ તે સેવાકાર્યના જશનો લાડવો લૂંટી લેવાની પડાપડી દેખાતી હોય છે.
કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા થયેલાં સત્કાર્યો પોતાના કે પોતાની સંસ્થાના નામે પડાવી દેવાના ખેલ ખેલાતા હોય છે.
અન્ય વ્યક્તિના છૂપા કે પ્રખર પ્રયત્નથી શાસનના કોઈ કાર્યમાં જ્વલંત સફળતા મળી હોય તેને પોતાના નામે ખપાવી દેવા માટે આંધળો પ્રચાર કરવામાં આવતો હોય છે.
કોઈ રચનાઓ કે કૃતિઓ પોતાના નામે ચડાવી દેવાની વૃત્તિઓનો સળવળાટ ચારે બાજુ દેખાતો હોય છે.
આશ્ચર્ય એવા હડહડતા કલિકાળમાં કુમારપાળભાઈ જેવું વ્યક્તિત્વ વિસ્મયોનું વિસ્મય છે, આશ્ચર્યોનું આશ્ચર્ય છે.
અહંકારના ભાવની પાંચમી દીકરી એ ચોથી દીકરીની ટ્વિન સિસ્ટર છે. યશનો ક્લેમ કરવાની વૃત્તિ એ ચોથી દીકરી અને અપયશ માટે બીજાને બ્લેમ કરવાની વૃત્તિ એ પાંચમી દીકરી છે. પોત સ્વતંત્ર રીતે કે ભાગીદારીમાં કોઈક મોટી નિષ્ફળતા માટે જવાબદાર હોય છતાં અપજશનો ટોપલો કોઈકના માથે ચોંટાડી દેવાની વૃત્તિ બહુ સહજ છે. માણસ જશ લેવા દોડે છે અને અપજશથી દૂર ભાગે છે.
જશ લેવાની વાત આવે ત્યારે માણસ કબડ્ડીની રમત રમે છે અને અપજશ આવી જવાનો ભય હોય ત્યારે માણસ બીજાને ખો આપે છે.
અહંકારની પાંચેપાંચ દીકરીઓ પરમ પિતૃભક્ત છે.
આજના દિવસનું આ નાનકડું પ્રેરણાસૂત્ર કાયમ યાદ રાખીએ.
Do not claim. do not blame.