Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ગધેડો અને એના પર પરમાત્માની મૂર્તિ : હવે નમસ્કાર કોને મળે એ જોવાનું છે

ગધેડો અને એના પર પરમાત્માની મૂર્તિ : હવે નમસ્કાર કોને મળે એ જોવાનું છે

Published : 10 September, 2026 06:20 PM | Modified : 10 September, 2026 06:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુંભાર, ગધેડા અને પ્રભુની મૂર્તિની આ કથા સમજાવે છે કે મળતું સન્માન આપણું નહીં, પરંતુ પુણ્યકર્મનું ફળ છે. જીવનમાં અહંકારથી દૂર રહી પાપત્યાગ અને સારા કર્મો તરફ આગળ વધવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


એક કુંભાર રોજ પોતાના ગધેડાને લઈને જંગલમાં માટી ખોદવા જતો હતો. એક દિવસ માટી ખોદતાં-ખોદતાં કુંભારને જમીનમાં રહેલી પરમાત્માની મૂર્તિ મળી ગઈ. 
કુંભાર ખુશ-ખુશ થઈ ગયો.
‘ગામમાં એક પણ મંદિર નથી. પ્રભુની મૂર્તિ જ્યારે મળી જ ગઈ છે ત્યારે એક મસ્ત મંદિર બનાવીને એમાં આ પ્રભુની મૂર્તિને બિરાજમાન કરી દઈશ.’ 
આ વિચાર સાથે કુંભારે કાળજીપૂર્વક ગધેડાની પીઠ પર મૂર્તિ ગોઠવી અને જ્યાં મૂર્તિ સાથે કુંભારે ગામમાં પ્રવેશ કર્યો, મૂર્તિનાં દર્શને તો ગામવાસીઓ પાગલ-પાગલ બની ગયા.
ઠેર-ઠેર મૂર્તિના સ્વાગત માટે વધામણાં થયાં, પણ ગધેડાને એમ લાગ્યું કે આ વધામણાં મારાં થઈ રહ્યાં છે.
બીજા દિવસે એ જ મૂડમાં ગધેડો નૃત્ય કરતો-કરતો રસ્તા પર ચાલતો રહ્યો અને લોકોએ લાકડીઓ મારી-મારીને એનાં હાડકાં તોડી નાખ્યાં! 
આ આખી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે...
કુંભારના સ્થાને સદ્ગુરુ છે. 
ગધેડાના સ્થાને આપણે છીએ અને પ્રભુની મૂર્તિના સ્થાને પુણ્ય છે. આ સંસારમાં ક્યાંય પણ આપણું સત્કાર કે સન્માન થાય છે, ઉજમણાં કે વધામણાં થાય છે, ગરિમા વધે છે કે ગૌરવ થાય છે, પ્રતિભા વિકસે છે કે પ્રશંસા થાય છે તો એ તમામનો યશ જો કોઈ એક જ પરિબળના ફાળે જતો હોય તો એ પરિબળનું નામ છે પુણ્યકર્મ.
શું કહું? 
આ સંસારનો કોઈ પણ છદ્મસ્થ જીવ કોઈ પણ પ્રકારનું પાપ કરે છે તો એના કેન્દ્રમાં પુણ્યનો ઉદય હોય છે. આનો અર્થ? આ જ. પુણ્યના ઉદય વિના પાપનો બંધ શક્ય જ નથી અને સામાયિકનું આ જીવને જે સૌથી વિશિષ્ટ યોગદાન છે તે આ છે. 
પાપત્યાગ! અને પાપત્યાગ એટલે પાપના બંધનો ત્યાગ અને પાપના બંધનો ત્યાગ એટલે અનેક જીવો પર કલ્પનાતીત અને ગજબનાક ઉપકાર.
આ સંદર્ભમાં એક ગંભીર વાત કરું? આ જગતનો એક પણ આત્મા તમને ચાહે ત્યારે માનવું કે એ તમને નહીં પણ તમારી અંદર રહેલી સારપને ચાહે છે. જીવનમાં ક્યારેય ગધેડા ન બનવું; જીવનમાં ક્યારેય એવા અભિમાન તળે ન આવવું કે દુનિયા તો આપણને જોઈને નમી પડે છે, ઝૂકી પડે છે. ના, દુનિયા એને જ ઝૂકે જેનામાં પુણ્યકર્મ હોય. અહમને જીવનમાં સ્થાન નથી અને માનવર્ધક બની પણ ન શકે એટલે પાપત્યાગની માત્રા વધારતા જવું અને પુણ્યકર્મનું પલ્લું વધારે ને વધારે ભારે કરીને જીવનને સાચી દિશામાં આગળ લેતા જવું એ દરેક મનુષ્યની જવાબદારી છે.

- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 06:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK