બાળકોની સુરક્ષા માત્ર જોખમ ઊભું થયા બાદ કાર્યવાહી કરવાનો વિષય નથી, પરંતુ સમયસર વાતચીત, જાગૃતિ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા જોખમને અટકાવવાનો પણ એટલો જ મહત્વનો પ્રયાસ છે.
મિસિંગ લિંક ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી અને સીઈઓ લીના કેજરીવાલ, કેપજેમિનીના ઉપપ્રમુખ અને સીએસઆર વડા - ભારત કુમાર અનુરાગ પ્રતાપ અને મહારાષ્ટ્ર સરકારના માહિતી અને જનસંપર્કના મુખ્ય સચિવ બ્રિજેશ સિંહે મુંબઈમાં `ખુલી બાત` વોટ્સએપ એઆઈ બોટ લોન્ચ કર્યો.
મુંબઈની 100 BMC શાળાઓમાં બાળ સુરક્ષા અંગે જાગૃતિ વધારવાની પહેલ, 10 હજાર કિશોરોને પણ સુરક્ષા શિક્ષણ અપાશે. બાળકોની સુરક્ષા માત્ર જોખમ ઊભું થયા બાદ કાર્યવાહી કરવાનો વિષય નથી, પરંતુ સમયસર વાતચીત, જાગૃતિ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા જોખમને અટકાવવાનો પણ એટલો જ મહત્વનો પ્રયાસ છે. આ દિશામાં Missing Link Trust (MLT) દ્વારા Capgemini Indiaના સહયોગથી ‘ખુલી બાત’ નામનું AI આધારિત WhatsApp ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ માતા-પિતા, શિક્ષકો અને બાળકોની સંભાળ રાખતા અન્ય વયસ્કોને બાળ સુરક્ષા સંબંધિત વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.
‘ખુલી બાત’નો અર્થ જ ખુલ્લી વાતચીત છે. આ ચેટબોટ દ્વારા માતા-પિતા અને કેરગિવર્સ બાળકો સાથે વ્યક્તિગત સીમાઓ (boundaries), સંમતિ (consent), સંબંધો, ઓનલાઈન સુરક્ષા, જાતીય શોષણ, ગૂમરાહ કરવાની પ્રક્રિયા (grooming) અને અસુરક્ષિત પરિસ્થિતિઓ જેવા સંવેદનશીલ મુદ્દાઓ અંગે કેવી રીતે વાત કરવી તે અંગે માર્ગદર્શન મેળવી શકશે.
ADVERTISEMENT
આ ચેટબોટનો ઉપયોગ કરવા માટે કોઈપણ વયસ્કે WhatsApp પર 6003060040 નંબર પર માત્ર ‘Hi’ મોકલવાનું રહેશે. ત્યારબાદ ચેટબોટ બાળ સુરક્ષા સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો અંગે માર્ગદર્શન આપશે અને જરૂરિયાત જણાય ત્યારે યોગ્ય સહાય તથા રિપોર્ટિંગ માટે ઉપલબ્ધ સ્થાનિક સંસાધનો તરફ પણ દોરી જશે.
POCSOના કેસોમાં ઓળખીતાઓની ભૂમિકા ચિંતાજનક
બાળ સુરક્ષા અંગે આ પ્રકારની પહેલની જરૂરિયાતને તાજેતરના આંકડા પણ રેખાંકિત કરે છે. NCRBના Crime in India 2024 રિપોર્ટ અનુસાર ભારતમાં Protection of Children from Sexual Offences (POCSO) Act હેઠળ 69,191 કેસ નોંધાયા હતા. નોંધપાત્ર બાબત એ છે કે આ કેસોમાં 96 ટકાથી વધુ કિસ્સાઓમાં આરોપી અજાણ્યો વ્યક્તિ નહીં પરંતુ બાળકના પરિચયમાં રહેલો વ્યક્તિ હતો.
આ સ્થિતિમાં બાળકોને માત્ર અજાણ્યા લોકોના જોખમથી બચવા માટે જ સમજાવવું પૂરતું નથી. બાળકોને પોતાની સીમાઓ ઓળખવી, અસ્વસ્થતા અનુભવાય તેવી પરિસ્થિતિઓને સમજવી, ‘ના’ કહેવાની ક્ષમતા વિકસાવવી અને જરૂર પડે ત્યારે વિશ્વાસપાત્ર વયસ્ક પાસે મદદ માંગવી જેવી બાબતો અંગે પણ શિક્ષિત કરવું જરૂરી બની જાય છે. તેની સાથે માતા-પિતા, શિક્ષકો અને કેરગિવર્સને પણ બાળકોના વર્તનમાં આવતા સંભવિત ફેરફારો ઓળખવા, તેમની વાત ધ્યાનપૂર્વક સાંભળવા અને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ કરવાનું મહત્વ વધી જાય છે.
મુંબઈની 100 BMC શાળાઓ સુધી પહોંચવાનો પ્રયાસ
‘ખુલી બાત’નું લોન્ચિંગ 10 સપ્ટેમ્બરે મુંબઈના યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગના મુખ્ય સચિવ તથા IPS અધિકારી બ્રિજેશ સિંહ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પહેલનું ઉદ્ઘાટન થયું હતું. Missing Link Trust અગાઉથી જ મુંબઈની 100 BMC શાળાઓમાં બાળ સુરક્ષા અને નિવારણ આધારિત કાર્યક્રમો પર કામ કરી રહ્યું છે. Capgemini India સાથેની આ ભાગીદારી અંતર્ગત ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
પ્રથમ, શાળા આધારિત કાર્યક્રમો દ્વારા આશરે 10,000 કિશોરોને બાળ જાતીય હિંસા, ઓનલાઈન સુરક્ષા, સીમાઓ, grooming, disclosure અને મદદ મેળવવાની પ્રક્રિયા અંગે શિક્ષણ આપવામાં આવશે.
બીજું, ‘ખુલી બાત’ને AI આધારિત સુરક્ષા ચેટબોટ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેનો સીધો લાભ માતા-પિતા, શિક્ષકો અને બાળકોની સંભાળ રાખતા અન્ય વયસ્કોને મળશે.
ત્રીજું, બાળ જાતીય હિંસા સામેની સમગ્ર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ હિતધારકો સાથે પરિષદો અને ચર્ચાઓ યોજવામાં આવશે.
‘AIની સલાહ નહીં, મેદાન પરના અનુભવ આધારિત માર્ગદર્શન’
Missing Link Trustના Founder Trustee અને CEO લીના કેજરીવાલે જણાવ્યું હતું કે બાળક જાતીય હિંસાનો ભોગ બને ત્યારે તેની અસર લાંબા સમય સુધી રહે છે. તેમના મતે, આવી ઘટનાઓ બાળકના વિકાસ, સુરક્ષાની લાગણી, માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર ગંભીર અસર કરી શકે છે. કેજરીવાલે જણાવ્યું કે કિશોરાવસ્થા દરમિયાન બાળકોના વર્તન અને લાગણીઓમાં આવતા ફેરફારોને સમજવા ઘણી વખત વયસ્કો માટે મુશ્કેલ હોય છે. આવા સમયે માતા-પિતા, શિક્ષકો અને કેરગિવર્સને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના પરિસ્થિતિ સમજવાની અને યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની ક્ષમતા હોવી જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ‘ખુલી બાત’ને માત્ર સામાન્ય AI સલાહ આપતા પ્લેટફોર્મ તરીકે તૈયાર કરવામાં આવ્યું નથી. Missing Link Trustના એક દાયકાથી વધુ સમયના મેદાની અનુભવ અને વાસ્તવિક પરિસ્થિતિઓના અભ્યાસના આધારે તેનું જ્ઞાન આધારિત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં લિંગ, પૂર્વગ્રહ અને સત્તાના અસમાન સંબંધો જેવા સંવેદનશીલ પાસાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ચેટબોટનો હેતુ માત્ર માહિતી આપવાનો નહીં, પરંતુ વયસ્કોને પરિસ્થિતિ સમજવામાં, જોખમના સંકેતો ઓળખવામાં અને જરૂર પડે ત્યારે યોગ્ય પગલાં લેવામાં મદદ કરવાનો છે.
ટેક્નોલોજી માનવીય સંબંધોનો વિકલ્પ નહીં, સહાયક બનશે
Capgemini Indiaના Vice President અને CSR Head કુમાર અનુરાગ પ્રતાપે જણાવ્યું કે બાળકોનો ઓનલાઈન સમય વધવાની સાથે ટેક્નોલોજી નવી તકો સાથે નવા જોખમો પણ લાવી રહી છે. આવી સ્થિતિમાં નિવારણ અને વહેલી તકે હસ્તક્ષેપ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે કહ્યું કે ‘ખુલી બાત’ એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે જે માતા-પિતા અને કેરગિવર્સને તેઓ પહેલેથી જ ઉપયોગ કરતા પ્લેટફોર્મ એટલે કે WhatsApp પર બાળ સુરક્ષા અંગે વિશ્વસનીય માહિતી સુધી પહોંચાડે છે. ટેક્નોલોજી માનવીય સંબંધોનું સ્થાન લેતી નથી, પરંતુ બાળકોને વધુ સારી રીતે સમજવા અને તેમની સુરક્ષા કરવા માટે વયસ્કોને જરૂરી જ્ઞાન અને આત્મવિશ્વાસ પૂરો પાડીને આ સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે.
શાળાઓથી લઈને પરિવાર સુધી સુરક્ષાની વાતચીત
‘ખુલી બાત’ Missing Link Trustના Missing Awareness & School Safety Program (MASSp) સાથે પણ જોડાયેલી છે. આ કાર્યક્રમ હેઠળ કિશોરોને બાળ જાતીય હિંસા, ઓનલાઈન જોખમો, વ્યક્તિગત સીમાઓ, grooming, પોતાની સાથે બનેલી ઘટના અંગે વિશ્વાસુ વ્યક્તિને જણાવવું અને મદદ મેળવવાની રીતો વિશે સમજ આપવામાં આવે છે. MLTનો પ્રયાસ હવે આ જ જાગૃતિને શાળાની બહાર પરિવાર અને દૈનિક જીવન સુધી પહોંચાડવાનો છે. સંસ્થાનું માનવું છે કે બાળ સુરક્ષા અંગેની ચર્ચા માત્ર ગંભીર ઘટના બન્યા બાદ થતી વાત ન રહે, પરંતુ બાળકોના ઉછેરનો નિયમિત અને સ્વાભાવિક હિસ્સો બને.
લીના કેજરીવાલે જણાવ્યું કે દરેક બાળક જાતીય હિંસા અને શોષણથી મુક્ત વાતાવરણમાં મોટું થઈ શકે તેવું સમાજ બનાવવાનું તેમનું લક્ષ્ય છે. તેમના મતે, આ માટે માત્ર ઘટના બન્યા પછીની કાર્યવાહી પૂરતી નથી. બાળકોને યોગ્ય જ્ઞાન અને પોતાની સુરક્ષા માટે નિર્ણય લેવાની ક્ષમતા આપવાની સાથે તેમની આસપાસના વયસ્કોને પણ જાણકાર, સંવેદનશીલ અને વિશ્વાસપાત્ર બનાવવાની જરૂર છે. ‘ખુલી બાત’ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે—જ્યાં બાળ સુરક્ષા અંગેની વાતચીત ડર કે સંકોચને બદલે જ્ઞાન, વિશ્વાસ અને સમયસર મદદ પર આધારિત બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
