નવરાત્રિમાં મુસ્લિમોને એન્ટ્રી ન આપવાની VHPની માગણીને BJPના ફાયરબ્રૅન્ડ નેતા નીતેશ રાણેએ સમર્થન આપ્યું, પણ અમૃતા ફડણવીસે કહ્યું કે આ સર્વસમાવેશી ઉત્સવમાં બધાને ભાગ લેવાની તક મળવી જોઈએ
ગઈ કાલે નાગપુરમાં મીડિયા સાથે વાત કરતાં અમૃતા ફડણવીસ.
મહારાષ્ટ્રમાં નવરાત્રિ દરમ્યાન ગરબાના કાર્યક્રમોમાં મુસ્લિમોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માગણી કરવામાં આવી હતી, જેને ભારતીય જનતા પાર્ટી (BJP)ના આક્રમક નેતા તથા કૅબિનેટ મિનિસ્ટર નીતેશ રાણેએ સમર્થન આપ્યું હતું. જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ તથા મહાયુતિના ઘટક પક્ષ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI-આઠવલે)ના પ્રમુખ રામદાસ આઠવલેએ આમાં વિરોધનો સૂર પરોવ્યો છે.
અમૃતા ફડણવીસે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ‘ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં ન આવવો જોઈએ. આ ઉત્સવ સર્વ સમાવેશી છે અને એમાં બધાને ભાગ લેવાની તક મળવી જોઈએ.’
ADVERTISEMENT
અમૃતા ફડણવીસના નિવેદનને રામદાસ આઠવલેએ આવકાર્યું હતું અને મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘હું અમૃતા ફડણવીસ સાથે સંપૂર્ણપણે સહમત છું. મુસ્લિમો પર ગરબામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાનમાં બધા જ ધર્મોને સમાન ન્યાય મળે એની ખાતરી કરી છે.’
અમૃતા ફડણવીસની ભૂમિકાને શિવસેના (UBT)ના સંસદસભ્યનું સમર્થન
શિવસેના (UBT)ના સંજય રાઉતે પણ અમૃતા ફડણવીસે આ મુદ્દે આપેલી પ્રતિક્રિયાનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમૃતા ફડણવીસે જે કહ્યું છે એનું હું સંપૂર્ણપણે સમર્થન કરું છું અને તેમણે જે ભૂમિકા લીધી એને આવકારું છું. મુસ્લિમ મહિલાઓને પણ ગરબામાં ભાગ લેવા દેવામાં આવવો જોઈએ. અમૃતા ફડણવીસે આ વાત તેમની સરકારમાં રહેલા કટ્ટર હિન્દુત્વવાદીઓને સમજાવવી જોઈએ.’
મનોજ જરાંગે તો મારા ભાઈ છે, મેં તેમને ભોજનનું આમંત્રણ આપ્યું છે ઃ અમૃતા ફડણવીસ
જાલનાના અંતરવાલી સરાટીમાં મરાઠા અનામત માટે ચળવળ ચલાવનારા મરાઠા નેતા મનોજ જરાંગે ફડણવીસ સરકારની સામે પડ્યા છે અને જ્યાં સુધી પોતાની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ભૂખહડતાળ પર બેઠેલા છે ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે મનોજ જરાંગેને પોતાના ભાઈ ગણાવ્યા હતા અને પોતે જરાંગેને ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે મનોજ જરાંગેની ભૂખહડતાળનો તેરમો દિવસ છે.
