પૃથ્વીનું પરમ સૌભાગ્ય છે જૈન શ્રમણ પરંપરાની અલ્ટિમેટ ઇકો-ફ્રેન્ડ્લી જીવનશૈલી
જૈન મુનિ
ગ્લોબલ વૉર્મિંગ, પ્રદૂષણ અને પર્યાવરણીય સંકટો સામે જ્યારે આખું વિશ્વ લડી રહ્યું છે ત્યારે ૨૬૦૦ વર્ષ પહેલાં તીર્થંકર ભગવાન મહાવીરે આપેલી અહિંસક જીવનશૈલી પ્રકૃતિની રક્ષાનો શ્રેષ્ઠ માર્ગ પૂરો પાડે છે. પગપાળા વિહાર, ઇલેક્ટ્રિક સાધનો કે વ્હીકલનો ઉપયોગ નહીં, પોતાનું કોઈ ઘર નહીં એટલે ઘરવખરી પણ નહીં, પાણીના જીવોની રક્ષા માટે ઘીની જેમ પાણીનો ઉપયોગ કરવો જેવા તો કંઈકેટલાય નિયમો હજારો વર્ષથી જૈન શ્રમણ પરંપરામાં અનુસરાઈ રહ્યા છે. કોઈ પણ જીવ કે પ્રકૃતિ પર બોજ બન્યા વગર કેવી રીતે જીવી શકાય એવી યુનિક જીવનશૈલી વિશે પર્યુષણના ત્રીજા દિવસે વિગતવાર ચર્ચા કરીએ
‘આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણનો અદ્ભુત સમન્વય એટલે જ જૈન સાધુ.’
ADVERTISEMENT
‘પ્રિયમ’ના તખલ્લુસ સાથે લખતા પૂજ્ય જિનપ્રેમવિજયજી મહારાજના પુસ્તક ‘જૈન સાધુ અને પર્યાવરણ’માં પહેલી જ લાઇનમાં આ વાક્ય આવે છે. આજના પડકારો સામે ટકી રહેવા માટે આ પુસ્તકની વાતો ટૉર્ચલાઇટ બનીને નવી દિશા આપવાનું કામ કરી શકે છે. આજે એકવીસમી સદીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના જમાનામાં જ્યાં બધું જ લાઇટનિંગ સ્પીડ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે જૈન સાધુ આજે પણ પગપાળા વિહાર કરે. બે જોડી વસ્ત્ર, ભોજનનાં લાકડાનાં બનેલાં અમુક વાસણો જેને તેઓ પાત્રા કહે છે એ અને જીવદયાના પાલનમાં સહાય બને એવાં કેટલાંક ઉપકરણો અને પુસ્તકો. બસ, આટલો જ તેમનો સામાન જેને તેઓ પગપાળા વિહાર કરતા હોય ત્યારે એક સ્થાનેથી બીજે સ્થાને પોતે જ ઉપાડીને લઈ જતા હોય છે. ઉપાડી શકાય એટલી ઓછી માત્રામાં એ સામાન જ તેમની ઘરવખરી અને મજાની વાત એ કે તેમનું કોઈ ઘર છે જ નહીં એટલે જીવનનિર્વાહ થાય આટલી જ લિમિટેડ વસ્તુઓથી. આજની સદીમાં જૈન સાધુના આચારો પોતાનામાં એક ચમત્કાર છે. આજે પર્યુષણના ત્રીજા દિવસે જયવંતા જૈનિઝમના સુપરસ્ટાર ગણી શકાય એવી શ્રમણ-પરંપરામાં પ્રકૃતિ સાથે અનેરી રીતે સિન્ક થયેલી તેમની લાઇફસ્ટાઇલ કઈ-કઈ રીતે ખાસ છે એ જાણીએ.
પ્રકૃતિ માત્રમાં છે જીવ
ભગવાન વીરની શ્રમણ-પરંપરામાં પંચમહાવ્રતનું પાલન કમ્પલ્સરી છે. હિંસા ન કરવી, ખોટું ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું અને અપરિગ્રહ એટલે જરૂરિયાત ઓછી રાખીને વસ્તુઓનો સંગ્રહ ન કરવો. પહેલા મહાવ્રતના પાલનમાં જ પ્રકૃતિનું સંવર્ધન છે. જીવદયાના સંસ્કાર અને આચરણમાં જ નેચર-કન્ઝર્વેશન સમાયેલું છે. ભયંકર તડકામાં વગર ચંપલે જૈન સાધુ ચાલશે પણ બાજુમાં જ રહેલા લીલાછમ ઘાસ પર પગમાં થતી બળતરાથી બચવા નહીં ચાલે. આમાં એ ઘાસમાં રહેલા વનસ્પતિકાયના જીવ માટેની દયા છે. અહીં પૂજ્ય પંન્યાસ કૃતપુણ્યવિજયજી મહારાજસાહેબ કહે છે, ‘જૈન શ્રમણ-પરંપરામાં પ્રથમ મહાવ્રત પ્રાણાતિપાત વિરમણ એટલે કે સંપૂર્ણ અહિંસા છે. પ્રકૃતિનાં તત્ત્વો એ જ જીવ છે. છ કાયના જીવોની રક્ષા એ સાધુનો ધર્મ છે. પૃથ્વીકાય એટલે કે માટી, ધાતુ; અપકાય એટલે કે પાણી; તેઉકાય એટલે કે અગ્નિ અથવા વીજળી; વાઉકાય એટલે કે હવા અથવા પવન; વનસ્પતિકાય એટલે ઝાડ, છોડવા, ઘાસ, લીલ અને ત્રસકાય એટલે કે નરી આંખે જોઈ શકાય એવા હાલતા-ચાલતા તમામ જીવ. આ છએ કાયના જીવોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા હોય છે. મુનિભગવંતો લીલા ઘાસ પર ચાલતા નથી કે એક સૂકું તણખલું પણ તોડતા નથી. કુદરતી સંસાધનોના શોષણથી તેઓ જોજનો દૂર રહે છે. બહુ જ સરળ વાત છે કે જે તત્ત્વનું સર્જન આપણે પોતે નથી કરી શકતા એને એક્સ્પ્લોઇટ કરવાનો આપણને કોઈ જ અધિકાર નથી.’
કરોડો લીટર પાણીની બચત
જૈન ધર્મ જળમાં જીવ છે એવું તો માને જ છે, પણ જળ પોતે પણ જીવ છે એ પણ માને છે એટલે સ્વાભાવિક રીતે જળ જરૂરિયાત હોવાથી એનો ઉપયોગ તો કરે છે પરંતુ વેડફાટ નથી કરતા. દાખલા સાથે આ વાતને પૂજ્યશ્રી કૃતપુણ્યવિજયજી મહારાજ સમજાવતાં કહે છે, ‘મુંબઈ જેવાં મહાનગરોમાં સરેરાશ વ્યક્તિદીઠ દૈનિક વપરાશ ૧૩૫થી ૧૫૫ લીટર જેટલો નોંધાય છે. એની સામે જૈન મુનિઓનો જળવપરાશ ચોંકાવનારો છે. જેમ કે અત્યારે અહીં દાદરમાં ચાતુર્માસ માટે અમે ૩૩ સાધુભગવંતો છીએ. વ્યક્તિદીઠ દૈનિક માત્ર ત્રણથી પાંચ લીટર પાણી જ વપરાય છે. જસ્ટ ઇમેજિન ઍવરેજ મુંબઈકર દરરોજ ૧૩૫થી ૧૫૫ લીટર પાણી વાપરે અને ઍવરેજ જૈન સાધુ દરરોજનું પાંચ લીટર પાણી વાપરે. કમ્પેરેટિવલી ૧૮,૦૦૦ સાધુભગવંતો દ્વારા અન્ય નૉર્મલ વ્યક્તિના પાણીના વપરાશની સામે વર્ષે આશરે ૯૫ કરોડ ૨૬ લાખ ૫૦ હજાર લીટર પાણીનો બચાવ થાય છે. બાથરૂમમાં નળ ખુલ્લો રાખીને બાલદીઓ અને બાલદીઓ કપડાં ધોવા માટે ઢોળવાને કે વૉશિંગ મશીનમાં હજારો લીટર પાણીના વેડફાટને બદલે જૈન શ્રમણોની કપડાં ધોવાની રીત પણ નિરાળી છે. પરાતમાં થોડું-થોડું પાણી લઈને ૧૫-૨૦ વસ્ત્રો માત્ર બે ઘડા પાણીમાં ધોવાઈ જાય છે. મુનિઓ માત્ર ઉકાળેલું પાણી માટીના ઘડા કે કુંજામાંથી વાપરે છે. પ્લાસ્ટિકની બૉટલ્સનો બહિષ્કાર હોવાથી નૅનો-પ્લાસ્ટિકના જોખમથી મુક્ત રહે છે.’
ઝીરો કાર્બન ફુટપ્રિન્ટ
જ્યાં વિકસિત દેશો અને વૈશ્વિક સ્તરે વ્યક્તિદીઠ સરેરાશ વાર્ષિક કાર્બન ફુટપ્રિન્ટ ૪.૭૩ ટન કે એથી વધુ નોંધાય છે ત્યાં જૈન શ્રમણનો કાર્બન ફુટપ્રિન્ટ તદ્દન શૂન્ય છે. પૂજ્યશ્રી કહે છે, ‘એક સ્થળેથી બીજે સ્થળે માત્ર પદયાત્રા દ્વારા જ જાય છે. ગાડી, ટ્રેન, વિમાન કે બળતણનો કોઈ ઉપયોગ નથી. પંખા, AC, લાઇટ, ફ્રિજ કે અન્ય કોઈ વીજ-ઉપકરણોનો ત્યાગ હોવાથી ઍર-પૉલ્યુશન કે ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જનમાં તેમનું પ્રદાન શૂન્ય છે.’
તેમનું ઘર જ નથી હોતું એટલે ફર્નિચર, રાચરચીલું, કબાટો, જાતજાતની માલમતા વગેરેનો કોઈ સ્કોપ જ નથી રહેતો. એટલે જ અવનવી ખરીદીનો પણ પ્રશ્ન નથી રહેતો. જૈન શ્રમણ એક સ્થાને લાંબું રોકાણ નથી કરતા એટલે ટેમ્પરરી પણ ચીજવસ્તુઓનો સંગ્રહ નથી કરતા. જૈન શાસ્ત્રોમાં કપડાનો નાનો ટુકડો પણ વધારાનો રાખવાની ના પાડી છે, કાગળની નાની ચબરખી પણ ફોગટ રાખવાની ના પાડી છે એટલું જ નહીં; જે વસ્ત્રો વગેરે લઘુતમ જરૂરિયાતરૂપે રાખ્યાં હોય એનું પણ મમત્વ રાખવાની ના પાડી છે. પરિણામે કોઈ બિનજરૂરી વસ્તુ રાખવાનો તો સવાલ જ નથી આવતો.
નો ડિસ્પોઝેબલ, ઓન્લી ડ્યુરેબલ
સાધુજીવનમાં સામાન માત્ર એક છાબડી કે ઝોળીમાં સમાઈ જાય એટલો જ સીમિત હોય છે. પૂજ્યશ્રી કહે છે, ‘કપડું ઘસાઈ જાય તો એનો ઉપયોગ અંદરના વસ્ત્ર તરીકે, ત્યાર બાદ પરસેવો લૂછવાના ટુકડા તરીકે અને છેલ્લે જીર્ણ થાય ત્યારે ભોજન બાદ જમીન સાફ કરવાના ‘લુછણિયા’ તરીકે થાય છે. જૈન સાધુભગવંતોનાં ઉપકરણોમાં લાકડું અને સુતરાઉ કાપડ જ હોય છે. પ્લાસ્ટિક કલ્ચરનો પૂર્ણ છેદ હોવાથી કચરાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. વિશ્વમાં ૩૩ ટકા ખોરાક વેડફાય છે, જ્યારે મુનિઓ માધુકરી ગોચરી દ્વારા જેટલી જરૂર હોય એટલું જ લાવે છે. થાળીમાં એક કણ પણ વધતો નથી કે નીચે ઢોળાતો નથી. ૨૦૦ મુનિઓ ગોચરી વાપરીને ઊભા થાય તો પણ ત્યાં રજમાત્ર કચરો દેખાતો નથી. બીજું, અમારાં દેરાસરમાં જવાનાં કપડાં જુદાં, ફંક્શનમાં જુદાં, નાઇટ-ડ્રેસ જુદો જેવું નથી. એક જ ડ્રેસ છે જેને જ પહેરવાનો.’
છેલ્લે પૂજ્યશ્રી ઉમેરે છે, ‘પર્યાવરણની દુર્દશા માટે વસ્તીવધારો નહીં પણ માણસનો બેફામ ઉપભોક્તાવાદ જવાબદાર છે. એનાથી બચવું હશે તો જાહેરાતોના પ્રભાવથી ઊભી થતી બનાવટી જરૂરિયાતો છોડીને વાસ્તવિક જરૂરિયાતો આધારિત જીવન જીવવું. જેનાથી પ્રકૃતિનું રક્ષણ થાય એ જ સાચો ધર્મ અને જેનાથી પ્રકૃતિ લૂંટાય એ અધર્મ છે. કુદરત પાસેથી જે મળ્યું છે એ છેવટે નિર્દોષપણે માટીમાં ભળી જવું જોઈએ. આ નીતિ અપનાવવી પડશે જેને છેલ્લાં ૨૬૦૦ વર્ષથી જૈન સાધુઓ અપનાવી રહ્યા છે. જૈન સાધુજીવન સાદગી, સંયમ અને અહિંસા દ્વારા પ્રકૃતિનું જતન કેવી રીતે થઈ શકે એનો આ આદર્શ આજે સમગ્ર પૃથ્વીને નવો રાહ ચીંધે છે. જંગલો ભૂતકાળ બની જાય, સખત ગરમી વર્તમાનકાળ બની જાય અને રાખ ભવિષ્યકાળ બની જાય એવી પરિસ્થિતિ તરફ આપણે પૂરઝડપે ઘસડાઈ રહ્યા છીએ ત્યારે જૈન મુનિજીવન આપણને એવી જીવનશૈલીનો આદર્શ આપી શકે છે જેનાથી સૃષ્ટિને પુનર્જીવન મળી શકે છે.’
વ્યક્તિગત જીવન માટે ૭ ગોલ્ડન પ્રિન્સિપલ્સ
મિનિમમ રિક્વાયરમેન્ટ એટલે કે ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લેવાની ટેવ કેળવવી.
મૅક્સિમમ યુટિલિટી એટલે કે દરેક વસ્તુનો પૂરેપૂરો ઉપયોગ કરવો.
અનમોટિવેટેડ નેસેસિટીથી બચવું એટલે કે દેખાદેખી વગરની સહજ જરૂરિયાતોને જ પ્રાધાન્ય આપવું.
નેસેસિટિટી-બેઝ્ડ ચૉઇસ હોવી જોઈએ, શોખ-બેઝ્ડ નહીં. માત્ર અનિવાર્યતાના આધારે ખરીદી કરવી.
મલ્ટિપલ યુઝ એટલે કે એક વસ્તુને ફેંક્યા વગર વારંવાર વાપરવી.
મલ્ટિ-પર્પઝ યુઝ એટલે કે એક જ વસ્તુનાં વિવિધ પાસાંઓમાં ઉપયોગ શોધવા.
મલ્ટિ-પર્પઝ યુઝ એટલે કે સાધનોને એકબીજા સાથે વહેંચીને વાપરવાં.
