મહા મહિનાની શુક્લ અષ્ટમીએ ભીષ્મપિતામહે દેહત્યાગ કર્યો હતો. એ પછી ચાર દિવસ બાદ એટલે કે મહા મહિનાની શુક્લ પક્ષની બારસે પાંડવોએ પિતામહની તર્પણવિધિ કરી હતી જે ભીષ્મ દ્વાદશી તરીકે ઊજવાય છે
ભીષ્મપિતામહનાં ફક્ત બે જ મંદિરો
મહા મહિનાની શુક્લ અષ્ટમીએ ભીષ્મપિતામહે દેહત્યાગ કર્યો હતો. એ પછી ચાર દિવસ બાદ એટલે કે મહા મહિનાની શુક્લ પક્ષની બારસે પાંડવોએ પિતામહની તર્પણવિધિ કરી હતી જે ભીષ્મ દ્વાદશી તરીકે ઊજવાય છે અને ઉત્તર ભારતીયો આજના દિવસે તેમને યાદ કરી તર્પણવિધિ કરે છે અને તેમના જેવા ગુણો મેળવવાની પ્રાર્થના કરે છે
૧૯૯૬થી ૨૦૦૨ના સમયગાળામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો ક્રિકેટજગતમાં સિતારો ચમકતો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે તહેલકો મચાવી દીધો હતો. લગભગ એ જ અરસામાં ‘ધ વૉલ’ તરીકે જાણીતો રાહુલ દ્રવિડ પણ ક્રિકેટ રમતો હતો. કાબેલ, હોનહાર અમુક રીતે લિટલ માસ્ટરથી પણ વધુ ટૅલન્ટેડ (સચિનપ્રેમી મિત્રો માફ કરે) હોવા છતાં સચિનની તેજસ્વી ઑરામાં દ્રવિડનો પ્રકાશ બહુ નજરે ન ચડ્યો.
ADVERTISEMENT
lll
‘તીર્થાટન’માં આ બૉલ-બૅટની રમતની વાત કરવાનું કારણ એ કે આવું સદીઓથી બનતું આવ્યું છે. મહાભારતકાળની જ વાત કરોને, એ કાળખંડમાં કૃષ્ણ, અર્જુન, યુધિષ્ઠિર, કર્ણ સુધ્ધાંની વિશેષતાઓની એટલી બધી વાતો થતી આવી છે, પણ પિતામહ ભીષ્મના ગુણો ક્યારેય ગ્લૉરિફાય થયા જ નહીં. તેમનું સામર્થ્ય, નૈતિકતા, કટિબદ્ધતા, જ્ઞાન, ત્યાગ, બલિદાન જેવા ગુણોની યોગ્ય કદર જ ન થઈ.

આપણા દેશમાં લંકાપતિ અને શિવભક્ત રાવણનાં મંદિરો છે. અરે, ઈવન મહાભારતના કપટી ખલનાયક શકુનિનું મંદિર છે, પણ મહાભારતના અત્યંત પ્રભાવશાળી નાયક ભીષ્મપિતામહને સમર્પિત હોય એવાં માત્ર બે જ મંદિર છે.
ઐસા ક્યોં? એના જવાબમાં પ્રયાગસ્થિત ૫૦ વર્ષ પહેલાં બનેલા ભીષ્મપિતામહ મંદિરના પૂજારી કહે છે, ‘ક્યોંકિ જબ રાજમહલ મેં અધર્મ ઔર અસત્ય કા ખેલા હુઆ તબ વે ચૂપ રહે. તેઓ મહાન ધર્મધારક હોવા છતાં, સન્માનનીય હોવા છતાં તેમની પૂજા બહુ વ્યાપક પ્રમાણમાં થતી નથી. હા, નૉર્થ ઇન્ડિયનો, હરિયાણા, પંજાબ, બિહારના વતનીઓ ભીષ્મ અષ્ટમી (મહા સુદ આઠમ) અને ભીષ્મ દ્વાદશીના દિવસે ગંગાપુત્રને યાદ કરે છે અને પૂજા કરે છે, પરંતુ પશ્ચિમ ભારતમાં તો એય પ્રચલિત નથી. આપણા લોકો તો તીર્થરાજ પ્રયાગના નાગવાસુકિ અને વેણીમાધવ મંદિરે ગયા હોય એટલે એ બેઉના પડખે આવેલું પિતામહનું મંદિર દેખાય એટલે ભક્તો અંદર ડોકું કાઢીને માથું નમાવી લે કે પછી કુરુક્ષેત્રની જાત્રાએ જાય અને સમય હોય તથા ખબર હોય તો સ્પેશ્યલ ભીષ્મકુંડનાં દર્શને જાય ત્યારે પિતામહને બે ઘડી સાંભરી લે.

વેલ, રાત ગઈ બાત ગઈ. હવે એ બેઉ સ્થળે જવાનું થાય તો ભીષ્મ મંદિર જઈશું જ એવા પાક્કા નિર્ધાર સાથે આજના સપરમા દિવસે કર્તવ્યનિષ્ઠ ભીષ્મનાં બેઉ મંદિરોની માનસ યાત્રાએ જઈએ. એ પહેલાં ગંગાપુત્ર ભીષ્મની થોડી કથા જાણીએ.
ચંદ્રવંશીય રાજા પ્રતીપના સૌથી નાના પુત્ર કુરુ રાજ્યના રાજા શાંતનુ એક વખત શિકારે નીકળ્યા. ફરતાં-ફરતાં તેઓ પવિત્ર ગંગા નદીના તટે આવી પહોંચ્યા. ત્યારે આ નદીમાંથી એક સ્વરૂપવાન માનુની પ્રગટ થયાં અને શાંતનુ રાજાને પહેલી નજરે જ એ ષોડ્શી સાથે પ્રેમ થઈ ગયો. રાજાએ એ સુંદર ગંગાજી સમક્ષ વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ગંગાદેવી તૈયાર થઈ ગયાં, પરંતુ એક શરતે.
એ શરત હતી ગંગા જેકાંઈ કરે પતિ (રાજા શાંતનુ)એ એનું કારણ પૂછવાનું નહીં, પૂછશે તો તેઓ રાજાને છોડીને ચાલ્યાં જશે. ગંગાદેવીના રૂપમાં મોહિત રાજા શાંતનુએ એ શરત માની લીધી અને બેઉ લગ્ન કરી સુખેથી રહેવા લાગ્યાં. વૈવાહિક જીવનના પરિપાકરૂપે શાંતનુ અને ગંગામૈયાને પુત્ર જન્મ્યો ને બાળક જન્મતાં જ ગંગાએ તેને નદીમાં ડુબાડી દીધો. એક, બે, ત્રણ એ રીતે ગંગામૈયાએ તેમના સાત પુત્રોને નદીમાં વહાવી દીધા. શાંતનુ રાજા પત્નીનું આ કૃત્ય જોતા પણ વચન આપ્યું હોવાથી તેને કાંઈ કહેતા કે પૂછતા નહીં. આઠમા પુત્રનો જન્મ થતાં શાંતનુથી ન રહેવાયું અને તેમણે ગંગા નદીને એ બાળને નદીમાં નાખી દેતાં રોક્યાં અને આવું હીન કાર્ય કરવાનું કારણ પૂછ્યું.

ત્યારે ગંગામાતાએ એ સાત પુત્રોની પૂર્વકથા સંભળાવતાં પતિને કહ્યું કે ‘એક વખત સ્વર્ગલોકમાં રહેતા આઠ વસુદેવો તેમની પત્નીઓ સાથે ભૂલોકમાં વનવિહાર કરી રહ્યા હતા. ત્યારે ધુ નામના વસુનાં પત્નીએ વશિષ્ઠ ઋષિની નંદિની ગાય જોઈ. એ પવિત્ર ગાયને જોઈ ધુની પત્નીને તેને મેળવવાની ઝંખના જાગી. પત્નીની ઇચ્છા પૂર્ણ કરવા ધુએ તેના ભાઈઓની મદદથી નંદિનીને કબજે કરી લીધી. વશિષ્ઠ ઋષિએ આ આખી ઘટના જાણી અને ક્રોધિત થઈ આઠેય વસુદેવોને ધરતી પર નશ્વરદેહ ધારણ કરી જીવન વ્યતીત કરવાનો શ્રાપ આપ્યો. વસુઓએ બ્રહ્મર્ષિને ખૂબ આજીજી કરી જેથી વશિષ્ઠ મહર્ષિએ સાતેસાત વસુઓ પૃથ્વી પર જન્મ લઈ તરત મુક્તિ પામે એવું વરદાન આપ્યું, પરંતુ ચોરીના મુખ્ય નાયક ધુને ધરતી પર લાંબો સમય રહેવાનો શ્રાપ આપ્યો.’
સ્વર્ગલોકના દેવતાઓએ ગંગામૈયાને અનુરોધ કર્યો હતો કે એ દરેક વસુને તેઓ પોતાની કુક્ષિથી જન્મ આપે અને ગંગા નદીમાં ફેંકી તેમને મનુષ્યલોકમાંથી મુક્ત કરી દે. ગંગાજીએ એ પ્રમાણે કર્યું અને સાત વસુઓ મુક્તિ પામી પરત દેવલોકમાં જતા રહ્યા, પરંતુ ધુએ પૃથ્વી પર રહેવું પડ્યું.
_e.jpg)
આ ધુ વસુ એટલે આજના કથાનાયક ભીષ્મ. ભીષ્મના જન્મની અને ગંગામૈયાની આ પૂર્વકથા કહેવાનું કારણ એ કે જ્ઞાનના અભાવે અમુકને ગંગામૈયાની, પોતાના પુત્રોને નદીમાં ફેંકી દેવાના કાર્યની ઘૃણા ઊપજે છે, પરંતુ જો એની પાછળનો હેતુ જાણીએ તો દેવીમા પ્રત્યે અહોભાવ જાગે. જેમણે પેટના જણ્યાને મુક્તિ અપાવવા માટે નદીમાં ડુબાડી દીધાં. કલ્પના તો કરો કે એ વખતે ગંગાજીએ પોતાનું કાળજું કેવું કઠણ કર્યું હશે.
lll
બૅક ટુ દેવવ્રત. હા, દેવવ્રત એ ભીષ્મનું અસલ નામ જે તેમની માતાએ રાખ્યું હતું, પરંતુ પોતે આપેલું રાજગાદી પર ન બેસવાનું વચન અને આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞાએ તેમને ભીષ્મ નામ અપાવ્યું. ભીષ્મનો અર્થ થાય અત્યંત કઠિન શપથ લેનાર. હવે વાત કરીએ દેવવ્રતના જ્ઞાન અને ગુણની. તો શરત અનુસાર ગંગામાતાએ પતિનો ત્યાગ કર્યો અને પુત્રને લઈને ચાલી નીકળ્યાં. દેવવ્રતની યોગ્ય અવસ્થા થતાં માતાએ તેને બૃહસ્પતિ અને શુક્રાચાર્ય પાસે દંડનીતિ (કર્તવ્ય), રાજનીતિ વિજ્ઞાન અને અન્ય વ્યાવહારિક શાસ્ત્રોનું જ્ઞાન લેવા મોકલ્યા. એ ઉપરાંત દેવવ્રત વશિષ્ઠમુનિ અને ચ્યવન (ઋષિ ભૃગુના શક્તિશાળી પુત્ર) પાસેથી વેદપાઠ ભણ્યા. ભગવાન બ્રહ્માના જ્યેષ્ઠ પુત્ર સનતકુમારે દેવવ્રતને માનસિક તેમ જ આધ્યાત્મિક વિજ્ઞાનની શિક્ષા આપી, પરશુરામે શસ્ત્રવિજ્ઞાન તથા માર્કંડેય મુનિએ ઋષિનાં કર્તવ્યો વિશેની કેળવણી આપી. અબોવ એવરીથિંગ, દેવવ્રતની ક્ષમતા પિછાણી દેવોના રાજા ઇન્દ્રએ સ્વયં તેમને દિવ્ય શાસ્ત્રો પ્રદાન કર્યાં હતાં.

lll
આવા ગુણવાન, શક્તિશાળી, સત્ત્વશાળી ભીષ્મના જીવનની આગળની કથાથી તો સર્વે પરિચિત છે જ. કુરુવંશને સાચવવો, રાજ્ય સંભાળવું. કૌરવો-પાંડવોનો જન્મ, ત્યાર પછીના હસ્તિનાપુરની ધુરા મેળવવા માટેના બેઉ પિતરાઈઓની ખેંચતાણ, કાવાદાવા અને અંતે કુરુક્ષેત્રનું યુદ્ધ વડીલ ભીષ્મે પોતાની સગી આંખે જોયું. ધર્મ જાણવા છતાં અધર્મને સાથ આપવો પડ્યો. વાસ્તવિકતાનું ભાન હોવા છતાં પિતાને આપેલા વચનની કટિબદ્ધતાને કારણે ચૂપ રહેવું પડ્યું અને સાત્ત્વિકતા સામે યુદ્ધ પણ કરવું પડ્યું.
અહીં એક પ્રસંગ યાદ આવે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ ધર્મરાજા યુધિષ્ઠિરને યુદ્ધ દરમ્યાન ઘવાઈને પીડાદાયી બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પાસે ધર્મનું જ્ઞાન લેવા મોકલે છે. તેઓ પાંડુપુત્રને કહે છે, ‘જો ભીષ્મ પાસેથી ધર્મજ્ઞાન નહીં લેવામાં આવે તો સમસ્ત લોકમાંથી ધર્મનો નાશ થઈ જશે.’ વિચાર તો કરો, ત્રિદેવમાંના એક મુખ્ય દેવ વિષ્ણુનો અવતાર ધર્મના સંસ્થાપક શ્રીકૃષ્ણ સ્વયં ભીષ્મને ધર્મજ્ઞાત માનતા હતા તો ગંગાપુત્ર ભીષ્મનું સાતત્ય કેવું ઉચ્ચ કક્ષાનું હશે.
ભીષ્મકુંડ, નરકાતારી
ભીષ્મને સમર્પિત અલાયદાં મંદિર નથી. મીન્સ, જ્યાં તેમની મૂર્તિ છે, સ્થાન છે ત્યાં અન્ય દેવોની ઉપસ્થિતિ પણ છે. હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર વિસ્તારમાં નરકાતારીની જ વાત કરીએ. અહીં ભીષ્મકુંડ છે. કહેવાય છે કે પિતામહ ભીષ્મ બાણશૈયા પર હતા ત્યારે તેમને તરસ લાગી અને પ્રપૌત્ર અર્જુને જમીન પર બાણ મારીને ગંગા પ્રગટ કરી. બાણાવળી અર્જુનનું નિશાન એટલું સચોટ હતું કે ગંગાની ધારા સીધી પિતામહના મુખમાં પડી. આજે, આ ધારાની જગ્યાએ કુંડ બન્યો છે જે ભીષ્મકુંડ નામે ઓળખાય છે. જોકે એ સ્થળની કોઈ પુષ્ટિ નથી, પરંતુ જો આ ભૂમિને ગંગા પ્રાગટ્ય સ્થાન માનીએ તો ભીષ્મપિતામહની બાણશૈયા પણ આ વિસ્તારમાં જ રહી હોવી જોઈએ.
ભીષ્મની જેમ જ આ પવિત્ર કુંડ ઉપેક્ષિત છે. હા, કુંડ તાજેતરમા રીસ્ટોર થયો છે. એની ફરતે પાકા ઘાટ, પગથિયાં બન્યાં છે, પરંતુ ભક્તોના ઓછા આવગમનને કારણે બહુ મેઇન્ટેન રહેતો નથી. ‘પ્રવેશદ્વાર શ્રી મહાભારત યુદ્ધ ભૂમિ, શ્રી ભીષ્મપિતામહ મંદિર નરકાતારી’માં પ્રવેશ કરો એટલે મંદિરમાં ડાબી બાજુ નાનો ભીષ્મ જળ કુંડ દેખાય. ત્રણ સાઇડ પગથિયાં ધરાવતા આ કુંડની એક બાજુ મૃત્યુશૈયા પર સૂતેલા ભીષ્મ અને ધરતીમાં તીર મારતા પાર્થનું સ્કલ્પ્ચર મૂકેલું છે. મંદિર પરિસરમાં આગળ વધતાં નાનાં મંદિરોનો સમૂહ દેખાય છે જેમાં મુખ્ય ગર્ભગૃહમાં શ્રીકૃષ્ણ, પાંચ પાંડવો, દ્રૌપદી, ગંગામાની ઊભેલી મૂર્તિ સાથે બાણશૈયા પર સૂતેલા ભીષ્મની મૂર્તિ છે. દરેક મૂર્તિઓ અને મંદિર અર્વાચીન છે, પરંતુ અહીંના પૂજારીના કહેવા પ્રમાણે આ મૂર્તિની નીચે ભીષ્મની સમાધિ અને ગુફા છે. આ સાથે આ મંદિરમાં પંચમુખી હનુમાનજી અને ભદ્રકાળી માતાની મૂર્તિ પણ છે. સવારના પાંચથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં કોઈ વિશેષ ઉત્સવ નથી યોજાતા, પરંતુ શ્રાદ્ધ પક્ષમાં અને ગીતા જયંતી મહોત્સવ દરમ્યાન કુરુક્ષેત્ર આવતા હજારો યાત્રાળુઓ આ મંદિરનાં દર્શને આવે છે. અહીંના પૂજારી કહે છે, ‘ભીષ્મકુંડના જળનું પાન કરવાથી તેમ જ એ મસ્તકે ચોપડવાથી પિતામહ ભીષ્મ જેવા ગુણગ્રાહી થવાય છે.’
કુરુક્ષેત્રનું મંદિર ક્યારે બન્યું એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. અહીંના મહંત આ સ્થળને પિતામહનું સમાધિસ્થળ કહે છે, પરંતુ પ્રયાગરાજના દારાગંજ વિસ્તારમાં આવેલું મંદિર તો પાંચ દાયકા પૂર્વે જ બન્યું છે. અહીંની કહાની પણ ઇન્ટરેસ્ટિંગ છે. ૬૦-૭૦ વર્ષો પૂર્વે, આ વિસ્તારમાં એક વૃદ્ધા રહેતી. તે દરરોજ ગંગાસ્નાન કરવા આવતી. એક દિવસ તેણે એક વકીલ સમક્ષ ઇચ્છા પ્રગટ કરી કે અહીં ગંગાપુત્રનું મંદિર હોવું જોઈએ.
એ વકીલને વૃદ્ધા સાથે કોઈ લોહીના સંબંધ નહીં, પણ તેને એ વૃદ્ધાની વાત યોગ્ય લાગી અને તેમણે સ્વખર્ચે અહીં નાનકડું મંદિર બનાવ્યું જેમાં મંદિરના બહારના ભાગે વિશ્રામ મુદ્રામાં વિરાટકાય ભીષ્મ છે અને અંદર ગર્ભગૃહમાં મહાદેવ બિરાજમાન છે. આ મંદિરમાં ભક્તો પિતૃદેવની પૂજા કરી પોતાનાં સંતાનો માટે સ્વસ્થતા, સદ્બુદ્ધિ અને આયુષ્યની યાચના કરે છે. સ્થાનિકો દિવાળીના તહેવારમાં અહીં દીપદાન કરવા આવે છે. ૧૨ ફુટ લાંબી આ મૂર્તિ દર્શનીય છે. પૂજારીઓ તેમની પૂજા વગેરે નથી કરતા, પણ અહીં આવનારા શ્રદ્ધાળુઓ પિતામહને પુષ્પ-પ્રસાદ વગેરે ચડાવે છે.
મુંબઈથી હવાઈમાર્ગે કુરુક્ષેત્ર જવું હોય તો નજીકનું હવાઈ અડ્ડા ચંડીગઢ છે અને રેલવે દ્વારા જવું હોય તો પશ્ચિમ એક્સપ્રેસ, અમ્રિતસર બેસ્ટ ટ્રેનો છે. બાકી, ‘મુંબઈ સે દિલ્હી’ અને રાજધાનીથી અનેક ટ્રેન મહાભારતના યુદ્ધક્ષેત્ર કુરુક્ષેત્ર સ્ટેશને પહોંચાડે છે. કુરુક્ષેત્ર ખૂબ મોટો વિસ્તાર છે જેના અંતર્ગત અનેક નાનાં ગામ આવ્યાં છે. જેમાં ઠેકઠેકાણે સનાતન ધર્મનાં અનેક પ્રાચીન તીર્થો આવેલાં છે. તીર્થક્ષેત્ર હોવાના નાતે અહીં ધર્મશાળાઓ, અખાડાઓની સંખ્યા વધુ છે જ્યાં શ્રદ્ધાળુઓને રહેવા-જમવાની સગવડ મળી જાય છે. એમ તો સામાન્ય કક્ષાનાં ગેસ્ટહાઉસ અને હોટેલ પણ હવે ખૂલ્યાં છે. પ્રયાગરાજમાં રહેવા માટે, જમવા માટે, દર્શન માટે શું-શું છે એનાથી હવે સર્વ જનો માહિતગાર છે. બસ, એટલું જણાવીએ કે ગંગા તટે અને એની આજુબાજુ રહેલી ટેન્ટસિટી ફક્ત કુંભમેળા માટે ટેમ્પરરી છે. આ ઉત્સવ પૂર્ણ થતાં એનો સંકેલો થઈ જશે. એટલે કુંભ બાદ પ્રયાગ જવું હોય તો રહેવા માટે સિવિલ લાઇન્સ વિસ્તારમાં અનેક સારી હોટેલો છે.


