હુમલાના થોડા સમય પછી, 22 જાન્યુઆરીના રોજ, અંકુરે કથિત રીતે કાજલના ભાઈને ફોન કરીને જાણ કરી કે તેણે તેની હત્યા કરી છે, અને પરિવારને તેનો મૃતદેહ લેવા કહ્યું. ત્યારબાદ પરિવાર દિલ્હી દોડી ગયો અને ફરિયાદ નોંધાવી. અંકુર સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
તસવીર સૌજન્ય (X)
દિલ્હીમાં મંગળવારે એક ઘરેલુ ઝઘડા દરમિયાન પતિ દ્વારા કથિત રીતે ક્રૂરતાથી હુમલો કરવામાં આવતા દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની SWAT ટીમમાં કામ કરતી 27 વર્ષીય મહિલા કમાન્ડોનું મૃત્યુ થયું હતું. આરોપીએ મહિલાના માથા પર ડમ્બલ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેને જીવલેણ ઇજાઓ થઈ હતી. પીડિતાની ઓળખ કાજલ તરીકે થઈ છે, તેના પરિવારના જણાવ્યા મુજબ, તેના પતિ અંકુર અને તેના પરિવાર દ્વારા દહેજની માંગણીને લઈને તેના પર વારંવાર હુમલો કરવામાં આવતો હતો. પીડિતાના પિતાએ એવો પણ ખુલાસો કર્યો કે તેના મૃત્યુ સમયે તેમની દીકરી ચાર મહિનાની ગર્ભવતી હતી.
"મારી દીકરી ચાર મહિનાની ગર્ભવતી હતી. માતા અને ગર્ભમાં રહેલું બાળક બન્નેનું મૃત્યુ થયું છે. અંકુરે એક નહીં પણ બે હત્યાઓ કરી છે," પીડિતાના પિતાએ જણાવ્યું. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના 22 જાન્યુઆરીની રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, જ્યારે અંકુરે ગુસ્સામાં કાજલ પર હિંસક હુમલો કર્યો હતો. તેમના ઘરના ફોરેન્સિક તપાસમાં દરવાજાના ચોકઠા અને ડમ્બલ પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા. તપાસકર્તાઓને શંકા છે કે અંકુરે વારંવાર કાજલનું માથું દરવાજા સાથે અથડાવ્યું હતું અને તેને ડમ્બલથી માર્યો હતો, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. હુમલા બાદ, કાજલને શરૂઆતમાં ગંભીર હાલતમાં દિલ્હીના મોહન ગાર્ડન સ્થિત તારક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેને ગાઝિયાબાદની એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મંગળવારે, 27 જાન્યુઆરીએ મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
પોલીસે માહિતી આપી હતી કે ઘટના પછી અંકુરે પોતે કાજલને હૉસ્પિટલમાં લઈ ગયો હતો
કાજલે 2022 માં તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું, તે દરમિયાન તે હરિયાણાના સોનીપતના રહેવાસી અંકુરને મળી હતી, અને તેમની મિત્રતા પછીથી સંબંધમાં પરિણમી હતી. તેના એક વર્ષ પછી, બન્ને પરિવારોની સંમતિથી, દંપતીએ લગ્ન કર્યા. કાજલના ભાઈ અને પિતાના જણાવ્યા મુજબ, લગ્નના માત્ર 15 દિવસ પછી જ હેરાનગતિ શરૂ થઈ હતી, જેમાં અંકુરના પરિવારે કાર અને દહેજની માગણી કરી હતી. કાજલની 2023 માં દિલ્હી પોલીસ SWAT કમાન્ડો તરીકે પસંદ કરવામાં આવી હતી, જ્યારે અંકુર દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલયમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. આ દંપતી 2024 માં દિલ્હી રહેવા ગયું. જોકે, અંકુર તેને માર મારતો અને પૈસા અને કાર માટે દબાણ કરતો રહ્યો હોવાના અહેવાલ છે. હુમલાના થોડા સમય પછી, 22 જાન્યુઆરીના રોજ, અંકુરે કથિત રીતે કાજલના ભાઈને ફોન કરીને જાણ કરી કે તેણે તેની હત્યા કરી છે, અને પરિવારને તેનો મૃતદેહ લેવા કહ્યું. ત્યારબાદ પરિવાર દિલ્હી દોડી ગયો અને ફરિયાદ નોંધાવી. અંકુર સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેને ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.


