કેસરનું તિલક શિયાળામાં, ચંદનનું તિલક ઉનાળામાં, કુમકુમનુ તિલક ચોમાસામાં તો ભસ્મનું તિલક બારેમાસ સાધુઓની શોભા વધારતું રહે છે.
કુંભ મેળો
મૌની અમાવાસ્યાથી લઈને વસંત પંચમી સુધી આપણે મહાકુંભ યાત્રાની આપણી પાત્રતા , યોગ્યતા અને લાયકાત વિશે વાતો કરી.એની પૂર્વે આપણે સાધુબાવાના સત્તર શણગારની વાતો શરૂ કરી હતી.
આ લેખમાળા અંતર્ગત આપણે તિલકરૂપી શણગારની વાતો કરી હતી એ આગળ વધારીએ.
ADVERTISEMENT
આપણે જોયું હતું કે કેસરનું તિલક શિયાળામાં, ચંદનનું તિલક ઉનાળામાં, કુમકુમનુ તિલક ચોમાસામાં તો ભસ્મનું તિલક બારેમાસ સાધુઓની શોભા વધારતું રહે છે.
આપણે તો તિલક માત્ર કપાળ પર લગાડીએ છીએ પરંતુ સંતમહાત્માઓ શરીરનાં સાત ચક્ર પર લગાવી એમનું સન્માન કરે છે. તિલક આપણા શરીરને ફાયદો કરે છે એ તો આપણે અગાઉ જોયું પરંતુ એ આપણા મન અને આત્માને પણ ઊર્જા પૂરી પાડે છે.
આજનું વિજ્ઞાન પણ કહે છે કે સનાતન ધર્મમાં જે સાત ચક્રની થિયરી છે એ વિજ્ઞાનની રીતે પણ ખરી છે. આ ચક્રોની જે જગ્યા બતાવવામાં આવી છે ત્યાં વૈજ્ઞાનિકોને પણ મજ્જાતંતુના ગુચ્છા જોવા મળ્યા છે.
આપણા શરીરમાંથી જે ઊર્જા નિત્ય વહેતી હોય છે એ ઊર્જાનો પ્રવાહ શરીરનાં સાત બિંદુઓ વાટે બહાર આવે છે. આ સાત બિંદુઓને ચક્રો કહેવામાં આવે છે. જો મનુષ્ય અધ્યાત્મની કે ભૌતિક દુનિયામાં પણ સુખી અને સફળ થવા માગતો હોય તો તેનાં સાતેય ચક્રો શુદ્ધ હોવાં જરૂરી છે. યોગીપુરુષો ચક્રોને શુદ્ધ કરવાની વિદ્યા જાણતા હોય છે એટલે તેમના સાન્નિધ્યમાં આપણને પૉઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે.
મનુષ્ય જો તંદુરસ્ત જિંદગી જીવવા માગતો હોય તો તેનાં ૨૧ ચક્રો સક્રિય હોવાં જોઈએ. આ ૨૧ ચક્રોનો પાયો તો ૭ ચક્રો જ છે. આ દરેક ચક્રમાં પિંગળા, ઇડા અને સુષુમ્ણા નાડી હોવાથી કુલ ૨૧ ચક્રો આપણા શરીરમાં સક્રિય રહેતાં હોય છે.
(૧) મૂલાધાર ચક્ર (૨) સ્વાધિષ્ઠાન ચક્ર (૩) મણિપુર ચક્ર (૪) અનાહત ચક્ર (૫) વિશુદ્ધ ચક્ર (૬) આજ્ઞા ચક્ર (૭) અને સહસ્રાર ચક્ર. શરીરનાં સાતેય ચક્રો સાથે આપણી અંત:સ્રાવી ગ્રંથિઓ જોડાયેલી હોય છે. અંત:સ્રાવી ગ્રંથિઓ શરીરનાં કિડની, હૃદય, પૅન્ક્રિયાસ, ફેફસાં, મગજ વગેરે મહત્ત્વનાં અંગોનું નિયમન કરે છે. જેટલાં આપણાં ચક્રો શુદ્ધ હોય એટલી અંત:સ્રાવી ગ્રંથિઓ વધુ ક્ષમતાથી કાર્ય કરે છે અને શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે.
સમગ્ર જગતમાં વૈશ્વિક ઊર્જાનો પ્રવાહ સતત વહેતો હોય છે. આ વિશ્વમાં અત્યાર સુધી જેટલા સંતો, તીર્થંકર, પરમાત્મા થઈ ગયા; સિદ્ધ ભગવંતો થયા, આચાર્ય-ઉપાધ્યાય-મુનિ ભગવંતો થયા તેમની ઊર્જા વિશ્વમાં વહેતી હોય છે. જો આપણાં સાત ચક્રો શુદ્ધ હોય તો એ ઊર્જાનું જોડાણ આપણા શરીરની ઊર્જા સાથે કરી આપે છે.
કુંભ મેળામાં આવતા સાચા સાધુબાવાનું સાંનિધ્ય આ રીતે આપણાં તનમનને પણ ફળે છે.
જેમ કોઈ મશીનમાં એક મોટરનું નાનું ચક્ર બીજા ચક્ર સાથે જોડાઈને પૂરું મશીન ચલાવે, પૂરા મશીનને ઊર્જા પૂરી પાડે એમ વાતાવરણમાં વહેતું રહેતું વિભૂતિઓનું ઊર્જા ચક્ર આપણા શરીરનાં ચક્રો સાથે જોડાઈને તનમનને ઊર્જાવાન કરી શકે છે.
સંતો-મહાત્માઓ તેમના શરીરમાં આવેલાં સાત ચક્રો ઊર્જાવાન રાખવા શરીરમાં તે-તે જગ્યાએ તિલક અવશ્ય લગાડે છે.
આપણે શણગાર કરીએ એ શરીરની શોભા વધારે છે, પરંતુ સંતો-મહાત્માઓનો આ તિલક શણગાર માત્ર તન જ નહીં; મન અને આત્માની શોભા પણ વધારે છે.
આપણા શરીરમાં સતત વિદ્યુત ચુંબકીય ઊર્જા વહેતી રહેતી હોય છે.
બ્રિટનના ડૉ. થોર્નટોન સ્ટ્રીટરે બાયોફિલ્ડ વ્યુઅર નામનું ઉપકરણ બનાવ્યું હતું. એનો ઉપયોગ કરીને આપણા શરીરના ઊર્જાક્ષેત્રને માપી શકાય છે. ડૉ. થોર્નટોન સ્ટ્રીટરે ધ સેન્ટર ફૉર બાયોફિલ્ડ સાયન્સિસ નામની ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી છે, જેની એક શાખા મહારાષ્ટ્રના પુણે શહેરમાં આવેલી છે. તેમણે મનુષ્યના થર્મલ શરીર બાબતમાં સંશોધન કરવામાં ૨૦થી વધુ વર્ષો ગાળ્યાં છે. વિશ્વભરમાં તેમનાં સેન્ટર ચાલે છે. એમાં મૉડર્ન ચિકિત્સાપદ્ધતિનો ભારતની આયુર્વેદિક અને ચીનની પારંપરિક પદ્ધતિ સાથે સમન્વય કરવામાં આવ્યો છે.
(ક્રમશ:)

