પ્રખ્યાત મંદિરોમાં VIP પ્રવેશ સામે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી થઈ હતી એનો ચુકાદો આવી ગયો છે. અદાલતે માન્યું કે મંદિરોમાં VIP ટ્રીટમેન્ટનું કોઈ સ્થાન ન હોવું જોઈએ.
કુંભ મેળો
પ્રખ્યાત મંદિરોમાં VIP પ્રવેશ સામે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી થઈ હતી એનો ચુકાદો આવી ગયો છે. અદાલતે માન્યું કે મંદિરોમાં VIP ટ્રીટમેન્ટનું કોઈ સ્થાન ન હોવું જોઈએ, પરંતુ એ માટેનો આદેશ આપવો એ અમારા અધિકારક્ષેત્રની બહાર છે; એનો નિર્ણય તો જે-તે મંદિરની પ્રશાસન સમિતિ જ લઈ શકે.
આ તો થઈ સર્વોચ્ચ અદાલતની વાત, પરંતુ ઉપર જે ઈશ્વરની અદાલત છે એ પણ આવું જ માને છે. ઈશ્વરની નજરમાં બધા જ સરખા હોય છે, કોઈ VIP નથી હોતું. આપણે જમીન પર ઊભા હોઈએ ત્યારે બે માળના મકાન અને બેતાળીસ માળના ટાવર વચ્ચે તફાવત લાગે, પરંતુ જેમ-જેમ ઉપર ઊઠતા જઈએ એમ ભેદ ભૂંસાતો જાય. વિમાનમાંથી બધાં જ બિલ્ડિંગ સરખાં લાગે. વળી સૅટેલાઇટમાંથી કાઢેલી તસવીરો જોઈએ તો આ બધી ઇમારતો ટપકા જેવી લાગે. હવે વિચાર કરો કે સર્વોચ્ચમાં પણ સર્વોચ્ચ ન્યાયાધીશ અને પૂરું બ્રહ્માંડ જેમનું નિવાસસ્થાન છે એ ત્રિભુવનવાસી ઈશ્વર સામે બંગલા કે મહેલમાં રહેતા VIPની શું વિસાત હોય?
ADVERTISEMENT
શ્રીકૃષ્ણે માનવઅવતાર ધારણ કર્યો ત્યારે પણ આ વાત અનેક વાર સમજાવી છે. મહાભારતના યુદ્ધને રોકવાના પ્રયાસરૂપે દુર્યોધનના મહેલમાં ચર્ચા-વિમર્શ કરવા જાય છે; પરંતુ દુર્યોધન જેવા રાજા, એમ કહોને કે VIPને ત્યાં પણ ભોજન કરતા નથી. બત્રીસ પકવાન છોડે છે અને વિદુરજી જેવા દાસીપુત્રને ત્યાં ખીચડી આરોગવા પહોંચી જાય છે. આપણે શ્રીકૃષ્ણને ઈશ્વરીય અવતાર માનીએ, VIP માનીએ, પણ શ્રીકૃષ્ણ પોતાને VIP નથી માનતા.
યુધિષ્ઠિરે યોજેલા રાજસૂય યજ્ઞમાં શ્રીકૃષ્ણ પહોંચે છે ત્યારે પાંડવો ઉત્તમ આવકાર આપે છે. એ સમયે આજના ઇવેન્ટ માટે હોય છે એવા ભાડૂતી કેટરર્સ કે ઇવેન્ટ-મૅનેજર કે કૉન્ટ્રૅક્ટર્સનો જમાનો નહોતો. બધા એકમેકના પ્રસંગમાં શ્રમિક સેવા આપતા. શાક સમારવાથી લઈ પીરસવામાં મદદ કરતા. શ્રીકૃષ્ણે પણ પોતાને માટે કંઈક કામ માગ્યું ત્યારે પાંડવોએ વિનમ્રતાથી ના પાડી અને માત્ર આસન પર બિરાજી દેખરેખ રાખવાનું કહ્યું. જોકે તેમનું મન ન માન્યું. ભોજન કરવા બેઠેલી પંગતો ઊઠી ત્યારે તેમનાં એંઠાં પતરાળાં ઉપાડવાનું કામ કર્યું.
તેમણે બધાને ભોજન કરાવી છેલ્લે ભોજન કર્યું. VIP એ નથી જે પ્રથમ પંક્તિમાં અને હંમેશાં આગળ જ રહે. ખરો VIP એ છે કે જે બીજીને આગળ કરે. હજી બીજા કોઈ લૌકિક ઇવેન્ટમાં ચાલે, પણ કુંભમેળો આધ્યાત્મિક ઇવેન્ટ છે, અલૌકિક પ્રસંગ છે. મુહૂર્ત અને સમય પ્રમાણે ચાલતી ઘટના છે. આ ઘટનામાં સૂર્ય, ચંદ્ર, ગુરુની ચાલ મહત્ત્વની છે. આ દેવતાઓ માટે બધા જ લોકો સરખા હોય છે. સૂર્ય, ચંદ્ર અમીરના મહેલમાં તો ગરીબની ઝૂંપડીમાં બધે જ સરખો પ્રકાશ આપે છે.
આધ્યાત્મિક પ્રવાસોમાં VIPપણું ન હોવું જોઈએ. શાહી સ્નાન જેવા દિવસો કે એની આસપાસના દિવસોમાં તેમના પ્રવેશ માટે કડક બંધી હોવી જોઈએ. એક વ્યક્તિથી લાખો સામાન્ય યાત્રાળુઓનું ગણિત ખોરવાઈ જાય છે.
સરસમાં સરસ મૅનેજમેન્ટ હોય અને મૌની અમાવાસ્યાને દિવસે બની એવી ઘટનાનું પુનરાવર્તન ન થવાની બાંયધરી હોય તો પણ VIP કલ્ચર ટાળવું જોઈએ, કારણ કે ગમે ત્યારે ગમે એ પુલ કે સડકો બંધ કરવામાં આવે ત્યારે માણસોને ખાસ કરીને આધેડ અને વૃદ્ધોને ખૂબ ભારે પડે છે. એક જગ્યાએ બંધ જોઈને પાછું ફરવું, વળી પાછું બીજી જગ્યાએ જવું એ માત્ર શારીરિક નહીં, માનસિક ત્રાસ પણ આપે છે. સ્નાનનો પર્ટિક્યુલર સમય (મુહૂર્ત) સાચવી લેવાની જે તાલાવેલી હોય છે એમાં ભંગ પડે છે.
VIPએ એમ માનવું જોઈએ કે અમે આ કક્ષાએ પહોંચી શક્યા છીએ એ ઈશ્વરની જ વિશેષ પ્રેરણા છે. વિશેષ (V) ઈશ્વરીય (I) પ્રેરણા (P)નો સંકેત જેમને મળ્યો છે તેમણે પાછળ રહી સામાન્ય જનતાને આગળ કરવી જોઈએ. VIPઓએ આવા પ્રસંગોમાં મહેમાનગતિ નહીં, યજમાનગતિ માણવાનો લહાવો લેવો જોઈએ. શ્રીકૃષ્ણ રાજસૂય યજ્ઞમાં પાંડવોના મહેમાન બનીને આવ્યા હતા, પરંતુ સમય જોઈને યજમાન બન્યા. ભોજન પહેલી પંગતને બદલે છેલ્લી પંગતમાં કર્યું.
વડા પ્રધાને કુંભમેળાની દુર્ઘટના પછી તેમનું કુંભ સ્નાન પાછું ઠેલ્યું એ યોગ્ય જ કર્યું છે. જેમને ઈશ્વરની વિશેષ કૃપા મળી છે તેમણે આ કૃપા સામાન્યજનને પહોંચાડવી જોઈએ. સૌપ્રથમ અન્યને લાભ આપવો જોઈએ.
(ક્રમશ:)

