Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મેડિકલ સાયન્સ અને મનોવિજ્ઞાન પણ સ્વીકારે છે કે વાંચન એ મગજની શ્રેષ્ઠ કસરત છે

મેડિકલ સાયન્સ અને મનોવિજ્ઞાન પણ સ્વીકારે છે કે વાંચન એ મગજની શ્રેષ્ઠ કસરત છે

Published : 29 September, 2026 11:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાંચનની કોઈ ઉંમર નથી. ૧૦૫ વર્ષની ઉંમરે લાઇબ્રેરી કાર્ડ રિન્યૂ કરાવનાર લીલી વૉલ્ટરથી લઈને વરિષ્ઠ જૈનાચાર્યો સુધીનાં ઉદાહરણો સમજાવે છે કે પુસ્તકો મગજને સક્રિય અને જીવનને આનંદમય રાખે છે.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


પૂરા ૭૨ વર્ષની ઉંમરે સંસ્કૃત ભણી રહેલા વિદ્યાર્થી (!)ને કોઈ પંચાવન વર્ષના કાકાએ પૂછ્યું : આ ઉંમરે સંસ્કૃત! 
ભણનાર વિદ્યાર્થીએ સરસ જવાબ આપ્યો : ઘડપણમાં ગ્રંથો વાંચવા કામ લાગેને!
અમેરિકન લાઇબ્રેરી અસોસિએશન દ્વારા ‘આઇ લવ લાઇબ્રેરીઝ’ નામની ઝુંબેશ ચાલી હતી. ૨૦૨પની ૧૪ માર્ચે સત્તાવાર રીતે પબ્લિશ થયેલા અહેવાલમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. લીલી વૉલ્ટર નામની એક પ્રખર વાચક મહિલા હતી જેણે પોતાની ૧૦પ વર્ષની ઉંમરે પોતાનું લાઇબ્રેરી કાર્ડ કાયદેસર રીતે રિન્યુ કરાવ્યું હતું. લીલી વૉલ્ટર અમેરિકાના ઓહાયોની પ્રખ્યાત હબ્બાર્ડ પબ્લિક લાઇબ્રેરીની સક્રિય સભ્ય હતી. વાંચનનો શોખ તેણે બાળપણથી કેળવેલો હતો. વ્યક્તિનાં નહીં પણ તેના જીવનમાં વાંચનનાં ૧૦૦ વર્ષ પૂરાં થયાં હતાં અને ઊજવાયાં હતાં.
આવાં ઉદાહરણો આપણને શીખવે છે કે વાંચનને કોઈ ઉંમરબાધ નડતો નથી. મેં મારા દીક્ષાજીવનમાં જૈનાચાર્ય શ્રી રામસૂરિજી (ડહેલાવાળા), જૈનાચાર્ય શ્રી ભદ્રંકરસૂરિજી વગેરે વરિષ્ઠ જૈનાચાર્યોને તેમની ઉંમરના લેટ નાઇન્ટીઝમાં રોજ ૪ કલાક જેટલું વાંચતા જોયા-જાણ્યા છે. જ્યાં ઉત્સાહ હોય છે ત્યાં ઉંમર એક આંકડાથી વધીને કંઈ નથી.
વાંચન એક અકસીર ઉપાય છે જીવનને સુધારવાનો અને શણગારવાનો. કોઈ અકસીર દવા જિંદગીમાં વર્ષો ઉમેરી શકતી હશે, વાંચન વર્ષોમાં જીવન ઉમેરે છે. વાંચતી વખતે મગજ નવા વિચારો, નવી સંસ્કૃતિઓ, નવાં પાત્રો અને નવાં જ પરાક્રમોની દુનિયામાં સફર કરે છે. આ સફર મગજના કોષોને સક્રિય રાખે છે અને ઉંમર વધવા છતાં વ્યક્તિને માનસિક રીતે ઘડપણનો અહેસાસ થવા દેતી નથી. 
જે રીતે શારીરિક શ્રમ શરીરને મજબૂત રાખે છે એ જ રીતે મગજનો પરિશ્રમ મગજને મજબૂત રાખે છે. આધુનિક મેડિકલ સાયન્સ અને મનોવિજ્ઞાન પણ સ્વીકારે છે કે વાંચન મગજની શ્રેષ્ઠ કસરત છે. વાંચનની નિયમિત ટેવ માણસના મગજને સતત સક્રિય અને જાગ્રત રાખે છે. આનાથી સ્મૃતિભ્રંશ (ઑલ્ઝાઇમર્સ), એકલતા વગેરે સામે રક્ષણ મળે છે.
માનવના મગજમાં અદ્ભુત ક્ષમતાઓ છે. એને નિખારવામાં વાંચન જેવી કોઈ સામગ્રી નથી. વર્ષો પહેલાં મુંબઈમાં સાયનમાં હતો ત્યારે એક ઈશ્વરકાકા મળ્યા હતા. વાંચનના જબરા શોખીન. તેમણે એક વાર મને કહેલું : મારા ઘરે એક વાર આવશો તો મારા મિત્રોને મળીને આપને આનંદ આવશે. જવાનું થયું ત્યારે ઘરે કોઈ મિત્રો નહોતા. કેટલાંક ખુલ્લાં કબાટો હતાં. પુસ્તકોથી ભરેલાં એ કબાટો તરફ હાથ કરીને તેમણે કહ્યું : આ બધાં મારા પરમ મિત્રો છે. મારો મોટા ભાગનો સમય મિત્રો સાથે જ વીતે છે. સરેરાશ રોજના છથી ૮ કલાક. આ મિત્રોએ મને ઘણું શીખવ્યું છે, ઘણું આપ્યું છે. 
જિંદગીનો છઠ્ઠો દાયકો પૂરો થયા બાદ લોકો મોટા ભાગનો સમય વાંચનને ફાળે આપે તો શેષ જીવનમાં આનંદ અકબંધ રહે. આ માટે પહેલેથી વાંચનનો શોખ કેળવવો પડે. રાજકોટની એક દીકરીનાં લગ્ન થયાં ત્યારે તેણે પપ્પા પાસે અસલી સોનું માગ્યું. તે સાહિત્યને અસલ સુવર્ણ ગણતી હતી. માત્ર ૧૦ વર્ષની ઉંમરે પિતા પાસે રોજ ભગવદ્ગીતા સાંભળવા બેસનારી તે દીકરીના વજન જેટલાં પુસ્તકો તેના પિતાએ ભેટ આપ્યાં. રજતતુલાને ટપી જાય એવી આ અસલના સુવર્ણની તુલા એ પરિવારના વાંચનપ્રેમનો પુરાવો છે.

-જૈનાચાર્ય 
શ્રી ઉદયવલ્લભસૂરિ


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK