રેટિનોલ અને કેમિકલવાળી એક્સફૉલિઅન્ટ ધરાવતી પ્રોડક્ટ્સ માટે ટાઇમિંગ પણ એટલો જ મહત્ત્વનો છે. એટલે બે પ્રકારની પ્રોડટક્સ વચ્ચે ગૅપ રાખીને સ્કિનને રિકવર થવાની તક આપતી સ્કિન સાઇક્લિંગ પદ્ધતિ હાલ ચર્ચામાં છે. જાણીએ આ રૂટીન ખરેખર શું છે
સ્કિન સાઇક્લિંગ
સ્કિનકૅરમાં એક પછી એક પ્રોડક્ટનો થપેડો કરવાને બદલે આજકાલ એક સ્માર્ટ અપ્રોચ પૉપ્યુલર બન્યો છે - ‘સ્કિન સાઇક્લિંગ’. આમાં રેટિનોલ કે કેમિકલ એક્સફૉલિઅન્ટ જેવાં ઍક્ટિવ ઇન્ગ્રીડિઅન્ટ્સ દરરોજ રાત્રે લગાવવાને બદલે વારાફરતી વાપરવામાં આવે છે અને વચ્ચેની રાતોમાં સ્કિનને માત્ર હાઇડ્રેશન આપીને શાંત થવાનો સમય અપાય છે. આ પદ્ધતિ ખાસ એવા લોકો માટે છે જેમને એકસાથે બધું વાપરવાથી મોઢા પર રેડનેસ, ડ્રાયનેસ, બળતરા કે સ્કિન પીલિંગ (ત્વચા ઊખડવી) જેવી તકલીફ થતી હોય.
4 નાઇટ સાઇકલ કેવી રીતે કામ કરે છે?
ADVERTISEMENT
પહેલી રાત – એક્સફૉલિએશન : ચહેરો બરાબર ક્લીન કર્યા પછી કેમિકલ એક્સફૉલિઅન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જે ડેડ સ્કિન-સેલ્સને દૂર કરવાનું કામ કરે છે. આમાં મુખ્યત્વે બે પ્રકારના ઍસિડ વપરાય છે - AHA (આલ્ફા હાઇડ્રોક્સી ઍસિડ, જેમ કે ગ્લાયકોલિક કે લૅક્ટિક ઍસિડ), જે સ્કિનની ઉપરની સપાટી સાફ કરીને એનું ટેક્સ્ચર સુધારે છે અને BHA (બીટા હાઇડ્રોક્સી ઍસિડ, જેમ કે સેલિસિલિક ઍસિડ), જે રોમછિદ્રોમાં ઊંડે સુધી જઈને વધારાનું તેલ અને ગંદકી સાફ કરે છે. જોકે દરેક સ્કિન-ટાઇપ માટે આ એકસરખું યોગ્ય નથી હોતું. વધારે પડતું એક્સફૉલિએશન બળતરા કે રેડનેસ નોતરી શકે છે એટલે હંમેશાં પોતાની સ્કિનની સેન્સિટિવિટી અને જરૂરિયાત જોઈને જ એનો ઉપયોગ કરવો.બીજી રાત – રેટિનોલ કે રેટિનોઇડ : બીજી રાતે રેટિનોલ લગાવવાનું રહે છે. રેટિનોઇડ્સ સેલ ટર્નઓવર વધારે છે અને એક્ને, ડાર્ક સ્પૉટ્સ કે ફાઇન લાઇન્સ ઘટાડવામાં મદદ કરે છે. જોકે શરૂઆતમાં એનાથી ડ્રાયનેસ કે ઇરિટેશન થઈ શકે છે એટલે શરૂઆત ધીમેથી કરવી જરૂરી છે.
ત્રીજી અને ચોથી રાત – રિકવરી : આ બે રાત દરમ્યાન કોઈ ઍસિડ કે રેટિનોલ નહીં, ફક્ત જેન્ટલ ફેસવૉશ અને સારું હાઇડ્રેટિંગ મૉઇશ્ચરાઇઝર. આનો હેતુ એ જ છે કે સ્કિન પર કેમિકલ્સનો ભાર ન આવે અને સ્કિન-બૅરિયર પોતાની મેળે રિપેર થઈ શકે.
ચાર રાત પૂરી થાય એટલે ફરીથી પહેલી રાતથી સાઇકલ રિપીટ થાય છે, પણ જો સ્કિન વધારે
ડ્રાય લાગે કે બળતરા થાય તો સાઇકલ પૂરી કરવાની ઉતાવળ કરવાને બદલે સ્કિનને આરામ આપવો.
આ રૂટીનનો અસલી ફાયદો શું?
સ્કિન સાઇક્લિંગનો આઇડિયા એક જ સમયે સ્કિન પર ઓવર-ટ્રીટમેન્ટ અટકાવવાનો છે. એક્સફૉલિઅન્ટ્સ અને રેટિનોલ બન્ને
એવાં છે જે વધારે પડતાં વપરાય તો સ્કિન-બૅરિયરને ડૅમેજ કરી શકે છે. એટલે ‘જેટલી વધુ પ્રોડક્ટ્સ એટલો વધુ ગ્લો’ એ માન્યતા છોડીને ‘યોગ્ય પ્રોડક્ટ, વચ્ચે પૂરતો ગૅપ અને
સ્કિનને આરામ’ આ જ આ પદ્ધતિનો મુખ્ય વિચાર છે.
આટલું ધ્યાનમાં રાખવું
• ટ્રેન્ડમાં છે એટલે આંખો મીંચીને અજમાવી ન લેવું. સ્કિન પહેલેથી જ ખૂબ સેન્સિટિવ કે ઇરિટેટેડ હોય તો પહેલાં ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી.
• કોઈ પણ નવી ઍક્ટિવ પ્રોડક્ટ ચહેરા પર લગાવતાં પહેલાં પૅચ ટેસ્ટ કરવી સારી.
• રેટિનોલ વાપરતાં હો ત્યારે દિવસે સનસ્ક્રીન લગાવવું ફરજિયાત છે, કારણ કે એનાથી સ્કિન સૂર્યપ્રકાશ સામે વધુ સેન્સિટિવ બની જાય છે.
• જો સ્કિનમાં બળતરા થાય તો રૂટીન વળગી રહેવા કરતાં પોતાની સ્કિનની જરૂરિયાત સંભાળવી વધુ મહત્ત્વની છે.
