Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું છે ભવ્ય શ્રી રામ કથા મ્યુઝિયમ

૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું છે ભવ્ય શ્રી રામ કથા મ્યુઝિયમ

Published : 18 May, 2025 02:29 PM | Modified : 19 May, 2025 06:52 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અયોધ્યામાં રામ મંદિરના પરિસરથી જસ્ટ ચાર કિલોમીટરના અંતરે ૪૦,૦૦૦  સ્ક્વેરફુટમાં ફેલાયેલા આ મ્યુઝિયમની સાથે આઠ એકરમાં ફેલાયેલું ઉદ્યાન પણ હશે

રામ કથા સંગ્રહાલયના પરિસરનું થ્રી-ડી મૉડલ.

રામ કથા સંગ્રહાલયના પરિસરનું થ્રી-ડી મૉડલ.


અયોધ્યામાં રામ મંદિરના પરિસરથી જસ્ટ ચાર કિલોમીટરના અંતરે ૪૦,૦૦૦  સ્ક્વેરફુટમાં ફેલાયેલા આ મ્યુઝિયમની સાથે આઠ એકરમાં ફેલાયેલું ઉદ્યાન પણ હશે. પંચવટી નામના આ ઉદ્યાનમાં ભગવાન રામના જીવનના મુખ્ય પ્રસંગોને તાદૃશ કરતી મૂર્તિઓ દ્વારા રામ કથાનું નિદર્શન થશે. શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા બની રહેલું આ મ્યુઝિયમ ૨૦૨૬ સુધીમાં ખુલ્લું મુકાશે

ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી હવે બીજો મેગા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. એ છે રામ કથા સંગ્રહાલય. પુરાણકાળથી લઈને વર્તમાન રામ મંદિરના નિર્માણ સુધીનાં અનેકવિધ પાસાંઓ વિશે આ સંગ્રહાલય પ્રકાશ પાડશે. પુરાતત્ત્વીય ખોદકામમાંથી મળેલા પ્રાચીન મૂળના નક્કર પુરાવાઓ, શિલ્પો, ચીજો, અવશેષો અયોધ્યાના આ ૪૦,૦૦૦ સ્ક્વેરફુટમાં ફેલાયેલા રામ કથા સંગ્રહાલયમાં જોવા મળશે. એવું કહેવાઈ રહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર પછી બીજું સૌથી મોટું અને ઇન્ટરનૅશનલ લેવલનું મ્યુઝિયમ બની રહ્યું છે જેમાં ભગવાન રામ સાથે સંકળાયેલી લગભગ તમામ ગતિવિધિઓ વિશેની માહિતી મળશે. 




રામ મંદિરના પરિસરથી ચાર કિલોમીટર દૂર આવેલા આ મ્યુઝિયમમાં ભગવાન રામને જીવંત કરતાં દૃશ્યો જોવા મળશે. આધ્યાત્મિક ઉપદેશ આપતી રામાયણની તમામ મુખ્ય ઘટનાઓનું નિદર્શન કરતાં શિલ્પો અહીં છે. એટલું જ નહીં, રામ મંદિર બનાવવા માટેના ૨૦૦ વર્ષના આંદોલનનો ઇતિહાસ પણ અહીં જોવા મળશે.


ભગવાન રામને લગતી કોઈ પણ વાત, ઘટના, વિવાદ, ઉપદેશ, વિવિધ ભાષાઓનાં રામાયણ, પુરાત્ત્વવિદોએ એકઠા કરેલા હજારો વર્ષ જૂના પુરાણકાળના અવશેષો એમ બધું એક જ છત્ર તળે આ સંગ્રહાલયમાં જોવા મળશે. ભગવાન રામનાં દર્શન કર્યા પછી જો કોઈ પણ મૂંઝવણ, સવાલો કે કુતૂહલ રામજીના જીવનને લગતું હોય તો એની તૃષા અહીં છિપાશે.

રામલીલાનાં કેટલાંક દૃશ્યોનું નિદર્શન કરતી મૂર્તિઓ વગેરેનું નિર્માણ તો ૨૦૧૫ની સાલથી થવા લાગ્યું હતું જે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા દરમ્યાન જ તૈયાર થઈ ચૂકી હતી. જોકે હવે એમાં ટેક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ રિયલિટીનાં કેટલાંક ઇન્સ્ટૉલેશન તૈયાર થઈ રહ્યાં છે. એ જ કારણોસર એવું કહેવાઈ રહ્યું છે કે આ મ્યુઝિયમ ઇતિહાસ, આધ્યાત્મિકતા અને આધુનિક ટેક્નૉલૉજીનું અદ્ભુત સમન્વય હશે અને ભારતની મૂળ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કરશે.

મ્યુઝિયમમાં શું-શું હશે?

ગ્રાઉન્ડ પ્લસ ટૂ એમ ત્રણ માળમાં વિસ્તરેલા આ મ્યુઝિયમમાં કુલ ૨૬ સેક્શન્સ છે જે ભગવાન રામના જીવનના વિવિધ આયામોની થીમ પર બનેલાં છે. ભગવાન રામના ભવ્ય દરબારનો હોલોગ્રાફિક વ્યુ અહીં જોવા મળશે.

મ્યુઝિયમમાં વર્ચ્યુઅલ રિયલિટી ટેક્નૉલૉજી દ્વારા રામાયણના પ્રસંગો ભજવાતા જોઈ શકાશે. 

ભગવાન રામના પૂર્વજોની ઇક્ષ્વાકુ વંશાવલિ એટલે કે ભગવાન રામનું આખું ફૅમિલી ટ્રી અહીં જોવા મળશે.

પ્રભુ રામ માત્ર ભારતમાં જ નથી પૂજાતા, અન્ય કેટલાક સાઉથ એશિયન દેશોમાં પણ ભગવાન રામની યુનિક કથાઓ પ્રચલિત છે અને વિશ્વના અન્ય કયા દેશોની સંસ્કૃતિમાં ભગવાન રામની સાંસ્કૃતિક છાંટ વર્તાય છે એ પણ અહીં જોવા મળશે. બાલી, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા જેવા દેશોમાં પ્રચલિત રામ કથાના કલ્ચરલ અંશો પણ અહીં જોવા મળશે.

રામ જન્મભૂમિના ખોદકામ દરમ્યાન પુરાતત્ત્વવિદોને મળી આવેલી મૂર્તિઓ, શિલ્પો, મહેલના સ્તંભો અને અન્ય અવશેષો. 

રામજીના જીવનમાં ૧૪ વર્ષનો વનવાસ એ સૌથી મહત્ત્વની ઘટના હતી. આ સમય દરમ્યાન તેઓ વનમાં જ્યાં-જ્યાં ફર્યા એ વનસ્થળીનો માર્ગ રીક્રીએટ કરવામાં આવશે.

રામનગરી અયોધ્યાનો પણ પોતાનો આગવો ઇતિહાસ છે. એનો સમૃદ્ધ ઇતિહાસ પણ પુરાતત્ત્વ નમૂનાઓ સાથે આ મ્યુઝિયમમાં જોવા મળશે.

આજે અયોધ્યામાં રામ મંદિરની પરિકલ્પના સાકાર થઈ શકી છે એની પાછળ બે સદીનો સંઘર્ષ છે. શ્રી રામ જન્મભૂમિ સંઘર્ષ યાત્રાના સેક્શન અંતર્ગત આ સંઘર્ષ કથાનું ડૉક્યુમેન્ટેશન, આર્કિયોલૉજિકલ પુરાવાઓ અને દસ્તાવેજોનો સંગ્રહ જોવા મળશે. રામ મંદિરની જૂની સાઇટનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે એમાંથી ૧૦૦થી વધુ આર્ટિફેક્ટ્સ મળી આવ્યાં હતાં. એમાં કેટલીક તૂટેલી મૂર્તિઓ પણ હતી તથા સ્તંભો, દીવાલચિત્રો અને પિલર્સ પણ હતાં. આ અવશેષો જોવા અને સાથે પુરાતત્ત્વ મહત્ત્વ સમજવાનો લહાવો પણ અહીં મળશે.

મૂળ રામાયણ કાળના અને ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલા લગભગ ૧૫૦ જેટલા આર્ટિફેક્ટ્સ અહીં તીર્થ

કોણ ચલાવશે?

રાજ્ય સરકારની માલિકીના આ સંગ્રહાલયને બનાવવાનો ખર્ચ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવ્યો છે. અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે.

ટૅગબિન નામની ડિઝાઇન ઍન્ડ ટેક્નૉલૉજી કંપની આ પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે અને બાળકોથી લઈને વૃદ્ધોને ગમ્મત અને જ્ઞાન બન્ને મળે એનું ધ્યાન રખાયું છે.

ઇન્ટરૅક્ટિવ 3D ડિસ્પ્લે દ્વારા રામાયણ અને યોગ વશિષ્ટ દર્શાવવામાં આવ્યાં છે.

જૂનું સિંહાસન પણ અહીં મુકાશે

રામલલાને અત્યારે ભવ્ય મંદિર મળ્યું છે, પરંતુ જ્યારે રામજન્મભૂમિને લગતો વિવાદ ચાલતો હતો ત્યારે ૧૯૪૯ની સાલથી રામલલાને એક હંગામી ધોરણે તૈયાર કરેલા ટેન્ટમાં રાખવામાં આવ્યા હતા. એમાં રામલલાની નાની મૂર્તિ જે સિંહાસન પર બિરાજમાન હતી એ સિંહાસન પણ આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનું કહેવું છે કે, ‘રામ મંદિર બનાવવા માટે અનેક દાયકાઓથી મહાસંઘર્ષ ચાલ્યો હતો. આ સંઘર્ષમાં શું થયું એનો ચિતાર દરેક રામભક્તને મળવો જોઈએ. રામલલાની મૂર્તિ છેલ્લાં ૭૫ વર્ષ સુધી જે સિંહાસન પર બિરાજમાન હતી એ પણ એક મહત્ત્વનો ઐતિહાસિક પડાવ છે. આ સંઘર્ષ દરમ્યાન જે કંઈ પણ થયું એની રજેરજ માહિતી, દસ્તાવેજો અને પુરાવાઓ બધું જ એક જ છત્ર તળે મળશે.’

આ સિંહાસન પર બિરાજમાન મૂળ મૂર્તિ તો ઑલરેડી નવી ૫૧ ઇંચની મૂર્તિની પાસે મૂકવામાં આવી છે.

ઑગ્મેન્ટેડ રિયલિટી, વર્ચ્યુઅલ રિયલિટી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો સમન્વય કરીને ભગવાન રામની એક અતિ-વાસ્તવિક પ્રતિમા બનાવવામાં આવી છે જે ફક્ત હાથની જટિલ ગતિવિધિઓ પણ કરે છે અને બોલવાની ક્ષમતા પણ ધરાવે છે. આ એવા રામ ભગવાન છે જે ભક્તો સાથે વાતો કર્યાનો અનુભવ પણ આપશે.  

IIT મદ્રાસ દ્વારા રામભક્ત ભગવાન હનુમાનનું ટેક્નૉલૉજી બેઝ્ડ પ્રેઝન્ટેશન છે. 

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2025 06:52 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK