Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan

બદલવાની તૈયારી છે?

06 September, 2024 08:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પર્વાધિરાજ પર્યુષણ સાર્થક ત્યારે જ થાય જ્યારે તમારામાં changes આવે

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ વિશેષ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


જેમને પ્રભુ જેવા બનવું હોય તેમણે પોતાની selfને બદલવાની તૈયારી રાખવી જોઈએ. જે સ્વયંને બદલી શકે છે તે પ્રભુની સમીપ જઈ શકે છે.


Selfને બદલવા માટે સૌથી પહેલાં સ્વાર્થને છોડવો પડે.



સ્વાર્થ એક એવો અવગુણ છે જે તમારા 100 ગુણોને zero કરી નાખે છે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય, ત્યાં ક્ષમા ન હોય, ત્યાં નમ્રતા ન હોય, ત્યાં સરળતા ન હોય, ત્યાં સંતોષ ન હોય.


જ્યાં સ્વાર્થ હોય ત્યાં માયા, કપટ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા આદિ હોય.

સ્વાર્થ સર્વ પાપની જનની છે. સ્વાર્થ તમને ધર્મથી દૂર લઈ જાય છે, પ્રભુથી દૂર લઈ જાય છે.


સ્વયંને બદલવાનો શ્રેષ્ઠ ઉપાય છે સ્વાર્થને છોડવો!

સ્વાર્થ મોહનો હોય, સ્વાર્થ અનુકૂળતાનો હોય, સ્વાર્થ સુખનો હોય, સ્વાર્થ સંબંધનો હોય, સ્વાર્થ રાગનો હોય, સ્વાર્થ સંપત્તિનો હોય. આવા બધા સ્વાર્થનાં rootsના કારણે જ વ્યક્તિ અસાર એવા સંસારમાં રહેવા લલચાય છે.

સ્વાર્થ છૂટે તો સંસાર છૂટતાં વાર ન લાગે.

આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ અવસરે અમારો એક સંદેશ છે...

‘તમારા આયુષ્ય કરતાં તમારા સ્વાર્થનું આયુષ્ય ઘટાડો.’

જો સ્વાર્થનું આયુષ્ય વધી જશે તો મૃત્યુ બગડી જશે અને જો સ્વાર્થનું આયુષ્ય ઘટી જશે તો મૃત્યુ સુધરી જશે.

Death bed પર વ્યક્તિ હોય, Doctorએ અંતિમ સમય કહી દીધો હોય એવા સમયે પણ કોઈ કહે કે આ ભાઈ-ભાઈનો વર્ષોથી ચાલતો courtનો case બંધ કરી દો અથવા તમારી સંપત્તિ દીકરાના નામ પર કરી દો તો પણ નહીં કરી શકે અને કલાકમાં બધું છોડી વિદાય થઈ જાય, કેમ કે સ્વાર્થ તેમનો સ્વભાવ બની ગયો હોય અને આ સ્વભાવ બદલાય તો પરમાર્થ થાય.

મૃત્યુને બગાડનારું કોઈ તત્ત્વ હોય તો એ છે સ્વાર્થ! સંબંધોને બગાડનારું કોઈ તત્ત્વ હોય તો એ છે સ્વયંનો સ્વાર્થી સ્વભાવ!

જીવતા હો ત્યારે જીવન બગાડનારું કોઈ તત્ત્વ હોય તો એ છે સ્વયંની સ્વાર્થવૃત્તિ!

જો સ્વાર્થ ન હોય તો ઝઘડા, કંકાસ, ભષ્ટાચાર ન હોય. ‘જ્યારે સ્વાર્થનું મૃત્યુ થાય છે ત્યારે શ્રાવક ધર્મનો જન્મ થાય છે.’

પ્રભુના શ્રાવક બનવા માટે પણ સ્વયંને બદલવું અત્યંત જરૂરી છે. જ્યારે સ્વાર્થી સ્વભાવ અને સ્વાર્થવૃત્તિ છૂટે છે ત્યારે સમ્યક શ્રાવક બનાય છે, ત્યારે સમ્યક સાધુ બનાય છે.

ઘરે ‘mummy’ બીમાર હોય અને ધર્મસ્થાનકમાં આવીને સામાયિક કરવું એ પણ એક પ્રકારનો સ્વાર્થ છે. એ સમયે બીમાર mummyની સેવા કરવી એ ધર્મ છે!

હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ આ બધાનું મુખ્ય કારણ એક જ અવગુણ છે અને એ અવગુણનું નામ છે સ્વાર્થ!

સ્વયંને change કરવા જો આ એક અવગુણને દૂર કરવાનો પુરુષાર્થ થાય તો અહિંસા, ક્ષમા, સત્ય, અપરિગ્રહ, પ્રેમ, નમ્રતા, સરળતા અને સંતોષ જેવા ગુણો સહજતાથી પ્રગટી જાય!

જ્યાં ગુણ છે ત્યાં પરમાત્મા છે.

જ્યાં સ્વાર્થ છે ત્યાં સંસાર છે.

જ્યાં પરમાર્થ છે ત્યાં પરમાત્મા છે.

સ્વાર્થ છૂટે તો સેવા થાય. સ્વાર્થ છૂટે તો પરમાર્થ થાય.

પોતાનાં બાળકોની care કરવી, તેમનું પાલન કરવું એ સ્વાર્થ છે, પણ પરાયા બાળકને પોતાનું બનાવીને તેની care કરવી, તેનું પાલન કરવું એ નિ:સ્વાર્થતા છે.

જ્યારે જાત બદલાય છે ત્યારે નિ:સ્વાર્થતા પ્રગટે છે.

નયસાર સુથારે જ્યારે અજાણ્યા સાધુને ભોજન અર્પણ કર્યું, તેને માર્ગ બતાવ્યો ત્યારે શું તેના મનમાં કોઈ સ્વાર્થ હતો કે હું આ સાધુને આહાર આપીશ, તેને જમાડીશ તો તે મને આશીર્વાદ આપશે અને મારું બધું સારું થવા લાગશે! ના!

તેને માર્ગ બતાવતી વખતે શું તેના મનમાં વિચાર આવ્યો હતો કે હું તેને માર્ગ બતાવીશ તો તે મારા પર તેની કૃપા વરસાવશે અને મારો business વધી જશે? ના!

તેના મનમાં એક જ ભાવ હતો, મારે કોઈને સહાય કરવી છે. આ નિ:સ્વાર્થતાના કારણે જ ભગવાન બનવાનાં બીજ વવાઈ ગયાં!

ભગવાન બનવાનાં બીજ આજે વાવવાં હોય તો સ્વયંને બદલવાની તૈયારી કરવી પડશે. સ્વયંને બદલવા સ્વાર્થવૃત્તિ છોડવી પડશે.

સ્વયંને બદલવા માટે પોતાની વિચારધારા બદલવાની પણ અત્યંત જરૂરી હોય છે.

એક ઘરમાં bell વાગી. બાળકે gate ખોલ્યો અને બૂમ મારી, mummy! કચરાવાળી બાઈ આવી છે!

ત્યાં બેઠેલાં દાદીમાએ બાળકના શબ્દો સાંભળ્યા અને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, બેટા! આજે બોલ્યો એ બોલ્યો, આજ પછી ક્યારેય આવું ન બોલતો!

બાળકે સહજભાવે પૂછ્યું, કેમ દાદીમા?

દાદીમાએ સમજાવ્યું, ‘બેટા! કચરાવાળી તે નથી. કચરો તો આપણે કરીએ છીએ. તે તો આપણો કચરો લઈ જઈ આપણા ઘરની સફાઈ કરે છે. તે કચરાવાળી બાઈ નથી અને સફાઈ કરવાવાળાં બહેન છે! સફાઈ-કર્મચારી છે!’

કોઈ પણ કાર્ય હોય, તમારા મનમાં પહેલો પ્રશ્ન આવશે કે આમાં મને શું અને આમાં મારું શું? એનો અર્થ એ જ થયો કે તમને કાંઈ મળતું હોય તો તમે બધું કરવા તૈયાર છો.

માનો કે તમે road પર જતા હો અને કચરાનો ઢગલો જુઓ અને તમને કોઈ કહે પણ ખરો કે કેટલો બધો કચરો છેને! તમારો જવાબ શું આવશે? હશે, એમાં મને શું?

વિચાર કરો કે જે દેશમાં, જે શહેરમાં, જે ગામમાં, જે streetમાં તમે રહો છો એના માટે તમારી કોઈ જ responsibilities નહીં!!! જેનો તમે ઉપયોગ કરો છો એના માટે તમે ક્યારેય ઉપયોગી બન્યા છો?

જે દેશમાં તમે રહો છો એ દેશ પ્રત્યે, એ માતૃભૂમિ પ્રત્યે જો હૃદયમાં સન્માનની ભાવના ન હોય, અંતરમાં અહોભાવ ન હોય તો દેશમાં તમને બીજી વાર જન્મ ન મળે અને જો બીજી વાર કોઈ જંગલમાં કે અનાર્ય દેશમાં જન્મ મળે તો શું થાય?

માટે સ્વયંને બદલવા ‘મને શું? અને મારું શું?’ની વિચારધારા બદલવાની જરૂર છે.

સ્વાર્થનો nature અને સ્વાર્થની વૃત્તિ છૂટે તો સેવા અને સત્કાર્યો થાય.

સ્વાર્થ છૂટે તો અન્યના સુખની ચિંતા થાય.

સ્વાર્થ છૂટે તો અન્યના હિતની ભાવના પ્રગટ થાય.

સ્વાર્થ છૂટે તો અન્યના કલ્યાણ માટેનો પુરુષાર્થ પ્રબળ થાય.

સ્વાર્થ ત્યારે જ છૂટે જ્યારે સ્વયંને બદલવાનો વિચાર આવે, સ્વયંને બદલવાની તૈયારી થાય!

પર્વાધિરાજ પર્યુષણ સાર્થક ત્યારે જ થાય જ્યારે તમારામાં changes આવે.

પર્યુષણ મહાપર્વ ઊજવ્યા પછી જો તમે ક્યાંય બહાર ગયા હો અને તમને કોઈ કહે કે શું વાત છે, તમે તો કંઈક બદલાયેલા લાગો છો, તમારા ચહેરા પર કંઈક અલગ reflection લાગે છે, તમારો પ્રભાવ કંઈક અલગ જ અનુભવાય છે, તમારા આત્માનું level up થયું હોય એવું લાગે છે... તો સમજજો કે તમારાં પર્યુષણ સાર્થક થયાં છે, પર્યુષણમાં કરેલી ધર્મ આરાધના સમ્યક અને આત્મશુદ્ધિ કરાવનારી થઈ છે.

પર્વાધિરાજ પર્યુષણનો હેતુ જ છે કે lifeમાં U-Turn લાવવો, જીવનશૈલીમાં changes લાવવા, natureમાં પરિવર્તન લાવવું.

આ બધાં transformations શક્ય ક્યારે થાય? જ્યારે selfને બદલવાની તૈયારી હોય!!

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2024 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK