મહાવીર સુપરહીરો કેમ કહેવાયા? શૌર્યથી લઈને સમતા સુધીનાં અનટોલ્ડ સીક્રેટ્સ : ક્રોધ સામે ક્ષમા, મુશ્કેલીઓમાં આંતરિક પાવર અને સંબંધો સાચવવાની પ્રૅક્ટિકલ ફૉર્મ્યુલા જે આજના દરેક પરિવાર માટે લાઇફ-ચેન્જર સાબિત થશે
ભગવાન મહાવીરના મોટા ભાઈ નંદિવર્ધને ભગવાનની હયાતીમાં બનાવેલી ક્ષત્રિયકુંડમાં બિરાજિત પ્રતિમાજી.
આજે પર્યુષણના પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મનું વાંચન દુનિયાભરમાં થઈ રહ્યું છે ત્યારે બે જૈનાચાર્યો પાસેથી જાણીએ ભગવાન મહાવીરની અણધારી આફતો અને કસોટીઓને આધ્યાત્મિક બૂસ્ટરમાં ફેરવવાની રીત વિશે...
પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે જ્યારે જિનાલયો અને ઉપાશ્રયોમાં તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના જન્મવાંચનનો મહોત્સવ ઊજવાય છે ત્યારે માત્ર પારણાં ઝુલાવીને કે ઉત્સવ મનાવીને અટકી જવાનું નથી. ૨૬૦૦ વર્ષ પૂર્વે આ ધરતી પર વિચરેલા શ્રમણ ભગવાન મહાવીર માત્ર જૈનોના તીર્થંકર નહોતા પણ સમગ્ર માનવજાતના પથપ્રદર્શક હતા. આજના તનાવગ્રસ્ત, વેરઝેર અને અસંતોષથી ભરેલા યુગમાં પણ પ્રભુ મહાવીરના જીવનનાં રહસ્યો માનવમાત્રના અંગત, પારિવારિક અને સામાજિક જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. આજના ખાસ દિવસે પર્યુષણ લેખમાળાની શૃંખલામાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજયસાગરસૂરિજી મહારાજસાહેબ અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુલબોધિવિજયજી મહારાજસાહેબના ચિંતનનો સમન્વય કરીને ભગવાન મહાવીરના જીવનનાં અણમોલ રહસ્યો પ્રસ્તુત છે જે પ્રત્યેક વ્યક્તિના કલ્યાણનો માર્ગ કંડારે છે.
ADVERTISEMENT
નિર્ભયી મહાવીર
આજના સમયમાં સામાન્ય મુશ્કેલીઓથી માણસ વિચલિત થઈ જાય છે, ત્યારે પ્રભુ મહાવીરનું બાળપણ આંતરિક શક્તિની પ્રેરણા આપે છે. બાળપણમાં તેઓ જ્યારે મિત્રો સાથે રમત રમતા હતા ત્યારે એક માયાવી દેવે તાડના વૃક્ષ જેટલું કદ વધારીને સૌને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય બાળકો ભાગી ગયાં, પરંતુ વર્ધમાનકુમારે એક મુષ્ટિપ્રહારથી તેનું અભિમાન ચકનાચૂર કરીને નમાવી દીધો. એવી જ રીતે ભગવાનની નિર્ભયતાનાં ગુણગાન સાંભળીને એક દેવે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને સર્પનું રૂપ લઈને ડરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેઓ અડગ રહ્યા. આ જ સાચી નિર્ભયતા છે. વર્ધમાન કોઈનાથી ડરતા નથી કે કોઈને ડરાવતા નથી.
આપણે શું શીખવું? મુશ્કેલ કે પ્રતિકૂળ સંજોગોમાં ડરીને હિંમત હારવાને બદલે અડગ રહેવું. શક્તિનો ઉપયોગ કોઈને ભયભીત કરવા માટે નહીં પણ અન્યાય અને મુશ્કેલીઓ સામે નિર્ભય બનીને આંતરિક સત્ત્વ જાળવી રાખવા માટે કરવો.
વિનયી મહાવીર
આજના દોડધામભર્યા સમયમાં જ્યાં માતા-પિતા એકલવાયાપણું ભોગવે છે ત્યારે ભગવાન મહાવીરનો વ્યવહારવિવેક આંખ ઉઘાડનારો છે. માતા ત્રિશલાના ગર્ભમાં રહેલા પ્રભુએ જ્યારે વિચાર્યું કે મારા હલનચલનથી માતાને કષ્ટ થાય છે ત્યારે તેઓ તદ્દન સ્થિર થઈ ગયા. માતાને એમ લાગ્યું કે ગર્ભમાં કંઈક સમસ્યા થઈ છે અને તેઓ રુદન કરવા લાગ્યા. માતાનું આ દુઃખ જોઈને પ્રભુએ ગર્ભમાં જ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી માતા-પિતા હયાત છે ત્યાં સુધી હું સંસારનો ત્યાગ કરીને દીક્ષા નહીં લઉં. મા-બાપ પ્રત્યેનું આ સર્વોચ્ચ ઔચિત્ય હતું. એવી જ રીતે ૮ વર્ષની ઉંમરે માતા-પિતાએ પાઠશાળામાં મોકલ્યા ત્યારે તેમણે એવો અહંકાર ન કર્યો કે હું તો માના ગર્ભમાંથી જ ૩ જ્ઞાન સાથે જન્મ્યો છું, મારે ભણવાની શું જરૂર? તેમણે જ્ઞાનનું પ્રદર્શન કર્યા વિના મૌન રહીને વડીલવંદના કરી.
આપણે શું શીખવું? વિનય તમામ ગુણોનું મૂળ છે. ગમે એટલા વિદ્વાન, સમર્થ કે સક્ષમ હોઈએ છતાં વડીલો અને માતા-પિતા સામે ક્યારેય જ્ઞાન કે સત્તાનું પ્રદર્શન ન કરવું, તેમની લાગણીઓનું સન્માન કરવું એ જ સાચો ધર્મ છે.
અનાસક્ત મહાવીર
માતા-પિતાના મૃત્યુ પછી મોટા ભાઈ નંદિવર્ધને અત્યંત શોકમગ્ન થઈને કહ્યું કે તું જ અમારા જીવતરનો આધાર છે. ભગવાન પોતાના સંસારત્યાગના નિર્ણય પર જીદ કરી શક્યા હોત, પરંતુ મોટા ભાઈને વધુ આઘાત ન લાગે એ માટે તેમણે પોતાની દીક્ષા બે વર્ષ પાછી ઠેલી અને પરિવારની લાગણી સાચવી. મોટા ભાઈના કહેવાથી પ્રભુ બે વર્ષ ઘરમાં રહ્યા ખરા, પણ સંપૂર્ણ અનાસક્ત યોગીની જેમ રહ્યા. ખાવું, પીવું, ઊઠવું, બેસવું બધી જ ક્રિયાઓ ઘરમાં રહીને પણ એક વિતરાગી સાધકની જેમ જ કરી.
આપણે શું શીખવું? આજના સમયમાં નજીવી બાબતો કે સંપત્તિ ખાતર ભાઈ-ભાઈ વચ્ચે વેર અને કોર્ટ-કચેરી થાય છે. પરિવારમાં એકબીજાની લાગણી સાચવવા થોભી જવું અને સંસારમાં રહેવા છતાં કમળની જેમ નિર્લેપ અને અનાસક્ત રહેવું. પોતાના લક્ષ્ય સાથે સમાધાન કર્યા વિના સ્વજનોની લાગણીઓનો આદર કેવી રીતે કરવો તે પ્રભુ પાસેથી શીખવા જેવું છે.
કરુણામૂર્તિ મહાવીર
કોઈ નુકસાન પહોંચાડે ત્યારે બદલો લેવાને બદલે પ્રેમથી હૃદય જીતી લેવાની ભાવના પ્રભુ મહાવીરની સૌથી મોટી વિશેષતા છે. ઝેરીલા સર્પ ચંડકૌશિકે જ્યારે દંશ માર્યો ત્યારે પ્રભુએ ક્રોધ કરવાને બદલે તેના પર દૂધની ધારા વરસાવી. તેમણે કહ્યું, ‘બુઝ્ઝ બુઝ્ઝ ચંડકોસિયા!’ આ શબ્દોથી સાપનો ક્રોધ શમી ગયો. પ્રભુએ તેને ૧૫ દિવસ સુધી પોતાની સમતાનું સાંનિધ્ય આપ્યું. કીડીઓએ શરીર કોરી ખાધું છતાં એ જીવ સમતામાં રહ્યો અને નરકમાં જનારો જીવ દેવલોકનો અધિકારી બન્યો. અપકાર કરનાર પર ઉપકાર કરીને ભૂલા પડેલા જીવને સન્માર્ગે વાળવો એ ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ સિદ્ધિ હતી. આ ઘટના ક્રોધ અને નફરત પર સમતા અને કરુણાનો વિજયોત્સવ હતો.
આપણે શું શીખવું? વેરથી વેર ક્યારેય શમતું નથી, પ્રેમ અને ક્ષમાથી જ શમે છે. આપણું અહિત કરનાર કે અપકાર કરનાર પ્રત્યે પણ ક્રોધ કે બદલાની ભાવના રાખવાને બદલે કરુણા અને સમતા રાખવાથી સામી વ્યક્તિને વધુ સરળતાથી બદલી શકાય છે.
સહિષ્ણુ મહાવીર
કટોકટી અને સંકટ સમયે માણસ ધીરજ ગુમાવી બેસે છે, પરંતુ સાધનાકાળમાં પ્રભુએ વિપરીત સંજોગોને જ ઉત્થાનનું માધ્યમ બનાવ્યા. સાધનાકાળમાં પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા કે અન્ય ભયંકર ઉપસર્ગો થયા ત્યારે પણ તેઓ અત્યંત ધીરજવાન અને સ્થિર રહ્યા. સામાન્ય માણસ કસોટીઓમાં ડિપ્રેશન કે વેરભાવમાં સરી પડે છે, પરંતુ મહાવીરે દરેક પીડાને પોતાની સાધનાનું બૂસ્ટર બનાવી દીધું અને કર્મોનો ક્ષય કર્યો. તેમણે સાબિત કર્યું કે કસોટી એ પીડા માટે નથી, જીવનને કંચન બનાવવા માટેનું વરદાન છે. પ્રભુ મહાવીરે સાડાબાર વર્ષ સુધી ઘોર પરિષહો અને ઉપસર્ગો હસતા મુખે સહ્યા. સંગમદેવે ૬ મહિના સુધી કરેલા અસહ્ય ઉપસર્ગો સામે પણ પ્રભુ સહિષ્ણુતાની મૂર્તિ બની રહ્યા.
આપણે શું શીખવું? જીવનમાં જ્યારે સંકટો કે માનસિક-શારીરિક પીડા આવે ત્યારે હતાશ થવાને બદલે કે અન્યો પર દોષારોપણ કરવાને બદલે એને આંતરિક પરિપક્વતા, ધૈર્ય અને આત્મવિકાસ કેળવવાની કસોટી માની લેવામાં આવે તો દુનિયાની કોઈ આફત માણસને હરાવી શકતી નથી.
મનોચિકિત્સક મહાવીર
ભગવાન મહાવીર આ યુગના સૌથી પહેલા વૈજ્ઞાનિક અને પ્રખર મનોચિકિત્સક હતા. તેમણે માનવમનનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો તેથી ક્યારેય પોતાનો મત કોઈના પર પરાણે થોપ્યો નહીં. મેઘકુમાર મુનિ હોય કે ઇન્દ્રભૂતિ ગૌતમ, સૌને તર્કપૂર્વક સમજાવીને સમાધાન આપ્યું. આ ઉપરાંત તેઓ સમયના જ્ઞાતા હતા. પોતાના શાસનમાં જાતિવાદની બાદબાકી કરાવીને સંદેશ આપ્યો કે ‘મોક્ષ સર્વ જાતિમાંથી મળી શકે છે એટલે બાહ્ય જાતિને બદલે આત્માના ગુણોને મહત્ત્વ આપો. ભગવાન મહાવીરે ધર્મદેશના જીવમાત્રને લક્ષ્યમાં રાખીને આપી. માનવી જે ભૂમિકામાં હોય, જે પરિસ્થિતિમાં હોય ત્યાં રહીને ગ્રાઉન્ડ લેવલ પર પ્રૅક્ટિકલ રીતે અહિંસા જેવા ગુણોને કેવી રીતે જીવી શકાય એ બતાવ્યું. તેમણે કોઈ પણ સમાધાન વિના વ્યક્તિની સહનશક્તિ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને સંતુલિત જીવનશૈલીનો માર્ગ ચીંધ્યો, જેની નોંધ મોટા વિદ્વાનોએ પણ લીધી છે.
આપણે શું શીખવું? પોતાના વિચારો અન્યો પર જબરદસ્તી લાદવાને બદલે સામા માણસની ભૂમિકા અને મનોસ્થિતિ સમજીને વિવેકપૂર્ણ વ્યવહાર કરવો. ધર્મને માત્ર બાહ્ય આડંબરમાં નહીં પણ રોજિંદા જીવનમાં સંતુલન, સમાનતા અને સદાચાર સ્વરૂપે જીવવો.
પર્યુષણના પાવન પર્વે ભગવાન મહાવીરનું જન્મ-વાંચન ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તેમના જીવનનાં આ રહસ્યો આપણા આચરણમાં ઊતરે. નિર્ભયતા, વડીલોનો વિનય, કૌટુંબિક સમજણ, ક્રોધ સામે ક્ષમા, પ્રતિકૂળતામાં સમતા અને સર્વ જીવો પ્રત્યે સદ્ભાવ આ જ સાચો મહાવીર-માર્ગ છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા
આજે રાતનાં વ્યાખ્યાન
શ્રી ગુજરાતી કેળવણી મંડળ - માટુંગા
આજના વક્તા : ડૉ. રમઝાન હસણિયા. વિષય : ગુરુઃ ધ ગેમ ચેન્જર. સ્થળ : શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ. સમય : રાત્રે ૯ વાગ્યાથી.
આશાદીપ ચૅરિટેબલ ટ્રસ્ટ
આજના વક્તા : સ્વપ્નિલ કોઠારી, વિષયઃ જૈન ધર્મ કે સહીં અર્થ મેં છૂપી હૈ માનવજીવન કલ્યાણ કી અનંત સંભાવના. સ્થળ : નાણાવટી ઑડિટોરિયમ, ડૉ. બાલાભાઈ નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ). સમય : રાત્રે ૯થી ૧૦.
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
આજના વક્તા : પંડિત અનુભવ જૈન, વિષય : જિન-નીતિ. વક્તા : ડૉ. એસ. પી. ભારિલ્લ, વિષય : કર્મો સે કૈસે છૂટેં. સ્થળ : ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય : રાત્રે ૮થી ૯.૩૦.
આવતી કાલ સવારનાં વ્યાખ્યાન
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
વક્તા : પંડિત અનુભવ જૈન, વિષય : જૈન તત્ત્વ-વિદ્યા, વક્તા : ડૉ. એસ. પી. ભારિલ્લ, વિષય : અમૂલ્ય મનુષ્ય ભવ. સ્થળ : ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય : સવારે ૮.૩૦થી ૧૦.૧૫.
- પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજયસાગરસૂરિજી મહારાજસાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુલબોધિવિજયજી મહારાજસાહેબ
