આ ટનલોમાં હિઝબુલ્લાના વિશિષ્ટ બદર યુનિટનું કમાન્ડ સેન્ટર તેમ જ શસ્ત્રોના સંગ્રહસ્થાન અને રહેઠાણની સુવિધાઓ હતી
વિસ્ફોટકોથી સર્જાયેલું દ્રશ્ય
ઇઝરાયલે ૧૧૦૦ કિલો વિસ્ફોટકોથી હિઝબુલ્લાની મુખ્ય ભૂગર્ભ ટનલ નેટવર્કનો નાશ કર્યા પછી સાઉથ લેબૅનનમાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હોવાના અહેવાલ મળ્યા છે. આ મુદ્દે ઇઝરાયલી સૈન્યે જણાવ્યું હતું કે ‘વ્યૂહાત્મક અલી અલ-તાહેર પર્વતમાળા નીચે બે કિલોમીટરથી વધુ લાંબી ટનલોમાં મિસાઇલો, ડ્રોન અને અન્ય શસ્ત્રો રાખવામાં આવ્યાં હતાં. આ ટનલોમાં હિઝબુલ્લાના વિશિષ્ટ બદર યુનિટનું કમાન્ડ સેન્ટર તેમ જ શસ્ત્રોના સંગ્રહસ્થાન અને રહેઠાણની સુવિધાઓ હતી, જે ફાઇટર્સને લાંબા સમય સુધી ભૂગર્ભમાં રહેવાની ક્ષમતા પૂરી પાડતી હતી.’
લેબૅનનની સમાચાર એજન્સીએ પર્વતમાળા પર મોટા વિસ્ફોટ થયા હોવાનો અહેવાલ આપ્યા પછી અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે આ વિસ્તારમાં ભૂકંપ નોંધ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આસપાસના પ્રદેશમાં ધ્રુજારી અને શક્તિશાળી ગડગડાટ અનુભવાયો હતો. ઇઝરાયલી વિસ્ફોટથી ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની તાત્કાલિક પુષ્ટિ થઈ નથી.
