સૌકોઈ પોતપોતાની ફરજને ધર્મ બનાવીને એનું પાલન કરતા જાય અને આવું બને ત્યારે જીવન દોહ્યલું બનતું અટકે, સંસાર પોતે સ્વર્ગમાં ફેરવતો જાય એ લટકામાં
પ્રતીકાત્મક તસવીર
પાંચ ફુટની કાયાને પંદર ફુટના ખાડાને ઓળંગી જવા માટે કેટલા ઇંચની છાતી હોવી જરૂરી છે એનો ખ્યાલ આપણને ભલે ન હોય, લકવાગ્રસ્ત પગે હિમાલયના શિખર પર પહોંચી જવા હૈયામાં કેવો અદમ્ય ઉત્સાહ હોવો જોઈએ એનો ખ્યાલ પણ આપણને ભલે ન હોય, દુઃખના સમયમાં પણ ચહેરાને સ્મિતસભર રાખવા મનોબળ કેટલું મક્કમ રાખવું જોઈએ એનો ખ્યાલ આપણને ભલે ન હોય, સુખના સમયમાં પ્રાપ્ત સામગ્રીઓના સદુપયોગમાં સાગરનાં વાંભ-વાંભ ઊછળતાં મોજાંઓનેય શરમાઈ જવું પડે એવા ઉમંગથી કૂદી પડવા કઈ ક્ષમતા જોઈએ એનો ખ્યાલ આપણને ભલે ન હોય; પણ સ્વાર્થ કરતાં સ્નેહને, રાગ કરતાં પ્રેમને અને પ્રેમ કરતાં વિશ્વાસને વધુ મહત્ત્વ આપવા કઈ તાકાત જોઈએ એનો તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ, એની અલપઝલપ સમજ તો આપણી પાસે હોવી જ જોઈએ, એની સંવેદના તો આપણા હૃદયમાં ધબકતી હોવી જજોઈએ.
કારણ? આ તાકાત, સમજ અને સંવેદનાનો આપણને રહેતો ખ્યાલ શક્ય છે કે આપણામાં પણ કાલે આ બધું કરવાનું સત્ત્વ પ્રગટાવી દે.
વાત કરીએ એવા જ એક સ્વજનની જે સમજ અને સંવેદનાને ક્યારેય ભૂલ્યા નહીં અને એટલે જ સત્ત્વના પ્રકાશે તેમને પોતાનાથી દૂર રાખ્યા નહીં.
તે ભાઈની વય આજે તો હશે કદાચ ૬૦-૬૫ની આસપાસ.
કલકત્તાના એ મહાશયનો પંદર વરસથી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ થયો અને એ પછી તેમણે કદાચ એક મિશન જ બનાવી લીધું - વિશ્વાસ મૂકતા રહેવાનું અને છેતરાવું પડે તો છેતરાઈ જવા સજ્જ રહેવાનું. હા, આ જ તેમનું મિશન અને એ પણ અવિરત મિશન.
‘મશીન જડ હોવા છતાં આપણે જો એના પર વિશ્વાસ મૂકી જ દઈએ છીએ તો માણસ તો ચૈતન્યતત્ત્વ છે. તેના પર વિશ્વાસ મૂકી દેતાં આપણે ડરતા જ રહેવાની શી જરૂર છે?’
આ તેમની દૃઢ વિચારધારા જ અને એનો અમલ સ્વજીવનમાં સતત ચાલુ અને સતત અમલીય.
રિક્ષામાં જ્યારે પણ તેમને બેસવાનું થાય છે, રિક્ષા-ડ્રાઇવરને તેઓ ભાડા કરતાં વધુ જ પૈસા આપે છે. એટલું જ નહીં, ક્યારેક તો ૫૦૦ રૂપિયા વધારાના આપીને કહે પણ છે...
‘કોઈ કમજોર, ગરીબ કે અસમર્થ તારી રિક્ષામાં બેસે તો તેની પાસેથી પૈસા ન લેતાં આ રકમમાંથી પૈસા કાપી લેજે.’
તો ક્યારેક કો’ક પરિચિત રિક્ષાવાળાને આ ભાઈ ખાસ ટકોર કરે...
‘કોઈ પણ જરૂરિયાતમંદને રિક્ષામાં ફ્રીમાં લઈ જવા અને એ તમામની જે પણ ૨કમ થાય એ મારી પાસેથી લઈ લેવી.’
‘પછી તમે માનો નહીં તો?’
એક ઓળખીતા રિક્ષાવાળાએ સામો સવાલ કર્યો એટલે તરત જ ૫૦૦-૫૦૦ની બે નોટ કાઢીને તેના હાથમાં મૂકી દીધી.
‘આ ઍડ્વાન્સ આપી દીધા. આ પૂરા થાય એટલે બીજા લેવા આવી જજે, પણ જે જરૂરિયાતમંદ હોય તેમની પાસેથી પૈસા લેતો નહીં.’
જે દિવસે તેમણે પૈસા આપ્યા એ દિવસે એક અન્ય શ્રાવક પણ તેમની સાથે હતા. રિક્ષાવાળો ગયો એટલે પેલા શ્રાવકે તે ભાઈને કહ્યું...
‘તે રિક્ષાવાળો આવીને ખોટું બોલશે કે પેલા પૈસા જરૂરિયાતમંદવાળા લોકોમાં પૂરા થઈ ગયા તો...’
‘તો આપી દઈશ બીજા હજાર રૂપિયા...’ પેલા ભાઈએ સહર્ષ જવાબ આપ્યો અને પેલા શ્રાવકના મનમાં આવેલી શંકા દૂર કરતાં કહી પણ દીધું, ‘તે ખોટું બોલે છે કે નહીં એની તપાસ કરવી એ મારો વિષય નથી, મારું કર્મ નથી. મારે મારું કર્મ કરવાનું. જો હું હૃદયપૂર્વક કર્મ કરીશ તો સામેની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક પોતાનો ધર્મ નિભાવશે.’
માણસ હંમેશાં અન્યના કાર્યના પ્રમાણપત્રની અપેક્ષા રાખતો હોય છે; પણ આ ભાઈ, તે તો માત્ર પોતાની જવાબદારીઓનું વહન કરે છે અને જે જવાબદારીનું નિષ્ઠા સાથે વહન કરે તેમની સાથે ક્યારેય ખોટું નથી થતું હોતું. વિશ્વાસ ન આવતો હોય તો એક વખત તે ભાઈની જેમ જ તમે પણ જવાબદારીપૂર્વક કર્મ કરવાનું શરૂ કરી દો. એ કર્મની ખુશ્બૂ અને ધર્મની થતી માવજત તમારી આંખ સામે આવીને ઊભી રહી જશે.

