મંડપેશ્વરમાં એક છે ‘મંડપ’ અને બીજું ‘ઈશ્વર’ જેનો અર્થ મંડપમાં બિરાજમાન ઈશ્વર એવો થાય છે
યુનિક-આઇકૉનિક
મંડપેશ્વર ગુફા
બોરીવલીમાં ફરવાલાયક કુદરતી સ્થળોનાં નામ બોલીએ તો નૅશનલ પાર્ક અને કાન્હેરી ગુફાઓનું નામ અચૂક આવે, પણ બહુ ઓછા લોકોના મોઢે મંડપેશ્વરની ગુફાઓનું નામ ચડે. કોઈક કારણસર આ ગુફાઓને જોઈએ એવી ખ્યાતિ નથી મળી. આ સ્થળના ઇતિહાસમાં આજે બેમત પ્રવર્તે છે. કોઈક કહે છે કે આ મૂળે બૌદ્ધ ગુફાઓ હતી અને કોઈને આ શૈવ ગુફાઓ લાગે છે. બન્ને પાસે આ વાતને સાબિત કરવાના તર્કો છે ત્યારે ચાલો જોઈએ શું છે આ ‘ઈશ્વરના મંડપ’ તરીકે ઓળખાતી છઠ્ઠી સદીની ઐતિહાસિક ઇમારતમાં
ADVERTISEMENT
શિવના સમયે ડ્રમ જેવાં સંગીતવાદ્યો પણ હતાં એનું કોતરણીમાં નિરૂપણ.
આમ તો મુંબઈની ગુફાઓની વાત આવે એટલે આપણને પહેલાં તો એલિફન્ટા કેવ્સ કે બોરીવલીના નૅશનલ પાર્કમાં આવેલી કાન્હેરી ગુફાઓ અને વધી-વધીને જોગેશ્વરીની મહાકાલી ગુફાઓ યાદ આવે, પણ આની વચ્ચે આપણે આવતાં-જતાં જેને નિહાળી શકીએ એવું એક મજાનું સ્થળ તો ચૂકી જ જઈએ છીએ અને એ છે નાનકડી પણ મહત્ત્વની એવી મંડપેશ્વરની ગુફાઓ. આ ગુફાઓ બોરીવલી પશ્ચિમમાં IC કૉલોની અને LIC કૉલોનીના રહેણાક વિસ્તારની નજીક આવેલી છે. એમ કહો કે બોરીવલી રેલવે-સ્ટેશનથી થોડે જ દૂર છે એટલે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બન્ને માટે અનુકૂળ સ્થળ છે. એક નાની ટેકરી પર આવેલી આ ગુફાઓ બોરીવલીના શહેરી વિસ્તારોથી ઘેરાયેલી હોવા છતાં એ શાંતિ અને એકાંતની ભાવનાને ઉત્તેજિત કરે છે. ગુફાનું સંકુલ મહારાષ્ટ્રનાં અન્ય રૉક-કટ સ્મારકોની તુલનામાં પ્રમાણમાં નાનું છે, પરંતુ એનું ઐતિહાસિક મહત્ત્વ અને આકર્ષણ નિર્વિવાદ છે.
લુડો જેવી રમતો દીવાલ પર રમાતી.
આ ગુફાઓની વિશેષતા એ છે કે રસ્તે ચાલતાં જોવા મળતી ઇમારતો અને દુકાનોની જેમ રસ્તે હાલતાં-ચાલતાં સરળતાથી જોવા મળે છે અને આ જ કદાચ એનું દુર્ભાગ્ય પણ છે. આ ગુફાઓ જો થોડા અંદરના વિસ્તારમાં હોત તો એને જેવું પબ્લિક અટેન્શન મળવું જોઈતું હતું એ મળી જાત. રસ્તાની બાજુમાં પગપાળા ચાલીને જઈ શકીએ એવાં જાહેર સ્થળોની ભલા આપણે કદર થોડી કરીશું. જોકે કુદરતી ખજાનાના આશિકો અને ઇતિહાસ ફંફોસનારા લોકો માટે એના ઐતિહાસિક મહત્ત્વને લીધે આ સ્થળ ખૂબ મોંઘી મિરાત સાબિત થયું છે એટલે જ લોકો સમયાંતરે અહીં ન કેવળ મુલાકાત લે છે, અહીં નેચર-લવર્સ ભેગા મળીને નેચર-વૉક કરવા પણ આવે છે. આવા જ નેચર-લવર અને વર્ષોથી બોરીવલીની આસપાસ રહેલા વિસ્તારો કાંદરપાડા, દહિસર, મંડપેશ્વર કેવ્સ જેવી જગ્યાઓના કુદરતી સૌંદર્યનો ઊંડો અભ્યાસ કરનાર, પ્રાચીન ઇતિહાસના અભ્યાસુ એવા શ્રીકાંત સોમણ આ ગુફાઓ વિશે વાત કરતાં કહે છે, ‘કાન્હેરી, એલિફન્ટા, અજંતા-ઇલોરાની અન્ય ગુફાઓથી વિપરીત એના અસ્તિત્વ પછીની ૧૫ સદીઓના સમયગાળાની ઘણી ઐતિહાસિક ઘટનાઓ અને સંઘર્ષોની સાક્ષી છે મંડપેશ્વર ગુફાઓ. આ ગુફાઓનું નિર્માણ છઠ્ઠી સદીની આસપાસ બૌદ્ધ સાધુઓ થયું હતું, એ પછીથી એ ભગવાન શિવના પૂજાસ્થળમાં ફેરવાઈ ગયું હતું. પછીથી પોર્ટુગીઝ લોકોએ એને ૧૫૪૦ની આસપાસ કબજે કર્યું અને એને ખ્રિસ્તી ચૅપલ અને પ્રાર્થના-હૉલમાં રૂપાંતરિત કર્યું. એ પછી અંગ્રેજો આવ્યા અને આ જગ્યાને મુંબઈની ભેટ તરીકે સ્વીકારી. ત્યાર બાદ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં યોદ્ધા પેશવા ચિમાજી અપ્પાના નેતૃત્વમાં મરાઠાઓ આવ્યા જેમણે આ ગુફાઓને અંગ્રેજોથી મુક્ત કરાવી અને હિન્દુ ભગવાન શિવની પૂજા માટે પુનઃ સ્થાપિત કરી. પછીથી ૧૮૨૦ની આસપાસ મરાઠાઓના પતન પછી આ સ્થળ ફરીથી અંગ્રેજોના હાથમાં આવી ગયું. બાદમાં એનો ઉપયોગ સૈનિકો માટે ટ્રાન્ઝિટ કૅમ્પ તરીકે પણ થતો હતો. જોકે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં એની સંપૂર્ણ ઉપેક્ષા થઈ. વીસમી સદીના પહેલા ભાગમાં એની રુચિ પુનર્જીવિત થઈ અને ભગવાન શિવની પૂજા પુનઃ સ્થાપિત થઈ. પછીથી વીસમી સદીના ઉત્તરાર્ધમાં, આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI) દ્વારા એનો કબજો લેવામાં આવ્યો. એક રીતે જોઈએ તો મંડપેશ્વર ગુફાઓ બહુ નાટકીય ઇતિહાસ ધરાવવા બદલ પણ ઐતિહાસિક બની જાય છે.’
શિવ-પાર્વતીનાં લગ્ન અને તેમની પાછળ શિવગણ દર્શાવતી કોતરણી.
‘મંડપેશ્વર’નું નામકરણ
આ ગુફામાં પ્રવેશતાં જ મોટો મંડપ જોવા મળે છે. મંડપેશ્વરમાં એક છે ‘મંડપ’ અને બીજું ‘ઈશ્વર’ જેનો અર્થ મંડપમાં બિરાજમાન ઈશ્વર એવો થાય છે. વર્ષોથી મુંબઈ અને આસપાસમાં ગુફાઓ, કિલ્લાઓ અને હેરિટેજ સ્થળોની મુલાકાત ઑર્ગેનાઇઝ કરતા ‘આરંભ હેરિટેજ’ના ઇન્ડોલૉજિસ્ટ નવીન કિશોર મ્હાત્રે કહે છે, ‘છઠ્ઠી સદીમાં કોંકણમાં વાકાટક ડાયનેસ્ટી હેઠળ અજંતાની ગુફાઓ બંધાયેલી. એ સમયમાં કલ્ચુરી નામની ડાયનેસ્ટી પણ હતી જે મોટા ભાગે પાશુપત શૈવીઝમમાં માનતી હતી. ઇલોરાની ગુફાઓમાં તેમનું પ્રભુત્વ જોવા મળે છે. એ સમયે કોંકણમાં ચાંદી-તાંબાના સિક્કા પ્રાપ્ત થયા હતા. એ લોકો પોતાને ‘પરમ માહેશ્વર’ અથવા ‘માતૃપિતૃ પદ્ધ્યાતમ શ્રીકૃષ્ણ રાજ’ ગણાવતા. તેમના રાજાના કૉઇન પર બ્રાહ્મી લિપિમાં આવું લખેલું છે. એનો અર્થ એવો થતો કે અમે આજન્મ પશુપતિ એટલે કે શિવનો આશ્રય લઈશું. એ લોકોએ આખી છઠ્ઠી સદી મુંબઈમાં રાજ કર્યું. મંડપેશ્વર છઠ્ઠી સદી પછી રચાયેલું છે. એમાં અમુક સ્ટ્રક્ચર્સ એવાં જોવા મળે છે જે આ સમય પહેલાં પણ આ ગુફાઓમાં કાર્વિંગ થયું હોઈ શકે એનો પુરાવો આપે છે. ગુફાની એક બાજુનું આવું કાર્વિંગ કાન્હેરી કેવ્સની અગિયાર નંબરની ગુફા સાથે મળે છે એટલે એવું લાગે છે. આ ‘કેવ ટેમ્પલ’ હોવાને લીધે અહીં પૂજા થાય છે.’
ગુફામાં આવેલું શિવમંદિર.
અલગાવવાદની સાક્ષી ગુફાઓ
મંડપેશ્વર ગુફાઓનું બાંધકામ જોઈએ તો જોગેશ્વરી ગુફાઓ અને એલિફન્ટા ગુફાઓની વચ્ચેના સમય અને કલાકૃતિની દૃષ્ટિએ ત્યાંની મૂર્તિ પણ વચ્ચેના સમયગાળાની સાક્ષી પુરાવે છે. આ વાતમાં જોકે બેમત પ્રવર્તે છે. આ વિશે શ્રીકાંત સોમણ કહે છે, ‘હકીકતમાં આ સ્થાન કાન્હેરી ગુફાઓથી લગભગ ૧૦ કિલોમીટર જેટલું જ દૂર છે. એટલે કે પર્વતની દૃષ્ટિરેખા પર જોઈએ તો આ ગુફાઓ દેખાતી હશે. હાલમાં તો વચ્ચેની ઊંચી ઇમારતોને લીધે એ દેખાતું નથી. પ્રાચીન સમયમાં કાન્હેરી ગુફાઓના સાધુઓ જંગલમાંથી પસાર થતાં આ સ્થળોએ અવારનવાર આવતા હતા. આ ગુફાઓ વાસ્તવમાં કાન્હેરી ગુફાઓના એવા સાધુઓ દ્વારા કોતરવામાં આવી હતી જેઓ મુખ્ય પ્રવાહના જૂથથી અલગ થઈ ગયા હતા અને અહીં તેમણે પોતાના અલગ જૂથની સ્થાપના કરી હતી (કારણો હજુ અજાણ્યાં છે. મને લાગે છે કે આવું કદાચ એટલે હતું કે તેઓ બૌદ્ધ ધર્મના અલગ માર્ગને અનુસરતા હતા). આ ગુફાઓમાં મૂળ રૂપે તો ચિત્રોનો એક હૉલ હતો, જેમાં બુદ્ધની જીવનકથા દર્શાવવામાં આવી હતી. પછીથી આ ચિત્રો ભૂંસી નાખવામાં આવ્યાં અથવા પોર્ટુગીઝોએ એને ખતમ કર્યાં હતાં.’
આ વિશે એક જુદો મત દર્શાવતાં નવીન મ્હાત્રે કહે છે, ‘આમ જુઓ તો મુંબઈના આ પરામાં લગભગ ૨૦૦થી વધારે ગુફાઓ છે. એમાંની મોટા ભાગની ૧૧૦ જેટલી કાન્હેરી ગુફાઓમાં જ છે અને મહાકાલી બાજુ બીજી ૨૦-૨૫ જેવી જોવા મળે છે. જોગેશ્વરી, મંડપેશ્વર અને એલિફન્ટા ગુફાઓ શૈવ સંપ્રદાયની છે. શૈવમાં પણ ખાસ પાશુપત સંપ્રદાયને એ દર્શાવે છે, જેના આચાર્ય લકુલીશ હતા. તેમને શૈવનો ૨૮મો અવતાર માનવામાં આવતો. તેમનો જન્મ ગુજરાતનાં કાયાવરોહણ નામના ગામમાં થયેલો માનવામાં આવે છે. તેમણે જ આ તત્ત્વજ્ઞાન આ ગુફાઓમાં મૂક્યું છે. જો આ ફિલોસૉફી ખબર ન હોય તો તમે એને સમજી ન શકો. મુંબઈમાં ગુફાઓ એક ત્રિકોણ રચે છે, જેમાં જોગેશ્વરી–મંડપેશ્વર અને ઘારાપુરી એટલે કે એલિફન્ટા કેવ્સનો સમાવેશ થાય છે. ઘારાપુરીનું મૂળ નામ શ્રીપુરી છે અને અંગ્રેજો આવ્યા બાદ ત્યાં મૂકેલી વિશાળ હાથીની પ્રતિમા પરથી એને એલિફન્ટા કેવ્સ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણની બીજી વિશેષતા એ છે કે એ શૈવ સંપ્રદાયને ખાસ કરીને સૌથી પ્રાચીન એવા પાશુપત સંપ્રદાયને અનુસરે છે. આ સિવાયની બધી ગુફાઓ બૌદ્ધ ધર્મને અનુસરે છે. આ મંદિરોમાં અત્યારે સંન્યાસીઓ તો નથી, પણ આ ત્રણેય મંદિરોમાં આજે પણ પૂજા થાય છે. એને ‘કેવ ટેમ્પલ’ કે લિવિંગ ‘કેવ ટેમ્પલ’ પણ કહે છે. જોગેશ્વરીનો સમય લગભગ ૫૫૦થી ૫૭૫નો અને એ પછી મંડપેશ્વરનો ૬ સેન્ચુરી આસપાસનો છે. મંડપેશ્વરની એક રસપ્રદ વાત એ છે કે પોર્ટુગીઝોએ એને જીત્યા બાદ ત્યાં યોગી અને સંન્યાસીઓ રહેતા હતા તેમને ભગાડી કે મારી નાખવામાં આવ્યા હતા એવું લેખિત વર્ણન મરાઠી પુસ્તકો ‘વસઈચી મોહિમ’ અને ‘સાષ્ટીચી વખર’ નામના પુસ્તકોમાં જોવા મળે છે.’
ઇતિહાસકાર નવીન મ્હાત્રે.
ગુફાની વિશિષ્ટતાઓ
આ ગુફાઓનું વિશિષ્ટ લક્ષણ લકુલીશનું શિલ્પ છે. તેઓ અગ્રણી શૈવ પુનરુત્થાનવાદી સુધારક અને શૈવ ધર્મના સૌથી જૂના સંપ્રદાયોમાંના એક, પાશુપતના સિદ્ધાંતના ઉપદેશક પણ હતા. શ્રીકાંતભાઈ ઉમેરે છે, ‘ગુફાઓમાં તેમની હાજરીને લીધે ત્યાં કરવામાં આવતી પૂજામાં ધરમૂળથી ફેરફાર થયો. આ ગુફાઓની એક ખૂબ વિશિષ્ટ વિશેષતા એની જળસંગ્રહ પદ્ધતિ છે. અહીં એક ભૂગર્ભ ટાંકી છે જે ગુફાઓની પથ્થરની દીવાલો પર કોતરેલી ચૅનલોમાંથી પાણી એકત્રિત કરે છે. ગુફાની જમીન પર ‘યોનિ’ જેવા દેખાતા આકારનું કોતરકામ જોવા મળે છે. ગુફાઓમાં એનું સ્થાન રસપ્રદ છે. જોકે આમાં આ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા વધુ સંશોધનની જરૂર છે. આ સિવાય એક સ્થાનિક દંતકથા પણ છે કે કાન્હેરી ગુફાઓને મંડપેશ્વર ગુફાઓ સાથે જોડતી ભૂગર્ભ ટનલ છે જે મંડપેશ્વર ગુફાઓથી બે કિલોમીટર દૂર પશ્ચિમ બાજુએ સમુદ્ર સુધી લંબાયેલી છે. જોકે આના કોઈ નક્કર પુરાવા ઉપલબ્ધ નથી, પરંતુ આ દિશામાં શોધખોળ માટે કોઈ ગંભીર પ્રયાસ કરવામાં આવ્યા હોય એવુંય નોંધાયું નથી.’
ગર્ભગૃહ અને શિલ્પો
મંડપેશ્વરમાં બે શિલ્પો બહુ જાણીતાં છે. એના વિશે વાત કરતાં નવીનભાઈ કહે છે, ‘એક તો નટરાજ શિલ્પ છે, જેમાં નૃત્ય કરતા શિવની પ્રતિમા કોતરાયેલી છે. આવાં શિલ્પો તમને ઘારાપુરી, જોગેશ્વરી અને એલિફન્ટામાં પણ જોવા મળે છે. એમાં આઠ હાથ જોવા મળે છે; આ શિલ્પમાં આઠ હાથમાંથી બે હાથમાં અગ્નિ, એકમાં ત્રિશૂળ, એકમાં પાત્ર અને બે હાથ નૃત્યમુદ્રામાં જોવા મળે છે. સાથે ઇતર ગણ પણ જોવા મળે છે; જે શિવને ડમરુ, ઢોલ, ઝાંઝ વગેરે લઈને સાથ દે છે. આમાં સાથ આપવા યક્ષ, ગાંધર્વ, ગણપતિ, બ્રહ્મા વિષ્ણુ જોવા મળે છે. બીજું શિલ્પ છે જેમાં આચાર્ય લકુલીશની મૂર્તિ હતી, જે કદાચ પોર્ટુગીઝના સમયની હશે. અહીં વિષ્ણુ, બ્રહ્મા, કાર્તિકેય વગેરેનાં સ્ટ્રક્ચર જોવા મળે છે.’
ગુફામાં જતાં જ એમાં બાજુમાં ગર્ભગૃહ જોવા મળે છે. એ વિશે વાત કરતાં નવીનભાઈ કહે છે, ‘આ ગર્ભગૃહમાં આજેય પૂજા થાય છે. એના દ્વારમાં ડિઝાઇન જોવા મળે છે. એની આસપાસ ઓરડા છે. છઠ્ઠી શતાબ્દી પછી જ્યારે પોર્ટુગીઝો અહીં આવ્યા હતા ત્યારે તેમણે અહીંના સાધુઓને મારી-ભગાડીને આ ગુફા કબજે કરેલી. આનું ભૌગોલિક સ્થાન જોશો તો એ માઉન્ટ પોઇસર તરીકે ઓળખાય છે. એ લોકોએ ત્યારે ગુફાના સારા સ્કલ્પ્ચરને તોડીને એને ચર્ચમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરેલો અને એના પુરાવા છે આપણી પાસે. એમાં જે સ્કલ્પ્ચર છે એને પોર્ટુગીઝ પિરિયડમાં જ ખંડિત કરવામાં આવેલું. નટરાજ સ્કલ્પ્ચર સામે ચર્ચ કે લાકડાનું ક્રૂઝ લગાડીને ત્યાં પ્રાર્થના થતી. ત્યાં સુધી કે અહીં કન્વર્ટ કરવાનો પ્રયાસ પણ થતો હશે અને નવા કન્વર્ટ થયેલા લોકોને ધર્મ સમજાવવાનો પ્રયાસ પણ થતો. જોકે બાજીરાવ પેશવાના ભાઈ ચિમાજી અપ્પાજીએ આ ચર્ચને તોડીને મંડપેશ્વરનો ફરી જીર્ણોદ્ધાર કર્યો. આ કોતરણી મંડપેશ્વર કેવ્સની ડાબી બાજુ જોવા મળે છે. ૧૭૩૯માં આ થયેલું. એ પછી અહીં હજી પણ શૈવપૂજા ચાલુ છે.’
મેં અહીં એક વસ્તુ નોંધી છે જે છે લુડો જેવી દેખાતી એક રમત. અહીં આવી કેટલીક અન્ય રમતની કોતરણીઓ પણ જોવા મળે છે. આ એક રસપ્રદ વાત છે કે અહીંના સાધુઓ શું આવી કોઈ ટાઇમપાસ રમતો રમતા હશે? આના પર હજીયે શોધખોળની જરૂર છે, કારણ કે આના પર નિષ્ણાતો વધુ ધ્યાન નથી આપતા. – શ્રીકાંત સોમણ