બોરીવલી-ઈસ્ટના શ્રી મોટા અંબાજી આશ્રમને ૭૫ વર્ષ પૂરાં થયાં છે. દર અખાત્રીજે આ મંદિરનો પાટોત્સવ ઊજવાય છે. અમૃત મહોત્સવ નિમિત્તે આ મંદિર પાંચ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જાણીએ એની અનોખી ગાથા
બોરીવલી-ઈસ્ટમાં આવેલાં મોટા અંબાજી માતા
જગતજનની, જગદંબા, આદ્યશક્તિ, પરાશક્તિ, પરામ્બા, અંબા... એક સર્વોપરી શક્તિસ્વરૂપમાંથી જ માનાં અનેક સ્વરૂપ પ્રગટ થયાં છે. સ્વરૂપ જુદાં, નામ જુદાં, આયુધ જુદાં, શણગાર જુદા; પરંતુ માની અનુભૂતિ તેના ભક્ત માટે સમાન જ રહે છે. આવું જ એક અત્યંત સુંદર, સૌમ્ય, આશીર્વચની અને દુર્લભ ‘રુદ્રાણી’ સ્વરૂપ બોરીવલી-ઈસ્ટમાં આવેલાં મોટા અંબાજી માતાનું છે. અહીં અષ્ઠભુજાળી અંબામા ભક્તો માટે હાજરાહજૂર છે. નૉર્થ મુંબઈનું સૌથી મોટું અને પુરાણું ગણાતું આ અંબાજીધામ સમગ્ર મુંબઈ અને ગુજરાત સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ધામ છે. અહીં દર પૂનમે અને આસો તથા ચૈત્ર મહિનાની નવરાત્રિમાં હજારોની સંખ્યામાં ભક્તો માનાં દર્શને આવે છે તો ભાદરવી પૂનમે સમગ્ર મુંબઈ અને ગુજરાતથી પગપાળા આવતા યાત્રીઓથી મંદિર ઊભરાય છે. અહીં આવનારા હજારો ભક્તો માને છે કે ઘર, સંતાન, ધન, ઐશ્વર્ય, સ્વાસ્થ્ય જે માગો એ મા આપે જ છે.
ADVERTISEMENT
અખંડ જ્યોત
૧૯૫૦માં બોરીવલી-ઈસ્ટમાં કાર્ટર રોડ નંબર ૩ પર શ્રી મોટા અંબાજી આશ્રમ નામનું મંદિર બંધાયું હતું જ્યાં માના પ્રતીક સ્વરૂપે ૫૧ શક્તિપીઠોમાંના એક એવા ગુજરાતના અંબાજીના ગબ્બર પર્વત પર માં પ્રજ્વલિત અખંડ જ્યોત ૧૯૫૧માં લાવવામાં આવી હતી. એ છેલ્લાં ૭૫ વર્ષથી અખંડ પ્રગટે છે. આ મંદિરને ૭૫ વર્ષ થયાં છે અને એની અમૃત મહોત્સવની પાંચ દિવસની ઉજવણી ચાલી રહી છે.
૭૫ વર્ષથી પ્રજ્વલિત અખંડ જ્યોત.
જોકે અંબામાતા મુંબઈમાં આવીને વસ્યાં એની પાછળ પણ ખૂબ રસપ્રદ વાત છે. આ મંદિરના આદ્યસ્થાપક ગુરુદેવ રણછોડલાલ જાની મૂળ સૌરાષ્ટ્રના મહુવા તાલુકાના દુધાળા ગામના વતની હતા. અંબામાના ભક્ત અને હઠયોગી એવા ગુરુદેવ માને પામવા ફરતાં-ફરતાં ૧૯૪૭ની સાલમાં મુંબઈ આવીને બોરીવલીમાં સ્થાયી થયા. તેમનાં તપ અને સાધનાના બળે માની ઉપાસના શરૂ કરી. ૧૯૫૦માં તેમણે એક જ પથ્થરમાંથી અંબાજીની મૂર્તિ જયપુરના મૂર્તિકાર પાસે બનાવડાવી. તેમણે માને કહ્યું કે મા, તું જનકલ્યાણ માટે અહીં બિરાજ. માને વીનવવા માટે તેમણે એક વર્ષ સુધી હઠયોગ કર્યો જેના ભાગરૂપે ગુરુદેવે તેમનું આખું શરીર માટીથી ઢાંકીને એના પર જ્વારા વાવ્યા હતા જેને કારણે શરીરમાં ઝેર પ્રસરી જતાં ડૉક્ટર અને પરિવારજનોએ હઠયોગ છોડવા કહ્યું, પરંતુ છોડી દેવાય તો એ હઠ શાની? બાવીસ દિવસની તપસ્યા બાદ છેવટે ત્રેવીસમા દિવસે માતાજીએ પ્રસન્ન થઈને તેમનું ત્રિશૂળ ગુરુદેવ પર પાડ્યું અને ત્યારથી માતાજીએ આ જ સ્થાને બિરાજવાનું વચન આપ્યું. એ દિવસે અખાત્રીજ હતી. ત્યારથી આ દિવસ મંદિરના પાટોત્સવ તરીકે ઊજવાય છે.
મંદિરના આદ્યસ્થાપક તપસ્વી અને હઠયોગી ગુરુદેવ રણછોડલાલ જાનીએ શરીર પર જ્વારા વાવીને અંબામાને પ્રસન્ન કર્યાં હતાં.
દુર્લભ ‘રુદ્રાણી’ સ્વરૂપ
ગુરુદેવ અંબાજીના ‘રુદ્રાણી’ સ્વરૂપના ઉપાસક હતા. આ સ્વરૂપની વિશિષ્ટતા એ છે કે એમ તો માતાજીની દરેક ભુજામાં આયુધ હોય અને તેમનો એક હાથ આશીર્વાદ આપતી મુદ્રામાં હોય, પરંતુ અહીં બિરાજતાં માતાજીએ આશીર્વાદ આપતા હાથમાં રુદ્રાક્ષની માળા ધારણ કરી છે જેથી એને માતાજીનું દુર્લભ એવું ‘રુદ્રાણી’ સ્વરૂપ માનવામાં આવે છે.
હાલમાં મંદિરનું વ્યવસ્થાપન સંભાળતા ગુરુદેવ રણછોડલાલના પૌત્ર મહંત જનકભાઈ જાની કહે છે, ‘કોઈ પણ રીતે ભક્તિ કરીએ, ખાસ કરીને માળા કરીએ તો એ ગુપ્ત રીતે થાય તો વધુ સારું. એથી આપણે પણ માળા કરીએ ત્યારે હાથ ઢાંકીને રાખીએ છીએ. મા તો વર્ષોથી માળા કરતાં હોવાથી તેમના હાથને હંમેશાં ઢાંકેલો રાખવામાં આવે છે. ક્યારેક સાડીના છેડા દ્વારા તેમના જમણા હાથને ઢાંકવામાં આવે છે તો ક્યારેક લાકડાનો બનાવેલો હાથ જેના પર સોનાનું પાણી ચડાવાયું છે એ પહેરાવીને આશીર્વચની મુદ્રામાં મા દર્શન આપે છે.’
મહંત જનકભાઈનું માનવું છે કે મા સતત માળા કરે છે જેને કારણે તેમનું તેજ દિવસે-દિવસે વધતું જાય છે. આ વાતને અહીં વર્ષોથી આવનારા લોકો પણ માન્યતા આપે છે. માતાજીના દર પાંચ વર્ષના ફોટોની સરખામણી કરીએ તો જાણે તેમના મુખના ભાવ અને તેજમાં રીતસરનો ફરક દેખાતો હોવાની અનુભૂતિ અનેક લોકોએ કરી છે.
ભક્તોની અખૂટ શ્રદ્ધા
વર્ષોથી અહીં રહેતા અને માતાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા અભિનવ ગોર કહે છે, ‘આ મંદિરનું એટલું સત છે કે તમારે માત્ર માના શરણે આવવાનું છે. માને કોઈ ચઢાવાની કે બાધામાં બાંધવાની પણ જરૂર નથી. બસ, માના બાળક બનીને તમારી મુશ્કેલી કે ઇચ્છા હોય એ કહી દેશો તો પણ મા તમારો બેડો પાર કરી દેશે. અમે તો બાળપણથી જ માના ખોળે રમ્યા છીએ. મારા પિતા સુરેશભાઈ તો કહેતા કે માનાં એક વાર દર્શન કરો તો માનો મોહ નહીં છૂટે.’
અભિનવભાઈએ નાનપણનો એક અનુભવ યાદ કરતાં કહ્યું, ‘એક કાકા મંદિરની આસપાસ જેટલી બહેનો દેખાય એ બધીને પગે લગતા. તેમને બધી બહેનોમાં માતાજીનાં દર્શન થતાં. એવું કહેવાતું કે તેમને અંબામાતાએ દર્શન આપ્યાં છે. જોકે તેમના આવા વર્તનને કારણે લોકો તેમને ગાંડો ગણતા. જોકે તેમને હવનના શ્લોક બોલતાં સાંભળો તો ભલભલા બ્રાહ્મણો પાછા પડી જાય. તેમની આવી અવસ્થામાં પણ માએ તેમને સાચવ્યા, તેમની નોકરી બચાવી અને તેમની શ્રદ્ધા ફળી.’
અભિનવભાઈનાં પત્ની દેવાંગીબહેન કહે છે, ‘અમારા ઘરમાંથી કોઈ બહાર નીકળે તો પહેલાં મંદિર જઈને જ આગળના કામે જાય. પાંચ મિનિટ પણ માનાં દર્શન કરીને, મંદિરમાં બેસીને જે આનંદ થાય છે એ અવર્ણનીય છે. અમારાં બાથી વધુ ચલાય એમ નથી છતાં ગાડીમાં બેસીને પણ માનાં દર્શન કરવા અચૂક આવે છે. માનું તેજ અને પ્રભાવ જ એવાં છે. અમને તો મા ડગલે ને પગલે અમારી સાથે જ હોવાનો અનુભવ કરાવે છે.’
સાક્ષાત્ દર્શન
ઘણા ભક્તોનું માનવું છે કે અહીં માનાં દર્શન કરતાં જાણે મા સાક્ષાત્ આપણી સામે ઊભાં હોય એવું લાગે એ સંદર્ભે સ્પષ્ટતા કરતાં જનકભાઈ કહે છે, ‘સામાન્ય રીતે એક સ્ત્રીની ઊંચાઈ સાડાપાંચ ફુટ હોય છે. આ મૂર્તિની ઊંચાઈ પણ સાડાપાંચ ફુટ જેટલી છે. જેટલું એક મહિલાના કાંડાનું માપ હોય એવડું જ માતાજીના હાથનું કાંડું છે. માનો શણગાર પણ એવી વિશેષ રીતે કરવામાં આવે છે જાણે માતાજી સાક્ષાત્ બિરાજમાન હોય એવું લાગે. માતાજીને આટલાં વર્ષોથી રોજ નવાં-કોરાં વસ્ત્રો જ પહેરાવવામાં આવે છે. માતાજીના ફોટોમાં દેખાતો ચંદનહાર તો હવે આઇકૉનિક બની ગયો છે.’
મંદિરને સમર્પિત પરિવાર
બોરીવલીના આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો છે, પરંતુ મૂર્તિ અને એનું સ્થાન ક્યારેય બદલાયું નથી. મંદિરનું સંચાલન કરતો પરિવાર પણ મંદિરની પાસે જ રહે છે. ગુરુદેવ રણછોડલાલ જાની ૧૯૭૪માં બ્રહ્મલીન થયા બાદ આશરે ૫૦ વર્ષ સુધી તેમના પુત્ર ગુરુદેવ પુષ્કરરાય જાનીએ મંદિરનું વ્યવસ્થાપન સંભાળ્યું છે. તેમણે ૨૦૨૨માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાની સાથે અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. ૨૦૨૪માં તેઓ બ્રહ્મલીન થયા. હવે તેમના નાના પુત્ર જનકભાઈ આ સુકાન સંભાળી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણીને મોટા પગારની નોકરી ધરાવતા જનકભાઈને તેમના પિતાએ કહ્યું હતું કે તમે નોકરી-ધંધાથી લાખો-કરોડો કમાશો, પણ મારાં માતાજીની સેવા કોણ કરશે? બસ ત્યારથી માતાજીની સેવા કાજે બધું છોડીને કર્મકાંડ અને સંસ્કૃતનું શિક્ષણ મેળવીને આજે જનકભાઈ સંપૂર્ણપણે મંદિરની પ્રવૃત્તિઓને સમર્પિત જીવન જીવે છે. ધર્માનુસાર મહંત તરીકેના નિયમો પાળતા આ પરિવારનો દરેક સભ્ય જાણે અનોખી આધ્યાત્મિક ઊંચાઈ ધરાવતો હોય એવો લાગે છે.
આ પરિવાર દાયકાઓથી માનવસેવાનાં કર્યો કરે છે. આજે પણ સાધુ-સંત કે સામાન્ય માણસ તેમના ઘરેથી ભૂખ્યો જતો નથી. અનેક જરૂરિયાતમંદોને આખા વર્ષનું અનાજ આપે છે, વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરે છે તથા મેડિકલ સહાય ઉપરાંત બીજી અનેક રીતે તેઓ સમાજને ઉપયોગી થતા રહ્યા છે. આગળ પણ માનવસેવા કરવાની સાથે ખાસ કરીને સંસ્કૃત ભાષા અને કર્મકાંડને પ્રોત્સાહન આપવા માટે તેઓ કટિબદ્ધ છે. એમાં આ પરિવારની મહિલાઓનો ફાળો પણ વિશેષ છે. તેઓ પરિવારની ભૌતિક જવાબદારીઓ નિભાવવાની સાથે માતાજીની સેવા કરવામાં પણ ક્યાંય કચાશ ન આવે એનું ધ્યાન રાખે છે.
જનકભાઈનાં પત્ની છાયા જાની કહે છે, ‘અમે તો માનો પરિવાર છીએ. અમારા ઘરના કણ- કણમાં માનો વાસ છે. ક્યારેક અચાનક કોઈ અત્તરની સુગંધની લહેર તમને કંપારી કરાવી દે, તો ક્યારેક આખા રૂમમાં માની હાજરી વર્તાતી હોય એમ ઠંડક ભરાઈ જાય. ઘરચોળું પહેરીને મા તેમના રૂમમાં જતાં હોય એવો ભાસ પણ અનેક લોકોને થયો છે. અમારા માટે આ કોઈ પરચો કે ચમત્કાર નથી. અમારા માટે તો અંબામા અમારી સાથે હોવાની અનુભૂતિ છે. લોકોની બાધા-માનતા ફળી હોય એવા સેંકડો પરચાના અમે રોજેરોજ સાક્ષી બનીએ છીએ.’
વિશાળ પરિવાર
જોકે આ મંદિરનો પરિવાર ઘણો મોટો છે, જેમાં ૪૦૦ યુવકોનું સ્વયંસેવક મંડળ અને માઈ મંડળ થકી અનેક સેવાભાવી ભક્તો જોડાયેલા છે. ઘણા લોકો તો પોતાની આસ્થા મુજબ સેવા આપે છે. કોઈ જળસેવા કરે તો કોઈ ફૂલ-હારની સેવા આપે છે. જ્યારે કોઈ પ્રસંગ કે નવરાત્રિ હોય ત્યારે તો આસપાસના લોકો માટે ઘરનો પ્રસંગ હોય એમ બધા કાર્યકરો સેવામાં જોડાઈ જાય છે. જેઓ ઘણા ઊંચા હોદ્દા પર કામ કરતા હોય તેઓ પણ મંદિરમાં કાર્યક્રમ હોય ત્યારે પગરખાં સાચવવાની સેવા આપે છે. મહંત જનકભાઈ જાની પાસે ભક્તોની ઘણી વાતો છે. એક મોટી કંપનીમાં સારા હોદ્દા પર કામ કરતા ભાઈનો દીકરો એક અકસ્માતમાંથી ઊગરી ગયો ત્યારથી તેઓ મંદિરમાં રોજ કચરો વાળીને સાફસફાઈ કરવાની સેવા આપી રહ્યા છે તો એક ભક્ત દુબઈ સ્થાયી થતાં પૂનમ ભરવા દુબઈથી સવારે ફ્લાઇટમાં આવીને દર્શન કરી રાતે પાછા ચાલ્યા જાય છે. મનમાં ધારેલી ઇચ્છા અહીં દર્શન કરવાથી કે એકી સંખ્યામાં પૂનમ ભરવાથી પાર પડે જ છે એવું દૃઢપણે માનનારા ભક્તો અસંખ્ય છે. અનેક જૈન ભક્તો પણ આ મંદિરમાં અખૂટ શ્રદ્ધા રાખતા હોવાથી દર્શન કરવા આવે છે. એક આવા જ ભક્ત જેમને અચાનક માંદગી આવી અને દુકાન પણ જતી રહી, બધી બાજુએથી મુશ્કેલી આવી ત્યારે તેમણે કોઈના કહેવાથી અહીં પૂનમ ભરવાનું શરૂ કર્યું અને તેમના જીવનમાં જાણે અચાનક બદલાવ આવ્યો. બધું થાળે પડ્યું અને એવું સરસ રીતે ગોઠવાઈ ગયું કે તેમણે દુકાનનો કારભાર દીકરાને આપીને બાકીનું જીવન માને સમર્પી દીધું.
સેલિબ્રિટી ભક્તો
સેલિબ્રિટીઝને પણ આ મંદિરમાં એટલી જ આસ્થા છે. પ્રખ્યાત ગુજરાતી ગાયક હેમંત ચૌહાણે મંદિર માટે આરતી-ભજન-ગરબાની આશરે ૧૨ કૅસેટ સેવાભાવથી નિ:શુલ્ક બનાવી આપી છે તો અનુરાધા પૌડવાલ, સોનુ નિગમ, અનુલ જલોટા જેવા અનેક કલાકારો અહીં દર્શન માટે આવે છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના અમુક એપિસોડ પણ અહીં શૂટ કરવામાં આવ્યા છે.
પ્રેરક વાત તો એ છે કે પોતાના પરિવારજનો કે નાનાં બાળકોનો જન્મદિવસ માતાજી સાથે ઊજવવા આવનારાઓની સંખ્યા વધી રહી છે. ઘરેથી જાતે માતાજી માટે થાળ બનાવી લાવીને બધાને પ્રસાદ વહેંચીને આપણી પરંપરા જીવતી રાખનારાઓની સંખ્યા વધી રહી છે.
વર્ષમાં આવતી ચારેય નવરાત્રિનું પણ અહીં અનોખું મહત્ત્વ છે. આસો અને ચૈત્રની નવરાત્રિમાં આઠમે શતચંડી હવન થાય છે જેનાં દર્શનનો લાભ હજારો શ્રદ્ધાળુઓ લે છે. અષાઢ અને મહા મહિનાની નવરાત્રિમાં અહીં નવચંડી હવન થાય છે.
-શ્રુતિ ગોર

