આજના મૉડર્ન જમાનામાં મહિલાઓ સિંદૂર લગાવવાનું પસંદ કરતી નથી. એમ છતાં હજી એવી કેટલીક મહિલાઓ છે જેઓ ગર્વથી આ પરંપરાનું અનુસરણ કરી રહી છે
સિંદૂર આ મહિલાઓની શાન છે
ઑપરેશન સિંદૂર પાર પાડીને ભારતે પાકિસ્તાન સહિત આખી દુનિયાને હિન્દુ નારીના સિંદૂરની કિંમત દેખાડી દીધી છે. એ પછી કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયબચ્ચન પણ સેંથામાં સિંદૂર પૂરીને આવી એને પગલે ચર્ચાસ્પદ બની છે. જોકે આજના મૉડર્ન જમાનામાં મહિલાઓ સિંદૂર લગાવવાનું પસંદ કરતી નથી. એમ છતાં હજી એવી કેટલીક મહિલાઓ છે જેઓ ગર્વથી આ પરંપરાનું અનુસરણ કરી રહી છે
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જડબાતોડ જવાબરૂપે આપણાં આર્મ્ડ ફોર્સિસે ઑપરેશન સિંદૂર લૉન્ચ કરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. પહલગામ હુમલામાં જે હિન્દુ મહિલાઓએ તેમના પતિ ગુમાવ્યા, જેમના સુહાગ ઊજડ્યા તેમને અંજલિ આપવા માટે આ ઑપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવ્યું હતું. આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર પતિના શબ પાસે સદમામાં બેઠેલી મહિલાની તસવીર જોઈને લોકોનાં હૃદય દ્રવી ઊઠ્યાં હતાં. ભારતે ઑપરેશન સિંદૂરના માધ્યમથી એ દેખાડી દીધું છે કે હિન્દુ મહિલાના સિંદૂરની કિંમત શું છે અને એને ભૂંસવાનો પ્રયત્ન કરનારને એની કિંમત કઈ રીતે ચૂકવવી પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જાહેર મંચ પર કહી ચૂક્યા છે કે જે લોકો સેંથાનું સિંદૂર ભૂંસવા નીકળ્યા હતા તેમને અમે માટીમાં મેળવવાનું કામ કર્યું છે.
ADVERTISEMENT
ઑપરેશન સિંદૂરની બોલબાલા છે એવા સમયે કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં અભિનેત્રી ઐશ્વર્યા રાયબચ્ચનના બનારસી સાડીમાં સિંદૂરવાળા લુકે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ લાલ રંગની સાડીમાં માથામાં સિંદૂર ભરીને કાનમાં રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આપણને બધાને ખબર છે કે ભારતીય હિન્દુ મહિલાઓ માટે સિંદૂરનું વિશેષ સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક મહત્ત્વ હોય છે. સિંદૂર મહિલાના વિવાહિત જીવનનું પ્રતીક છે. મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના માટે
સિંદૂર લગાવે છે. હિન્દુ ગ્રંથોમાં સિંદૂરને શક્તિ અને ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન રામ માટે સીતાજી સિંદૂર લગાવતાં હોવાનો ઉલ્લેખ રામાયણમાં છે.
જોકે બદલાતા સમય સાથે આજે ઘણી સ્ત્રીઓ સિંદૂર લગાવવાનું પસંદ કરતી નથી. ખાસ કરીને શહેરોમાં રહેતી વર્કિંગ વિમેન. એની પાછળ પણ ઘણાં કારણો છે. જેમ કે આજની મહિલાઓ તેમની ઓળખ, સ્વતંત્રતા અને વ્યક્તિગત પસંદને પ્રાથમિકતા આપે છે. તેમનું માનવું હોય છે કે પ્રેમ અને વિવાહની ગહેરાઈ ફકત સિંદૂરથી માપી શકાય નહીં. ઘણી મહિલાઓ કૉર્પોરેટ અને મલ્ટિનૅશનલ કંપનીઓમાં કામ કરે છે જ્યાં ઑફિસના ડ્રેસ-કોડમાં કે પ્રોફેશનલ લુકમાં સિંદૂર સારું ન લાગે એમ સમજીને એને લગાવવાનું ટાળે છે. ઘણી મહિલાઓનું એવું પણ માનવું હોય છે કે વિવાહના પ્રતીક તરીકે મહિલાઓને સિંદૂર લગાવવાનું કહેવામાં આવે છે તો પુરુષો માટે કેમ આવો કોઈ નિયમ નથી? એટલે આ પરંપરાને લૈંગિક અસમાનતાનું પણ પ્રતીક માનવામાં આવે છે. અહીં આપણે એ ડિબેટમાં નથી ઊતરવું કે મહિલાઓએ સિંદૂર લગાવવું જોઈએ કે નહીં, પણ અમે એવી મહિલાઓ સાથે વાત કરી છે જેઓ આજના આધુનિક જમાનામાં પણ સિંદૂરને પ્રાધાન્ય આપે છે.
શિલ્પા પાનસુરિયા
દહિસરમાં રહેતાં અને ઑફિસ અસિસ્ટન્ટ તરીકે કામ કરતાં શિલ્પા પાનસુરિયા છેલ્લાં ૨૫ વર્ષથી સિંદૂર લગાવે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઘણી મહિલાઓને સિંદૂર લગાવવાની પ્રથા ઓલ્ડ-ફૅશન્ડ લાગી શકે છે, પણ મારું એવું નથી. હું તો સાડી કે ડ્રેસ પહેર્યો હોય ત્યારે તો સિંદૂર લગાવું જ; પણ વન પીસ, જીન્સ કે સ્કર્ટ પહેર્યું હોય તો પણ સિંદૂર લગાવ્યા વગર મને ન ચાલે. ઘણી વાર હું કિટી પાર્ટીમાં શૉર્ટ પહેરીને જાઉં ત્યારે બહેનપણીઓ કહે કે શું આ વેસ્ટર્ન કપડાંમાં સિંદૂર લગાવીને આવી છે? તેમને મારું હંમેશાં એમ જ કહેવું હોય છે કે હું જીવીશ ત્યાં સુધી સિંદૂર લગાવીશ. મારો લુક ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, સેંથામાં સિંદૂર પૂરવાનું ફિક્સ હોય છે. આપણે હિન્દુ છીએ એટલે સંસ્કૃતિની છાપ તો આપણામાં રહેવાની જ છે. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે પત્નીના સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય લાંબું થાય છે. હું મારા પતિ કમલેશને ખૂબ પ્રેમ કરું છું અને દિલથી ઇચ્છું છું કે તેઓ સ્વસ્થ અને લાંબું જીવન જીવે. એ માટે જો સિંદૂર લગાવવું પડે તો એમાં મને કોઈ વાંધો નથી. સિંદૂર લગાવવાની એક પરંપરા છે ફક્ત એ કારણસર હું એનું અનુકરણ કરું છું એવું પણ સાવ નથી. મને દિલથી સિંદૂર લગાવવાનું ગમે છે. હું સિંદૂર લગાવું ત્યારે મને મારા પતિ સાથે એક ભાવનાત્મક જોડાણનો અનુભવ થાય છે. કમલેશ બહારગામ ગયા હોય અને હું સવારે તૈયાર થઈને સિંદૂર લગાવું ત્યારે મને તેમની યાદ આવી જ જાય. તે માંદા પડ્યા હોય તો દિલમાંથી એક જ અવાજ નીકળે કે ભગવાન તેમને જલદી સાજા કરી દેજો. મારું માનવું છે કે ભલે આપણે ગમે એટલા આધુનિક થઈ જઈએ, પણ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જરૂરી છે.’
વિશાખા પંડ્યા
હજી દોઢ વર્ષ પહેલાં જ લગ્ન કરનાર મુલુંડમાં રહેતી ૨૯ વર્ષની વિશાખા પંડ્યા સિંદૂર લગાવવાને લઈને પોતાના વિચારો રજૂ કરતાં કહે છે, ‘મને સિંદૂર લગાવવું અને મંગળસૂત્ર પહેરવું ગમે છે. એમ પણ આપણી આ ટ્રેડિશન છે એટલે એને ફૉલો કરવી ગમે છે. મારી એક ફ્રેન્ડ છે જેણે ક્રિશ્ચિયન છોકરા સાથે લગ્ન કર્યાં છે. તેમનામાં તો સિંદૂર લગાવવાનો કોઈ રિવાજ નથી, પણ મારી ફ્રેન્ડ હિન્દુ છે એટલે તે આ ટ્રેડિશનને ફૉલો કરે છે. જોકે મારું માનવું છે કે કોઈ પણ વસ્તુ ફૉલો કરતી વખતે તમે એમાં કમ્ફર્ટેબલ હો એ ખૂબ જરૂરી છે. સિંદૂર લગાવવું જ પડશે એમ વિચારીને એ ફૉર્મલિટી માટે લગાવવા કરતાં દિલથી એને લગાવવું ખૂબ જરૂરી છે. હું મારી મરજીથી મંગળસૂત્ર પહેરું છું, ચાંદલો લગાવું છું અને સિંદૂર પૂરું છું. ફૅમિલીમાં કોઈએ મને એ વસ્તુ કરવા માટે ફોર્સ કર્યો નથી. મારી જનરેશનની ઘણી સ્ત્રીઓને સિંદૂર લગાવવાની પ્રથા ટિપિકિલ ઇન્ડિયન આન્ટી મેન્ટલિટી લાગે છે. જોકે મને કોઈ દિવસ એવું લાગ્યું નથી. ઊલટાનું લગ્ન કર્યા પછી હવે આ બધો શ્રૃંગાર ન કરું તો મને મારા ચહેરા પર ગ્લો દેખાતો નથી.’
તેજલ ચૌહાણ
માટુંગામાં રહેતી અને અકાઉન્ટન્ટ તરીકે કામ કરતી ૨૭ વર્ષની તેજલ ચૌહાણ તેના જીવનમાં સિંદૂરનું કેટલું મહત્ત્વ છે એ વિશે વાત કરતાં કહે છે, ‘મારા એન્ગેજમેન્ટ અને વેડિંગ વચ્ચે પાંચ વર્ષનો ગૅપ હતો. આટલી રાહ જોયા પછી અમારાં લગ્નની ક્ષણ આવી ત્યારે અમે બન્ને રડી પડ્યાં હતાં. મારા હસબન્ડ હિતેશે મારા સેંથામાં સિંદૂર પૂર્યું ત્યારે મનમાં એક અલગ જ લાગણી થઈ રહી હતી જેને શબ્દોમાં હું વર્ણવી શકું એમ નથી. સીતાજીએ ભગવાન રામ માટે સિંદૂર પૂર્યું હોય તો આપણે તો તેમની સામે તુચ્છ મનુષ્ય છીએ. તેમની પાસેથી આપણે પ્રેરણા લેવી જોઈએ, આપણી સંસ્કૃતિ આગળ લઈ જવી જોઈએ. મારા હસબન્ડને હું તેમના નામનું સિંદૂર પૂરું છું એ ગમે છે. તેમને જે વસ્તુ ગમે એ આપણે કરીએ તો તેમની ખુશી બમણી થઈ જાય અને સામે આપણને પણ એટલો જ પ્રેમ મળે. સિંદૂર સાથે મારી ધાર્મિક આસ્થા જોડાયેલી છે કે પતિને ગમે છે એટલે સિંદૂર લગાવું છું સાવ એવું પણ નથી. મને પણ સિંદૂર લગાવવાનું ગમે છે. બાકી મારાં સાસરિયાંમાં બધા ઓપન-માઇન્ડેડ છે. લગ્ન કર્યા પછી આ બધી ટ્રેડિશન ફૉલો કરવી જ પડશે એવું દબાણ તેમણે કોઈ દિવસ નાખ્યું નથી. અમે અમારું હનીમૂન બાલીમાં કર્યું હતું. એ સમયે પણ મારાં બધાં જ વેસ્ટર્ન આઉટફિટ્સ પર પણ સિંદૂર અને મંગળસૂત્ર તો પહેરીને જ રાખ્યું હતું.’
રાધિકા સોલંકી
ઇન્શ્યૉરન્સ કંપનીમાં બૅક ઑફિસમાં કામ કરતી અને હજી બે મહિના પહેલાં જ લગ્નની ગાંઠે બંધાયેલી ૨૫ વર્ષની રાધિકા સોલંકી સિંદૂર લગાવવાની ટ્રેડિશનને લઈને કહે છે, ‘સિંદૂર લગાવવાનું મને ગમે છે. એમાં પણ સોશ્યલ મીડિયા પર એવી રીલ્સ ફરતી હોય કે લગ્ન વખતે સિંદૂરદાન વિધિમાં વરરાજા સેંથો પૂરે અને સિંદૂર નાક પર પડે તો એનો અર્થ એ થાય કે તમારો હસબન્ડ તમને બહુ પ્રેમ કરે છે. મારાં લગ્નમાં પણ એવું જ થયેલું. મારા હસબન્ડ વિવેક મને સિંદૂર લગાવી રહ્યા હતા ત્યારે એ મારા નાક પર પડ્યું હતું. એટલે એ પછીથી તો સિંદૂર લગાવવાનું મને વધુ ગમવા લાગ્યું. મને સિંદૂરમાં જોવાનું વિવેકને પણ બહુ ગમે. એટલે ઘણી વાર તેઓ મને કહે કે લાવ, હું સિંદૂર લગાવી આપું. સિંદૂરને કારણે અમારી લાઇફમાં આવી રોમૅન્ટિક મોમેન્ટ પણ આવે છે. સિંદૂર લગાવવાની આપણી પરંપરા છે. એવું કહેવાય છે કે એ વરનું આયુષ્ય વધારે છે એટલે એ હિસાબે પણ મને એમ થાય કે લાવને સિંદૂર લગાવું. હું તો મોટા ભાગે વેસ્ટર્ન કપડાં જ પહેરું છું, પણ ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર તો હોય જ છે. ઊલટાનું વેસ્ટર્ન આઉટફિટમાં જરાક સિંદૂર લગાવ્યું હોય તો સરસ લુક આવે છે.’

