ઑપરેશન સિંદૂરની ચોંકાવનારી વાતો આવી બહાર
ઇન્ડિયન આર્મી
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને એનો જવાબ આપવા માટે પાકિસ્તાને ૧૦ મેએ મધરાતે એક વાગ્યે ઑપરેશન બનયન અલ મરસૂસ શરૂ કર્યું હતું, પણ એ માત્ર આઠ કલાક ચાલ્યું હતું, કારણ કે ભારતે હવાઈ અને જમીન પર મિસાઇલોનો ઉપયોગ કરીને પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી જેના કારણે તેને ભારે નુકસાન થયું હતું અને એથી તે ઘૂંટણિયે આવ્યું હતું. ભારતની કાર્યવાહી જોઈને પાકિસ્તાને પહેલાં અમેરિકાને ફોન લગાડ્યો હતો અને ભારતને તેની કાર્યવાહી રોકવાની વિનંતી કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO)ને ફોન કર્યો હતો અને તેઓ ગોળીબાર બંધ કરવા માટે સંમત હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાને અમેરિકાને યુદ્ધવિરામ માટે પોતાના વતી હસ્તક્ષેપ કરવા કહ્યું હતું.
ચાર મોટા હવાઈ હુમલા
ADVERTISEMENT
આ ગતિવિધિથી પરિચિત લોકોના મતે ૧૦ મેની રાત્રે ઇન્ડિયન ઍર ફોર્સે કરેલા ચાર મોટા હવાઈ હુમલામાં પાકિસ્તાનનાં હવાઈ મથકો, હવાઈ સંપત્તિઓ અને હવાઈ સંરક્ષણને તોડી પાડવામાં આવ્યાં હતાં. ત્યાં સુધીમાં પાકિસ્તાનને સમજમાં આવી ગયું હતું કે ભારતને રોકવું શક્ય નથી અને એથી તેણે યુદ્ધવિરામ માટે અમેરિકાની દખલ માગી હતી.
૪૮ કલાકનું હતું ઑપરેશન
૧૦ મેએ વહેલી સવારે ૧.૦૦ વાગ્યે પાકિસ્તાને ૪૮ કલાકમાં ભારતીય ઍરબેઝને નષ્ટ કરવાની નેમ સાથે શરૂ કરેલું બનયન અલ મરસૂસ ઑપરેશન માત્ર ૮ કલાક એટલે કે આશરે ૯.૩૦ વાગ્યા સુધી જ ચાલ્યું હતું, કારણ કે ભારતે પાકિસ્તાનને જબરદસ્ત મેથીપાક ચખાડ્યો હતો. ૧૦ મેએ પાકિસ્તાની ઍરફોર્સે ભાગ્યે જ ઉડાન ભરી હતી.

