વાંસળી અંદરથી છે ખાલી, એટલે મને છે ખૂબ વહાલી! શ્રીકૃષ્ણ અનેક કળા શીખ્યા એમાંની એક એટલે સંગીતકળા.
માગશરનો માસ
શ્રીકૃષ્ણની તસવીર
શ્રીકૃષ્ણ અનેક કળા શીખ્યા એમાંની એક એટલે સંગીતકળા.
એમાંય વાંસળી વગાડવામાં એટલા માહેર કે મુરલીધર અને બંસીધરના નામે પણ પ્રખ્યાત થયા. શ્રીકૃષ્ણએ જે-જે ચીજોનો પોતાના જીવનકાળ દરમ્યાન ઉપયોગ કર્યો છે એ મનુષ્યો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. વાંસળી જે વાંસ નામના વૃક્ષના થડમાંથી બને છે એ વાંસ ભારતીયો માટે ખૂબ ઉપયોગી અને લાભકારક વૃક્ષ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં વાંસનું નાનું વૃક્ષ રાખવું શુભ ગણાય છે તો મંદિરમાં વાંસળી રાખીને એની પૂજા કરવાનું પણ શુભ ગણાય છે.
ADVERTISEMENT
વાંસળી એક એવું સાધન છે જે વગાડવાથી શરીર-મનને ફાયદા થાય છે અને સાથે સાંભળવાથી પણ ખૂબ લાભ થાય છે. વાંસળી અને શંખ એ બન્ને વાદ્યો ફૂંકથી અર્થાત્ પવનની મદદથી વાગે છે. શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતાના દસમા અધ્યાયમાં કહ્યું છે કે પવિત્ર કરનારાઓમાં પવન હું છું. નાનપણમાં ગીતાનો આ શ્લોક સમજાતો નહોતો, પણ હવે સમજાય છે. પાણી તો સ્નાન કરતી વખતે શરીરને બહારથી શુદ્ધ કરે છે, પરંતુ પવન અર્થાત્ વાયુ શરીરને બહારથી તેમ જ અંદરથી પણ શુદ્ધ કરે છે. નાસિકા દ્વારા શરીરની અંદર જતો પ્રાણવાયુ (ઑક્સિજન) બધી અશુદ્ધિઓને પોતાની તરફ ખેંચે છે, લોહી અને અંદરના અવયવોને શુદ્ધ કરે છે અને બધી અશુદ્ધિઓ ઉચ્છ્વાસ વાટે અંગાર વાયુ (કાર્બન ડાયોક્સાઇડ) રૂપે બહાર કાઢે છે. આમ આપણું શરીર નિરંતર સાફ અને શુદ્ધ થતું રહે છે. આ રીતે વાયુ અર્થાત્ પવન શરીરને શુદ્ધતા અને પવિત્રતા બક્ષે છે. પવિત્ર કરનારા આ પવન પરથી જ પાવન શબ્દ આવ્યો હોય તો નવાઈ નહીં. વાયુ વડે ચાલતી શ્વાસોચ્છ્વાસની આ પ્રક્રિયા સારી રીતે ચાલતી રહે એ માટે ફેફસાં મજબૂત અને નીરોગી હોવાં જરૂરી છે. વાંસળી આપણાં ફેફસાંને સરસ કસરત પૂરી પાડે છે. અલબત્ત વાંસળીના વાદનથી મોઢાથી લઈને ફેફસાં, હૃદય અને પેટની નાભિ સુધીનાં અંગોને કસરત મળે છે એટલે રુધિરાભિસરણ અને પાચનક્રિયા પણ સુદૃઢ બને છે.
વાંસળીનો નાદ મનને પણ ડોલાવે છે. ગોકુળવાસીઓ કૃષ્ણની વાંસળી સાંભળીને સાનભાન ભૂલી જતા. વાંસળી સાંભળવામાત્રથી પણ શરીર-મનનો થાક ઊતરી જાય છે. મનને ટ્રાન્સ (ધ્યાનમગ્ન અવસ્થા)માં લઈ જવા વાંસળીના સૂર અતિ ઉપયોગી સાબિત થાય છે. વાંસળી સાંભળવાથી માનસિક તાણ (સ્ટ્રેસ) અને ભય દૂ૨ થાય છે. અનિદ્રાના રોગીઓ માટે પણ વાંસળીના સૂર લાભકારક છે.
વાંસળીની ૨ચના પણ આપણને ઘણું શીખવી જાય છે. એ સીધી ને સટ છે. પોતે વીંધાઈને પણ અન્યને સુખ અને આનંદ આપે છે. શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા જતા ત્યારે લાકડી અને વાંસળી બન્ને વૃક્ષમાંથી જ બનેલાં સાધનો તેમની સાથે હોય, પરંતુ લાકડીનું સ્થાન શ્રીકૃષ્ણના ખભા સુધી જ હોય, જ્યારે વાંસળીને તો શ્રીકૃષ્ણ હોઠે લગાડે છે. તેમના અધરરસનું પાન કરવાનું સૌભાગ્ય વાંસળીને જ મળે છે. વાંસળી પોલી છે. એ અંદરથી ખાલી છે. એનું શરીર અહંકારરહિત અને હળવું છે. જેઓ મનમાં અહમ્ ભરીને બેઠા હોય, લાકડીની જેમ અક્કડ હોય, જેઓ મનનાં દ્વાર બંધ કરીને બેઠા હોય એમાં પ્રભુ શી રીતે પ્રવેશે? વાંસળીનું શરીર વીંધાય છે છતાં સુરીલા અવાજ કાઢે છે. વાંસળી કોઈ પણ જાતની અક્કડ રાખતી નથી અને પોતાની અંદર રહેલા અભિમાનને બહાર કાઢીને મનને ખાલી કરી નાખે છે. એને ભલે થોડું કષ્ટ સહન કરવું પડે પણ આજે નહીં તો કાલે પરમની પ્રાપ્તિ થવાની છે.
કોઈક કવિએ કૃષ્ણના મુખેથી સાચું જ કહેવડાવ્યું છે કે...
‘વાંસળી અંદરથી છે ખાલી,
એટલે મને છે ખૂબ વહાલી!’
આપણે પણ આ મહિનામાં કૃષ્ણના જપ, તપ અને વ્રત ઉપવાસ કરીને કૃષ્ણનું ધ્યાન ધરીએ અને મનમાંથી હુંપણું કાઢી નાખીએ તો કૃષ્ણના વહાલા બની શકીએ એમ છીએ.