Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ગૌરીપુત્ર ગણેશને કૈલાશ કરતાં કર્ણાટકના ઇડગુંજીમાં વધુ ગોઠે છે

ગૌરીપુત્ર ગણેશને કૈલાશ કરતાં કર્ણાટકના ઇડગુંજીમાં વધુ ગોઠે છે

Published : 15 September, 2024 11:00 AM | IST | Mumbai
Alpa Nirmal

કળિયુગના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે મહર્ષિ નારદે તપસ્વી ઋષિમુનિઓને કારવાર ક્ષેત્રના આ સ્થળે ગણેશજીનું આહ‍્વાન કરી તેમની સાધના કરવાનું કહ્યું હતું

 જેમ મહાદેવ હોય ત્યાં પોઠિયો હોય જ એમ શિવપુત્ર ગણપતિ હોય તો તેમની સાથે તેમનું વાહન મૂષક પણ હોય જ. પરંતુ અહીં મૂષકદેવ ગાયબ છે. કારણ ખબર નથી, પરંતુ એમ હોઈ શકે કે પાર્વતીમાતા અહીં તેમના પુત્ર બાળગણપતિને પોતે લઈ આવ્યાં આથી વિઘ્નહર્તાનું વેહિકલ તેમની સાથે નથી.

તીર્થાટન

જેમ મહાદેવ હોય ત્યાં પોઠિયો હોય જ એમ શિવપુત્ર ગણપતિ હોય તો તેમની સાથે તેમનું વાહન મૂષક પણ હોય જ. પરંતુ અહીં મૂષકદેવ ગાયબ છે. કારણ ખબર નથી, પરંતુ એમ હોઈ શકે કે પાર્વતીમાતા અહીં તેમના પુત્ર બાળગણપતિને પોતે લઈ આવ્યાં આથી વિઘ્નહર્તાનું વેહિકલ તેમની સાથે નથી.


જો તમને રોડ-ટ્રિપ્સ કરવાનું ગમતું હોય અને એ સાથે ભારતનાં પૌરાણિક, પ્રાચીન મંદિરો કે સ્થળોનાં દર્શન કરવાનું પણ ગમતું હોય તો નીકળી પડજો મુંબઈ ટુ કન્યાકુમારી. ઑન કોસ્ટલ રોડ... હા, ૧૬૦૦-૧૭૦૦ કિલોમીટરનો આ સ્ટ્રેચ કોસ્ટલ રૂટ તરીકે ડેવલપ નથી થયો, પરંતુ ગાડીની રાઇટ સાઇડ અરબી સમુદ્રને રાખીને દક્ષિણી ટિપ સુધી ગાડી ચલાવતા જ રહો, ચલાવતા જ રહો તો અલીબાગ, ગણપતિપુળે, તારકર્લી, પણજી, કારવાર, ગોકર્ણ, ઉડિપી, મૅન્ગલોર, કોઝીકોડ, કોચી, તિરુવનંતપુરમ થઈ કન્યાકુમારી પહોંચી જવાય ખરું.


આ રૂટમાં ક્યાંક રસ્તો નાનો આવે તો ક્યાંક ઘાટ પણ ચડવો પડે. કોઈ-કોઈ જગ્યાએ તો ધૂળ, કાંકરા, માટી ને નકરા ખાડા મળે તો ક્યાંક સીધો-લિસ્સો સપાટ રોડ પણ મળે (એ તો જે-તે રાજ્ય સરકારની મહેરબાની), પણ એટલું હન્ડ્રેડ પર્સન્ટ પાક્કું કે આ રૂટ પર તમને સેંકડો એવાં સ્થાન મળે જ્યાં પુરાણકાળમાં ત્રિદેવોનાં પગલાં પડ્યાં હોય કે તેમણે તપસ્યા, સાધના કે કોઈ લીલા કરી હોય.



અરે, આપણે પણ આ રૂટનાં કેટલાંક તીર્થોની માનસ યાત્રા ‘તીર્થાટન’ દ્વારા કરી જ છેને. દુર્ગા પરમેશ્વરી માતા (કાટીલ), કાસરગોડ, ઉડિપી, ગુરુવાયુર વગેરે મંદિરોમાં માથાં ટેક્યાં છે. આથી આપણે આ ભૂમિથી પરિચિત છીએ જ. ઍન્ડ આજની આપણી યાત્રા છે આ જ પટ્ટામાં આવેલા વિનાયકના દેવસ્થાન ઇડગુંજીની.


lll

બ્યુટિફુલ બીચ ધરાવતા ગોકર્ણથી ૬૨ કિલોમીટરના અંતરે આવેલા ઇડગુંજીથી આપણે બહુ પરિચિત નથી. કહેવાય છે કે આ સ્થળે ગજાનન સ્વયં પ્રગટ થયા છે અને એમ પણ કહેવાય છે કે ગણપતિબાપ્પાને આ ક્ષેત્ર એટલું ગમી ગયું કે તેઓ અહીં જ સ્થાયી થઈ ગયા. પાછા બાબાના ઘરે કૈલાશ ગયા જ નહીં.


વેલ, એ સ્ટોરીના ફર્સ્ટ પ્રકરણની વાત કરીએ. દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણના દેહાંત બાદ વારખિલ્ય ઋષિ, શ્રુત પૌરાણિક ઋષિ તેમ જ સેંકડો તપસ્વીઓ બદ્રિકાશ્રમમાં સાધના કરી રહ્યા હતા. એ દરમ્યાન તેમને ભાસ થયો કે હવે પછીનો કળયુગ તો બહુ કપરો આવવાનો છે. લોકોના વ્યવહાર-વર્તનમાંથી વિવેકનો તો હ્રાસ થવાનો જ છે. સાથે ધર્મનો પણ ક્ષય થવાનો છે. આ કાળમાં મનુષ્ય એવો ક્રૂર થશે કે પશુવધ, માણસની હત્યા તેને માટે સહજ ક્રિયા થઈ જશે. આ કાળમાં કળજુગના દુષ્પ્રભાવને નાથવા, ઓછો કરવા જ્ઞાની ઋષિમુનિઓ વિચારવિમર્શ કરી રહ્યા હતા એ આકાશગમન કરતા નારદઋષિએ જોઈ લીધું. નારાયણના દૂત નારદઋષિ પૃથ્વીલોક પર ઊતર્યા અને ઋષિમુનિઓ પાસે આવીને તેમની સમસ્યા વિશે પૂછ્યું. સાધક ઋષિઓએ જ્યારે પોતાની ચિંતા નારદમુનિને જણાવી ત્યારે વીણાધારીએ એ તપસ્વીઓને કહ્યું કે ‘તમે ભૂલોકના એવા વિસ્તારનાં જઈને તપ કરો જ્યાં દરેક ભગવાન, દેવતાઓ તમારી સાધનામાં આવે અને ખાસ કરીને ગણેશજીનું જરૂર આહ‍્વાન કરજો, જે વિઘ્નહર્તા રૂપે આવી તમારું સંકટ દૂર કરશે.’

ઋષિમુનિઓને નારદજીનું સૂચન યોગ્ય લાગ્યું અને તેમણે નારદજીને જ કહ્યું કે તેઓ એવું ક્ષેત્ર શોધી આપે જે પવિત્ર તેમ જ શાંત હોય. નારદઋષિએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને ભરત ખંડના દક્ષિણાવર્ત ક્ષેત્રનું અરણ્ય (જંગલ) શોધી કાઢ્યું. જ્યાં અડાબીડ વૃક્ષોની છાયા હતી, નાજુક-નમણી શરાવતી નદી ખળખળ વહેતી-વહેતી શાંતિથી નજીકના સમુદ્રમાં સમાઈ જતી હતી. એ ઉપરાંત પૂર્વકાળે આ સ્થાને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેએ અસુરોના નાશ અર્થે અહીં તપસ્યા કરી હતી અને ચક્રતીર્થ તેમ જ બ્રહ્મતીર્થ નામના કુંડનાં નિર્માણ પણ કર્યાં હતાં. નારદજીએ આ પાવન ક્ષેત્ર બતાવ્યું અને સાધક ઋષિમુનિઓએ અહીં આવીને મહાપૂજા આદરી. આ પૂજામાં ભાગ લેવા તેમણે પ્રવર્તમાન દેવો અને ઋષિમુનિઓને તેડાવ્યા. સાથે બ્રહ્માજી, વિષ્ણુજી, ગૌરીશંકરને પણ નિમંયા અને બધા અહીં આવ્યા. બસ ગણેશજી નહોતા આવ્યા. ત્યારે સાધક ઋષિઓએ ગજમુખની સ્તુતિ કરી અને મા પાર્વતીને અનુરોધ કર્યો કે તેઓ તેમના લાડકવાયા પુત્રને અહીં લઈને આવે. માતા લંબોદરને લાવ્યા અને ઋષિઓની સંકટ હરવાની આજીજી સૂણીને એકાંતે નક્કી કર્યું કે તેઓ હવે અહીં જ રહેશે, પાછા કૈલાશ નહીં જાય.

આ કહાનીનું કોઈ પ્રમાણ નથી, પણ સ્થાનિક લોકો અને ભક્તો આ કથાને માન્ય રાખે છે. ત્યારે બીજો એક વર્ગ માને છે કે શ્રીકૃષ્ણના અનુરોધથી અને નારદજીના માર્ગદર્શનથી તપસ્વી-મુનિઓ આ ક્ષેત્રમાં આવ્યા હતા.

હજી અમુક વર્ગ એમ પણ કહે છે કે દ્વાપરયુગથીયે પૂર્વે ત્રેતાયુગમાં દશાનન લંકેશે મહાદેવની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા હતા અને ભોલેનાથે આપેલું દિવ્ય લિંગમ્ પોતાના દેશ લંકા લઈ જઈ રહ્યા હતા ત્યારે દેવોએ યુક્તિ કરીને આ સ્થળે બાળક રૂપે વક્રતુંડને મોકલ્યા હતા. આ વાર્તા મુજબ કહેવાય છે કે રાવણ દરરોજ સંધ્યાવંદન કરતા. તેઓ પવિત્ર લિંગ લઈને અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની સાયંકાળની પૂજાનો વખત થઈ ગયો. પશુપતિનાથની શરત મુજબ તેમનું લિંગ હાથમાંથી નીચે મૂકવાનું હતું જ નહીં એથી દશાનને વિચાર્યું કે અહીં કોઈ દેખાય તો તેમને શિવલિંગ હાથમાં પકડવાનું કહીને હું મારી પૂજા કરી લઉં જેથી શંભુનાથની શરત પણ પૂર્ણ થાય અને મારો નિયમ પણ જળવાઈ જાય. આમતેમ નજર દોડાવતાં લંકાધિપતિને એક બાળક દેખાયું. એ બાળકને તેમણે દિવ્ય શિલા પકડીને ઊભા રહેવાનું કહ્યું. બાળકે (દેવોએ ગણરાયાને જ બાળક બનાવીને મોકલ્યો હતો) રાવણનું કહ્યું તો કર્યું, પણ ચંચળ સ્વભાવને કારણે થોડી વારમાં દિવ્ય લિંગમ્ ધરતી પર મૂકી દીધું અને અલોપ થઈ ગયું. રાવણે પૂજા પૂરી થતાં જોયું કે પેલું બાળક નથી અને આત્મલિંગમ્ તો નીચે ભૂમિ પર મુકાઈ ગયું છે. તેમણે એ લિંગમ્ એ જગ્યાએથી ખસેડવાની ઘણી કોશિશ કરી, પણ વ્યર્થ...

lll

 આ આત્મલિંગ આજે ઇડગુંજીની નજીક મુરુડેશ્વરમાં છે અને માન્યતા પ્રમાણે બાળગણેશ ઇડગુંજીની ભૂમિ પર પ્રગટ થયા હતા. જોકે ભક્તવર્ગ એમ પણ કહે છે કે પાર્વતીપુત્ર ગણેશનું મસ્તક ક્રોધવશ વધ કર્યા પછી જ્યારે શિવજીએ હકીકત જાણી કે આ તેમનો પુત્ર છે ત્યારે તેને પુનર્જીવિત કરવા અવિનાશે પૃથ્વી પર ત્રિશૂળ ફેંક્યું જે અહીં વિચરતા બાળહાથીના માથાને વીંધી ગયું અને એ પાવન ભૂમિ જ આજનું ઇડગુંજી.

ખેર, આમાંથી કઈ કથા કેટલી ખરી, કેટલી ભ્રામક એનું જજમેન્ટ આપવાની આપણી પાત્રતા નથી. હા, એટલું પાક્કું છે કે આ ક્ષેત્રમાં પગ મૂકતાં એક પવિત્ર ચેતનાનો અહેસાસ આજે પણ થાય છે.

સ્ટેટ હાઇવે પર આવેલું ઇડગુંજી નાનકડું ગામડું છે અને ગુલાબી રંગનું મંદિર પણ ટિપિકલ મૅન્ગલોરિયન ઇમારત જેવું જ છે. રંગબેરંગી ચૂનાથી ધોળાયેલાં સ્કલ્પ્ચર ધરાવતા ગેટમાંથી પ્રવેશ કરતાં એક ચોગાનની વચ્ચે ૧૫૦૦ વર્ષ પૂર્વે બનેલું નાનકડું દેવલું (મંદિર) છે જેમાં દ્વિહસ્તધારી ગન્નુબાપા ઊભા છે. મંદિર પરિસરની ફરતે લાંબી પરસાળ છે અને એની પછીતે ગણેશકુંડ છે જેમાં ભક્તો સ્નાન કરી શકે છે.

શ્યામ પથ્થરમાંથી પ્રાકૃતિક રૂપે પ્રગટ થયેલી અઢી-ત્રણ ફુટની ગણેશમૂર્તિ કોઈ જ આડંબર કે શણગાર વગરની છે અને તેમનો ચહેરો ખરેખર બાળહાથી જેવો જ છે. ગોળમટોળ પેટ ધરાવતા પાર્વતીસુતના અહીં બે જ હાથ છે, જેના જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં તેમનો પ્રિય મોદક છે. બાળગણપતિનું આ મંદિર સવારે ૬થી બપોરે અને સાંજે ૩થી સાડાઆઠ દરમ્યાન ખુલ્લું રહે છે. અનન્ય વાત એ છે કે સવારના સમયે બાપ્પાને વિવિધ દ્રવ્યો વડે અભિષેક થાય છે, જેના સાક્ષી બનવાનો અનુભવ ભાવિકો માટે અવિસ્મરણીય બની રહે છે. ભક્તો પણ અહીં વિવિધ પૂજા કરાવી શકે છે.

રોડ ટ્રિપ સિવાય અન્ય માધ્યમથી પણ ઇડગુંજી જઈ શકાય છે. મુંબઈથી ગોકર્ણ અનેક ટ્રેનો જાય છે જેમાં ૧૩થી ૧૫ કલાકની જર્ની પૂર્ણ કરી ગોકર્ણથી ટૅક્સી કે સરકારી પરિવહનની સુવિધા દ્વારા ૬૨ કિલોમીટર ટ્રાવેલ કરી બાપ્પાના ભક્તો અહીં પહોંચી શકે છે. રહેવા માટે મંદિરની ધર્મશાળા છે અને ફ્રી અન્ન અને પ્રસાદમ્ પણ મળે છે. જો તમને ત્યાં રહેવા-જમવાનું ન ફાવે તો ગોકર્ણ અથવા ૧૫ કિલોમીટરના અંતરે આવેલા મુરુડેશ્વરમાં બીચ રિસૉર્ટથી લઈ અનેક કૅટેગરીની હોટેલ્સ અને રેસ્ટોરાં ઉપલબ્ધ છે.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2024 11:00 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK