Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મને કિડનૅપ કરી લીધો હતો: છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીએ સાયન્સની પ્રૅક્ટિકલ એક્ઝામથી બચવા ગજબ સ્ટોરી ઘડી કાઢી

મને કિડનૅપ કરી લીધો હતો: છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીએ સાયન્સની પ્રૅક્ટિકલ એક્ઝામથી બચવા ગજબ સ્ટોરી ઘડી કાઢી

Published : 17 March, 2026 07:12 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

સોશ્યલ મીડિયામાં જોયેલી રીલ પરથી લીધી પ્રેરણા : ફિલ્મી અંદાજમાં પોતાનું અપહરણ થયું હોવાની વાત બનાવીને પોલીસ, વાલી અને સ્કૂલને દોડતાં કર્યાં

વિદ્યાર્થીએ ઘડી કાઢેલી વાર્તા પછી થાણેના નૌપાડા વિસ્તારમાં આવેલી સ્કૂલની બહાર પોલીસ દ્વારા વાલીઓમાં અવેરનેસ કૅમ્પેન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીએ ઘડી કાઢેલી વાર્તા પછી થાણેના નૌપાડા વિસ્તારમાં આવેલી સ્કૂલની બહાર પોલીસ દ્વારા વાલીઓમાં અવેરનેસ કૅમ્પેન કરવામાં આવ્યું હતું.


થાણાના નૌપાડા વિસ્તારમાં આવેલી એક જાણીતી સ્કૂલમાં ભણતા છઠ્ઠા ધોરણના ૧૧ વર્ષના વિદ્યાર્થીએ સાયન્સની પ્રૅક્ટિકલની પરીક્ષા ટાળવા માટે ફિલ્મી અંદાજમાં પોતાનું અપહરણ થયું હોવાની ખોટી સ્ટોરી બનાવી નાખતાં સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ મામલે ભયનો માહોલ વધતાં નૌપાડા પોલીસે ટેક્નિકલ પુરાવા અને સ્કૂલની આસપાસમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ કરતાં આખી ઘટના એક ખોટી કહાની હોવાનું બહાર આવ્યું હતું. વિદ્યાર્થીએ સાયન્સ પ્રૅક્ટિકલની પરીક્ષા ન આપવી પડે તે માટે સોશ્યલ મીડિયામાં જોયેલી રીલથી પ્રેરાઈને આવી ફિલ્મી સ્ટોરી બનાવી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. તપાસ દરમ્યાન વિદ્યાર્થીની વાતોમાં વિરોધાભાસ જણાતાં પોલીસે વધુ તપાસ કરતાં આખી હકીકત સામે આવી હતી અને આ કથિત કિડનૅપિંગની ઘટના સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ હતી.

નૌપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અભય મહાજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર બાળકો ગુમ થવાની અફવાઓ વચ્ચે શુક્રવારે સવારે આ ઘટનાએ વધુ ચિંતા ઊભી કરી હતી. વિદ્યાર્થીએ રચેલી આ ખોટી કહાનીને તેની મમ્મીએ સાચી માની લીધી હતી અને ઘટનાની માહિતી આપતી એક ઑડિયો-ક્લિપ વૉટ્સઍપ સહિતના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરી દીધી હતી જેને કારણે થાણેમાં આ વાત ઝડપથી વાઇરલ થઈ ગઈ હતી. ઑડિયો-ક્લિપ વાઇરલ થતાં શુક્રવાર અને શનિવાર દરમ્યાન નૌપાડા વિસ્તારની સ્કૂલ તેમ જ થાણેની અન્ય અનેક સ્કૂલોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા વાલીઓ પોતાનાં બાળકોની સુરક્ષા અંગે ચિંતિત બની ગયાં હતાં અને સ્કૂલોમાં પણ સતર્કતા વધારવામાં આવી હતી. જોકે મામલો ગંભીર બનતાં અમે તરત જ તપાસ હાથ ધરી હતી અને વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ટેક્નિકલ પુરાવા તથા અન્ય તપાસ કરી હતી. વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે તેનું સ્કૂલ નજીકથી કારમાં અપહરણ થયું હતું. જોકે સ્કૂલની આસપાસમાં એ સમયે કોઈ કાર જોવા મળી નહોતી એટલું જ નહીં, વિદ્યાર્થી ઘરેથી નીકળીને અન્ય વિસ્તારમાં ફર્યો હોવાનું CCTV કૅમેરાના ફુટેજમાં સ્પષ્ટ થયું હતું. આ કેસમાં વિદ્યાર્થીએ આપેલી તમામ માહિતીઓ બોગસ હોવાનું ધ્યાનમાં આવતાં અમે CCTV કૅમેરાના ફુટેજ સાથેના પુરાવા તેના વાલી અને સ્કૂલ સામે રાખ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીની મમ્મીને પોતાની ભૂલ સમજાતાં તેણે અમને અને સ્કૂલને માફીપત્ર આપ્યો છે. આ મામલાનો ભેદ ઉકેલાયા બાદ અમે ગઈ કાલે સ્કૂલની બહાર જઈને વાલીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને સોશ્યલ મીડિયા પર આવતી અફવાઓથી સાવચેત રહેવાની અપીલ કરી હતી.’



૧૧ વર્ષના વિદ્યાર્થીની ફિલ્મી સ્ટોરી શું હતી?


નૌપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અભય મહાજને કહ્યું હતું કે વિદ્યાર્થીએ અમને કિડનૅપિંગની ફિલ્મી સ્ટોરી કહી હતી. વિદ્યાર્થીએ તેની મમ્મીને કહ્યું હતું કે ‘સ્કૂલ માટે નીકળ્યા બાદ હું ઘરથી થોડે દૂર પહોંચ્યો ત્યારે મારા બૂટમાં પથ્થર ફસાઈ ગયો હતો જે કાઢવાની કોશિશ કરવા નીચે બેસતાં પાછળથી એક કાર આવી હતી જેમાં ૩ લોકો હતા. એ કારમાં જબરદસ્તી મને બેસાડવામાં આવ્યો હતો. જોકે મેં ડ્રાઇવર-સીટ અને અંદર રહેલા લોકો સાથે જબરદસ્ત કુસ્તી કરી હતી. એને કારણે આવેલા લોકોને એમ થઈ ગયું હતું કે આ છોકરો આપણાથી નહીં સચવાય એટલે એમ માનીને મને કારની નીચે ઉતારી દેવામાં આવ્યો હતો. થોડી જ વારમાં મને સ્કૂલના પ્યુન સ્કૂલથી એક કિલોમીટર દૂર મળ્યા હતા જેઓ મને સ્કૂલમાં લઈ ગયા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 07:12 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK