Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > તત્ત્વવેત્તા અને નેતા છે આપણા ગણપતિબાપ્પા

તત્ત્વવેત્તા અને નેતા છે આપણા ગણપતિબાપ્પા

Published : 13 September, 2026 03:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગણ-પતિ એટલે સમૂહનો પતિ એટલે કે નેતા. તે ગુણ-પતિ પણ હોવો જોઈએ. નેતા અને તત્ત્વવેત્તામાં કયા-કયા ગુણો હોવા જોઈએ એ તેમના સ્વરૂપમાંથી પ્રદર્શિત થાય છે. આજે આપણે આ સ્વરૂપોની ખાસિયતો સમજીએ લઈએ

ગણપતિબાપ્પા

ગણપતિબાપ્પા


ભાદ્રપદ સુદ ચતુર્થી એ મહાસિદ્ધિ વિનાયકી કહેવાય છે. આ દિવસે ગણપતિબાપ્પા મોરયાના અવાજો ઠેર-ઠેરથી સંભળાતા હોય છે. મોરયા એટલે નમસ્કાર. એ રીતે જોતાં ગણપતિબાપ્પા મોરયાનો અર્થ ગણપતિબાપ્પાને નમસ્કાર એવો થાય. વળી મોરેશ્વર નામનો ગણપતિનો એક મોટો ભક્ત પણ થયો છે. તેની ભક્તિને કારણે પ્રભુ સાથે તેનું નામ જોડાઈ ગયું. પંઢરપુરમાં વિઠ્ઠલના મંદિરમાં પણ ‘ગ્યાનબા તુકારામ’ની ધૂન બોલાય છે. ‘मद् भक्तानां च ये भक्ता ः ते मे िप्रयतमा मताः।’ - મારા ભક્તોના જે ભક્તો છે તે મને સૌથી વધુ પ્રિય છે એમ પ્રભુએ કહ્યું છે. તેથી જ કદાચ આ મોરયાનું નામ ગણપતિ સાથે જોડી દીધું હશે.
ગણેશ-ચતુર્થી, ગણપતિની ચતુર્થી અવસ્થા, તુર્યાવસ્થા સુધીની સિદ્ધિનું સૂચન કરે છે. આ દિવસે ચંદ્ર જોવાનો નિષેધ છે. ચંદ્ર એ મનનો દેવતા છે. चंद्रमा मनसो जातः। - ચંદ્ર જેમ વધતો-ઘટતો રહે એમ મર્કટ જેવું મન નાચતું-કૂદતું રહે છે. તુર્યાવસ્થા સુધી પહોંચવા માગતા માનવે મનની ચંચળતાને આધીન ન થવું જોઈએ, ચિત્ત એકાગ્ર કરવું જોઈએ. મનના તાલે નાચવામાં માનવજીવનનો વિકાસ નહીં પરંતુ અધ:પતન છે એ વાત આ ચંદ્રદર્શનના નિષેધની પાછળ ગર્ભિત છે.
કોઈ પણ મા પોતાના પુત્રમાં ન ઝંખે એવું ગણપતિનું રૂપ છે. છતાંય આપણા ઋષિઓએ ગણપતિને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કામમાં તેમનું જ પહેલું પૂજન થાય છે. વિવાહનો પ્રસંગ હોય કે લક્ષ્મી-પૂજનનો; શિલારોપણ હોય કે કુંભ મૂકવાનો હોય; અરે, મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવાની હોય તો પહેલું પૂજન ગણપતિનું જ. ગણપતિની મૂર્તિ ન હોય તો સોપારીના ગણપતિ બનાવવાના, પણ અગ્રપૂજન તો ગણપતિનું જ થવું જોઈએ. પૌરાણિક કથા છે કે અજાણતાં જ ગણપતિનું શીશ કાપી નાખ્યા પછી પાર્વતીજીને પ્રસન્ન કરવા ભગવાન શિવજી તેમના પાર્ષદને શીશ શોધી લાવવા મોકલે છે. પાર્ષદ નજીકમાં જઈ હાથીનું મસ્તક લઈ આવે છે અને ધડ ઉપર એ મસ્તક મૂકતાં ગણપતિ સજીવન થાય છે. ગણપતિ ગજાનન બને છે. પુરાણોની ભાષા ભાવગર્ભિત તેમ જ લક્ષણા અને રૂપકોથી ભરેલી હોય છે. બુદ્ધિશાળીઓ પોતાની બુદ્ધિ કસી ભાવગર્ભિત અર્થ કાઢીને આનંદ પામી શકે છે અને બાળકબુદ્ધિના લોકો વાર્તારૂપે એ વાંચીને આનંદ પામે છે.
જે ભગવાન શિવજી હાથીનું મસ્તક ધડ પર બેસાડી શકે તે ગણેશનું પોતાનું જ માથું પાછું કેમ ન જોડી શકે? પરંતુ પુરાણો આપણને સમજાવે છે કે ગણપતિ એ તત્ત્વજ્ઞાનના દેવતા તેમ જ સમાજના નેતા છે. તત્ત્વવેત્તા અને નેતા પાસે હાથીનું જ મસ્તક હોવું જોઈએ. સંકુચિત વૃત્તિનો માણસ મહાન તત્ત્વવેત્તા કે સફળ લોકપ્રિય નેતા બની શકતો નથી.
ગણ-પતિ એટલે સમૂહનો પતિ એટલે કે નેતા. તે ગુણ-પતિ પણ હોવો જોઈએ. નેતા અને તત્ત્વવેત્તામાં કયા-કયા ગુણો હોવા જોઈએ એ તેમના સ્વરૂપમાંથી પ્રદર્શિત થાય છે. આ રીતે ગણ-પતિ પાસે બાહ્ય સૌંદર્ય ન હોય તો પણ આંતરિક સૌંદર્યનો વૈભવ અપાર છે.
ગણપતિનું મસ્તક હાથીનું મસ્તક છે. અન્ય કોઈ પ્રાણીનું મસ્તક ન મૂકતાં હાથીનું મસ્તક તેમના ધડ પર બેસાડવામાં એક આગવું વૈશિષ્ટ્ય રહેલું છે. હાથી બધાં પ્રાણીઓમાં સૌથી વધુ બુદ્ધિમાન છે. મહાન જીવનની ઊંચાઈ પર રહેલાં શિખરોને આંબવાનો પ્રયત્ન કરનાર તત્ત્વવેત્તા બુદ્ધિમાન હોવો જોઈએ તેમ જ યોગ્ય દોરવણી આપી સમાજને સાચા રાહે ચડાવવાની અભિલાષા રાખનાર નેતા પણ નિર્બુદ્ધ હોય તો કેમ ચાલે? બુદ્ધિહીન માણસ જો સમાજનો પથપ્રદર્શક બનવાની ચેષ્ટા કરે તો अंधैनैव नीयमानाः यथान्धाः જેવો તાલ થાય. વળી હાથીના જીવનમાં તેજસ્વિતા છે. કૂતરાની માફક પૂંછડી પટપટાવતો એ ખાવા દોડી આવતો નથી. એને ખવડાવતી વખતે મહાવત જો જરા ગુસ્સે થઈને બોલે તો હાથી ખાતો નથી. धीरं विलोकयति चाटु शतैश्च भुङ्क्ते એ રીતે 
લાડ-પ્યારથી જ તે ખોરાક આરોગે છે. તત્ત્વવેત્તા અને નેતા પણ તેજસ્વી વૃત્તિના હોવા જોઈએ. નિસ્તેજ તત્ત્વવેત્તા આત્માનંદ મેળવી શકતો નથી તેમ જ નિસ્તેજ નેતા સમાજને પણ એવો જ દીન અને લાચાર બનાવી મૂકે છે. હાથી પોતે ખાતાં પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાવી દે છે કારણ કે રાજા સમો ગજરાજ જ્યારે જમતો હોય ત્યારે બીજા અનેક જીવજંતુઓનું પેટ ભરાવું જોઈએ એવી ઉદાર એની વૃત્તિ છે. સંત તુલસીદાસજીએ કહ્યું છે :
मुखिया मुख सो चाहिए खान पान को एक 
पालत पोषत सकल अंग तुलसि धरत विवेक ।
અર્થાત્ ખાવા-પીવાનું કામ મોઢું કરે પણ પુષ્ટિ આખા શરીરને મળે એ જ રીતે નેતાના પરિશ્રમથી આખા સમાજને પુષ્ટિ મળવી જોઈએ.
આ રીતે નેતા અને તત્ત્વવેત્તાના જીવનમાં બુદ્ધિની તેજસ્વિતા અને અન્યને ખવડાવીને ખાવાની ઉદારતા હોવી જોઈએ એનું અહીં સૂચન છે. હાથીના કાન સૂપડા જેવા છે. સૂપડાનો ગુણ શું છે ?  सार सारको ग्रही लीये और थोथा देही उडाये સૂપડું ફોતરાં-ફોતરાં ફેંકી દઈને અનાજ જ પોતાની પાસે રાખે છે. વાતો બધાની બધી સાંભળવી, પણ એમાંનો સાર ગ્રહણ કરીને બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાવી દેવી. મોટા કાન ઉત્કૃષ્ટ શ્રવણ-ભક્તિ પણ સૂચવે છે. આપણે ત્યાં બહુશ્રુત માણસને કિંમત છે અને નહીં કે well-read (બહુપાઠી)ને.
ગણપતિની હાથી જેવી ઝીણી આંખો માનવીને જીવનમાં સૂક્ષ્મ દૃષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે. ઝીણી સોય પણ જમીન પરથી ઊંચકી શકે એવી સૂક્ષ્મ દૃષ્ટિ હાથીની છે. માનવીએ પણ પોતાની દૃષ્ટિ સૂક્ષ્મ રાખવી જોઈએ અને એ રીતે જીવનમાં ખબર ન પડતા ઘૂસનારા દોષોને અટકાવવા જોઈએ. હાથીની ઝીણી આંખો દીર્ઘદૃષ્ટિની પણ સૂચક છે. આ દીર્ઘદૃષ્ટિથી હાથી વ્યક્તિનું ભવિષ્ય વાંચી શકે છે એવી આપણે ત્યાં સમજણ છે. તેથી જ તો જૂના કાળમાં કોઈ રાજા નિર્વંશ મરી ગયો હોય તો હાથણીની સૂંઢમાં માળા મૂકીને એને ફેરવતા. જેના ગળામાં હાથણી માળા પહેરાવે તેને રાજા તરીકે નિયુક્ત કરતા. તત્ત્વવેત્તા અને નેતાની પાસે પણ ભવિષ્યનું જોવાની દીર્ઘદૃષ્ટિ હોવી જોઈએ. હાથીનું મોટું નાક દૂર સુધીનું સૂંઘવા સમર્થ છે. નેતા અને તત્ત્વવેત્તામાં દૂરદર્શીપણું હોવું જોઈએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઈએ એનું અહીં સૂચન છે.
ગણપતિને બે દાંત છે. એક આખો છે અને બીજો અડધો છે. આખો દાંત શ્રદ્ધાનો છે અને તૂટેલો દાંત મેધાનો છે. જીવન-વિકાસ માટે આત્મશ્રદ્ધા અને ઈશશ્રદ્ધા પૂર્ણ હોવી જોઈએ. મેધા કદાચ ઓછી હશે તો ચાલશે પણ પોતાના પર તેમ જ પ્રભુ પર સહેજ પણ ઓછો વિશ્વાસ હશે એ નહીં ચાલે. ઈશ્વરે માનવીને જન્મત: બે અણમોલ ભેટ આપી છે. એક શ્રદ્ધાની અને બીજી બુદ્ધિની. આ બન્નેનો જીવનમાં સમન્વય હોય તો જ જીવન-વિકાસ સાધી શકાય. જોકે દુ:ખની વાત એ છે કે બહુ જ ઓછા માણસો આવો સમન્વય સાધી શકે છે. બુદ્ધિ જેમ-જેમ વધતી જાય તેમ-તેમ એના પ્રકર્ષ અગ્નિની પાસે રહેલું માનવનું શ્રદ્ધાપુષ્પ કરમાતું જાય છે. માનવે આ સમન્વય સાધવા ઈશ્વર પાસે પ્રાર્થના કરવી જોઈએ.
વધે બુદ્ધિ છતાં ભાવ તું ટકાવજે,
એટલું માગું પ્રભુ!
જીવનમાં શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેની આવશ્યકતા છે, પરંતુ માનવીની બુદ્ધિ સીમિત હોવાથી આખરે તો તેણે શ્રદ્ધાનો સહારો લઈને આગળ વધવાનું હોય છે. તેથી જ તો એ બે દાંત પૈકીનો એક દાંત ખંડિત છે એ બુદ્ધિની મર્યાદાનો સૂચક છે અને બીજો દાંત પૂર્ણ છે એ અખૂટ શ્રદ્ધાનો સૂચક છે.
ગણપતિને ૪ હાથ છે. એક હાથમાં અંકુશ, બીજા હાથમાં પાશ, ત્રીજામાં મોદક અને ચોથામાં આશીર્વાદ ભર્યા છે. અંકુશ વાસના-વિકારો ૫ર સંયમ જરૂરી છે એમ સૂચવે છે, જ્યારે પાશ જરૂર પડતાં ઇન્દ્રિયોને કિંવા અનુયાયીઓને શિક્ષા કરવાનું સામર્થ્ય પણ તત્ત્વવેત્તા અને નેતામાં હોવું જોઈએ એમ સૂચવે છે. મોદક એટલે જે મોદ કરાવે તે. જેનાથી આનંદ પ્રાપ્ત થાય, સંતોષ થાય એવો સાત્ત્વિક આહાર આ મહાપુરુષોનો હોવો જોઈએ. આનો વ્યાપક અર્થ લેતાં જણાશે કે પ્રત્યેક ઇન્દ્રિયનો આહાર સાત્ત્વિક હોવો જોઈએ. વળી મોદક એ તત્ત્વજ્ઞાનનું પ્રતીક પણ છે. મોદકના બહારના પડની માફક તત્ત્વજ્ઞાન પણ ઉપર-ઉપરથી ચાખનારને ફિક્કું લાગે છે પરંતુ અંદરનો સારભાગ મધુર છે. Philosophy means to go deep. તેથી જ તો કોઈ પણ વિષયમાં સંશોધન કરીને એના ઊંડાણ સુધી પહોંચનારને ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD)ની ઉપાધિ આપવામાં આવે છે. જે પોતાના કર્મના ફળરૂપી મોદક પ્રભુના હાથમાં મૂકી દે છે તેને પ્રભુ આશીર્વાદ આપે છે એમ ચોથો હાથ સૂચવે છે. કદીક એમ પણ થઈ આવે છે કે જેમ વિષ્ણુ ભગવાને ભક્તના પૂજન માટે કમળનું કૂલ રાખ્યું છે એમ પોતાના લાડકા દીકરાને ખવડાવવા માટે ગણપતિએ એક હાથમાં મોદક રાખ્યો હશે અને બીજા હાથથી તે તેને બોલાવી રહ્યા છે.
તેઓ લંબોદર કહેવાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ ઉદરમાં સમાવી દેવી એવું સૂચન તેમનું મોટું પેટ કરી રહ્યું છે. નેતા અને તત્ત્વવેત્તાની પાસે આવીને સૌકોઈ પોતાનું હૃદય ઠાલવે, પોતાની આત્મકથા કહે. હવે આ વાતો જો આ મહાપુરુષો પેટમાં ન રાખે તો સંભવ છે કે પેલાની જિંદગી બરબાદ થઈ જાય. એટલું જ નહીં, બીજા કોઈ પણ આ મહાપુરુષો પર વિશ્વાસ ન રાખે. ટૂંકમાં, માણસ ગાગર-પેટ નહીં, સાગર-પેટ હોવો જોઈએ. સાગરની માફક તે પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઈએ.
ગણપતિના પગ નાના છે એટલે તેઓ જલદી દોડી શકતા નથી. ‘ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર’ એ કહેવતનો પાઠ ભણાવતાં તેઓ એમ સૂચવી રહ્યા છે કે કોઈ પણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી. જેમ સસલા અને કાચબાની શરતમાં કાચબો જીતી જાય છે એમ ધીમે-ધીમે કાર્યમાં આગળ વધનારનું કાર્ય સુદૃઢ અને સફળ બનતું જાય છે. નેતા અને તત્ત્વવેત્તાએ આ ધ્યાનમાં રાખવું જરૂરી છે. વળી નાના-ટૂંકા પગ બુદ્ધિમત્તાનું લક્ષણ છે. બુદ્ધિમાનોના પગ હંમેશાં ટૂંકા હોય છે, એટલે કે તેઓ પોતે જ દોડ્યા કરતા નથી પરંતુ પોતાની બુદ્ધિથી બીજાને દોડાવે છે. પૃથ્વી પ્રદક્ષિણાની શરતમાં પોતાના ભાઈ કાર્તિકેયને ગણેશે પોતાની બુદ્ધિથી જ માત કર્યા હતા એ પૌરાણિક વાત આપણને સુવિદિત જ છે. 
ગણપતિનું વાહન ઉંદર છે. વિષ્ણુનું વાહન ગરુડ છે, શંકરનું વાહન પોઠિયો છે. આ બધાં એટલાં વિશાળકાય વાહનો છે કે આપણા દરવાજા સુધી આવીને અટકી જાય, ઘરમાં પ્રવેશ પણ ન કરી શકે; જ્યારે ગણપતિનું વાહન એવું છે જે તેમને ઘર-ઘરમાં લઈ જાય છે. આ મહાપુરુષોનાં સાધનો એવાં નાનાં અને નમ્ર હોવાં જોઈએ જેથી તે ઘર-ઘરમાં પ્રવેશ પામી શકે, સૌના પ્રિય બની શકે. બીજી એક વ્યવહારનીતિ પણ ઉંદર પાસેથી શીખવા જેવી છે. એ કરડે છે જરૂર પણ ફૂંક મારીને, એટલે કોઈને એની ખબર પડતી નથી. નેતા કે તત્ત્વવેત્તાને પણ કોઈ વાર કોઈને કાન પકડાવે એવું કડવું કહેવાનો સમય આવે તો તે એવી મીઠાશથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ન લાગે અને કાર્ય પણ થઈ જાય. બીજું, ઉંદર ઇન્દ્રિયોની ચૌર્યવૃત્તિનું સૂચન કરે છે. જ્યાં સારું હોય, જે સારું હોય એને ચોરી લેવું, એનો ઉપયોગ કરી લેવો એ જેમ ઉંદરોનો સ્વભાવ છે એમ ઇન્દ્રિયોનો પણ સ્વભાવ છે. ઇન્દ્રિયોને પણ સારી અને સુંદર ચીજોનો ભોગ કરવાની વૃત્તિ થઈ આવે છે. નેતા અને તત્ત્વવેત્તાએ આ ઇન્દ્રિયો પર અસવાર થઈ તેમની ચૌર્યવૃત્તિને સંયમમાં રાખવી જોઈએ.
ઉંદર માયાનું પણ પ્રતીક છે. ઉંદરની માફક માયા પણ માનવીને ફૂંકી-ફૂંકીને કરડે છે. ફૂંકી-ફૂંકીને કરડનારી આ માયાને ફકત જ્ઞાની-તત્ત્વજ્ઞાની જ અંકુશમાં રાખી શકે, એના પર સવાર થઈ શકે. કાળને પણ ઉંદરની જેમ આપણા જીવનના સમયને ફૂંકી-ફૂંકીને ખાવાની ટેવ છે. વર્ષોનાં વર્ષો વ્યતીત થઈ જાય છતાં આપણને એનો ખ્યાલ પણ રહેતો નથી. कालो न यातो वयमेव याताः આપણી બધી જ કલાઓને કાળ ધીમે-ધીમે ફિક્કી અને નીરસ બનાવે છે. कालः पिबति तद्रसम् આ દૃષ્ટિએ કાળને જીતે તે જ જીવનનો ખરો કલાકાર! આમ ગણપતિનું વાહન ઉંદર આપણને ઘણી સૂચક વાતો સમજાવે છે.
ગણપતિને દૂર્વા ખૂબ પ્રિય છે. લોકોને મન જેનું કોઈ મહત્ત્વ નથી એવા ઘાસને તેમણે પોતાનું માન્યું અને એની કિંમત વધારી. નેતા અને તત્ત્વવેત્તા પણ જેનું કંઈ મહત્ત્વ નથી, જેને કોઈ રાખતું નથી એવાને આશરો આપે છે, તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરીને જીવંત જીવન જીવનાની પ્રેરણા આપે છે. બીજું, દૂર્વાને કંઈ રંગ નથી, સુગંધ નથી. રંગ વગરનું, સુગંધ વગરનું, જેની દુનિયાની દૃષ્ટિએ કંઈ કિંમત નથી એવું કર્મ પણ પ્રભુને પ્રેમથી ચડાવીએ તો એ તેમને ગમે છે. એવી જ રીતે આ મહાપુરુષોની પાસે જે કોઈ ભાવનાથી આવે તેમને જે કંઈ પ્રેમથી આપે એ તેમને ગમવું જોઈએ એવું સૂચન આ દૂર્વા કરે છે.
ગણપતિને લાલ ફૂલ પ્રિય છે. લાલ રંગ ક્રાન્તિનો સૂચક છે. નેતા અને તત્ત્વવેત્તાને દૈવી ક્રાન્તિ પ્રિય હોય એ સ્વાભાવિક છે. વળી ગણપતિ પર આપણે ચોખા ચડાવીએ છીએ. ચોખાને સંસ્કૃતમાં अक्षत કહે છે. અક્ષત એટલે જેનામાં ઘા નથી તે, જે ખંડિત નથી પણ અખંડ છે તે. દેવ પ્રત્યેની આપણી અખંડ ભક્તિનું એ અક્ષત ચડાવવામાં દર્શન થાય છે. મહાપુરુષોની પણ ધ્યેય માટે, પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઈએ.

ગણેશ તુજને સહુ કહેતા!



ઓ રિદ્ધિસિદ્ધિના દેવ, ગણેશ તુજને સહુ કહેતા (૨)
કરી પહેલાં ચરણ પ્રણામ, ગાઉં હું તારાં ગુણગાન
ગણેશ તુજને સહુ કહેતા (૨)
મૂષક ઉપર સ્વાર બની તેં કાળને કબજે કીધો 
જગની સૌ છાની વાતોનો, તાગ તેં કાઢી લીધો રે (૨) 
તું સૌને સુખ દેનાર, દુઃખડાં સૌનાં શિર વહેનાર! ગણેશ...
માત-પિતાનો આદર રાખી, પ્રદક્ષિણા તેં કીધી 
દેવોમાં પહેલો આવીને, સૌમાં તું પૂજાતો રે (૨) 
તેં કીધાં એવાં કામ, સદા આગળ છે તારું સ્થાન! ગણેશ...
ગજાસુરને હણવા માટે, તેં અવતાર લીધો તો 
હાથીનું મસ્તક ધારી તું, ગજાનન કહેવાતો રે (૨) 
એ શિવજીનો જ પ્રસાદ, કહેવાતો સૌનો તું નાથ! ગણેશ...
એક દંત આખો શ્રદ્ધાનો, અર્ધબુદ્ધિ બતલાવે 
એ જ બતાવે ના બુદ્ધિથી, શ્રદ્ધાથી સમજાતો રે (૨) તું 
સૌ દેવ કરે છે પ્રણામ, તારી કળા તણો નહીં પાર! ગણેશ...
વિઘ્નો દૂર કરે છે જગનાં, વિઘ્નનાશી સૌ કહેતા 
રિદ્ધિ સિદ્ધિથી મુખ મરડીને, વક્રતુંડ કહેવાતો રે (૨) તું 
બસ માગું એક જ વાત, સદા રહેજે મુજ હૃદયે નાથ! ગણેશ...


ગણપતિને वक्रतुण्ड કહે છે. રિદ્ધિસિદ્ધિથી મુખ મરડીને ઊભા રહેનારને જ રિદ્ધિસિદ્ધિ સાંપડે છે. न मागे त्याची रमा होय दासी વળી वक्रान् तुंडयति इति वक्रतुण्डः 
અર્થાત્ વાંકાચૂંકા ચાલવાવાળાને, આડેઅવળે રસ્તે જનારાને જે દંડ આપે છે તે વક્રતુંડ. નેતા અને તત્ત્વવેત્તા આ અર્થમાં વક્રતુંડ હોવા જોઈએ.
દરેક કાર્યની સિદ્ધિ માટે ગણપતિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે. સામાન્ય સ્થૂળ અર્થ આ રીતનો લઈ શકાય. નેતાઓ અને તત્ત્વવેત્તાઓ સમાજના ગણપતિઓ છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે સર્વપ્રથમ આ ગણપતિઓને, શ્રેષ્ઠ પુરુષોને બોલાવીને તેમનું પૂજન કરવાથી, તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિદ્ધ થાય છે. વળી આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈશું તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ છે. એ ગણનો પતિ મન છે. કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ ઠેકાણે હોવો જોઈએ. તેથી ગણપતિને પ્રથમ પૂજવાનો મતલબ કે મનને કાર્યના પ્રારંભ પહેલાં શાંત અને સ્થિર કરવું; જેથી કોઈ વિઘ્નો ઊભાં જ ન થાય અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય.
ગણેશ ચતુર્થીના દિવસે આપણે જે ગણપતિને લાવીએ છીએ તે ગણપતિનું વિસર્જન આપણે અનંત ચતુર્દશીના દિવસે કરીએ છીએ. જે શાંત છે તેને અનંતમાં, સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલીન કરીએ છીએ. સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ભગવાન સર્વત્ર વ્યાપી રહેલા છે. જીવનમાં પણ વ્યક્તિપૂજાથી શરૂઆત કરીને તત્ત્વપૂજામાં તે આરંભનું આપણે પર્યવસાન કરીએ છીએ. અંતિમ પ્રમાણ આપણે તત્ત્વને જ માન્યું છે. ટૂંકમાં, ગણપતિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ. બધામાં ભગવાન જોવાનું આપણા માટે કદાચ કઠણ હોય તો બધા ભગવાનના છે તેથી મારા ભાઈઓ છે, આપણા સૌનું દૈવી સગપણ છે એટલું તો આપણે જરૂર સમજી શકીએ.
ૐકારને પદાર્થ સૃષ્ટિમાં લાવવાનું કામ ગણપતિની મૂર્તિએ કર્યું છે એમ પણ કેટલાક લોકોનું માનવું છે.
अकार चरण युगल, उकार उदर विशाल । 
मकार महामंडल। मस्तकाकारें ।। (ज्ञा. १,१३)
‘अ’કાર એટલે ગણપતિએ વાળેલું પદમાસન, ‘उ’કાર એટલે વિશાળ પેટ અને ‘म’કાર એટલે તેમનું મસ્તક, એવી રસમય કલ્પના કેટલાક લોકોએ કરી છે.
ઘરે ગણપતિ લાવીને તેમનું પૂજન કરવાની પ્રથા તો પહેલેથી જ ચાલતી આવી છે, પણ સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ એકતા અને સંગઠનની ભાવનાથી કરવામાં આવ્યો છે. ધ્યેયમૂર્તિ, જ્ઞાનમૂર્તિ અને મંગલમૂર્તિ ગણેશ નેતા અને તત્ત્વત્તાને માટે આદર્શરૂપ છે.
જે ઋષિઓએ ગણપતિ-પૂજન દ્વારા જીવનનું આવું અલૌકિક દર્શન આપ્યું તેમ જ તે દર્શન જીવનમાં સાકારિત થતાં અનંત વિઘ્નો પા૨ કરવાનું સામર્થ્ય આપ્યું તે ઋષિઓને આપણા અનંત પ્રણામ!

-હરિભાઈ કોઠારી


 

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK