Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ભારતના દરેક રાજ્યની હિન્દુ સંસ્કૃતિને એક તાંતણે બાંધતું પરિધાન એટલે સાડી

ભારતના દરેક રાજ્યની હિન્દુ સંસ્કૃતિને એક તાંતણે બાંધતું પરિધાન એટલે સાડી

Published : 21 December, 2025 01:12 PM | Modified : 21 December, 2025 01:13 PM | IST | Mumbai
Laxmi Vanita

વિશ્વ સાડી દિવસ પર ભારતીય સંસ્કૃતિનાં પરિધાનોમાં વિશ્વવિખ્યાત સાડીના ઇતિહાસની વાત કરીએ. ભારતના દરેક રાજ્ય પાસે પોતાની અનોખી સાડીનો સાંસ્કૃતિક વારસો છે. કેટલીયે સાડીઓને GI ટૅગ પ્રાપ્ત છે.

ભારતના દરેક રાજ્યની આગવી સાડી તો છે જ, પણ સાડી પહેરવાની સ્ટાઇલ પણ આગવી છે અને સોળમી સદીમાં અસ્તિત્વમાં આવેલી ઘરચોળા સાડી.

ભારતના દરેક રાજ્યની આગવી સાડી તો છે જ, પણ સાડી પહેરવાની સ્ટાઇલ પણ આગવી છે અને સોળમી સદીમાં અસ્તિત્વમાં આવેલી ઘરચોળા સાડી.


વિશ્વ સાડી દિવસ પર ભારતીય સંસ્કૃતિનાં પરિધાનોમાં વિશ્વવિખ્યાત સાડીના ઇતિહાસની વાત કરીએ. ભારતના દરેક રાજ્ય પાસે પોતાની અનોખી સાડીનો સાંસ્કૃતિક વારસો છે. કેટલીયે સાડીઓને GI ટૅગ પ્રાપ્ત છે. સ્વાભાવિક છે કે સાડીઓ કાપડમાંથી બને છે પરંતુ દરેક કાપડમાંથી સાડીઓ નથી બનતી. ત્યારે ફૅબ્રિકનું નામ પડતાંની સાથે જ ભારતીયો જેને સાડી માને છે એવી સાડીઓના ઇતિહાસને સમજીએ

સાડી ભારતીય સંસ્કૃતિનાં પારંપરિક પરિધાનોમાંનું એક છે. સાડીનો ઉદ્ભવ કોઈ એક ભૂગોળ કે સમયગાળામાં બંધાઈ જાય એવો નથી પરંતુ એ માનવ સંસ્કૃતિની પ્રાચીન વસ્ત્રપરંપરાઓમાંથી વિકસેલી એક સતત યાત્રા છે. વિશ્વભરમાં જ્યારે કપડાં સીવ્યા વગર શરીર પર ઓઢવા-લપેટવાની પરંપરા હતી ત્યારે ભારતે એને સૌંદર્ય, અર્થ અને ઓળખ સાથે જોડીને સાડીનું સ્વરૂપ આપ્યું. સિંધુ ઘાટી સંસ્કૃતિના અવશેષોથી માંડીને ગ્રીક અને રોમન મુસાફરોનાં વર્ણનો સુધી સ્ત્રીઓ દ્વારા ઓઢાતાં-લપેટાતાં વસ્ત્રોના સંકેતો મળે છે, પરંતુ માત્ર ભારતમાં જ આ સાદા કપડાએ સાંસ્કૃતિક સંહિતા ધારણ કરી. સાડી ભારતને એક સૂત્રમાં ગૂંથે છે, જેમ અલગ-અલગ રંગોના તારાઓ મળીને એક કાપડ બને. હિમાલયની ઠંડી હવામાંથી લઈને દરિયાકાંઠાની ભેજભરી ઉષ્મા સુધી, રણના તીવ્ર ધૂપથી લઈને જંગલોની છાંય સુધી, સાડી દરેક ભૂગોળ સાથે પોતાનું સ્વરૂપ બદલતી રહી છે. કાંજીવરમની ઘનતા, બનારસીની શાહી ભવ્યતા, સંબલપુરની લોકકલા, પટોળાની ગાણિતીય ચોકસાઈ, કસાવુની શાંત સફેદી; આ બધું મળીને સાડી ભારતની સાંસ્કૃતિક ભૂગોળ બની જાય છે. ભારતમાં સાડી માત્ર પહેરવેશ નથી; એ સ્ત્રીની ઓળખ, સમાજની રચના અને સંસ્કૃતિની સતત વહેતી ભાષા બની રહી છે. સમય બદલાયો, સામ્રાજ્યો આવ્યાં-ગયાં, ફૅશનના પ્રવાહો બદલાયા છતાં સાડી ટકી રહી કારણ કે એ ભારતની જેમ જ લવચીક, સહનશીલ અને વૈવિધ્યસભર છે. વૈશ્વિક દૃષ્ટિએ સાડી ભારતનું યોગદાન છે : એવું વસ્ત્ર જે સમય, વર્ગ, પ્રદેશ અને ધર્મની સરહદોને પાર કરીને આજે પણ જીવંત છે. સાડીનો વૈશ્વિક સ્તરે ઉજવણીનો પ્રયાસ ૨૦૦૯થી શરૂ થયો હતો અને ૨૦૨૦માં સોશ્યલ મીડિયાના માધ્યમથી પુનઃપ્રયાસ કરવામાં આવ્યો. ૨૧ ડિસેમ્બરને વિશ્વ સાડી દિવસ તરીકે ઊજવીએ અને આપણા દેશના વિવિધ વિસ્તારો અને સ્થાનોની સાડીના ઇતિહાસ અને પહોંચને જાણીએ.




દક્ષિણ ભારતની પ્રખ્યાત સાડીઓ

દક્ષિણ ભારતની અનેક સાડીઓને GI ટૅગ (Geographical Indication) પ્રાપ્ત થયો છે જે તેમની અસલ ઓળખ અને પરંપરાગત વારસાને કાનૂની સુરક્ષા આપે છે. GI ટૅગનો અર્થ એ થાય છે કે આ સાડીઓ ચોક્કસ ભૂગોળીય વિસ્તારમાં જ પરંપરાગત પદ્ધતિથી બનાવવામાં આવે છે અને એમની ગુણવત્તા, ડિઝાઇન તથા વણાટકળા એ પ્રદેશ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તામિલનાડુની કાંચીપુરમ (કાંજીવરમ) સિલ્ક સાડી દક્ષિણ ભારતની સૌથી પ્રખ્યાત GI ટૅગ ધરાવતી સાડી છે જે શુદ્ધ રેશમ, ભારે જરી અને મંદિર પ્રેરિત નકશાઓ માટે વિશ્વવિખ્યાત છે. આંધ્ર પ્રદેશની ઉપ્પાડા જામદાની, વેન્કટગિરિ, મંગલગિરિ અને ધર્માવરમ સિલ્ક સાડીઓ પણ GI ટૅગથી સન્માનિત છે જે એમની સૂક્ષ્મ હૅન્ડવૂવન કળા અને ઐતિહાસિક મહત્ત્વને દર્શાવે છે. કર્ણાટકની ઇલ્કલ સાડી એની અનોખી બૉર્ડર અને પરંપરાગત રંગો માટે GI ટૅગ ધરાવે છે, જ્યારે કેરલાની બાલારામપુરમ અને કુથામ્પુલ્લી સાડીઓ એમની સાદગી, ક્રીમ રંગ અને સોનેરી કિનારી માટે ઓળખાય છે. તેલંગણાની પોચમપલ્લી, ઇકટ અને ગઢવાલ સાડીઓ પણ GI ટૅગ ધરાવે છે અને એમનાં વિશિષ્ટ ઇકટ વણાટ પદ્ધતિ તથા રેશમ–સૂતર સંયોજનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ છે. આ રીતે GI ટૅગ દક્ષિણ ભારતની સાડીઓને માત્ર બજાર મૂલ્ય જ નથી આપતો, પરંતુ પેઢી-દર પેઢી ચાલતી હસ્તકલા અને વણકરોની પરંપરાને જીવંત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 
આ તમામ સાડીઓમાંથી જો સૌથી વધુ પ્રસિદ્ધ સાડી વિશે વાત કરીએ તો દક્ષિણ ભારતની કાંચીપુરમ (કાંજીવરમ) સાડીનો સમાવેશ થાય છે. કાંચીપુરમ સાડી (જેને સામાન્ય રીતે કાંજીવરમ સાડી કહેવામાં આવે છે) નો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને અત્યંત સમૃદ્ધ છે. તામિલનાડુના કાંચીપુરમ શહેરને ‘હજારો મંદિરોનું શહેર’ કહેવાય છે અને અહીંની સાડીઓ પર દેખાતી ડિઝાઇન પણ મુખ્યત્વે મંદિર સ્થાપત્ય, દેવી-દેવતાઓ, પ્રકૃતિ અને પૌરાણિક કથાઓથી પ્રેરિત હોય છે. માનવામાં આવે છે કે કાંચીપુરમમાં રેશમ સાડી વણાટની પરંપરા ચોળ વંશના શાસનકાળ દરમ્યાન આશરે ૯મીથી ૧૩મી સદી દરમિયાન વિકસિત થઈ જ્યારે રાજાઓએ વણકરોને રાજાશાહી સંરક્ષણ આપ્યું અને કળાને પ્રોત્સાહન મળ્યું. કાંચીપુરમ સાડીની ખાસિયત એ છે કે એમાં વપરાતું શુદ્ધ મલબેરી સિલ્ક અને અસલી સોનાની જરી એને અનન્ય બનાવે છે. પરંપરાગત રીતે આ સાડીમાં શરીર (બૉડી) અને કિનારી (બૉર્ડર) અલગ-અલગ વણીને પછી ‘કોરવાઈ’ પદ્ધતિથી જોડવામાં આવે છે, જેના કારણે સાડી અત્યંત મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ રહે છે. આ સાડીઓમાં મંદિર, ઘંટ, મોર, હાથી, ફૂલ-વેલ અને ધાર્મિક ચિહ્‍નો જેવી ડિઝાઇન સામાન્ય રીતે જોવા મળે છે જે દક્ષિણ ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે. સમય સાથે કાંચીપુરમ સાડી માત્ર સ્થાનિક વસ્ત્ર ન રહી; લગ્ન, ધાર્મિક વિધિઓ અને શુભ પ્રસંગો માટેનું સૌથી પ્રતિષ્ઠિત વસ્ત્ર બની ગઈ. સેલિબ્રિટીઓ પોતાનાં લગ્નના પોશાકમાં આ સાડીનો સમાવેશ અચૂકથી કરે છે. ફિલ્મ અભિનેત્રી રેખાએ આ સાડીને લોકોમાં વધારે પ્રખ્યાત કરી છે. રેખા મોટા 
ભાગે કાંજીવરમ સાડીમાં જ હાજરી આપે છે.


કાંચીપુરમની સાડીઓને જ કાંજીવરમ કહેવાય છે. કાંચીપુરમ શહેરનું નામ છે અને સ્થાનિક ભાષામાં આ શબ્દનું ઉચ્ચારણ કાંજીવરમ થઈ ગયું છે. માનવામાં આવે છે કે કાંચીપુરમમાં રેશમ સાડીવણાટની પરંપરા ચોળ વંશના શાસનકાળ (આશરે ૯મીથી ૧૩મી સદી) દરમિયાન વિકસિત થઈ હતી. કાંચીપુરમ સાડીની ખાસિયત એ છે કે એમાં વપરાતું શુદ્ધ મલબેરી સિલ્ક અને અસલી સોનાની જરી એને યુનિક બનાવે છે. સમય સાથે કાંચીપુરમ સાડી માત્ર સ્થાનિક વસ્ત્ર ન રહી પરંતુ લગ્ન, ધાર્મિક વિધિઓ અને શુભ પ્રસંગો માટેનું સૌથી પ્રતિષ્ઠિત વસ્ત્ર બની ગઈ.

મધ્ય અને પશ્ચિમ ભારતની પ્રખ્યાત સાડીઓ

મધ્ય અને પશ્ચિમ ભારત સાડીવણાટની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ અને વૈવિધ્યસભર પ્રદેશ છે. મધ્ય પ્રદેશની ચંદેરી અને મહેશ્વરી સાડીઓનો ઇતિહાસ પ્રાચીન સમયથી જોડાયેલો છે. ચંદેરી સાડી એના હળવી, પારદર્શક ટેક્સચર અને સૂક્ષ્મ સોનાની જરી માટે જાણીતી છે અને એને GI ટૅગ પ્રાપ્ત છે. મહેશ્વરી સાડીઓ નર્મદા નદીના કિનારે મહેશ્વર નામની જગ્યાએ વિકસિત થઈ હતી અને હોળકર વંશની રાણી અહિલ્યાબાઈના આશ્રય હેઠળ એને વિશેષ પ્રોત્સાહન મળ્યું; આ સાડીઓ પણ GI ટૅગ ધરાવે છે અને એમની સાદી પરંતુ શાહી કિનારીઓ માટે પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રની પૈઠણી સાડી ભારતની સૌથી પ્રાચીન અને વૈભવી સાડીઓમાંની એક માનવામાં આવે છે. એનો ઇતિહાસ સાતવાહન યુગ સુધી પહોંચે છે અને એમાં હાથથી વણાયેલી રેશમી રચનાઓ, મોર, કમળ અને પૌરાણિક આકૃતિઓ વિશેષ સ્થાન ધરાવે છે. પૈઠણી સાડી પણ GI ટૅગથી માન્ય છે અને એ મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ અને લગ્ન પરંપરાનું ગૌરવ છે. રાજસ્થાનમાં કોટા દોરિયા (કોટા જાળી) સાડીઓ એમની હળવાશ અને ચેક્સ પૅટર્ન માટે ઓળખાય છે અને એને પણ GI ટૅગ મળ્યો છે. જયપુરની સાડીઓ રંગીન છાપકામ, બાંધણી અને રાજસ્થાની કળાના પ્રભાવને દર્શાવે છે; જે પ્રદેશની રાજવી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતની સાડીઓની પણ આ વિભાગમાં વાત કરી શકાય પરંતુ આ રાજ્યની સાડીઓ વિશે ટૂંકમાં વાત કરવી અશક્ય છે. તેથી વિસ્તારમાં બાંધણી, ઘરચોળા અને પટોળા વિશે જાણીએ.

બનારસી બ્રૉકેડ સાડીનો ઇતિહાસ લગભગ મુગલ શાસનકાળ દરમ્યાનનો અંદાજે ૧૪મીથી ૧૬મી સદીનો છે. ત્યારે મુગલ શાસકો અને સલ્તનતો માટે સાડીઓ પર શાહી જરી અને ફૂલો, ફળો, પૌરાણિક પાત્રો જેવી જટિલ ડિઝાઇન વણવામાં આવતી. પરંપરાગત રીતે આ સાડી લગ્ન, ધાર્મિક વિધિઓ અને રાજકીય પ્રસંગો માટે પહેરાતી હતી.

બાંધણી, ઘરચોળા અને પટોળા 

વાત કરીએ ગુજરાતની સાડીઓની. જ્યારે ગુજરાતનું નામ આવે એટલે લોકો બાંધણી, ઘરચોળા અને પટોળાથી એના ટેક્સટાઇલની ઓળખ કરે છે. ઘરચોળા અને બાંધણી સાડીઓ ગુજરાતની લગ્ન અને ધાર્મિક પરંપરાનો અવિભાજ્ય ભાગ છે. ગુજરાતની સાડીઓ રંગ, ગણિતીય પૅટર્ન અને પ્રતીકાત્મક ડિઝાઇન માટે ઓળખાય છે. બાંધણી સાડી ગુજરાતની સૌથી પ્રાચીન ટેક્સટાઇલ પરંપરાઓમાંની એક માનવામાં આવે છે જેનો ઇતિહાસ લગભગ ૫૦૦૦ વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે અને એનો ઉલ્લેખ સિંધુ ઘાટી સંસ્કૃતિ સાથે પણ જોડાય છે. કચ્છ, જામનગર અને ભાવનગર જેવા વિસ્તારો બાંધણી કળાનાં મુખ્ય કેન્દ્ર રહ્યાં છે. નાની-નાની ગાંઠ બાંધીને રંગ કરવાની પદ્ધતિથી બનતી બાંધણી સાડીઓ એના ચમકદાર રંગો અને શુભ પ્રતીકો માટે જાણીતી છે. બાંધણી આજે પણ ગુજરાત અને રાજસ્થાનમાં વ્યાપક રીતે પહેરાય છે. કચ્છ અને જામનગરની બાંધણીને GI ટૅગ પણ પ્રાપ્ત છે. એ સિવાય ઘરચોળા સાડી એટલે મૂળ રીતે ગુજરાતની જ ઓળખ. ઘરચોળા ખાસ કરીને ગુજરાતી લગ્ન પરંપરા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. પરંપરાગત રીતે લાલ રંગની રેશમી સાડી પર સફેદ અથવા સોનેરી ચેક્સ પૅટર્ન, હાથી, કમળ, શંખ અને સ્વસ્તિક જેવાં શુભ ચિહ્નો દર્શાવવામાં આવે છે. ઘરચોળાને ગયા વર્ષે જ GI ટૅગ આપવામાં આવ્યો છે. આ સાડી હિન્દુ અને જૈન સમુદાયોમાં પાનેતર તરીકે પહેરવામાં આવે છે. છેલ્લે સાડીઓની યાદીમાં વાત કરીએ પટોળાની. પટોળા સાડીને તો સાહિત્ય સાથે જોડીને પ્રેમનું ચિહ્ન બનાવી દેવામાં આવી છે.
જ્યારે પણ નીતા અંબાણી પારંપરિક ગુજરાતી સાડીમાં દેખાય છે ત્યારે એ સાડીઓ તરત જ વાઇરલ થઈ જતી હોય છે. તેમણે પહેરેલી ગુલાબી રંગની ડબલ ઇકટ પટોળાંની ડિઝાઇન ખરેખર બહુ જ વાઇરલ થઈ હતી. પાટણની પટોળા સાડી વિશ્વવિખ્યાત ડબલ ઇકટ વણાટ પદ્ધતિ માટે જાણીતી છે અને એને GI ટૅગ પ્રાપ્ત છે. પટોળા સાડીને ગુજરાતની પ્રાચીન સાડીઓમાંની એક માનવામાં આવે છે, જેનો ઇતિહાસ ૯૦૦ વર્ષથી વધુ જૂનો છે. આ સાડી પાટણ શહેરમાં વિકસિત થઈ અને ખાસ કરીને એની અતિ દુર્લભ ડબલ ઇકટ વણાટ પદ્ધતિ માટે ઓળખાય છે. પ્રાચીન સમયમાં પટોળા સાડી માત્ર રાજાઓ, મહારાજાઓ અને ઉચ્ચ વર્ગ દ્વારા પહેરાતી હતી અને એને વૈભવ, શુભતા અને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવતી. આ સાડીમાં વપરાતી ડિઝાઇન બન્ને બાજુ એકસરખી દેખાય છે અને એનાં રંગસંયોજન અને પૅટર્ન શતાબ્દીઓ પછી પણ બદલાયાં નથી. પટોળા સાડીઓનો વ્યાપ ભારતની બહાર ઇન્ડોનેશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા સુધી પહોંચ્યો હતો જ્યાં આજે પણ એને ધાર્મિક અને શુભ વસ્ત્ર તરીકે માનવામાં આવે છે.

પટોળાનો ઇતિહાસ ૯૦૦ વર્ષથી વધુ જૂનો છે. આ સાડી પાટણ શહેરમાં વિકસિત થઈ અને ખાસ કરીને એની અતિ દુર્લભ ડબલ ઇકટ વણાટ પદ્ધતિ માટે ઓળખાય છે. પ્રાચીન સમયમાં પટોળા સાડી માત્ર રાજાઓ, મહારાજાઓ અને ઉચ્ચ વર્ગ દ્વારા પહેરાતી હતી અને એને વૈભવ, શુભતા અને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવતી. આ સાડીમાં વપરાતી ડિઝાઇન બન્ને બાજુ એકસરખી દેખાય છે અને એનાં રંગસંયોજન અને પૅટર્ન શતાબ્દીઓ પછી પણ બદલાયાં નથી.

ઉત્તર અને પૂર્વ ભારતની સાડીઓ

પૂર્વ અને ઉત્તર ભારતનાં રાજ્યો પણ સાડી કળાની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ અને ઐતિહાસિક વારસો ધરાવે છે. ઓડિશાની ઓરિસ્સા ઇકટ (સંબલપુરી બંધા) સાડી એની અનોખી બંધા ઇકટ વણાટ પદ્ધતિ માટે જાણીતી છે જેમાં દોરાને પહેલાં રંગીને પછી વણવામાં આવે છે. આ સાડી ઓડિશાની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે અને એને GI ટૅગ મળ્યો છે. પશ્ચિમ બંગાળમાં બાલુચરી સાડી એના પલ્લુ પર દર્શાવાતી પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ માટે જાણીતી છે, જ્યારે તાંગાઇલ, કોરિયલ અને ગારદ સાડીઓ એની સાદગી, લાલ કિનારી અને ધાર્મિક ઉપયોગ માટે પ્રસિદ્ધ છે. આમાં બાલુચરી અને ગારદ જેવી સાડીઓને GI ટૅગ દ્વારા માન્યતા મળી છે. આ ઉપરાંત પૂર્વ ભારતમાંથી બિહારની ભાગલપુરી (ટસર સિલ્ક) સાડી, આસામની મુગા અને એરિ સાડી તેમ જ ઉત્તર ભારતમાંથી જમ્મુ-કાશ્મીરની પશ્મિના શાલ (સાડી નહીં હોવા છતાં ટેક્સટાઇલ તરીકે) જેવી હસ્તકલાકૃતિઓને પણ GI ટૅગ મળ્યો છે જે આ પ્રદેશોની વણાટ પરંપરાની સમૃદ્ધિને દર્શાવે છે. છેલ્લે બનારસની બનારસી સાડીની વાત કરવી જ પડે કારણ કે આ સાડી પણ સેલિબ્રિટીઓના ટ્રુઝો એટલે કે લગ્નનાં વસ્ત્રોનો એક મુખ્ય ભાગ હોય છે.


દરેક પ્રકારની સાડીનું વણાટકામ યુનિક હોય છે.

ઉત્તર પ્રદેશની બનારસી બ્રૉકેડ સાડી ભારતની સૌથી પ્રાચીન અને વૈભવી સાડીઓમાંની એક છે જે ખાસ કરીને ઉત્તર પ્રદેશના વારાણસી (બનારસ) શહેર સાથે જોડાયેલી છે. એનો ઇતિહાસ લગભગ મુગલ શાસનના સમય અંદાજે ૧૪મીથી ૧૬મી સદી દરમ્યાનનો છે. ત્યારે મુગલ શાસકો અને સલ્તનતો માટે સાડીઓ પર શાહી જરી અને ફૂલો, ફળો, પૌરાણિક પાત્રો જેવી જટિલ ડિઝાઇન વણવામાં આવતી. બનારસી સાડી ખાસ મલબેરી રેશમ અને સોનાની કે ચાંદીની જરી દ્વારા બને છે. પરંપરાગત રીતે આ સાડી લગ્ન, ધાર્મિક વિધિઓ અને રાજકીય પ્રસંગો માટે પહેરાતી હતી. બૉડી અને પલ્લુ પર અલગ ડિઝાઇન વણવામાં આવતી હોવાથી આ સાડી અત્યંત ભવ્ય અને ટકાઉ બને છે. પલ્લુ પર દર્શાવાતી જરી ડિઝાઇનમાં મુગલ આર્કિટેક્ચર, પૌરાણિક કથાઓ, ફૂલ અને ફળોની પૅટર્ન જોવા મળે છે. બનારસી બૉક્રેડને GI ટૅગ પ્રાપ્ત છે. ભારતની સાડીઓનો નકશો અહીં સમાપ્ત નથી થતો. સાડીઓની કલા ભારતના લગભગ દરેક રાજ્યમાં વ્યાપેલી છે પરંતુ દરેક વિશે વિસ્તારમાં વાત કરવી લગભગ અશક્ય છે. ટૂંકમાં ભારતની સાડીની કલા એટલી સમૃદ્ધ છે કે એને જાણવા માટે બહુ સમય લાગી જાય.

મધ્ય પ્રદેશની ચંદેરી અને મહેશ્વરી સાડીઓનો ઇતિહાસ પણ પ્રાચીન સમયથી જોડાયેલો છે. ચંદેરી સાડી એના હળવા, પારદર્શક ટેક્સચર અને સૂક્ષ્મ સોનાની જરી માટે જાણીતી છે.  જ્યારે મહેશ્વરી સાડીઓ નર્મદા નદીના કિનારે મહેશ્વર નામની જગ્યાએ વિકસિત થઈ હતી અને હોળકર વંશની રાણી અહિલ્યાબાઈના આશ્રય હેઠળ એને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું. આ સાડીઓ પણ GI ટૅગ ધરાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2025 01:13 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK