ધૃતિ શાહ ‘હૅવ યુ થૉટ અબાઉટ?’ નામની સ્વતંત્ર ક્રીએટિવ કન્સલ્ટન્સીનું નેતૃત્વ કરે છે જ્યાં તેઓ વિવિધ સંસ્થાઓને સ્ટોરીટેલિંગ, આઇડિયા-બિલ્ડિંગ, ક્રીએટિવ સ્ટ્રૅટેજી અને કમ્યુનિકેશનમાં માર્ગદર્શન આપે છે.
ભારતમાં રેસ્ટોરાંમાં વધેલું ભોજન પૅક કરી આપવાની પ્રથા છે, પરંતુ વિદેશોમાં એવું નથી થતું. ધૃતિ શાહે બચેલું ભોજન વેસ્ટ ન થાય એ માટે પોતાની સાથે ટિફિન રાખવાની શરૂઆત કરી હતી જેણે લંડનમાં મિની મૂવમેન્ટનું સ્વરૂપ ધારણ કર્યું છે.
લગભગ બે દાયકા સુધી BBCમાં પત્રકારત્વનાં વિવિધ પાસાંઓમાં કામ કરનારાં ધૃતિ શાહ ફૂડ વેસ્ટ ન થાય એ માટે પોતાનું ટિફિન સાથે રાખે છે અને વધેલું ભોજન એમાં પૅક કરી લે છે. તેમના આ પગલાએ એક નાની ચળવળ શરૂ કરી દીધી છે અને તેમની આસપાસના લોકોએ પણ પોતાની સાથે ટિફિન રાખવાનું શરૂ કરી દીધું છે
આપણી સાંસ્કૃતિક પરવરિશ આપણા વિચારોના માળખાને, દુનિયાને જોવાના દૃષ્ટિકોણને અને નિર્ણયો લેવાની રીતને ખૂબ અસર કરે છે. બાળપણથી મળેલી પરંપરા, ભાષા, કુટુંબનાં મૂલ્યો અને સમાજના અનુભવોથી આપણામાં ખાસ પ્રકારની સંવેદના, સર્જનાત્મકતા અને જવાબદારીનો ભાવ વિકસે છે. આ જ પરવરિશ કારકિર્દી માટેની પસંદગીઓમાં દેખાય છે - કઈ રીતે કામ કરીએ, કઈ બાબતોને મહત્ત્વ આપીએ અને પડકારોનો કેવી રીતે સામનો કરીએ એમાં એની છાપ જોવા મળે છે. સાંસ્કૃતિક પરવરિશની અસર કેવી રીતે સમાજમાં બદલાવ લાવી શકે એનું જીવંત ઉદાહરણ છે લંડનમાં રહેતાં મલ્ટિપલ અવૉર્ડ વિજેતા પત્રકાર, લેખિકા અને ક્રીએટિવ સ્ટ્રૅટેજિસ્ટ ધૃતિ શાહ. તેમણે લગભગ વીસ વર્ષ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC)માં કામ કર્યું છે જ્યાં તેમણે સમાચાર, ઇન્વેસ્ટિગેશન, વેરિફિકેશન, બિઝનેસ જર્નલિઝમ અને ડિજિટલ સ્ટોરીટેલિંગ એમ વિવિધ ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી છે. ત્યાર બાદ તેમણે સ્વતંત્ર સર્જક અને સલાહકાર તરીકે પોતાનું કામ શરૂ કર્યું. તેઓ Bear Markets and Beyond જેવા અવૉર્ડ-વિજેતા પુસ્તકનાં લેખિકા છે જેમાં નાણાકીય શબ્દોને રસપ્રદ પ્રાણીકથાઓ દ્વારા સમજાવવામાં આવ્યા છે. ઉપરાંત તેમના લેખો ધ ગાર્ડિયન, ધ વૉશિંગ્ટન પોસ્ટ, ન્યુ સાયન્ટિસ્ટ સહિત અનેક વૈશ્વિક પ્રકાશનોમાં છપાયા છે. આજે તેઓ ‘હૅવ યુ થૉટ અબાઉટ?’ નામની સ્વતંત્ર ક્રીએટિવ કન્સલ્ટન્સીનું નેતૃત્વ કરે છે જ્યાં તેઓ વિવિધ સંસ્થાઓને સ્ટોરીટેલિંગ, આઇડિયા-બિલ્ડિંગ, ક્રીએટિવ સ્ટ્રૅટેજી અને કમ્યુનિકેશનમાં માર્ગદર્શન આપે છે. ધૃતિ શાહ એવું વ્યક્તિત્વ છે જે વિદેશમાં ઊછરેલાં હોવા છતાં પોતાના મૂળ સાથે ગાઢ રીતે જોડાયેલાં છે અને પોતાનો અલગ દૃષ્ટિકોણ વ્યક્ત કરવામાં કે અનુસરવામાં જરાય ક્ષોભ નથી અનુભવતાં. તેમના આ જ ઍટિટ્યુડે આજે ફૂડ વેસ્ટ ન કરવા માટેની એક નાની ચળવળ શરૂ કરી દીધી છે. આ ચળવળ એટલે બહાર ખાવા જાઓ ત્યારે પોતાનું ટિફિન સાથે રાખવાનું અને વધેલું ભોજન એમાં પૅક કરીને લઈ લેવાનું અને પછી ખાવાનું.
ADVERTISEMENT
જર્નલિસ્ટ બનવા માટેની પ્રેરણા
પોતાના વ્યક્તિત્વ અને વિચારધારાને આકાર આપવા માટે પત્રકારત્વને શ્રેય આપતાં ધૃતિ શાહ કહે છે, ‘મારા ગ્રૅન્ડ પેરન્ટ્સ જામનગરથી હતા. મારા પેરન્ટ્સ કેન્યા હતા અને પછી લંડન સ્થાયી થયા. વેસ્ટ લંડનમાં ગુજરાતી જૈનોની બહુ જ નાની કમ્યુનિટી હતી. હું અહીં જ જન્મી અને ગુજરાતી જૈન વાતાવરણમાં મોટી થઈ. મને વાંચવાનો શોખ હતો અને હું આર્ચીઝ કૉમિક્સ, સુપરમૅન વાંચતી હતી જેમાં જર્નલિસ્ટનો રોલ મને આકર્ષતો હતો એટલે મને નાનપણથી જ જર્નલિસ્ટ બનવું હતું. મને એમ હતું કે તમે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જાઓ તો જ તમે જર્નલિસ્ટ બની શકો. આ માન્યતાને કારણે હું ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પહોંચી ગઈ. ૨૦૦૦-૨૦૦૩માં હું ઑક્સફર્ડમાં અંગ્રેજી સાહિત્યમાં ભણી રહી હતી અને આ સમય એવો હતો જ્યારે બ્રાઉન એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એટલાબધા નહોતા. થોડા સમય પછી લંડનમાં હૅરો નામના વિસ્તારમાં જ્યાં ભારે માત્રામાં ગુજરાતી લોકો હતા ત્યાં લોકલ પેપરમાં કામ કરવાનું શરૂ કર્યું. હું આજે પણ એ વાત પણ ભાર મૂકું છું કે લોકલ પત્રકારત્વ ખૂબ જ મહત્ત્વનું છે. હું જ્યાં મોટી થઈ ત્યાં અમારી જૈન કમ્યુનિટીની કોઈ ઇવેન્ટ કે સમાચાર જ નહોતા મળતા. મને એ વાતનો બહુ જ ગર્વ છે કે મેં પર્યુષણ કે જૈનોને લગતી ઇવેન્ટ વિશે વાત કરવાનું શરૂ કર્યું. મને મારા આ કામ માટે અમુક અવૉર્ડ્સ પણ મળ્યા અને પછી હું BBCમાં કામ કરવા ગઈ. લાંબો સમય આ ક્ષેત્રમાં વિતાવ્યા બાદ ભોજનનો બગાડ મને આંખમાં ખૂંચ્યો.’

બિઝનેસને લગતા શબ્દોની સમજણ આપતું પ્રાણીઓના ઇલસ્ટ્રેશન સાથેના પુસ્તક સાથે ધૃતિ શાહ.
ટિફિન આપણી સંસ્કૃતિ છે
ટિફિન-મૂવમેન્ટની વાત શરૂ કરતાં ધૃતિ શાહ કહે છે, ‘૨૦૨૨ના આંકડા મુજબ વિશ્વમાં વર્ષે ૧.૦૫ અબજ ટન ફૂડ વેસ્ટ થયું હતું. એ સિવાય દરરોજ ૧ અબજ ઘરોમાં ફૂડ વેસ્ટ થાય છે. જ્યારે ફૂડ વેસ્ટ થાય છે ત્યારે આર્થિક રીતે પણ ઘણું નુકસાન થાય છે. મારામાં પોતાનું ટિફિન સાથે લઈ જઈને લેફ્ટઓવર ફૂડ ફરી પૅક કરવાની હિંમત બહુ વર્ષો ફીલ્ડમાં કામ કર્યા પછી આવી છે. જૈનો થાળીમાં એક દાણો પણ પડતો ન મૂકે એ ફિલોસૉફીનું અનુસરણ મારા ઘરમાં પણ થાય છે, પરંતુ સ્કૂલ અને કૉલેજમાં ફ્રેન્ડસર્કલનો ભાગ બનવા માટે ટિફિન નહોતી લઈ જતી. ટેબલ પર જે ફૂડ આવતું એ વેસ્ટ થતું જોતી હતી. કોવિડ પછી બે નિયમનું પાલન શરૂ કર્યું કે મારે પૈસા અને ફૂડ બેમાંથી કોઈનો પણ બગાડ નથી કરવો. મારા ખ્યાલથી એ મારું ગુજરાતીપણું અને ઉછેર બોલે છે. દર વર્ષે જે ફૂડ વેસ્ટ થાય છે એના આંકડાના ભાગીદાર મારે નથી બનવું. તો જ્યારે મિત્રો સાથે બહાર જાઉં ત્યારે ટેબલ પર જે પોર્શનમાં ફૂડ આવતું એ બહુ જ વધારે હોય છે. મારું પેટ સૅન્ડવિચ અને સ્કોન તરીકે ઓળખાતી બ્રિટિશ કેકથી ભરાઈ જતું અને પુડિંગ (ખીર જેવી વાનગી) બચી જતી. મને ફેંકવાનું મન ન થાય. તો હું મારું ટિફિન બૉક્સ કાઢું અને એમાં પૅક કરું. શરૂઆતમાં મારા મિત્રો મને જોઈને નવાઈ પામ્યા. સદ્નસીબે કોઈએ મને જજ ન કરી. અહીંની રેસ્ટોરાંમાં પૅકેજિંગની વ્યવસ્થા બહુ જ અજીબ છે. તમે ફૂડ પૅક કરવાનું કહો તો બધી જ વાનગીઓ એક બૉક્સમાં પેક કરી આપે. એને કારણે બધી વાનગીઓની ખીચડી બની જાય જે ખાવાલાયક ન રહે. અત્યારે પૅકેજિંગના પણ અલગ ચાર્જ લાગે છે. તો પોતાનું ટિફિન સાથે રાખવું એમાં ક્ષોભ શેનો?’
ટિફિન આપણી સંસ્કૃતિ છે એટલે અહીંના લોકો માટે એ કદાચ નવું હોઈ શકે એમ જણાવતાં ધૃતિ શાહ કહે છે, ‘યસ, અમુક લોકો કદાચ આ જેસ્ચરને ચીપ માને પરંતુ હું એને રિસોર્સફુલ માનું છું. સવાલ પૂછવાની જરૂર છે કે બચેલું ફૂડ ટિફિનમાં પૅક કરીને પછીથી ખાઓ અને ફૂડને કચરામાં ફેંકો બેમાંથી સૌથી વધારે અપમાનજનક શું છે? હું હંમેશાં અલગ વિચારો ધરાવતી અને મારામાં એને એક્ઝિક્યુટ કરવાની હિંમત પણ હતી. ઇવેન્ટ, કૉન્ફરન્સ, અવૉર્ડ-સેરેમની જ્યાં પણ જાઉં ત્યાં મારી સાથે મારું ટિફિન હોય છે. અમુક વખત કોઈ ઇવેન્ટમાં પ્લેટમાં વાનગીઓ સર્વ કરેલી જ હોય છે. એ ફૂડને કોઈએ હાથ નથી લગાવ્યો અને એને ફેંકી દેવામાં આવશે એ તથ્યની હું ખાતરી કરું. અહીં UKમાં હોમલેસનેસની પણ સમસ્યા છે. મોટા પાયે આ ફૂડ કચરામાં જાય એના કરતાં જરૂરતમંદના પેટમાં જવું જોઈએ. મારા ટિફિનમાં એટલુંબધું ફૂડ ન આવે તો હું તેમની પાસે પૅકેજિંગની સુવિધા હોય તો એ કાં તો પેપર-નૅપ્કિનમાં પૅક કરવા વિનંતી કરું છું. રેસ્ટોરાંમાં તમે આદરભાવથી તેમને પૂછો તો અપમાનજનક કે ક્ષોભજનક સ્થિતિ નથી ઊભી થતી. જે લોકો જજ કરવાના છે તે તો કરવાના જ છે, પરંતુ હું જેમાં વિશ્વાસ કરું છું એના પર ધ્યાન આપું છું. મારા માટે આ બહુ જ નાની વસ્તુ હતી પણ અત્યારે મને અજાણ્યા લોકો મેસેજ કરીને કહે છે કે તેઓ પોતાનું ટિફિન સાથે લઈ જશે. મારી આસપાસ તો આ મિની મૂવમેન્ટ શરૂ થઈ છે. આ બહુ જ નાનો ચેન્જ છે જેને લોકો સ્વીકારી રહ્યા છે. સમય સાથે મેં લોકોમાં ફૂડ પ્રત્યેના દૃષ્ટિકોણમાં બદલાવ જોયો છે. હું દરેકને કહેતી હોઉં છું કે બદલાવ બહુ જ મોટો હોવો જરૂરી નથી, એકદમ નાની પહેલ પણ સમાજને બહેતર બનાવી શકે છે.’

એક સ્ટોરી કરવા ગયાં ત્યારે ડર્યા વિના વુલ્ફ સાથે પોઝ આપી રહેલાં ધૃતિ શાહ.
જૈન ફિલોસૉફી બની પ્રથમ પુસ્તકની પ્રેરણા
પોતાના પુસ્તક વિશે વાત કરતાં ધૃતિ શાહ કહે છે, ‘મને શબ્દોને સારી રીતે સમજવાનું અને એની સાથે રમવું ગમે છે. હું કોઈ પણ જટિલ વિષયને સરળતાથી લખીને કે બોલીને વ્યક્ત કરવામાં કુશળ છું. BBC બિઝનેસ યુનિટના ન્યુઝ-રૂમમાં ચર્ચા કરતા લોકોનું બૅકગ્રાઉન્ડ બહુ જ સ્ટ્રૉન્ગ હતું. એ લોકો બહુ સહજતાથી બેઅર માર્કેટ, બુલ માર્કેટ જેવા બિઝનેસને લગતા શબ્દો વાપરતા હતા. આ બધું બ્રેક્ઝિટના સમયમાં એટલે કે બ્રિટન જ્યારે યુરોપથી છૂટું પડી રહ્યું હતું એ ગાળામાં થઈ રહ્યું હતું. મારા જૈન બૅકગ્રાઉન્ડને કારણે મને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે. જૈન ધર્મ નેચર સાથે ગાઢ રીતે સંકળાયેલો છે અને પર્યાવરણનું મહત્ત્વ સમજાવે છે. ફાઇનૅન્સના શબ્દોમાં ઉપમા તરીકે આટલાંબધાં પ્રાણીઓનાં નામનો ઉપયોગ થાય છે એ કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય. બિઝનેસ અને પૈસા વિશ્વના તમામ લોકોને અસર કરે છે. આના પરથી મને બુકનો વિચાર આવ્યો. પ્રાણીઓના ઇલસ્ટ્રેશન સાથે શબ્દોની સરળ સમજૂતી જે વાંચીને બિગિનર્સ અને બાળકો આ વિષયને સમજી શકે. મારો હેતુ એ હતો કે આ પુસ્તક સ્કૂલની લાઇબ્રેરીમાં પણ હોવું જોઈએ. મેં જ્યારે આ બુકનો આઇડિયા રજૂ કર્યો ત્યારે એને હાસ્યાસ્પદ કહેવામાં આવ્યો. ૧૦૦ કરતાં વધારે પ્રકાશકોએ આ બુકને રિજેક્ટ કરી. મને આ બુક પબ્લિશ કરાવવામાં ૪ વર્ષ લાગી ગયાં. ૨૦૨૧ની વાત છે. હું અમેરિકા જઈ રહી હતી અને જતાં પહેલાં મને એક જગ્યાએથી મારી બુક માટે ગ્રીન સિગ્નલ મળ્યું. આવી રીતે જન્મ થયો ‘બેઅર માર્કેટ્સ ઍન્ડ બિયૉન્ડ’નો. એ જ વર્ષે શૉર્ટ બિઝનેસ બુક ઑફ ધ યરનો અવૉર્ડ પ્રાપ્ત થયો. આ બુક અર્થશાસ્ત્રીઓ દ્વારા વેરિફાય થઈ છે. આ પુસ્તકમાં લખેલી ઇન્ફર્મેશન બે વખત ચેક થઈ છે.’


