ચોમાસા અને શરદ ઋતુના રોગિષ્ઠ વાતાવરણમાં બીમાર અને અસ્વસ્થ બની ગયેલા આપણા શરીર અને મનને સારું આરોગ્ય પ્રાપ્ત થાય એ માટે આ દિવસે તો આરોગ્યના દેવ ધન્વંતરિની પૂજા કરવાની હોય છે.
ભગવાન ધન્વંતરિને આયુર્વેદના પિતા માનવામાં આવે છે અને તેઓ ભગવાન વિષ્ણુના અંશ છે
ખોટી માન્યતાને લઈને લોકો ધનતેરસના દિવસે લક્ષ્મી અર્થાત્ ધનની પૂજા કરે છે. હકીકતમાં લક્ષ્મીપૂજન તો દિવાળીના દિવસે કરવાનું હોય છે. ચોમાસા અને શરદ ઋતુના રોગિષ્ઠ વાતાવરણમાં બીમાર અને અસ્વસ્થ બની ગયેલા આપણા શરીર અને મનને સારું આરોગ્ય પ્રાપ્ત થાય એ માટે આ દિવસે તો આરોગ્યના દેવ ધન્વંતરિની પૂજા કરવાની હોય છે. આરોગ્ય સારું હોય તો તનમનની શક્તિ બની રહે, જીવનનો આનંદ માણી શકાય. પેલી કહેવત છેને ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ ગમે એટલા પૈસા હોય, પણ શરીર-મન વિવિધ બીમારીઓથી ઘેરાયેલાં હોય તો એનો ઉપભોગ થઈ શકતો નથી. ભાતભાતની મીઠાઈ નજર સામે પડી હોય, પણ શરીરની સાકર નિયંત્રણમાં ન હોય તો એ ખાઈ શકાતી નથી માટે આરોગ્યના દેવ એવા ધન્વંતરિ દેવની ધનતેરસની રાત્રિએ નીચે લખ્યા પ્રમાણે પૂજા કરવી અને મંત્રજા૫ શ્રદ્ધાપૂર્વક કરવા.
ભગવાન ધન્વંતરિને આયુર્વેદના પિતા માનવામાં આવે છે અને તેઓ ભગવાન વિષ્ણુના અંશ છે.
ADVERTISEMENT
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા ભાવપૂર્વક કરવામાં આવે તો તેઓ પ્રસન્ન રહે છે અને આપણને સ્વસ્થતા પ્રદાન કરે છે.
ભગવાન ધન્વંતરિની પૂજા કર્યા બાદ નીચેના મંત્રનો ઓછામાં ઓછો ૧૦૮ વાર જાપ કરવો.
ૐ હ્રીં ક્લીં ધનવંતરૈ નમ:
મંત્ર જાપ : એક વૈજ્ઞાનિક પ્રક્રિયા
મંત્રશક્તિ એ પણ એક વિશિષ્ટ શબ્દોના ઉચ્ચારણ સાથેની ધ્વનિશક્તિ જ છે. પ્રકાશ સીધી લીટીમાં પ્રવાસ કરે છે, પણ ધ્વનિ બધી દિશામાં પ્રવેશ કરે છે. પ્રકાશને આડે કોઈ અવરોધ આવે તો દેખાતું બંધ થઈ જાય છે, પણ વચ્ચે દીવાલ હોય તોયે અવાજ સાંભળી શકાય છે. બાળકને પેટની અંદર પણ માતાનો અવાજ સંભળાતો હોય છે.
મંત્રશક્તિ જેમ શરીરની અંદર પ્રવેશી શકે છે એમ જોજનો દૂર રહેલી ઇષ્ટ શક્તિ સુધી પણ પહોંચી શકે છે. જોકે આ કાર્ય માટે પૂર્ણ શ્રદ્ધા અને ધીરજ જરૂરી છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારીએ તો મંત્રશક્તિ પરમ શક્તિએ પહોંચી શકે એ શક્ય છે. જો તમે કોઈ કૂવા આગળ ઊભા હો અને હાથમાં યોગ્ય પાત્ર છે, પરંતુ દોરડા વગર પાણી ખેંચવું અશક્ય છે. એ સમયે પૂરતી લંબાઈવાળું મજબૂત દોરડું મળી જાય તો તમે ઊંડા કૂવામાંથી પણ પાણી મેળવી શકો છો. બસ આ જ રીતે તમે મંત્રનું લાંબું દોરડું તૈયાર કરી શકો તો પરમ શક્તિ સુધી અવશ્ય પહોંચી શકો છો. વારંવાર મંત્રના રટણથી જ મંત્રનું લાંબું દોરડું બને છે.
જેમ એક સૂતરનું તાંતણું અન્ય તાંતણા સાથે મળે ત્યારે દોરી બને છે અને આવી અનેક દોરી ભેગી થાય ત્યારે મજબૂત દોરડું બને છે. રૂના એક તાંતણાથી કૂવામાંનું પાણી ખેંચી ન શકાય, પરંતુ લાખો તાંતણા ભેગા મળીને જે દોરડું બને છે એની મદદથી જ પાણી ખેંચી શકાય છે. આ રીતે એક મંત્રથી નહીં, પણ હજારો-લાખો મંત્રના રટણથી આપણે પરમ શક્તિની નજીક પહોંચી શકીએ છીએ. કોઈ બાળક નજીકમાં જ ઘસઘસાટ ઊંઘી ગયું હોય તો તેને એક વાર સાદ પાડવાથી નથી જાગતું. વારંવાર સાદ પાડીને જગાડવું પડે છે, ઢંઢોળવું પડે છે. બસ આ જ રીતે પરમ શક્તિને જગાડવા લાખો મંત્રનો જા૫ કરવો પડે. આ કાર્ય માટે રાત્રિનો શાંત અને કોલાહલ વગરનો સમય શ્રેષ્ઠ છે એટલે જ દિવાળીના તહેવાર અને પૂજા રાતના સમયે થાય છે. એક ચિત્ત, એક ધ્યાન અને ધીરજપૂર્વકના મંત્રજાપ આજે નહીં તો કાલે અવશ્ય ફળે છે. જે માર્ગે તમારી પ્રાર્થના જે-તે દેવ કે શક્તિ સુધી જાય છે એ જ માર્ગે તેમના આશીર્વાદ તમારા સુધી અચૂક પહોંચે છે. એક વૈજ્ઞાનિકે પાણી પર વાણીનો પ્રયોગ કર્યો હતો. તેમણે જોયું કે ખરાબ શબ્દોની અસરથી પાણીની રચનાઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી, જ્યારે સુવાક્યો અને મંત્રોની અસરથી પાણીમાં હાર્મની અર્થાત્ એક લય આવી ગયો હતો. ગુસ્સા અને કકળાટથી ભરેલાં વાક્યો વાતાવરણને ડહોળે છે, જ્યારે મંત્રરૂપી સુવાક્યો વાતાવરણને સુધારે છે. મંત્રોચ્ચારથી પરમ શક્તિ તો પ્રસન્ન થાય છે અને સાથે તમારા તન-મન અને આસપાસનું વાતાવરણ પણ સ્વસ્થ બને છે.

