Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > હજી થોડું... હજી થોડું... કરવામાં ક્યાંક જીવન પૂરું ન થઈ જાય

હજી થોડું... હજી થોડું... કરવામાં ક્યાંક જીવન પૂરું ન થઈ જાય

Published : 27 April, 2026 01:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવો માણસ ગરીબ કરતાં પણ પરમ ગરીબ છે કારણ કે તે પોતાનું સંપૂર્ણ જીવન જે નથી મળ્યું એ મેળવવા પાછળ વેડફી નાખે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


એ વાતનો કોઈ ઇનકાર નહીં કરે કે મનુષ્ય પોતાની અમર્યાદિત ઇચ્છાઓનો ગુલામ છે અને એટલે જ જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રામાં તેની કોઈ ને કોઈ ઇચ્છા અધૂરી રહી જાય છે, જેના ફળસ્વરૂપે તેણે ફરી આ પૃથ્વી પર જન્મ લેવો જ પડે છે. મહાપુરુષોના મત અનુસાર જો મનુષ્ય-આત્મા પોતાની ઇચ્છાઓ-આકાંક્ષાઓ અને આવશ્યકતા વચ્ચેના અંતરને સમજી લે તો ઘણી હદ સુધી તે પોતાના જીવનને સુખી બનાવી શકે છે, કારણ કે આપણે પોતાની બધી જ ઇચ્છાઓને ક્યારેય પૂરી નથી કરી શકતા. હા, આપણી આવશ્યકતા અવશ્ય પૂર્ણ થઈ શકે છે, કારણ કે આવશ્યકતા એ છે જે આપણા જીવનને ચલાવવામાં ફરજિયાત કામમાં આવે છે અને એમના વગર જીવનને ટકાવી રાખવું કદાચ સંભવ નથી; જ્યારે ઇચ્છા એ છે જેમના વગર આપણું કોઈ કામ અટકતું નથી, પરંતુ પોતાની મોટાઈ દેખાડવા અને અહંકાર વધારવા માટે વગર કારણે એમનો સંગ્રહ કરવામાં આવે છે. દાખલા તરીકે આવશ્યકતા માટે ધન કમાવું સારી વાત છે; પરંતુ ધનની વધારે ભૂખ મનુષ્યને પતન તરફ દોરી જાય છે એ હકીકતને પણ આપણે ભૂલવી ન જોઈએ, કારણ કે જ્યાં લોભ છે ત્યાં શાંતિ નથી અને જ્યાં શાંતિ નથી ત્યાં સાચું સુખ પણ નથી. એટલે જો આપણે પોતાની ઇચ્છાઓને ઓછી કરી દઈએ તો જીવનની અનેક સમસ્યાઓ પોતાની મેળે ઉકેલાઈ જશે.

ધન-સાધનોની ભરમાર હોવા છતાં જો આપણું મન એમ કહે કે હજી થોડું... હજી થોડું... અને એ પ્રાપ્ત થયા બાદ પણ એમ કહે કે હજી થોડું મળી જાય તો સારું તો પછી જે મળ્યું છે એનું સુખ આપણે ક્યારેય અનુભવી નહીં શકીએ અને આ હજી વધુ... હજી વધુ...ના ચક્કરમાં આપણું જીવન જ સમાપ્ત થઈ જશે. આવો માણસ ગરીબ કરતાં પણ પરમ ગરીબ છે કારણ કે તે પોતાનું સંપૂર્ણ જીવન જે નથી મળ્યું એ મેળવવા પાછળ વેડફી નાખે છે. આવા ગરીબોએ એ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે જીવન મર્યાદિત છે અને મનુષ્યની કાર્ય કરવાની ક્ષમતા પણ મર્યાદિત છે. એટલે સમય અને શક્તિ બન્નેનો સદુપયોગ એ જ સાચી સમજદારી છે. હવે એને કઈ રીતે ખર્ચવામાં આવે એ તો દરેકની પોતપોતાની વિચારધારા પર નિર્ભર કરે છે. કોઈ ચાહે તો વ્યર્થની ઇચ્છાઓને શૂન્ય કરીને, યથાર્થ આવશ્યકતાઓને પૂર્ણ કરીને સંપન્નતાના માર્ગ પર તીવ્રતાથી આગળ વધીને પોતાની મંજિલ પ્રાપ્ત કરી શકે છે અને કોઈ ચાહે તો પોતાની અમર્યાદિત ઇચ્છાઓની પાછળ ભાગતા-ભાગતા સંપૂર્ણ જીવન બરબાદ કરી શકે છે. આપ શું કરવાનું પસંદ કરશો?


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK