Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રમ્પના માથેથી પાછી ઘાત ગઈ

ટ્રમ્પના માથેથી પાછી ઘાત ગઈ

Published : 27 April, 2026 09:17 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૉશિંગ્ટનમાં ડિનર દરમ્યાન ફાયરિંગ, પ્રેસિડન્ટને સુરક્ષિત બચાવવામાં આવ્યા

વૉશિંગ્ટન હિલ્ટન હોટેલના બૉલરૂમમાં સીક્રેટ સર્વિસના અધિકારી બહાર થઈ રહેલા હુમલાની માહિતી ટ્રમ્પને આપવા આવ્યા અને પછી ત્યાંથી તેમને સુરક્ષિત ઘેરો બનાવીને લઈ જવામાં આવ્યા. એ વખતે તેઓ એક વાર પડી ગયા હતા.

વૉશિંગ્ટન હિલ્ટન હોટેલના બૉલરૂમમાં સીક્રેટ સર્વિસના અધિકારી બહાર થઈ રહેલા હુમલાની માહિતી ટ્રમ્પને આપવા આવ્યા અને પછી ત્યાંથી તેમને સુરક્ષિત ઘેરો બનાવીને લઈ જવામાં આવ્યા. એ વખતે તેઓ એક વાર પડી ગયા હતા.


અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન DCમાં શનિવારે રાતે પત્રકારો માટેના વાર્ષિક ડિનરમાં અચાનક ફાયરિંગ થતાં અફરાતફરી મચી ગઈ હતી. એ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ, પત્ની મૅલેનિયા, ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સ, રક્ષાપ્રધાન પીટ હેગસેથ અને બીજા અનેક મોટા અધિકારીઓ મોજૂદ હતા. કાર્યક્રમ વૉશિંગ્ટનની હિલ્ટન હોટેલના બેઝમેન્ટમાં આવેલા બૉલરૂમમાં હતો. એ વખતે અચાનક બૉલરૂમની બહાર ફાયરિંગના અવાજો સંભળાવા લાગતાં તમામ મહેમાનો ટેબલની નીચે માથું કરીને છુપાઈ ગયા હતા.

સીક્રેટ સર્વિસના અધિકારીઓએ ડોનલ્ડ ટ્રમ્પને ઘેરી લીધા હતા અને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધા હતા. તરત જ ખુરસી પરથી ઊભા થઈને બૉલરૂમમાંથી નીકળવા જતાં ડોનલ્ડ ટ્રમ્પ પડી ગયા હતા. જોકે સુરક્ષાદળના લોકોએ તેમને ઊંચકીને ઊભા કરીને ત્યાંથી તાત્કાલિક સેફ જગ્યાએ ખસેડ્યા હતા. આ કાર્યક્રમમાં અમેરિકાનાં મુખ્ય પદો પરના નેતાઓ અને અધિકારીઓ પણ મોજૂદ હતા. તેમને પણ ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતા.




ગભરાયેલા મહેમાનો ખુરસી પરથી નીચે બેસીને ટેબલની નીચે છુપાઈ ગયા હતા

બૉલરૂમ તરફની લૉબીમાં એક માણસ બંદૂક અને ચાકુછૂરી જેવાં હથિયારો સાથે ઘૂસી આવ્યો હતો.


નજરે જોનારા લોકોનું કહેવું હતું કે બંદૂકધારીએ લગભગ ૭ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તે બંદૂકધારી બૉલરૂમમાં ઘૂસવામાં સફળ થાય એ પહેલાં જ સુરક્ષા અધિકારીઓએ તેને ઘેરીને જીવતો પકડી લીધો હતો.

ફાયરિંગ પછી તરત જ ઑન થઈ સફેદ લાઇટ

વૉશિંગ્ટન હિલ્ટન હોટેલમાં ફાયરિંગનો અવાજ સંભળાતાં તરત જ સીક્રેટ સર્વિસ અને સ્પેશ્યલ ફોર્સે સુરક્ષાઘેરો બનાવી દીધો હતો. એ દરમ્યાન સ્પેશ્યલ લાઇટ ઑન કરવામાં આવી હતી. આ સેફ્ટી માટેનો સ્ટાન્ડર્ડ પ્રોટાકૉલ છે. સફેદ રંગની દેખાતી આ લાઇટ વાસ્તવમાં SOS લાઇટ હોય છે. કોઈ શોરબકોર કર્યા વિના આ લાઇટનો ઉપયોગ એ બતાવવા માટે કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિને સેફ્ટીની જરૂર છે. આ લાઇટથી સુરક્ષાને લગતી ગતિવિધિઓ બહેતર રીતે થઈ શકે છે. હળવી લાઇટમાં હુમલાખોર છુપાવામાં સફળ થઈ શકે છે. એને બદલે બ્રાઇટ સફેદ લાઇટ ઑન થવાથી શંકાસ્પદ વ્યક્તિની ઓળખ અને અરેસ્ટ આસાન થઈ શકે છે. 

કોણ છે હુમલો કરનારો કોલ ટૉમસ ઍલન? : હુમલાખોરનું ડેમોક્રૅટિક પાર્ટી સાથેનું કનેક્શન બહાર આવતાં વિરોધ પક્ષ પર નિશાન તકાયું

હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટમાં બંદૂક લઈને ઘૂસી ગયેલા હુમલાખોરની ઓળખ ૩૧ વર્ષના કોલ ટૉમસ ઍલન તરીકે થઈ હતી. તે કૅલિફૉર્નિયાના ટોરેન્સ શહેરનો રહેવાસી છે. તેના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ મુજબ તે મેકૅનિકલ એન્જિનિયર છે અને કૅલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. તે નાસા (NASA)માં રિસર્ચ તરીકે રહ્યો હોવાનો પણ દાવો કરાયો છે. સોશ્યલ મીડિયાના પ્રોફાઇલમાં એક તસવીરમાં તે લૉસ ઍન્જલસ કાઉન્ટીમાં ‘ટીચર ઑફ ધ મન્થ’ (Teacher of the Month)નું સન્માન મેળવતો દેખાય છે.

કેટલાક પત્રકારો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તે ડેમોક્રૅટિક પાર્ટીનો રજિસ્ટર્ડ કાર્યકર છે અને પાર્ટીને ફન્ડિંગ પણ આપે છે. જોકે સત્તાધારી એજન્સીઓએ હજી આની પુષ્ટિ કરી નથી.

હુમલાખોર માનસિક રીતે બીમાર છે : ડોનલ્ડ ટ્રમ્પ

હુમલાખોર કોલ ટૉમસ ઍલનની અમેરિકન સુરક્ષા એજન્સીએ બહાર પાડેલી તસવીર

શનિવારે વાઇટ હાઉસ કૉરસ્પૉન્ડન્ટ્સ અસોસિએશન (WHCA)ના ડિનર દરમ્યાન થયેલા ગોળીબારના દોઢ કલાક પછી ડોનલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે મહત્ત્વપૂર્ણ ખુલાસા કરતાં કહ્યું હતું કે ‘આ હુમલા પાછળનો શંકાસ્પદ આરોપી ભારે હથિયારોથી સજ્જ હતો અને તે લોન વુલ્ફ એટલે કે એકલો હુમલાખોર હોય એવું જણાય છે. કૅલિફૉર્નિયાના રહેવાસી કોલ ટૉમસ ઍલન તરીકે ઓળખાતી વ્યક્તિએ અનેક હથિયારો સાથે સુરક્ષા ચેકપૉઇન્ટ પર હુમલો કર્યો હતો અને એક સીક્રેટ સર્વિસ એજન્ટ પર ગોળીબાર કર્યો હતો. સદનસીબે, બુલેટપ્રૂફ જૅકેટને કારણે એજન્ટનો જીવ બચી ગયો હતો. તે બહુ જ બીમાર હતો.’

જાણીને રાહત થઈ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સેફ છે : નરેન્દ્ર મોદી

એ જાણીને રાહત થઈ કે પ્રેસિડન્ટ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને વાઇસ પ્રેસિડન્ટ સેફ છે અને કોઈને કંઈ નથી થયું. હું તેમની સુરક્ષા માટે શુભકામના કરું છું. લોકતંત્રમાં હિંસાને કોઈ જગ્યા નથી હોતી. એની પૂરી રીતે નિંદા કરવી જોઈએ. 

આ હુમલાથી સ્તબ્ધ છુંઃ બેન્જામિન નેતન્યાહુ, ઇઝરાયલના વડા પ્રધાન

મારી પત્ની સારા અને હું વૉશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરના હુમલાના પ્રયાસથી સ્તબ્ધ છીએ. અમને એ વાતની રાહત છે કે ટ્રમ્પ અને તેમનાં પત્ની સુરક્ષિત છે. ઘાયલ પોલીસ-ઑફિસર જલદી ઠીક થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ અને અમેરિકન સીક્રેટ સર્વિસને ઝડપી ઍક્શન લેવા બદલ સલામ કરીએ છીએ. 

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 09:17 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK