માતાજીનું હૃદય જ્યાં ધબકે છે એવા આરાસુરી ગબ્બરની ફરતે ત્રણ દિવસ ચાલનારી આ પરિક્રમાનો લહાવો લેવા વિશ્વભરમાંથી આવશે લાખો માઈભક્તો
ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી
માતાજીનું હૃદય જ્યાં ધબકે છે એવા આરાસુરી ગબ્બરની ફરતે ત્રણ દિવસ ચાલનારી આ પરિક્રમાનો લહાવો લેવા વિશ્વભરમાંથી આવશે લાખો માઈભક્તોઃ ચાચર ચોકથી ગબ્બરને જોડતો શક્તિ પથ બનાવવા, મંદિરનું પ્રાંગણ ત્રણ ગણું અને ગબ્બર મંદિરના પરિસરને બમણું વિસ્તારવા માટે ૧૨૦૦ કરોડના ખર્ચે થશે કાયાપલટ
ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આમ તો આદ્યશક્તિ જગદ જનની અંબેમાનો જયઘોષ હંમેશાં ગુંજતો હોય છે, પરંતુ આજથી વિશેષ રૂપે આરાસુરના ગબ્બરની ફરતે ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદ સહિત ૫૧ આદ્યશક્તિઓનો જયઘોષ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે માઈભક્તો કરશે, કેમ કે આજથી ત્રણ દિવસ ગબ્બરમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે. અંબાજી ગબ્બર એક એવું સ્થાનક બન્યું છે જેની ફરતે એકસાથે ૫૧ શક્તિપીઠો બની છે અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ એકસાથે ૫૧ શક્તિપીઠનાં દર્શન કરવાનો લહાવો લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. આસ્થા અને શ્રદ્ધાના આ સ્થાનકમાં હવે માઈભક્તો અંબાજીમાં અંબેમાનાં દર્શન કરીને ચાચર ચોકથી સીધા જ ગબ્બર જઈ શકે એ માટે ચાચર ચોકથી ગબ્બરને જોડતો શક્તિ પથ બનવાનો છે એટલું જ નહીં; અંબાજીમાં શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો સમન્વય થાય એ રીતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

અંબાજી ગબ્બર પર આવેલા મંદિરમાં જ્યોતનાં દર્શન.
માતાજીની શક્તિપીઠો માત્ર ભારતમાં જ નહીં; પાકિસ્તાન, બંગલાદેશ, નેપાલ, શ્રીલંકા સહિતના દેશોમાં પણ છે ત્યારે દરેક માઈભક્ત આ બધી શક્તિપીઠોનાં દર્શન કરવા ન જઈ શકે એવું બને ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જન્મમાં, એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોનાં દર્શનનો લાભ લોકો લઈ શકે એ માટે તમામ શક્તિપીઠો જેવાં જ મંદિરો અંબાજી ગબ્બરની ફરતે બનાવ્યાં છે અને ત્યાં પૂજારીઓ માતાજીની સેવાપૂજા-આરતી કરી રહ્યા છે. આ શક્તિપીઠમાં છેલ્લાં કેટલાંક વર્ષથી પરિક્રમા મહોત્સવનું આયોજન થાય છે ત્યારે આ વર્ષે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજીમાં આજથી ૧૧ ફેબ્રુઆરી સુધી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રવિવારે અંબાજી મંદિરમાં દર્શન કરીને ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થઈને પાલખીયાત્રા અને ઘંટીયાત્રાને પ્રસ્થાન કરાવશે.

પશ્ચિમ બંગાળમાં આવેલી નલહટી શક્તિપીઠ જેવી જ શક્તિપીઠ અંબાજી ગબ્બરની ફરતે પરિક્રમા રૂટ પર આવેલી છે જેમાં માતાજી કાલિકાનાં દર્શન.
અંબાજી ગબ્બરની ફરતે ૫૧ શક્તિપીઠોનું નિર્માણ થયું છે ત્યારે હવે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત અંબાજી ધામની કાયાપલટ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૨૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળનો વિકાસ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ વિકાસકાર્યોમાં અંબાજી મંદિરનું પ્રાંગણ ત્રણ ગણું અને ગબ્બર મંદિર પરિસરનું બમણું વિસ્તરણ કરવામાં આવશે. વિકાસના આ માસ્ટર પ્લાનમાં શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો સમન્વય થશે. ગબ્બર અને મંદિરને જોડતો શક્તિ પથ તૈયાર થશે એને લીધે શ્રદ્ધાળુઓ બીસા યંત્રનાં દર્શન કરીને મંદિર પ્રાંગણના ચાચર ચોકથી અઢી કિલોમીટર ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકશે. શક્તિ પથમાં ગબ્બર, બીસા યંત્ર મંદિર, માન સરોવર, રેલવે-સ્ટેશન અને કામાક્ષી માતાના મંદિરને જોડવામાં આવશે.

અંબાજી ગબ્બરની ફરતે બનાવેલી મૂળ શક્તિપીઠની પ્રતિકૃતિ સમાન શક્તિપીઠનું મંદિર.
અંબાજીનું ડેવલપમેન્ટ કરવા સરકાર કટિબદ્ધ છે ત્યારે આના વિશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા ‘મિડ-ડે’ને કહે છે, ‘અંબાજીનો કૉરિડોર બને અને એનો માસ્ટર પ્લાન બને એ રીતની પ્રક્રિયા ચાલી રહી છે અને આ બધું અત્યારે વિચારણા હેઠળ છે. ચાચર ચોકથી સીધા ગબ્બર જવાય એ રીતે છેક સુધી શક્તિ પથ બનશે અને ગબ્બર પરિસરનું વિસ્તરણ પણ થશે. અંબાજીનું ત્રણ તબક્કામાં ડેવલપમેન્ટ થશે અને એને માટે માસ્ટર પ્લાન બને છે અને આ કાર્યવાહી વિચારણા હેઠળ છે.’
૫૧ શક્તિપીઠ મહોત્સવમાં ત્રણ દિવસ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, પરંતુ આ વર્ષે પહેલી વાર એવું બનશે કે જે મૂળ શક્તિપીઠ છે એના પૂજારીઓને પણ સન્માનભેર અંબાજી પરિક્રમા મહોત્સવમાં આમંત્રણ અપાયું છે. એ વિશે વાત કરતાં અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી ‘મિડ-ડે’ને કહે છે, ‘ભારતમાં આવેલી મૂળ શક્તિપીઠોના ૧૦થી વધુ પૂજારીઓ પરિક્રમા મહોત્સવમાં પહેલી વાર આવશે અને તેમની શક્તિપીઠનું મહત્ત્વ સમજાવશે. આ પૂજારીઓ તેમના અનુભવોનું આદાનપ્રદાન કરશે તેમ જ આ શક્તિપીઠોના પૂજારીઓ અહીં આવીને અંબાજી ગબ્બરની ફરતે બનેલી ૫૧ શક્તિપીઠોની પરિક્રમા કરીને તેમના અનુભવ અને તેમની શક્તિપીઠો વિશે જણાવશે. પરિક્રમામાં લાખો લોકો આવવાની ધારણા છે. તમામ શ્રદ્ધાળુઓ શાંતિથી પરિક્રમા કરી શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.’

અંબાજી ગબ્બર પર ૫૧ શક્તિપીઠ પરિક્રમાનો માર્ગ.
૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગબ્બર પર આવેલા મંદિરમાં માતાજીની અખંડ જ્યોતનાં દર્શન થાય છે. આ પરિક્રમા મહોત્સવમાં ગબ્બર પરની જ્યોતનાં દર્શનનું પણ માહાત્મ્ય છે. નીચે આવેલા અંબાજી મંદિરમાંથી સીધા જ ઉપર ગબ્બર ગોખના અને જ્યોતનાં દર્શન થાય છે જે અલૌકિક દિવ્ય બાબત છે. જે માઈભક્ત અંબાજી મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે અચૂક મંદિરમાંથી ગબ્બર ગોખનાં દર્શન કરવાનું ચૂકતા નથી. પરિક્રમા મહોત્સવ દરમ્યાન ત્રણ દિવસ ગબ્બર પર આવેલા મંદિરમાં હવન થશે. પરિક્રમાના રૂટના એન્ટ્રી-ગેટ પાસે અખંડ ધૂન યોજાશે.

ગબ્બરની ફરતે અઢી કિલોમીટરની ત્રિજ્યામાં ૫૧ શક્તિપીઠોનું નિર્માણ થયું છે જ્યાં પગપાળા પરિક્રમા કરીને ૫૧ શક્તિપીઠનાં દર્શન કરતાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગે.
લાખો માઈભક્તો પરિક્રમા કરવા આવતા હોય ત્યારે તેમને માટે વ્યવસ્થા સચવાય એ માટે જિલ્લા તંત્રએ તૈયારીઓ કરી દીધી છે એ વિશે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ કહે છે, ‘ગબ્બરની ફરતે અઢી કિલોમીટરની ત્રિજ્યામાં ૫૧ શક્તિપીઠોનું નિર્માણ થયું છે જ્યાં પરિક્રમા કરતાં-કરતાં ભક્તજનોને ૫૧ શક્તિપીઠનાં દર્શનનો લાભ મળશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૭૫૦થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે તેમ જ ૪૫૦થી વધુ સફાઈ-કામદારો તહેનાત હશે. જુદા-જુદા જિલ્લાઓમાંથી દર્શનાર્થીઓ માટે પરિક્રમા મહોત્સવમાં આવવા માટે બસની વ્યવસ્થા તેમ જ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પરિક્રમા માર્ગ CCTV કૅમેરાથી સજ્જ થયો છે. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના ૧૭૦૦થી વધુ સંઘો, સાધુ-સંતો, ધાર્મિક આગેવાનો અને નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. ત્રણ દિવસ દરમ્યાન ગરબા-ભજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ લાઇટિંગ પણ કરવામાં આવશે.’
શક્તિસ્વરૂપા માતાજીનું હૃદય જ્યાં ધબકે છે એવા આરાસુરી ગબ્બરની ફરતે પરિક્રમા કરવાનો લહાવો માઈભક્તોને અલૌકિક દિવ્ય દર્શન કરાવવાની સાથે જીવનને ધન્ય બનાવશે. આપણે પાકિસ્તાન, બંગલાદેશ કે નેપાલ કે પછી શ્રીલંકા જઈ શકીએ કે નહીં, પરંતુ અંબાજી ગબ્બરે તો જઈ શકીએને. ગબ્બરની ફરતે આ તમામ ૫૧ શક્તિપીઠોનાં મંદિર છે અને એની પરિક્રમા કરતાં માઈભક્તોમાં ચેતનાનો સંચાર થવા સાથે દિવ્યતાનો અહેસાસ થાય છે. આરાસુરીના ડુંગરા ખૂંદવાના રોમાંચ સાથે માતાજીની ભક્તિમાં લીન થવાનો અવસર ચૂકવા જેવો નથી.


