આજકાલ ઇન્ટીરિયર ડિઝાઇનમાં ધી આર્ટ ઑફ નૉન-ડિસ્ટ્રેક્શન નામનો એક કન્સેપ્ટ લોકપ્રિય બની રહ્યો છે જે ઘરને માત્ર સુંદર નહીં, પરંતુ માનસિક રીતે પણ આરામદાયક બનાવવાનો પ્રયાસ કરે છે
પ્રતીકાત્મક તસવીર
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાંક ઘરોમાં પ્રવેશતાં જ મનને શાંતિનો અનુભવ થાય છે, જ્યારે કેટલાંક ઘરો સુંદર હોવા છતાં થાક અને ગભરામણ જેવી લાગણી પેદા કરે છે? એનું કારણ માત્ર ઘરની સાઇઝ કે મોંઘી સજાવટ નથી, પરંતુ ઘરમાં ફીલ થતી ગીચતા છે. આજકાલ ઇન્ટીરિયર ડિઝાઇનમાં ધી આર્ટ ઑફ નૉન-ડિસ્ટ્રેક્શન નામનો એક કન્સેપ્ટ લોકપ્રિય બની રહ્યો છે જે ઘરને માત્ર સુંદર નહીં, પરંતુ માનસિક રીતે પણ આરામદાયક બનાવવાનો પ્રયાસ કરે છે
મુંબઈ જેવા શહેરમાં આખો દિવસ ટ્રાફિક, ફોનકૉલ્સ, મીટિંગ્સ, સોશ્યલ મીડિયા નોટિફિકેશન્સ અને સતત દોડધામ વચ્ચે પસાર થાય છે. આવા દિવસ પછી જ્યારે આપણે ઘરે પાછા ફરીએ છીએ ત્યારે આપણને શાંતિ, આરામ અને માનસિક હળવાશની અપેક્ષા હોય છે, પરંતુ ઘણી વાર આપણું ઘર જ એવી વસ્તુઓથી ભરેલું હોય છે જે અજાણતાં આપણા મગજને સતત વ્યસ્ત રાખે છે. દરેક ખૂણામાં ડેકોર આઇટમ્સ, ખુલ્લા શેલ્ફ પર ગોઠવાયેલી અસંખ્ય વસ્તુઓ અને સતત નજરે ચડતી નાની-મોટી ચીજો મનને આરામ આપવાને બદલે વધુ થકવી નાખે છે. આ જ કારણસર આજે ઇન્ટીરિયર ડિઝાઇનની દુનિયામાં ધ આર્ટ ઑફ નૉન-ડિસ્ટ્રેક્શન એટલે બિનજરૂરી ખલેલમુક્ત ઘરનો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે. એનો અર્થ ઘર ખાલી બનાવી દેવાનો નથી, પરંતુ એવી રીતે ડિઝાઇન કરવાનો છે કે જ્યાં દરેક વસ્તુનું એક કારણ અને સ્થાન હોય.
ADVERTISEMENT
૧. નથિંગ રૂલ અપનાવો
આપણે ઘણી વાર માનીએ છીએ કે ખાલી જગ્યા એટલે અધૂરી સજાવટ. પરિણામે દરેક ટેબલ, શેલ્ફ કે દીવાલને કોઈ ને કોઈ વસ્તુથી ભરી દઈએ છીએ, પરંતુ ઇન્ટીરિયર ડિઝાઇનર કહે છે કે ખાલી જગ્યા પણ ડિઝાઇનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. ઉદાહરણ તરીકે જો તમારા લિવિંગ રૂમના સેન્ટર ટેબલ પર ફોટોફ્રેમ, ફ્લાવર વાઝ, મીણબત્તી, મૅગેઝિન અને શોપીસ એમ પાંચ-છ વસ્તુઓ ગોઠવેલી હોય તો નજર સતત એક વસ્તુથી બીજી વસ્તુ પર ફરતી રહે છે. એના બદલે માત્ર એક સુંદર ફ્લાવરવાઝ અથવા એક બુક રાખવાથી જગ્યા વધુ આકર્ષક અને શાંત લાગે છે. ખાલી જગ્યા રૂમને શ્વાસ લેવાની તક આપે છે અને મગજ પરનો દૃશ્ય બોજ ઘટાડે છે.
૨. વિઝ્યુઅલ ડેન્સિટી ઘટાડો
ઘરમાં જેટલી વધુ વસ્તુઓ નજરે પડે છે, તેટલી વધુ માહિતી મગજને પ્રોસેસ કરવી પડે છે. આને જ વિઝ્યુઅલ ક્લટર કહેવામાં આવે છે. માનો કે રસોડાના કાઉન્ટર પર મિક્સર, ટોસ્ટર, મસાલાના ડબ્બા, બૉટલો અને અન્ય સામાન ખુલ્લો પડ્યો હોય. દર વખતે રસોડામાં પ્રવેશતાં જ મગજ આ બધું નોંધે છે. એના બદલે મોટા ભાગની વસ્તુઓ કૅબિનેટમાં ગોઠવી દેવામાં આવે તો રસોડું વધુ સ્વચ્છ અને શાંત લાગે છે. તેવી જ રીતે ખુલ્લા શેલ્ફમાં ઘણી બધી વસ્તુઓ રાખવાને બદલે બંધ કબાટનો ઉપયોગ કરવાથી ઘર વધુ વ્યવસ્થિત દેખાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.
૩. દરેક ખૂણાનો હેતુ નક્કી કરો
કોરોના પછી ઘણાં ઘરોમાં ડાઇનિંગ ટેબલ જ ઑફિસ, સ્ટડી અને જમવાની જગ્યા બની ગઈ છે. પરિણામે મગજ માટે કામ અને આરામ વચ્ચેની સીમા ધૂંધળી થઈ જાય છે. ઉદાહરણ તરીકે જો તમે બેડ પર બેસીને સતત લૅપટૉપ પર કામ કરો છો, તો રાત્રે સૂતી વખતે પણ મગજ વર્ક મોડમાંથી બહાર આવવામાં સમય લે છે. એના બદલે ઘરમાં એક નાનો ખૂણો માત્ર કામ માટે નક્કી કરો. કામ પૂરું થાય પછી લૅપટૉપ અને ફાઇલ્સને કબાટમાં મૂકી દો. એવી જ રીતે બેડરૂમને આરામ અને ઊંઘ માટે જ રાખો. ટીવી, ઑફિસ ફાઇલો અથવા અનાવશ્યક ગૅજેટ્સ દૂર કરવાથી મન વધુ ઝડપથી શાંત થાય છે.
૪. એક મજબૂત ફોકલ પૉઇન્ટ બનાવો
ઘણી વાર લોકો દીવાલ પર ઘણી બધી નાની તસવીરો, ક્વોટ્સ અને ડેકોર આઇટમ્સ લગાવી દે છે. પરિણામે નજર ક્યાં કેન્દ્રિત કરવી એ સમજાતું નથી. એના બદલે એક મોટું પેઇન્ટિંગ, પરિવારનો ફોટોગ્રાફ અથવા કોઈ સુંદર આર્ટવર્ક લગાવો. માનો કે તમારા લિવિંગરૂમમાં દરિયાકિનારાનું એક મોટું શાંતિપૂર્ણ ચિત્ર છે. રૂમમાં પ્રવેશતાં જ નજર એના પર કેન્દ્રિત થશે અને એક પ્રકારની સ્થિરતા અનુભવાશે. એક જ મજબૂત ફોકલ પૉઇન્ટ રૂમને વધુ ભવ્ય, સંતુલિત અને શાંત બનાવે છે.
