Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સંસારથી ભાગવાની નહીં, સંસારમાં જાગવાની જરૂર

સંસારથી ભાગવાની નહીં, સંસારમાં જાગવાની જરૂર

22 February, 2023 05:19 PM IST | Mumbai
Morari Bapu

મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે અનેક પ્રકારના અન્નકૂટના થાળ ધરાવ્યા હોય અને એ પછી જો એ જ મંદિરથી કોઈ ગરીબ ભૂખ્યો પસાર થઈ જાય અને તેના પેટની આગ ન ઓલવી શકો તો એ વાજબી નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

માનસ ધર્મ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


આપણી વાત ચાલી રહી છે ભક્તિસૂત્રની અને એમાં આપણે પાંચમા સૂત્ર સુધી વાત કરી. હવે વાત કરવાની છે છઠ્ઠા સૂત્રની.

ભક્તિસૂત્રનું છઠ્ઠું સૂત્ર છે કર્તવ્યપાલન.



આ છઠ્ઠું સૂત્ર ધ્યાનથી સમજવા જેવું છે. માણસે પોતાના કર્તવ્યનું પાલન કરવું એ તેને માટે ભક્તિથી સહેજ પણ ઓછું નથી. પોતાના પરિવારને ભગવાનના ભરોસે મૂકી બધાને છોડીને નીકળી જવું કે ભાગી જવું એ કર્તવ્યપાલન નહીં, પણ પલાયનવાદ છે. સંસારથી ભાગવાની જરૂર નથી, પણ સંસારમાં જાગવાની જરૂર છે. જે ભાગ્યા તેમને હરિ મળ્યા કે ન મળ્યા એની મને ખબર નથી, પરંતુ સંસારમાં રહીને જે જાગી ગયા તેમને હરિ મળ્યા એની તો મને ચોક્કસ ખાતરી છે, માટે ભાગો નહીં, જાગો. જો જાગ્યા તો હરિ મળશે એની ગૅરન્ટી મારી. જાગો અને કર્તવ્યપાલનનું જે છઠ્ઠું સૂત્ર છે એને બળવત્તર રીતે વળગી રહો.


હવે વાત આવે છે ભક્તિસૂત્રના સાતમા સૂત્ર પ્રેમપૂર્ણ વ્યવહારની.

આ પણ વાંચો: મંત્ર શબ્દ પરથી તો મંત્રણા શબ્દ આવ્યો


પ્રાણીમાત્રમાં એટલે કે દરેકેદરેક જીવમાં ઈશ્વરનાં દર્શન કરવાં એ ભક્તિનું સાતમું સૂત્ર છે. મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે અનેક પ્રકારના અન્નકૂટના થાળ ધરાવ્યા હોય અને એ પછી જો એ જ મંદિરથી કોઈ ગરીબ ભૂખ્યો પસાર થઈ જાય અને તેના પેટની આગ ન ઓલવી શકો તો એ વાજબી નથી, કારણ કે પથ્થરની મૂર્તિમાં રહેલો ઈશ્વર તમને દેખાય છે તો પછી પેલા કંગાળમાં ઈશ્વરનાં દર્શન કેમ નથી થતાં? આ જ વાતને બીજી રીતે પૂછું, જો પથ્થરને અન્નકૂટ ધરીએ તો પછી જીવતા માણસને શું કામ અન્નકૂટ નહીં? મારી એક વાત ધ્યાનથી સાંભળજો કે મંદિરમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થોડી ઓછી થશે તો ચાલશે, પરંતુ પોષણના અભાવે પાષાણની પ્રતિમા જેવા થઈ ગયેલા ગરીબોની જઠરાગ્નિનું શમન થાય અને તે સમાજમાં પ્રતિષ્ઠિત થાય એ અત્યંત જરૂરી છે અને આ જરૂરિયાતને ભૂલથી પણ વીસરતા નહીં. 

આ જ કારણે ભક્તિના સાતમા સૂત્રમાં પૃથ્વીના દરેક જીવમાં ઈશ્વરનાં દર્શન કરવાની અને દરેક સાથે, જીવ માત્ર સાથે પ્રેમપૂર્ણ વ્યવહારની સલાહ આપવામાં આવી છે. આ સલાહને કર્તવ્યપાલન સાથે જોડી લેશો તો જીવન ચોક્કસપણે સ્વર્ગ બની જશે અને ભક્તિસૂત્રનાં એકસાથે બે સૂત્રનું પાલન થયાનો આનંદ પણ થશે. આનંદ પણ થશે અને અન્યને ખુશી આપ્યાનું સુખ પણ પામી શકશો.

ભક્તિસૂત્રની વાત અહીંથી આગળ વધશે અને આઠમા સૂત્ર વિશે હવે ચર્ચા કરીશું આપણે આવતી કાલે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2023 05:19 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK