ઓડિશા ફરવા જનાર લોકોના પર્યટનસ્થળની યાદીમાં બોબેજોડા ગામ સામેલ થઈ રહ્યું છે. મયૂરભંજ જિલ્લામાં બિસોઈ બ્લૉકમાં આવેલું બોબેજોડા દેશભરમાં ગામના લોકોના સામૂહિક પ્રયત્નને કારણે સૌથી સ્વચ્છ ગામની ઓળખ મેળવી રહ્યું છે
સ્વચ્છતાની મિસાલ છે આ ગામ
ઓડિશાના મયૂરભંજ જિલ્લાના બિસોઈ બ્લૉકમાં આવેલું નાનું આદિવાસી ગામ બોબેજોડા સ્થાનિક ભાષામાં બોબેજોલા તરીકે ઓળખાય છે. આ ગામ માત્ર રાજ્યમાં નહીં પરંતુ દેશભરમાં ‘સૌથી સ્વચ્છ ગામ’ તરીકે ઓળખ મેળવી રહ્યું છે. ગામ કોઈ ખાસ ઇવેન્ટને કારણે હાલમાં લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય એવું નથી. આ ગામના લોકોએ સ્વપ્રયત્ને તેમના ગામને લોકો સુધી પહોંચાડ્યું છે. જાણીએ કે સંથાલ આદિવાસી સમુદાયથી વસેલું આ ગામ કયાં કારણોસર પ્રવાસીઓ અને સંશોધકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.
ગામનો ઇતિહાસ
ADVERTISEMENT
માત્ર ૪૦૦+ વધુ વસ્તી ધરાવતું અને ૮૦+ ઘરોથી બનેલું બોબેજોડા ગામ મુખ્યત્વે સંથાલી સમુદાયના લોકોથી વસેલું છે, જે ભારતના સૌથી મોટા અને પ્રાચીન આદિવાસી સમુદાયોમાંથી એક છે. સંથાલ લોકો સામૂહિક જીવનશૈલીથી જોડાયેલા છે અને જમીન સાથેના ગાઢ સંબંધ માટે ઓળખાય છે. ગામના લગભગ તમામ પરિવારો ખેતી અને ખેતીસંબંધિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ગામની સામાજિક મુદ્દાઓ પ્રત્યેની જાગરૂકતા વર્ષો જૂની છે. ગામની સ્વચ્છતા અને સામૂહિક જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા માત્ર તહેવારો સુધી સીમિત નથી. તાજેતરનાં વર્ષોમાં ગામમાં કોઈ મોટા ગુનાની નોંધ થઈ નથી. ગામના પરંપરાગત વડાની દેખરેખ હેઠળ વિવાદોનો ઉકેલ લાવવામાં આવે છે, જે સામૂહિક ન્યાયના મહત્ત્વને વધુ મજબૂત બનાવે છે. આજથી આશરે ચાળીસ વર્ષ પહેલાં ગામે નશીલા પદાર્થો સામે કડક વલણ અપનાવ્યું હતું અને નશાખોરીના ખતરાઓ વિશે જાગૃતિ ફેલાવવાની શરૂઆત કરી હતી. આજે પણ આ સામૂહિક જવાબદારીની ભાવના જીવંત છે. ગામમાં દર વર્ષે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવે છે અને અન્ય અનેક સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ગામને આજે જે સ્વચ્છતાની ઓળખ મળી રહી છે એનું અભિયાન ૧૫ વર્ષ પહેલાં શરૂ થયું હતું.
સ્વચ્છતાની શરૂઆત
વર્ષો પહેલાં સુધી આ ગામ સામાન્ય આદિવાસી વસાહત જેવું હતું, પરંતુ આશરે ૧૫થી ૨૦ વર્ષ પહેલાં ગામના શિક્ષક અને સામાજિક કાર્યકર મધુસૂદન મરાંડીના પ્રયાસોથી અહીં સ્વચ્છતા વિશે નવી વિચારધારાની શરૂઆત થઈ. તેમણે ગામલોકોને સમજાવ્યું કે સ્વચ્છતા માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ ગામની ઓળખ અને ગૌરવ માટે પણ જરૂરી છે. શરૂઆતમાં થોડા લોકોએ આ વિચાર અપનાવ્યો, પરંતુ સમય જતાં સમગ્ર ગામે મળીને નિર્ણય લીધો કે ગામમાં કચરો ફેંકવો નહીં અને દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને સફાઈ જાળવશે. કોઈ સરકારી દબાણ કે આર્થિક પ્રોત્સાહન વિના, ગામલોકોએ સ્વચ્છતાને પોતાની દૈનિક જીવનશૈલી બનાવી દીધી. આજે ગામના રસ્તાઓ, ઘરો અને જાહેર સ્થળો ચોખ્ખાં અને વ્યવસ્થિત જોવા મળે છે. બોબેજોડાની વિશેષતા જ એ છે કે અહીં સ્વચ્છતા એક અભિયાન નહીં પરંતુ સંસ્કાર બની ગઈ છે. બાળકોને નાનપણથી જ સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેનો આદર શીખવવામાં આવે છે. દરેક ઘરમાં કચરાપેટીનો ઉપયોગ થાય છે અને ગામમાં ખુલ્લામાં કચરો જોવા મળતો નથી. આ સામૂહિક શિસ્તે બોબેજોડાને અન્ય ગામોથી અલગ ઓળખ આપી છે.

પટા પરબ તહેવાર
આ ગામની સંસ્કૃતિનો ખરો નજારો શિવરાત્રિ પછી ઊજવાતા પટા પરબ તહેવાર દરમિયાન જોવા મળે છે. ત્રણ દિવસ સુધી ચાલતા આ તહેવાર દરમિયાન આખું ગામ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ઘરોને નવી રંગત આપવામાં આવે છે, રસ્તાઓ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવે છે અને સમગ્ર ગામમાં દર થોડા અંતરે કચરાપેટીઓ મૂકવામાં આવે છે. પરંપરાગત રીતે સંથાલી મહિલાઓ ઘર રંગવાની કળામાં નિપુણ હોય છે, આ તહેવાર તેમની કુશળતાને પ્રગટ કરે છે જેના પરિણામે ઘરો સુંદર અને કલાત્મક રીતે શોભિત થાય છે. આખું ગામ જાણે કલાકૃતિ બની જાય છે. આ તહેવારમાં પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે, જેમ કે ઢાવલ નૃત્ય જેમાં ગામલોકો પરંપરાગત વસ્ત્રોમાં ‘મડાલ બાજા’ના તાલે સંથાલી નૃત્ય રજૂ કરે છે. આ જ કારણ છે કે પરંપરાગત ‘પટા પરબ’ તહેવાર દરમિયાન આદિવાસી નૃત્ય, સંગીત, પરંપરાગત વસ્ત્રો અને ચિત્રકળા જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં આવે છે. સ્વચ્છ અને સુવ્યવસ્થિત ગામમાં સંસ્કૃતિને નજીકથી અનુભવવાની તક મળતી હોવાથી બોબેજોડા ધીમે-ધીમે પર્યટનકેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે.
ગામના પડકારો
અંતરિયાળ ગામ હોવા છતાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આધુનિક માર્ગોની સુવિધાનો લાભ મળ્યો છે. સારી રીતે બનાવેલો માર્ગ ગામને NH-49 એટલે કે રાષ્ટ્રીય ધોરી માર્ગ ૪૯ સાથે જોડે છે જેના કારણે ગામથી માત્ર ૧૦ કિલોમીટર દૂર આવેલી બિસોઈ બ્લૉકની મુખ્ય કચેરી સુધી પહોંચવું સરળ બન્યું છે. જોકે આ ગામની વિકાસયાત્રા હજી પૂર્ણ થઈ નથી. માર્ગો અને વિદ્યુતપુરવઠામાં સુધારો જરૂર થયો છે, પરંતુ ખાસ કરીને પાણીપુરવઠા સંબંધિત પડકારો હજી યથાવત્ છે. આ મુશ્કેલીઓ છતાં ગામલોકો હિંમત હારતા નથી અને ખાસ કરીને ખેતી અને પાણીસુરક્ષા જેવાં ક્ષેત્રોમાં વધુ પ્રશાસનિક સહાય માટે સતત અવાજ ઉઠાવતા રહે છે.


