બીજું કશું જાણવા ન મળે અને સામેવાળાની સાચી રાશિ ખબર પડી જાય તો પણ તે વ્યક્તિના કૅરેક્ટરિસ્ટિકની ખબર પડે ને રિલેશન કેવી રીતે આગળ વધારવા એનું માર્ગદર્શન મળી જાય
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્ર રાશિ વ્યક્તિના મન, લાગણી અને સ્વભાવનું પ્રતિબિંબ છે; જ્યારે સૂર્ય રાશિ વ્યક્તિની પર્સનાલિટી દર્શાવે છે. જોકે સૂર્ય રાશિ કરતાં આપણે ત્યાં ચંદ્ર રાશિનું મહત્ત્વ વધારે છે, કારણ કે ચંદ્ર રાશિ વ્યક્તિની આંતરિક દુનિયા અને પરિસ્થિતિ કે સંજોગોમાં તમે કેવી પ્રતિક્રિયા આપી શકો છો એ દર્શાવે છે.
આજે આપણે ચંદ્ર રાશિના ચિહ્ન અને એ રાશિની વ્યક્તિનો સ્વભાવ અને ખાસિયત વિશે જાણવાની કોશિશ કરીએ. હા, એવું ન ધારવું કે આવો જ સ્વભાવ હોઈ શકે કે આટલી જ ખાસિયત હોઈ શકે. અહીં જે દર્શાવી છે એ સ્વભાવ અને ખાસિયત મહત્તમ અંશે વ્યક્તિમાં જોવા મળે.
ADVERTISEMENT
મેષ (ચિહ્ન ઘેટું)
ચિહ્ન કહે છે કે આ રાશિ ધરાવતી વ્યક્તિ સ્વભાવે ઉત્સાહી હોય, સાહસિક હોય અને નીડર પણ હોય. હા, તે ઘણી વખત ગાડરિયા પ્રવાહમાં ખેંચાઈ જાય એવું પણ બને. એટલે તેણે પોતાની કંપની વિશે સવિશેષ જાગૃત રહેવું.
આ ચિહ્ન ધરાવતા લોકો ખૂબ જ સ્ફૂર્તિ ધરાવતા હોય છે. સારી વાત કે સારું કામ તેમને તરત એનર્જી આપી દે અને તેઓ એકદમ એક્સાઇટ થઈ જાય. નવું કામ કરવું તેમને ગમે છે, પણ ક્યારેક ઉતાવળિયા થઈ જાય છે. તેમનો ગુસ્સો તેમની પ્રગતિને બગાડવાનું કે રોકવાનું કામ કરે છે.
વૃષભ (ચિહ્ન બળદ)
સ્વભાવે સ્થિર, ધૈર્યવાન અને વ્યવહારુ એવી આ વ્યક્તિની મોટામાં મોટી ખાસિયત એ છે કે તેને સુખ-સુવિધા અને શાંતિ ગમે છે. તે ખૂબ જ મહેનતુ અને વિશ્વસનીય હોય છે, પરંતુ સ્વભાવે થોડી જિદ્દી હોઈ શકે છે જેને લીધે તે પોતાનો કક્કો સાચો ઠરાવવામાં વધારે પડતી એનર્જી ખર્ચી નાખે છે. જિદ્દી હોવાને લીધે ક્યારેક તે જડ પણ લાગે છે.
આ ચિહ્ન ધરાવતી વ્યક્તિ વ્યસની નથી હોતી, પણ જો તે વ્યસનને પકડે તો પછી એ છોડવું તેના માટે અઘરું થઈ જાય છે. મહેનત કરવાની આવે ત્યારે તે પોતાના ચિહ્ન મુજબ દિવસ-રાત કામ કરી શકે છે.
મિથુન (ચિહ્ન સ્ત્રી-પુરુષની જોડી)
બુદ્ધિશાળી, જિજ્ઞાસુ અને વાતચીત કરવામાં કુશળ અને સાથોસાથ જરૂર પડે ત્યારે વાતને વાળી લેવાની ક્ષમતા પણ ધરાવતું વ્યક્તિત્વ. આ ચિહ્નના લોકો પળવારમાં આગ અને પળવારમાં પાણી થઈ શકે છે.
નવું શીખવું તેમને ગમે છે તો સાથોસાથ તેમને લોકોને મળવું પણ બહુ ગમે છે. ફરવા માટે નેચર તેમની પસંદ હોઈ શકે. કામની બાબતમાં તેઓ મલ્ટિ-ટાસ્કર છે, પણ ક્યારેક નિર્ણય લેવા માટે તેમને અન્યનો સહારો લેવો પડે છે.
કર્ક (ચિહ્ન કરચલો)
યાદ હશે કે કૅન્સરની બીમારીનું ચિહ્ન પણ આ જ છે. આ રાશિની વ્યક્તિ સ્વભાવે સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે તો સંબંધોમાં કૅર કરવાની બાબતમાં તે અવ્વલ હોય છે. જે સંબંધોથી તે દાઝે છે એ સંબંધોને નવેસરથી સુધારવાને બદલે તે દૂર થઈ જવાનું વધારે પસંદ કરે છે.
પરિવાર અને ઘરને ખૂબ મહત્ત્વ આપવું એ તેની ખાસિયત છે. તેની કલ્પનાશક્તિ તેજ છે, પણ મૂડમાં વારંવાર આવતા બદલાવ એટલે કે મૂડ-સ્વિંગ્સને કારણે તે કામના અંત સુધી પહોંચવામાં ઢીલાશ દેખાડી શકે છે.
સિંહ (ચિહ્ન સિંહ)
રાશિના ચિહ્ન મુજબનો જ સ્વભાવ. શક્ય હોય ત્યાં સુધી ગર્જના કરે નહીં અને ગર્જના કરે તો ભલભલાને પરસેવો વાળી દે. આત્મવિશ્વાસ માટે તેણે પારકા પર ભરોસો નથી રાખવો પડતો. સ્વભાવે તે ઉદાર છે અને આપવામાં સહેજ પણ ખચકાટ થતો નથી તો સાથોસાથ લીડરશિપ તેના લોહીમાં છે. આ ચિહ્નની રાશિ ધરાવતી વ્યક્તિને સેનાપતિ બનાવી દેવાનો સીધો અર્થ છે જીત માટે નિશ્ચિંત થઈ જવું.
વખાણ, પ્રશંસા અને ધ્યાન ખેંચવા માટે સતત પ્રયત્નશીલ રહેવું એ તેની ખાસિયત છે તો સાથોસાથ વફાદારી પણ તેની ખાસિયત છે. હંમેશાં બીજાની મદદ માટે તૈયાર રહે છે, જેને લીધે ઘણી વાર પોતાનાઓના મનમાં ગેરસમજ જન્માવી શકે છે.
કન્યા (ચિહ્ન કન્યા)
સ્વભાવે ઋજુ હૃદયના અને સાથોસાથ નાનામાં નાની વાતમાં ચોકસાઈ રાખનારા, બુદ્ધિશાળી અને વિશ્લેષણાત્મક પણ ખરા. દરેક કામમાં પર્ફેક્શન શોધવું એ તેમની ખાસિયત છે અને એને લીધે તેઓ બીજાની ભૂલ પણ બહુ ઝડપથી પકડી પાડે છે.
કન્યા ચિહ્ન ધરાવતા લોકો સંબંધો લાંબો સમય ટકાવી શકે અને પછી ગાયબ થઈને એક દિવસ અચાનક પ્રકટ પણ થઈ શકે અને એ પછી તેમને ખેદ પણ ન હોય. હક આપવામાં તે જેટલું માને છે એટલું જ હક લઈ લેવામાં પણ માને છે.
(અન્ય છ રાશિનાં ચિહનો અને તે વ્યક્તિના સ્વભાવ અને તેની ખાસિયતની વાતો આવતા રવિવારે)


