કૈલાસનાથ અને પાર્વતીદેવીના મિલનની મંગલ ઘડી નજીક આવી રહી છે. લગ્નનું મુહૂર્ત નીકળી ચૂક્યું છે અને બેઉ પક્ષે તડામાર તૈયારીઓ થઈ રહી છે એવા સપરમા ટાણે આપણે જઈએ આસામના નાગાંવ ગામે જ્યાં મહામૃત્યુંજય ટેમ્પલમાં ભોલેબાબાનું ૧૨૬ ફીટ ઊંચું શિવલિંગ આવેલું છે
આ શિવલિંગનું આર્કિટેક્ચર તથા એન્જિનિયરિંગ અનન્ય છે. નાગાંવનું આ શિવલિંગ અત્યાર સુધીનું દેશનું સૌથી ઊંચું શિવલિંગ છે.
સ્કંધ પુરાણ અનુસાર આસામના આ મેદાની પ્રદેશમાં સનાતની પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવતા ગુરુ શુક્રચાર્યએ લાંબો સમય રહી તપોસાધના કરી હતી.
ઉદ્ઘાટનના બે મહિના બાદ ૨૦૨૧ની ૨૮ એપ્રિલે આસામ અને અન્ય પૂર્વીય ક્ષેત્રને હચમચાવી ગયેલા ભૂકંપ બાદ ૧૨૬ ફીટ ઊંચા શિવલિંગના ઉપરના ભાગમાં મામૂલી તિરાડ પડી હતી, પરંતુ આખુંય સ્ટ્રક્ચર અડીખમ રહ્યું છે. જોકે ધરતીકંપે ભેટ કરેલી એ તડ આજે શિવલિંગની સુંદરતામાં વધારો કરી રહી છે.
ADVERTISEMENT
૨૦૨૧ની બાવીસથી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન મહામૃત્યુંજય દેવની પ્રાણપ્રતિષ્ઠા તેમ જ ઉદ્ઘાટન મહોત્સવમાં રાજ્યના અનેક પ્રધાનો સાથે ભારતના હોમ મિનિસ્ટર અમિત શાહ પણ અહીં પધાર્યા હતા.
સતી માતાના દેહાંત બાદ શંકર ભગવાન અત્યંત ક્રોધિત અને દુખી થઈ ગયા હતા. સતીના પાર્થિવ શરીરને ઉપાડી તાંડવ કરતાં-કરતાં તેમણે પૂરી સૃષ્ટિમાં ભ્રમણ કર્યું ને શિવજીના વિયોગને શાંત કરવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતાના શરીરના ૫૧ ટુકડા કર્યા એ તો આપણને ખ્યાલ છે, પરંતુ એ પછી પત્નીના વિયોગમાં ભોલેનાથ સર્વસ્વ ત્યાગ કરી શરીર પર સતીના શરીરની ભસ્મ ચોપડી તપસ્યામાં લીન થઈ ગયા. તેઓ એવા વિરક્ત થઈ ગયા હતા કે સંસાર પ્રત્યેની તેમની જવાબદારીઓ પણ ભૂલી ગયા. સૃષ્ટિના સંરક્ષણ માટે બ્રહ્મા, વિષ્ણુની સાથે શંકર ભગવાનની દિવ્ય ઉપસ્થિતિ અને ઊર્જાની પણ જરૂર હતી. તેમની ગેરહાજરીથી સમસ્ત સંસારની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વળી એ સમયે રાક્ષસ તારકાસુરે પૃથ્વી પર આતંક મચાવી દીધો હતો. તેને વશમાં કરવોય જરૂરી હતો. અને તારકાસુરને તો વરદાન હતું કે શંકરનો પુત્ર જ એ અસુરને પરાજિત કરી શકશે. પરંતુ નટરાજ દેવ તો સાધનામાં લીન હતા. તેમ જ નિયતિના લેખ અનુસાર સતીમાતાનો પુનર્જન્મ પાર્વતીરૂપે થઈ ચૂકયો હતો અને તેમનું શિવ સાથે મિલન કરાવવું અનિવાર્ય હતું.
પણ સંસારની સઘળી માયાથી મુક્ત થઈ બાબા કૈલાસવાસી થઈ ગયા હતા. ત્યારે કરવું શું? એ સમસ્યાનો ઉકેલ લાવવા બ્રહ્માજી અને વિષ્ણુજીએ એક યુક્તિ કરી. તેમણે કામદેવની સહાય લીધી. કામદેવ તથા રતિના પ્રેમ તેમ જ કામરૂપી બાણથી રુદ્રનાથ સમાધિમાંથી જાગે અને શંભુનાથને હિમાલય પુત્રી પાર્વતી પ્રત્યે સ્નેહની લાગણી થાય ને ફરીથી ત્રિલોકની સર્વ વ્યવસ્થા સુચારુ રીતે ચાલે.
અગ્નિગઢ વ્યુપૉઇન્ટ તો જજો જ
જો તમને એક જ સ્થળેથી પૌરાણિક વાઇબ્સ, પૂર્વની માઇટી નદી બ્રહ્મપુત્રા અને બ્યુટિફુલ સનસેટ જોવો હોય તો નાગાંવથી ફક્ત ૫૨ કિલોમીટર દૂર આવેલા અગ્નિગઢ વ્યુપૉઇન્ટ અચૂક જજો. હિન્દુ માયથોલૉજી અનુસાર વનાસુરે તેમની પુત્રી ઉષાને અહીં રાખી હતી. દીકરીના કિલ્લામાં કોઈ પ્રવેશ ન કરી શકે એ માટે વનાસુર આખાય ગઢની ફરતે ચોવીસે કલાક અગ્નિની જ્વાળાઓ જલતી રાખતો. હવે તો અહીં સરસ કિલ્લો છે. વનાસુરનાં સ્ક્લ્પ્ચર છે, ઈસ્ટર્ન રાજ્યની ગંગા મૈયા સમી પવિત્ર નદી બ્રહ્મપુત્રનો કાંઠો છે. તો સોનેરી સૂર્યાસ્તનો સુંદર નજારો છે. વળી આ વ્યુપૉઇન્ટથી આખું તેઝપુર ટાઉન પણ દેખાય છે.
કામદેવને ભગવાન શિવના રૌદ્ર રૂપનો ખ્યાલ હતો જ પરંતુ સર્વોપરીના હિત માટે તેઓ પોતાની પત્ની રતિ સાથે કૈલાસ પર્વત ગયા. શેરડીના ધનુષ ઉપર મધમાખીની પણછ બનાવી ને એની ઉપર કામબાણ લગાવી નટરાજ પર છોડ્યું. બાણ બરાબર મર્મસ્થાને લાગ્યું અને કેદારેશ્વરની સાધના ભંગ થઈ. તેમણે આંખો ખોલી અને જોયું કે આ શું થયું. ને તેમને જ્યારે કામદેવ અને રતિની આખી લીલા સમજાઈ ત્યારે ત્રિનેત્રએ વિનાશ અને ચેતનાના પ્રતીકરૂપ ત્રીજી આંખ ખોલીને એની પ્રચંડ ઊર્જાથી કામદેવને ભસ્મ કરી નાખ્યો.
કામદેવના મૃત્યુથી તેમની પત્નીએ ખૂબ કલ્પાંત કર્યું અને કામદેવને પુનર્જીવિત કરવા ભોલેબાબાને બહુ આજીજી કરી, પ્રાર્થના કરી. રતિની ભક્તિ અને દુઃખથી દ્રવિત થઈ કોમલ હૃદયથી શિવબાબાએ રતિને આશ્વાસન આપ્યું કે કામદેવનું શરીર ભલે નાશ પામ્યું, છતાં તેમનો પ્રભાવ અને પ્રેમ શક્તિરૂપે સંસારમાં ચિરંજીવ રહેશે, જેના ઉદાહરણરૂપે જ શિવજીના મનમાં નવેસરથી પ્રેમની કૂંપળો ફૂટી અને પાર્વતીમાતાએ શિવજીને પતિરૂપે પામવા કરેલી વર્ષોની તપસ્યા ફલિત થઈ. ભગવાન શંકર, પર્વતની પુત્રી પાર્વતીને પરણવા તૈયાર થયા ને લગ્નનું મુહૂર્ત નીકળ્યું મહા વદ ચૌદશ, જેને આપણે મહાશિવરાત્રિ કહીએ છીએ.
યસ, ગુરુવારે જ મહાશિવરાત્રિનું પર્વ છે ત્યારે આપણે જઈએ નાગાંવના મહામૃત્યુંજય મંદિરે. ના-ના, આ સ્થળનો બાબાની જાન કે સાધના સાથે કોઈ પૌરાણિક નાતો નથી. અહીં તો છે ૧૨૬ ફીટ ઊંચું શિવલિંગ, જે અત્યાર સુધીનું ભારતનું ટૉલેસ્ટ શિવલિંગ છે.
ગયા મહિનાની આઠ તારીખે દેશભરનાં અખબારોમાં બિહારના ચંપારણના એક ગામમાં પ્રસ્થાપિત થનારા ૨૧૦ ટન અને ૩૩ ફીટ ઊંચા શિવલિંગના સમાચારો છપાયા હતા. છેક તામિલનાડુથી બિહાર સુધીની ૨૫૦૦ કિલોમીટરની યાત્રા કરી આવેલું અખંડ ગ્રેનાઇટના પથ્થરમાંથી નિર્મિત આ શિવલિંગ વિરાટ રામાયણ મંદિર કૉમ્પ્લેક્સમાં સ્થપાવાનું છે. એ મંદિર તો અનન્ય બનવાનું છે સાથે લિંગ પણ અદ્વિતીય બની રહેવાનું છે. જોકે ભારતના પૂર્વીય રાજ્ય આસામના નાગાંવના મહામૃત્યુંજય દેવ પણ ઊંચાઈ તથા સ્થાપત્યકલાની દૃષ્ટિએ તો વિશિષ્ટ છે. શિવલિંગની સાઇટ, આ સાઇટ અને ડિઝાઇન એને ભારતનું અત્યાર સુધીનું જાયન્ટ અને મૅગ્નિફિશન્ટ શિવલિંગ બનાવે છે. ઈ. સ. ૨૦૦૩માં આચાર્ય ભૃગુગિરિ મહારાજે આ મંદિરના નિર્માણના પાયા નાખ્યા હતા જે અનેક પડકારો બાદ ૨૦૨૧ની ૨૨ ફેબ્રુઆરીએ પૂર્ણ રીતે તૈયાર થઈ ભક્તો માટે ઓપન થયું હતું.
આસામનું શુક્રેશ્વર મંદિર પણ લોકપ્રિય છે
ગુવાહાટીની ઇટાખુલ્લી પહાડી (જે શુક્રેશ્વર પર્વત તરીકે પણ જાણીતું છે)ની ઉપર આવેલું શુક્રેશ્વર મહાદેવાલય અઢારમી સદીનું છે. કાલિકા પુરાણ અનુસાર શુક્રાચાર્યએ આ પહાડી પર એકાંતવાસમાં રહી શિવઆરાધના કરી હતી. હાથીની વિશાળ પીઠ જેવા આકારની ટેકરી પર સ્થિત આ મંદિરને એના આવા શેપને લીધે હસ્તગિરિ પણ કહેવાય છે. ઈ. સ. ૧૭૪૪માં અહોમ વંશીય રાજા પ્રમતસિંહે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યાર બાદ રાજા રાજેશ્વરસિંહે શિવ ધર્મનો પ્રચાર-પ્રસાર કરતાં આ દેવાલયની ખ્યાતિ ખૂબ વધી હતી. બ્રહ્મપુત્રા નદીના કિનારા પર સ્થિત હોવાથી ભક્તો નદીમાં સ્નાન તેમ જ દેવોં કે દેવની અર્ચના કરવાનો મોકો મળે છે. તેઝપુર શહેરથી અજારા, અમીનગામ, મિર્ઝા સ્ટેશન માટે ટ્રેનો મળે છે જ્યાંથી શુક્રેશ્વર મંદિર અનુક્રમે ૧૧, ૧૩, ૧૪ કિલોમીટરની દૂરી પર છે.
આસામના ગુુવાહાટીથી ૧૨૩ કિલોમીટરના અંતરે આવેલું નાગાંવ આ રાજ્યનું ચોથું મોટું શહેર છે. સમુદ્રતટથી ૨૦૦ ફીટ ઊંચું અને બેઉ કાંઠે વહેતી કાલંગ નદીની બન્ને બાજુ વસેલા આ ટાઉનની સ્થાપના-ડેટ તો ૫૦૦ વર્ષ પહેલાંની છે. તવારીખમાં નોંધાયેલું છે કે અહોમ વંશીય શાસકો દ્વારા શાસિત આ ક્ષેત્ર પર કચારિયા રાજાઓએ આક્રમણ કર્યું ત્યારે સ્થાનિકો ડરના માર્યા આ પ્રદેશ છોડી બીજે વસી ગયા. પછી અહોમ રાજવીઓએ ફરી આ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો ને અહોમ રાજા પ્રતાપસિંહે ઈ. સ. ૧૬૪૧માં આ એરિયાનું પુનનિર્માણ કરાવ્યું. નવાં ગામો વસાવ્યાં ને આખો વિસ્તાર નાગાંવ (ના=નવા) નામે ઓળખાવા લાગ્યો. પૂર્વોત્તર રાજ્યના આ છેવાડાના એરિયાની અન્ય એક વિશેષતા એ પણ છે કે આ નાગાંવથી સિલ્ચર-પોરબંદર નૅશનલ હાઇવે (NH) 37 નીકળે છે અને આ વન ઑફ ધ આઇકૉનિક રાજમાર્ગ દેશનો મહત્ત્વપૂર્ણ હાઇવે છે. એવા નાગાંવના વેરવેરી ગોસાઈગાવ નામક નાનકા ગામમાં સ્થિત આ શિવલિંગની અન્ય વિશેષતા એ છે કે ઊંચા ગોળાકાર પ્લૅટફૉર્મ પર ખુલ્લા અંબરની નીચે મહામૃત્યુંજયનું શિવલિંગ છે, જે દર્શનીય છે. અને એની જ નીચે પૂજનીય શિવલિંગ પણ રખાયું છે અને આર્કિટેક્ચરની દૃષ્ટિએ ખૂબી એ છે કે આવડા મોટા મુખ્ય શિવલિંગના એકદમ નીચેના ગોળ ભાગને પોકળ બનાવીને એમાં વિશાળ પૂજા, સાધનાખંડ બનાવાયો છે. ઉદ્ઘાટન વખતે ૧૧ દિવસ સુધી તામિલ તથા આસામી બ્રાહ્મણોએ વેદિક મંત્રોચ્ચારથી મહાયજ્ઞ કરી અહીં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી છે અને સ્થાનિકોનું માનવું છે આ મહાદેવ કષ્ટભંજન હોવા સાથે કામનાપૂરક પણ છે. અદ્યતન આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગની દૃષ્ટિએ આખું ટેમ્પલ-કૉમ્પ્લેક્સ મિસાલરૂપ છે એ જ રીતે સર્ક્યુલર સાધનાખંડ માનવીને ખરેખર ધ્યાનમાં લાવી દે એવી આધ્યાત્મિક વાઇબ્સ ધરાવે છે.
રહેવા માટે ગોસાઈ ગાવમાં તો આધુનિક સુવિધા નથી પણ અહીંથી ૧૨ કિલોમીટર દૂર આવેલા નાગાંવમાં હોટેલ્સ, ગેસ્ટહાઉસ, રિસૉર્ટ છે. હા, આ પ્રદેશમાં વેજિટેરિયન એમાંય ગુજરાતીઓને ચાલે, ભાવે, ફાવે એવું ખાણું મળવું થોડું મુશ્કેલ છે. પણ આપણાં થેપલાં, ખાખરા આવા કઠિન સમયે સંકટની સાંકળ બની ભૂખ સંતોષે છે.
ગુવાહાટીથી વન-ડે વીક-એન્ડની આ જાત્રામાં શિવભક્તોમાં પ્રકાશ સ્તંભરૂપ આ શિવલિંગનાં દર્શન સાથે આસામની અબોટ પ્રકૃતિનો પણ પરિચય કરી શકે છે. ગુવાહાટીમાં આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ તો છે જ તો આસામના અન્ય પ્રૉમિસિંગ શહેર તેઝપુરથી અહીંનું ડિસ્ટન્સ ૭૦ કિલોમીટર છે. ઇસકે અલાવા હરિયાળા વિસ્તારોમાં રેલયાત્રા કરવી હોય તો ચાપરમુખ રેલવે-જંક્શન
નાગાંવથી ફક્ત ૨૮ કિલોમીટર દૂર છે અને આ સ્ટેશન ગુવાહાટી, કલકત્તાથી સરસ કનેક્ટિવિટી ધરાવે છે.


