દયાભાભીના પાત્રને અમે ફરીથી શૉમાં લાવવા માગીએ છીએ: આસિત કુમાર મોદી
તસવીર સૌજન્ય: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ
લોકપ્રિય ટેલિવિઝન શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ને આજે ૧૪ વર્ષ પૂર્ણ થયા છે અને શૉ આજે ૧૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે શૉના નિર્માતા આસિત કુમાર મોદી (Asit Kumar Modi) સાથે ખાસ વાતચીત કરી. આ ખાસ વાતચીત દરમિયાન તેમણે દયાભાભીની શૉમાં એન્ટ્રીથી લઈને ટપ્પુ સેના (Tappu Sena) વિશે કેટલાક ખુલાસા કર્યા.
આસિત મોદીએ કહ્યું કે “આ અમારા માટે ખૂબ જ આનંદની ક્ષણ છે કે શૉએ આ સિદ્ધિ મેળવી છે. આ દર્શકોના પ્રેમ અને ટીમવર્કને આભારી છે. દર્શકો સુધી સારી મનોરંજક વાર્તા અમે રોજ આપતા રહીએ તેવા લક્ષ્ય સાથે અમારા નિર્દેશકો, લેખકો, અભિનેતા અને ક્રૂ સતત મહેનત કરે છે.”
ADVERTISEMENT
હવે શૉમાં કોઈ બદલાવ જોવા મળશે? આ સવાલનો જવાબ આપતા આસિતભાઈ જણાવે છે કે “આ શૉ અને શૉના દરેક પાત્ર લોકોનાં હૃદયમાં સ્થાન ધરાવે છે. એટલે બદલાવ તો નહીં, પરંતુ હંમેશા કંઈક નવું લાવવાનો પ્રયાસ ચાલુ રહેશે. આગામી દિવસોમાં ગોકુલધામ નિવાસીઓ ક્યાંક ફરવા જઈ શકે, તો ટપ્પુ સેનાનો પણ નવો અંદાજ દર્શકોને જોવા મળશે. સાથે જ શૉમાં નવા પાત્રો પણ ઉમેરીશું.”
દયાભાભીના પાત્ર વિશે વાત કરતાં આસિત મોદી કહે છે કે “દયાભાભીના પાત્રને અમે ફરીથી શૉમાં લાવવા માગીએ છીએ. કારણ કે દર્શકોને વર્તાતી એ ખોટ અમે પૂરી કરવા માગીએ છીએ. જો દિશા વાકાણી જ શૉમાં વાપસી કરે તો સોનામાં સુગંધ ભળશે. જોકે તેમની જવાબદારીઓ જુદી છે માટે અમે નવા દયાભાભી પણ શોધી રહ્યા છીએ, પરંતુ દયાભાભીનું પાત્ર શોધવું સરળ નથી.”
હવે જોવું રહ્યું કે શૉની વાર્તામાં પોપટલાલના લગ્ન ક્યારે થશે, નવા દયાભાભી જોવા મળશે કે શું? ક્યાં ફરવા જશે ગોકુલધામના સભ્યો અને ટપ્પૂ સેનાનો જો નવો અંદાજ છે તે દર્શકોને કેટલો ગમે છે.


