કલર્સ પર આ શો ૧૭ જુલાઈએ શરૂ થાય એવી શક્યતા છે
નવી શરૂઆત કરતાં પહેલાં બાપ્પાના આશીર્વાદ લીધા શિવ ઠાકરેએ
‘બિગ બૉસ 16’ બાદ શિવ ઠાકરે હવે ‘ખતરોં કે ખિલાડી 13’ની શરૂઆત કરવાનો છે અને એમાં આપવામાં આવતા સ્ટન્ટ્સનો સામનો કરવા માટે તેણે બાપ્પાના આશીર્વાદ લીધા હતા. કલર્સ પર આ શો ૧૭ જુલાઈએ શરૂ થાય એવી શક્યતા છે. રોહિત શેટ્ટી આ શોને હોસ્ટ કરે છે. તે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા ગયો હતો. તેણે મંદિરની બહાર હાથમાં થાળી લઈને ઊભેલો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. તેણે બ્લુ ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હતો. તેના કપાળે તિલક છે. રોહિત શેટ્ટીની પ્રશંસા કરતાં શિવ ઠાકરેએ કહ્યું કે ‘રોહિત સરે કહેલી એક લાઇનનું હું ઘણા સમયથી અનુકરણ કરું છું. તેમણે કહ્યું છે કે સો રૂપયે મેં હઝાર કા કામ કરો.’
સાથે જ ‘ખતરોં કે ખિલાડી 13’ની શરૂઆત કરતાં પહેલાં બાપ્પાનાં દર્શન કર્યાં એ વિશે શિવ ઠાકરેએ કહ્યું કે ‘કોઈ પણ નવી વસ્તુ આપણે કરીએ તો આપણે બાપ્પાના આશીર્વાદથી શરૂઆત કરીએ છીએ. હું એકલો જ નથી, પરંતુ જેટલા લોકો છે તેઓ પણ શરૂઆત બાપ્પાને મળ્યા બાદ જ કરે છે. હું બાપ્પાને કારણે જ અહીં સુધી પહોંચ્યો છું. ‘બિગ બૉસ’ હોય, ‘રોડીઝ’ હોય કે પછી હવે ‘ખતરોં કે ખિલાડી 13’ હોય; બાપ્પાના આશીર્વાદ મારા પર છે. આ જ કારણ છે કે લોકો મને પ્રેમ આપે છે. હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે પૈસા નહીં, પરંતુ આશીર્વાદ જરૂરી છે અને મને હંમેશાં અહીંથી મળે છે. હું બાપ્પાને મળવા આવ્યો છું કે મારી કીડા-મકોડા અને સાપથી રક્ષા કરજો. મારી મમ્મીને ખૂબ ડર લાગે છે. તે મને પૂછે છે કે હું શું કામ આ કીડા-મકોડાના શોમાં જાઉં છું. મેં તેને જણાવ્યું છે કે ડરવાની જરૂર નથી. બાપ્પાને મળીને મેં તેમની પાસે એક યોદ્ધા તરીકે લડવાની તાકાત માગી છે. પરીક્ષાની તૈયારીઓ છેલ્લી ઘડી સુધી ક્યારેય નથી થતી ઠીક એ રીતે ‘ખતરોં કે ખિલાડી’ની પણ તૈયારી નથી થતી. હું એક્સાઇટેડ અને નર્વસ પણ છું. રોહિત શેટ્ટી એક પ્રિન્સિપાલ જેવા છે. સ્પર્ધકો તેમની સાથે ગ્રેટ બૉન્ડિંગ ધરાવે છે. સ્પર્ધકોને ટાસ્ક પૂરો કરવા માટે તેઓ હંમેશાં પ્રોત્સાહન આપે છે.’

