આ શોમાં પોતાની લાઇફ વિશે વાત કરતાં મિથુને કહ્યું કે ‘હું લાઇફમાં જેમાંથી પસાર થયો છું એમાંથી બીજું કોઈ પસાર થાય એવું હું નથી ઇચ્છતો.
પદ્મિની કોલ્હાપુરે અને મિથુન ચક્રવર્તી
મિથુન ચક્રવર્તીની ઇચ્છા નથી કે તેના પર બાયોપિક બને. મિથુન હાલમાં જ ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં જોવા મળ્યો હતો. તેની સાથે પદ્મિની કોલ્હાપુરે પણ જોવા મળી હતી. આ શોમાં પોતાની લાઇફ વિશે વાત કરતાં મિથુને કહ્યું કે ‘હું લાઇફમાં જેમાંથી પસાર થયો છું એમાંથી બીજું કોઈ પસાર થાય એવું હું નથી ઇચ્છતો. દરેકે સ્ટ્રગલ જોઈ છે અને ખરાબ સમય સામે હિંમત દેખાડી છે. જોકે મને હંમેશાં મારા સ્કિન કલર વિશે કહેવામાં આવતું હતું. મારા સ્કિન કલરને લઈને હંમેશાં મારી ઇજ્જત લેવામાં આવતી હતી. મારે ભૂખ્યા પેટે સૂવું પડતું હતું અને હું ઊંઘ ન આવે ત્યાં સુધી રડતો હતો. એવા પણ દિવસ હતા જેમાં મારે વિચારવું પડતું કે હું હવે શું ખાઈશ. ઘણા દિવસ સુધી મારે ફુટપાથ પર પણ સૂવું પડ્યું હતું. આ જ કારણ છે કે હું નથી ઇચ્છતો કે મારી બાયોપિક બનાવવામાં આવે. મારી સ્ટોરી કોઈ દિવસ કોઈને પ્રેરિત નહીં કરે. મારી સ્ટોરી લોકોને માનસિક રીતે ભાંગી નાખશે અને તેમનાં સપનાં પૂરાં કરવાથી તેમને રોકશે. હું નથી ઇચ્છતો કે એવું થાય. હું એટલા માટે લેજન્ડ નથી કે મેં હિટ ફિલ્મો આપી છે. હું એટલા માટે લેજન્ડ છું કારણ કે મેં દરેક મુસીબતનો સામનો કર્યો છે.’
હું અને મિથુનદા સેટ પર હંમેશાં ફાઇટ કરતાં હતાં. અમે ટૉમ ઍન્ડ જેરીની જેમ લડતાં. હું જે પણ કરતી એનાથી તેમને હંમેશાં પ્રૉબ્લેમ રહેતો હતો અને તેઓ મને ચીડવતા રહેતા હતા.
- પદ્મિની કોલ્હાપુરે

