કૉમિક ટાઇમિંગથી પ્રેક્ષકોને પેટ પકડીને હસાવનારા અરવિંદ વેકરિયાની એક્ઝિટથી ગુજરાતી કલાજગતને મોટી ખોટ પડી છે એટલું જ નહીં, પડદા પાછળની દોસ્તીની મહેફિલમાં પણ કાયમ માટે એક ખુરસી ખાલી થઈ ગઈ છે.
અરવિંદ વેકરિયા, સનત વ્યાસ અને પ્રતાપ સચદેવ.
કૉમિક ટાઇમિંગથી પ્રેક્ષકોને પેટ પકડીને હસાવનારા અરવિંદ વેકરિયાની એક્ઝિટથી ગુજરાતી કલાજગતને મોટી ખોટ પડી છે એટલું જ નહીં, પડદા પાછળની દોસ્તીની મહેફિલમાં પણ કાયમ માટે એક ખુરસી ખાલી થઈ ગઈ છે. રંગભૂમિની ત્રિપુટીના બે મિત્રો અભિનેતા સનત વ્યાસ અને અભિનેતા પ્રતાપ સચદેવ યાદ કરે છે દાદુ તરીકે ઓળખાતા અરવિંદ વેકરિયા સાથેની દોસ્તીના કિસ્સાઓ
સ્ટેજ પર તેમની એન્ટ્રી થતાં જ હાસ્યના ફુવારા ઊડતા. સંવાદ બોલવાની આગવી શૈલી, ચહેરાના હાવભાવ અને કૉમિક ટાઇમિંગથી જેમણે પ્રેક્ષકોને પેટ પકડીને હસાવ્યા એવા ગુજરાતી રંગભૂમિના પીઢ અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ વેકરિયાએ ગઈ કાલે ૨૪ જૂને ૭૬ વર્ષની ઉંમરે જીવનમંચ પરથી એક્ઝિટ લઈ લીધી. પડદો પડી ગયો છે, પરંતુ તેમણે ભજવેલાં અસંખ્ય પાત્રો પ્રેક્ષકો અને સાથી કલાકારોના દિલમાં હંમેશાં જીવંત રહેશે. ગુજરાતી રંગભૂમિ અને ટીવીજગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અરવિંદ વેકરિયાએ દાયકાઓ સુધી પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન પીરસ્યું છે. મંચ પર જીવંત અભિનય, સરળ વ્યક્તિત્વ અને કલા પ્રત્યેની નિષ્ઠાને કારણે તેઓ યુવા કલાકારો માટે પ્રેરણાસ્રોત બન્યા. તેમના અવસાનથી ગુજરાતી કલાજગતને તો મોટી ખોટ પડી જ છે, પડદા પાછળની દોસ્તીની મહેફિલમાં પણ કાયમ માટે એક ખુરસી ખાલી થઈ ગઈ છે. ૧૯૪૯ની ૧૫ ઑગસ્ટે જન્મેલા દાદુની વિદાય સાથે મિત્રતાની ત્રિપુટીનો પણ અંત આવ્યો. અભિનેતા સનત વ્યાસ અને અભિનેતા પ્રતાપ સચદેવે ‘મિડ-ડે’ સાથે શૅર કર્યા તેમની દોસ્તીના કિસ્સાઓ.
ADVERTISEMENT
ત્રિપુટી તૂટી ગઈ
અરવિંદ વેકરિયા, સનત વ્યાસ અને પ્રતાપ સચદેવની ત્રિપુટી ગુજરાતી કલાજગતમાં લોકપ્રિય છે. દરેક કાર્યક્રમમાં તેઓ સાથે જ હોય. તેમની પત્નીઓ ભારતીબહેન (અરવિંદ વેકરિયાનાં પત્ની), ભારતીબહેન (પ્રતાપ સચદેવનાં પત્ની) અને મીનાબહેન (સનત વ્યાસનાં પત્ની) પણ એકબીજાની બહેનપણીઓ. જૂનાં સંસ્મરણો યાદ કરતાં અભિનેતા પ્રતાપ સચદેવે જણાવ્યું હતું કે ‘અરવિંદને અમે લાડથી દાદુ કહીને બોલાવતા. અમારી મિત્રતા કૉલેજકાળથી હતી. સિત્તેરના દાયકાની શરૂઆતમાં ચિનાઈ કૉલેજમાં ‘ત્રિવેણી સંગમ’ નાટકમાં અરવિંદે દાદુ નામનું પાત્ર ભજવ્યું હતું. ત્યારથી અમે તેમને દાદુ કહીને બોલાવતા. ધીમે-ધીમે આખી ઇન્ડસ્ટ્રી તેમને આ નામથી જ બોલાવા લાગી. ‘હોટેલનું ટોટલ’ અને ‘દો દૂની પાંચ’ નાટકથી અમારી મિત્રતા પાક્કી થઈ. અમે બન્ને બહુરૂપી સંસ્થા સાથે જોડાયેલા હતા. ત્યાર બાદ સનત વ્યાસની એન્ટ્રી થઈ. મારી, દાદુની અને સનતની ત્રિપુટી આખી ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય. અમે સાથે નાટકો ઓછાં કર્યાં છે, પરંતુ રિયલ લાઇફમાં એકબીજાનો સધિયારો અને સહારો રહ્યા છીએ. ત્રણેયની ઉંમર વચ્ચે એક-એક વર્ષનો ફરક. દાદુ ઉંમરમાં સૌથી મોટા, બીજો નંબર સનતનો અને ત્રીજો મારો. ૩ ભેગા થઈએ પછી નિજાનંદ અને હાસ્યની રેલમછેલ સિવાય કોઈ વાત નહીં. એક વાક્ય પર ચર્ચગેટથી બોરીવલી સુધી હસી શકીએ. મળીએ ત્યારે શેર લોહી નહીં પણ લીટર લોહી ચડે એવી દોસ્તી. અમારી વચ્ચે ભાગ્યે જ કોઈ ગંભીર ચર્ચા થઈ હશે. અરવિંદના જવાથી ત્રિપુટી તૂટી એનું દુ:ખ છે, પણ રામજીની કૃપા કે છેક સુધી અમે મિત્રો રહ્યા. એકાંત વ્યક્તિને તારે અને એકલતા મારે. ગયા વર્ષે ઑક્ટોબરમાં ભારતીભાભીના અવસાન બાદ તે થોડો અલિપ્ત થઈ ગયો હતો. થોડા સમયથી તબિયત નાજુક હતી. પેટમાં ખોરાક જતો નહોતો. ૨૩ જૂને રાતથી તબિયત વધુ બગડી હતી. ગઈ કાલે સવારે બ્લડ-પ્રેશર એકદમ ઘટી ગયું અને જીવનમંચ પરથી વિદાય લીધી.’
પહેલી વિદેશયાત્રા સાથે
યાદોનો ખજાનો ખોલતાં અભિનેતા સનત વ્યાસે જણાવ્યું હતું કે ‘પાંચ દાયકાની દોસ્તીના કિસ્સાઓ કહેવા બેસીશું તો પાનાંઓ ભરાઈ જશે. વાતો ઘણી છે જે હવે યાદો બનીને રહી જશે. સૌથી પહેલાં એક કબૂલાત કરવી છે કે અમારા ત્રણેયમાં સૌથી હોશિયાર ઍક્ટરમાં પહેલો નંબર દાદુનો આવે. તેમની પ્રોફેશનલ થિયેટરમાં એન્ટ્રી ૧૯૭૪માં થઈ હતી. એ પહેલાં કૉલેજમાં ઘણાં નાટકો ભજવ્યાં હતાં. ‘વાયદાના ફાયદા’ નાટકમાં અમે ત્રણેય સાથે હતા. દાદુ સાથે ઘણાંબધાં નાટકોમાં સાથે કામ કરવાનો મને મોકો મળ્યો છે. ‘સખણા રેજો રાજ’, ‘કાચના સંબંધ’, ‘અકસ્માત’, ‘વાત મધરાત પછીની’, ‘જીવનસાથી’ નાટકમાં સાથે કામ કર્યું. દાદુનો સ્વભાવ મળતાવડો અને પાછો ભોળો એટલે અમે તેને હેરાન બહુ કરતા. ત્રણેયમાં સચુ (પ્રતાપ સચદેવ) તોફાની બારકસ. તેને કંઈક મસ્તી સૂઝી આવે. દાદુ સિરિયસ વાત કરવા જાય તોય ગંભીરતાથી ન લઈએ. એક વાર દાદુ ટી-શર્ટ લઈ આવ્યો હતો. મેં કહ્યું કે તને સારું નથી લાગતું, આ લે પૈસા, આજથી આ ટી-શર્ટ મારું. ભોળાભાવે તેણે કહ્યું કે માંડ-માંડ લીધું છે, પણ અમે ગણકાર્યું નહીં. એ વખતે અમારા બધાની સાઇઝ લગભગ સરખી હતી. પરણ્યા પહેલાં આવાં તોફાનો ખૂબ કર્યાં છે.’
બીજો એક કિસ્સો યાદ કરતાં સનતભાઈએ જણાવ્યું હતું કે ‘જોગાનુજોગ અમને ત્રણેને જીવનની પહેલી વિદેશયાત્રા સાથે કરવાની તક મળી. ૧૯૯૦માં ઈસ્ટ આફ્રિકા અને દુબઈમાં ‘રાધા ગુલમહોર’, ‘ચીલઝડપ’, ‘આંખ મીંચીને બોલો જયહિન્દ’ આ ત્રણ નાટકોના શો થવાના હતા. સિદ્ધાર્થ રાંદેરિયા અને રસિક દવેએ ટૂર ઑર્ગેનાઇઝ કરી હતી. એક મહિનાની ટૂરમાં અમારી સાથે યતીન કાણકિયા, કનક વ્યાસ, કેતકી દવે પણ હતાં. બધાંએ ખૂબ મજા કરી હતી. દાદુને ખાણી-પીણીનો જબરો શોખ. બટાટાવડાં અને ગાંઠિયા અતિશય ભાવે. વિદેશમાં પણ ગુજરાતી વાનગીઓ શોધે. અમારો ઉતારો હતો એ હોટેલમાં મિક્સ વાનગીઓ મળતી. દાદુ સવાર પડે ને ગાંઠિયા મિસ કરે. એક વાર નાઇરોબીમાં સાઇટસીન માટે જઈ રહ્યા હતા. સિગ્નલ પર અમારી વૅન ઊભી હતી ત્યારે દાદુની નજર એક ગુજરાતી ફરસાણની દુકાન પર પડી. ડ્રાઇવરને કહ્યા વિના તેણે દરવાજો ખોલી નાખ્યો અને સીધો દુકાને પહોંચી ગયો. અમને કહે કે આગળ જઈને ઊભા રહેજો, હું ગાંઠિયા ખાઈને આવું છું. ખાવા-પીવાની બાબતમાં તેણે આવાં કેટલાંય નાટકો કર્યાં છે. દાદુએ જ્યારે કહ્યું કે હમણાં-હમણાંથી ભૂખ નથી લાગતી ત્યારે ખરેખર દિલને આંચકો લાગ્યો હતો. અન્નનળીમાં સોજો અને ત્યાર બાદ જાતજાતનાં કૉમ્પ્લિકેશન્સ આવ્યાં. તેના જવાથી પડદા પર જ નહીં, પડદા પાછળ પણ એક ખાલીપો સર્જાયો છે.’

પ્રતાપ સચદેવની દીકરી ધરાનાં લગ્નમાં ત્રણેય કપલ.
સંતાનો વચ્ચે પણ મિત્રતા
અરવિંદ વેકરિયા, સનત વ્યાસ અને પ્રતાપ સચદેવ ત્રણેયનાં અરેન્જ્ડ મૅરેજ છે. ત્રણેયની પત્નીઓ ગૃહિણીઓ. ત્રણેય કપલ અવારનવાર સાથે ફરવા જતાં. પારિવારિક પ્રસંગો એકબીજા વિના અધૂરા હતા. સનતભાઈના કહેવા અનુસાર દાદુની યાદશક્તિ ગજબની હતી. વાંચન અને વાક્છટામાં તેમનો મુકાબલો ન કરી શકાય. તેઓ એકબીજાના વિવેચક પણ હતા. તેં આ પાત્ર બરાબર નથી ભજવ્યું અને આ પાત્ર જોરદાર હતું એવું કહી શકતા. દાદુનાં વનલાઇનર આખી ઇન્ડસ્ટ્રીમાં પૉપ્યુલર હતાં. બીજી અને ત્રીજી પેઢીનાં સંતાનો વચ્ચે પણ ફ્રેન્ડશિપ ડેવલપ થઈ છે. દાદુના અવસાનથી ૩ કુટુંબ પારિવારિક સદસ્ય ગુમાવ્યાની લાગણી અનુભવે છે. ત્રિપુટી તૂટવાની સાથે કપલ-ગ્રુપની સફરને પણ બ્રેક લાગી ગઈ. છેલ્લે તેઓ એટલું જ કહે છે કે કલાકાર વિદાય લે છે, તેણે ભજવેલાં પાત્રો હંમેશાં જીવંત રહે છે.
દાદુની અભિનયયાત્રા
દાદુના હુલામણા નામે ઓળખાતા અરવિંદ વેકરિયાએ દાયકાઓ સુધી પોતાની કલાથી પ્રેક્ષકોને હસાવ્યા છે. પારિવારિક અને હાસ્યપ્રધાન નાટકો ઉપરાંત તેમણે કેટલીક ટીવીસિરિયલોમાં પણ કામ કર્યું હતું. ‘ઘર ઘરની વાત’, ‘બાપ ગિલંદર બેટા કલંદર’, ‘કાચના સંબંધ’, ‘મનગમતું મૉડલ’, ‘લોચો માર્યો શેઠિયા’, ‘મન્નુભાઈ મૅટ્રિક ફેલ’, ‘અજબ કરામત’, ‘રિટર્ન ટિકિટ’, ‘બાપા કમાલ દીકરા ધમાલ’, ‘ગુજ્જુભાઈની ગોલમાલ’, ‘સખણા રેજો રાજ’ જેવાં સદાબહાર નાટકોમાં યાદગાર પાત્રો ભજવનાર તેમ જ ‘ચિનગારી’, ‘જીવન ચોપાટ’ અને ‘શિકાર’ જેવાં નાટકોનું દિગ્દર્શન કરનારા દાદુની અભિનયયાત્રા કૉલેજકાળથી શરૂ થઈ હતી. દાયકાઓ સુધી રંગભૂમિ અને ટેલિવિઝનમાં કામ કર્યું. તેઓ કાંદિવલીમાં રહેતા હતા. તેમના પરિવારમાં બે પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓ છે. લોકપ્રિય ટીવીસિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બાઘાનું પાત્ર ભજવતા જાણીતા અભિનેતા તન્મય વેકરિયા તેમનો પુત્ર છે. દાદુએ આ સિરિયલમાં એક કૅમિયો પણ કર્યો હતો. બીજો પુત્ર મનવીત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને દુબઈમાં સ્થાયી છે. દાદુનું છેલ્લું નાટક ‘વેવાઈ વર્સસ વેવાઈ’ હતું. તેમના નિધનથી મનોરંજનજગત અને રંગભૂમિમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
