ભૂતપૂર્વ પત્નીઓની ગેરહાજરી પાછળનું સાચું કારણ જણાવ્યું અમીન હાજીએ
કિરણ રાવ, રીના દત્તા અને અમીન હાજી
આમિર ખાને પાંચમી જુલાઈએ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથે ત્રીજાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં આમિરનો પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા પણ તેની ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ નજરે પડી નહોતી. આ મુદ્દે અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી ત્યારે હવે આમિરના નજીકના મિત્ર અમીન હાજીએ તેનું કારણ જાહેર કર્યું છે.
રીના અને કિરણની ગેરહાજરીના કારણ વિશે વાત કરતાં અમીન હાજીએ કહ્યું હતું કે ‘કિરણ રાવ લગ્નના સમયે લંડનમાં હતી. તેમનો પુત્ર આઝાદ લગ્ન માટે મુંબઈ આવ્યો હતો. દરેક વ્યક્તિ દરેક પ્રસંગે હાજર રહે એ જરૂરી નથી. ક્યારેક કોઈને સ્પેસ આપવી પણ પ્રેમ અને સન્માનની નિશાની હોય છે. મહત્ત્વના પ્રસંગે કોઈ અનકમ્ફર્ટેબલ ન થાય એ પણ એટલું જ જરૂરી છે. આમિર, કિરણ, રીના અને સત્યજિત ભટકલ આજે પણ પાની ફાઉન્ડેશન માટે સાથે કામ કરે છે અને તેમના સંબંધો આજે પણ સ્વસ્થ અને સૌહાર્દપૂર્ણ છે. જ્યારે રીનાના પિતાનું અવસાન થયું હતું ત્યારે આમિર અંતિમ સંસ્કાર સુધી તેમના પરિવારની સાથે રહ્યા હતા. હું રીના, કિરણ અને ગૌરીને સારી રીતે ઓળખું છું અને ત્રણેયના સ્વભાવ એકબીજાથી સંપૂર્ણ અલગ છે.’
આમિર ખાનનાં સંતાનો તેની ત્રીજી પત્ની ગૌરી સ્પ્રૅટને શું કહીને બોલાવે છે?
ADVERTISEMENT
આમિર ખાને તાજેતરમાં પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં પોતાના ઘરે જ સાદગીભર્યાં રજિસ્ટર્ડ લગ્ન કર્યાં હતાં. આમિરના આ ત્રીજા લગ્નસમારંભમાં પહેલી પત્ની રીના દત્તાથી થયેલાં સંતાનો જુનૈદ અને આઇરા તેમજ બીજી પત્ની કિરણ રાવથી થયેલો દીકરો આઝાદ રાવ ખાન પણ હાજર રહ્યાં હતાં. ગૌરી સાથે આમિરનાં આ ત્રણેય સંતાનો મૈત્રીપૂર્ણ અભિગમ ધરાવે છે.
આમિરનાં સંતાનો અને ગૌરી વચ્ચેના સંબંધ વિશે આમિરના મિત્ર અમીન હાજીએ ખુલાસો કર્યો છે. અમીન હાજીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે આમિરનાં ત્રણેય સંતાનો ગૌરીને શું કહીને બોલાવે છે ત્યારે જવાબ આપતાં તેણે કહ્યું હતું કે તેઓ તેને ‘ગૌરી’ કહીને જ બોલાવે છે. તેમના સંબંધો વિશે વાત કરતાં અમીન હાજીએ કહ્યું હતું કે ‘લોકો ઘણી વાર મને પૂછે છે કે આમિરનાં બાળકો ગૌરી વિશે શું વિચારે છે, પણ આ કોઈ અચાનક બનેલો સંબંધ નથી. આમિર અને ગૌરી ઘણાં વર્ષોથી એકબીજાને ઓળખે છે. ગૌરી તો ઇમરાન ખાનની મિત્ર પણ રહી છે. આ પછી ધીમે-ધીમે આમિરે ગૌરીની ઓળખાણ પોતાનાં બાળકો સાથે કરાવી હતી. આ સમગ્ર સંબંધ દરમ્યાન આમિરે દરેક વ્યક્તિની લાગણીઓનું ખૂબ ધ્યાન રાખ્યું છે. જો તમે લગ્નની તસવીરો જુઓ તો એમાં આઝાદ, ગૌરીનો દીકરો ક્વિન, આમિરની મમ્મી, ગૌરીના પિતા બૉબ, તેની આન્ટી રાધા અને પરિવારના અન્ય સભ્યો પણ સાથે જોવા મળશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આમિરે દરેકને મહત્ત્વ આપ્યું અને સૌને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. ગૌરીનો દીકરો ક્વિન પણ આમિરને પ્રેમથી ‘આમિર’ કહીને જ બોલાવે છે. તેમનો સંબંધ કોઈ નવો નથી, એક વર્ષથી વધુ સમયથી બન્ને વચ્ચે આ પ્રકારનો આત્મીય સંબંધ છે.’
