બૉલીવુડના અભિનેતા વિક્રાંત મેસીએ અમદાવાદ-લંડન પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ફ્લાઇટના ફર્સ્ટ ઑપરેટિંગ ઑફિસર ક્લાઇવ કુન્દર તેમના નજીકના ફૅમિલી ફ્રેન્ડ હોવાની સ્પષ્ટતા કરી હતી.
ક્લાઇવ કુન્દર અને વિક્રાંત મેસી
બૉલીવુડના અભિનેતા વિક્રાંત મેસીએ અમદાવાદ-લંડન પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ફ્લાઇટના ફર્સ્ટ ઑપરેટિંગ ઑફિસર ક્લાઇવ કુન્દર તેમના નજીકના ફૅમિલી ફ્રેન્ડ હોવાની સ્પષ્ટતા કરી હતી. વિક્રાંતે અગાઉ ક્લાઇવ કુન્દર અને અન્ય યાત્રીઓને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી હતી, જેમાં ક્લાઇવ કુન્દરને અંકલ ક્લિફર્ડ કુન્દરના દીકરા તરીકે ઓળખાવ્યા હતા. એને કારણે અમુક સમાચારોમાં ક્લાઇવ કુન્દરને તેમના કઝિન હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેથી સ્પષ્ટતા માટે વિક્રાંત મેસીએ સોશ્યલ મીડિયા પર બીજી પોસ્ટ કરીને ક્લાઇવ કુન્દર તેમના ફૅમિલી-ફ્રેન્ડ હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘ડિયર મીડિયા અને અન્ય લોકો, કમનસીબે જીવ ગુમાવનારા ક્લાઇવ કુન્દર મારા કઝિન નથી. ક્લાઇવ કુન્દર અમારા ફૅમિલી-ફ્રેન્ડ છે. વધુ અટકળો ન કરતાં તેમના પરિવારજનો અને પ્રિયજનોને શાંતિથી આ પરિસ્થિતિમાંથી પસાર થવા દઈએ.’
પહેલી પોસ્ટમાં વિક્રાંતે લખ્યું હતું કે ‘અમદાવાદમાં બનેલી ઍર ક્રૅશની અકલ્પનીય અને કરુણ ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારજનો માટે દુ:ખ થાય છે. વધુ દુ:ખ મારા અંકલ ક્લિફર્ડ કુન્દર માટે થાય છે જેમણે તેમનો દીકરો ગુમાવ્યો છે. ક્લાઇવ કુન્દર એ કમનસીબ ઘટનામાં ફર્સ્ટ ઑફિસર તરીકે ફરજ બજાવતા હતા.’


