Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શા માટે દેવ આનંદે તનુજાને ગુસ્સામાં એમ કહ્યું...ક્યોં અપની કરીઅર બરબાદ કર રહી હો?

શા માટે દેવ આનંદે તનુજાને ગુસ્સામાં એમ કહ્યું...ક્યોં અપની કરીઅર બરબાદ કર રહી હો?

Published : 06 September, 2026 04:08 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

તનુજાના બાળપણથી લઈને ફિલ્મી કારકિર્દી સુધીની સફર, તેની બિન્દાસ શૈલી, સહજ અભિનય અને યાદગાર પાત્રોની રસપ્રદ વાતો જાણીએ.

અભિનેત્રી તનુજા

વો જબ યાદ આએ

અભિનેત્રી તનુજા


હિન્દી ફિલ્મોની ઉત્કૃષ્ટ અભિનેત્રીઓ નરગિસ, મધુબાલા, મીનાકુમારી, વહીદા રહેમાન અને બીજાની વાત કરીએ ત્યારે એક અભિનેત્રીને આપણે ભૂલી જઈએ છીએ. તે હતી ગીતા બાલી, જેણે પોતાની સંવેદનશીલ ઉપરાંત નટખટ અને રમતિયાળ ભૂમિકાઓ પણ ખૂબ જ સહજતાથી નિભાવી. તેની વિદાય બાદ ભારતીય સિનેમામાં એક એવી અભિનેત્રીનું આગમન થયું જેણે ગીતા બાલીના અભિનયની યાદો તાજી કરી. એ નામ છે તનુજા. 
તનુજાને અભિનયની દુનિયામાં નહીં પણ બીજા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી હતી. એમ છતાં તેણે ફિલ્મોમાં પોતાના ભાગે આવેલી ભૂમિકાઓ એટલી અસરદાર રીતે નિભાવી કે દર્શકો આજ સુધી એને ભૂલ્યા નથી. હિરોઇનનો જ રોલ કરવો એવો તનુજાનો આગ્રહ નહોતો. એક સક્ષમ અભિનેત્રી હોવાને કારણે તે સપોર્ટિંગ રોલ કરવા હંમેશાં તૈયાર રહેતી. તનુજાની ઍક્ટિંગના કાયલ દેવ આનંદે ‘જ્વેલ થીફ’ના શૂટિંગમાં તેને ગુસ્સામાં કહ્યું હતું, ‘ક્યૂં અપની કરીઅર બરબાદ કર રહી હો?’ આ ફિલ્મ માટે તનુજાનું નામ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ અવૉર્ડ માટે નૉમિનેટ થયું હતું. 
એમ કહેવાય છે કે There are no small parts, only small actors. તનુજા એમ માનતી કે રોલ અગત્યનો નથી, કૅરૅક્ટર અગત્યનું છે. જો પાત્રને બરાબર સમજી લઈએ અને એમાં અંદર ઘૂસી જઈએ તો પછી અભિનય આપોઆપ બહાર આવશે. 
તનુજાનો જન્મ થયો ૧૯૪૩માં ૨૩ સપ્ટેમ્બરે. પિતા કુમારસેન સમર્થ પ્રસિદ્ધ નિર્માતા અને માતા શોભના સમર્થ વિખ્યાત અભિનેત્રી એટલે નાનપણથી જ ઘરમાં ફિલ્મી દુનિયાના મોટા લોકોની અવરજવર હતી. તનુજાને એવું નહોતું કે મોટા થઈને મારે સ્ટાર બનવું છે. તે તો પોતાની મસ્તીમાં જીવતી. નૂતનને ફિલ્મોમાં લૉન્ચ કરવા માટે માતા-પિતાએ ફિલ્મ ‘હમારી બેટી’ શરૂ કરી ત્યારે તેની ઉંમર હતી ૧૪ વર્ષની. તેના નાનપણના રોલ માટે ૭ વર્ષની તનુજાને પસંદ કરવામાં આવી. 
બન્યું એવું કે શૂટિંગના એક દિવસ પહેલાં તેનો આગળનો એક દાંત તૂટી ગયો. શૂટિંગ રોકાય એમ નહોતું. તનુજાને કહેવામાં આવ્યું કે સંવાદ એવી રીતે બોલજે કે દાંત તૂટી ગયો છે એ દેખાય નહીં. તેણે એટલી કુશળતાથી સંવાદ બોલ્યા કે કોઈને ખબર જ ન પડે કે આગળનો દાંત નથી. એ જ દિવસે સૌને પ્રતીતિ થઈ કે એક પ્રતિભાવાન કલાકારનો જન્મ થઈ ચૂક્યો છે. 
નાનપણમાં તનુજા ખૂબ તોફાની હતી. પૂરો દિવસ ઊછળકૂદ અને ધમાલમાં જાય. સૌને તંગ કરે અને મજા લે. પતંગ ચગાવવાનો શોખ. સ્કૂલનાં નાટકોમાં કામ કરે. રેકૉર્ડ-ડાન્સમાં માહેર હતી. છોકરાઓ સાથે ક્રિકેટ રમતી. ટૂંકમાં કહીએ તો એક ‘બિન્દાસ’ અદાથી તનુજા જીવનની મજા માણતી હતી. 
૧૯૬૦માં તેનું સ્કૂલનું ભણતર પૂરું થયું. તનુજાની ઇચ્છા ફિલ્મોમાં નહીં પણ ફૉરેન સર્વિસિસમાં આગળ વધીને ડિપ્લોમેટ બનવાની હતી. તેણે ડિગ્રી લેવા સ્વિટ્ઝરલૅન્ડમાં કૉલેજમાં ઍડ્મિશન લીધું, પરંતુ થોડાં વર્ષ બાદ પરિવારની નાણાકીય મુશ્કેલીને કારણે પાછા આવી જવું પડ્યું. માતાએ તનુજાને લૉન્ચ કરવા ૧૯૬૦માં ફિલ્મ ‘છબીલી’ની શરૂઆત કરી જેમાં તેનો નેગેટિવ રોલ હતો. એટલે લોકોએ સલાહ આપી કે પ્રથમ ફિલ્મમાં જ તનુજા નેગેટિવ રોલ કરશે તો તેની ઇમેજ પર અસર પડશે. અંતે એ રોલ નૂતને ભજવ્યો. 
વિખ્યાત પ્રોડ્યુસર કેદાર શર્મા અને સમર્થ પરિવારને નિકટના સંબંધ હતા. ૧૯૬૦માં કેદાર શર્માએ ૧૮ વર્ષના પુત્ર અશોકને લઈને ‘હમારી યાદ આએગી’નું નિર્માણ શરૂ કર્યું જેમાં ૧૭ વર્ષની તનુજાને હિરોઇન તરીકે લીધી. ફિલ્મના અંતમાં હીરો મૃત્યુ પામે છે એટલે લોકોએ કેદાર શર્માને ચેતવ્યા કે સુખદ અંત રાખો, પણ તે માન્યા નહીં. તનુજા અને અશોક નાનપણથી એકમેકને ઓળખતાં હતાં એટલે બન્નેનો અભિનય એકદમ સહજ હતો. ફિલ્મનું કેદાર શર્મા લિખિત, મુબારક બેગમના સ્વરમાં, સંગીતકાર સ્નેહલ ભાટકરનું ‘કભી તન્હાઇયોં મેં યૂં, હમારી યાદ આએગી’ આજે પણ લોકપ્રિય છે.
lll
અંગત જીવનમાં ચંચળ, ખુશહાલ અને મસ્તીખોર તનુજાને ફિલ્મના એક ગંભીર દૃશ્યમાં સંયમિત અભિનય કરવાનો હતો, પણ તેનાથી હસવું રોકાય નહીં. અનેક રીટેક થયા. છેવટે કંટાળેલા કેદાર શર્માની ધીરજ ખૂટી. તેમણે તનુજાને એક તમાચો મારતાં કહ્યું, ‘આ શું મજાક ચાલી રહી છે?’ (કેદાર શર્માએ નવોદિત રાજ કપૂરને પણ એક વાર ગુસ્સામાં આવીને તમાચો માર્યો હતો.) એ દિવસે તનુજાને મોટું લેસન મળ્યું કે અભિનેત્રી તરીકે કારકિર્દી આગળ વધારવી હશે તો કામને ગંભીરતાથી લેવું પડશે. 
એક ઇન્ટરવ્યુમાં તે કહે છે...
નાનપણથી જ હું વિવિધ ભાષાઓના પ્રેમમાં હતી. મને ફ્રેન્ચ, જર્મન લખતાં-વાંચતાં આવડે છે. સ્વિટ્ઝરલૅન્ડ હતી ત્યારે પપ્પા મને જર્મનમાં પત્ર લખતા અને હું પણ જર્મનમાં જવાબ આપતી. મને દેવનાગરી, ગુજરાતી, મરાઠી, બંગાળી ભાષા વાંચતાં આવડે છે. મોટા થઈને ભણી-ગણીને મારે સિવિલ સર્વિસમાં જવું હતું. હું ખૂબ વાંચતી. સુપરમૅન પણ વાંચું અને ગંભીર વિષયોની બુક્સ પણ વાંચું. વાંચતી વખતે એકચિત્તે વાંચું, ઇન્વૉલ્વ થઈને વાંચું. આજુબાજુના અવાજની મને કોઈ અસર ન પડે. 
મેં કદી વિચાર્યું નહોતું કે હું અભિનેત્રી બનીશ. નાનપણમાં ‘હમારી બેટી’માં નાનો રોલ કર્યો ત્યારે મને લાઇટ્સ કે કૅમેરાનો ડર નહોતો લાગ્યો. પ્રથમ વાર મારું શૂટ થયેલું દૃશ્ય જોયું ત્યારે મારો અવાજ સાંભળીને થયું કે આ ચકલીની ચીં ચીં જેવો અવાજ કેટલો કર્કશ છે, મારે ઍક્ટિંગ નથી કરવી. હું રિસાઈ ગઈ. એ સમયે ઘરમાં પાર્ટી થતી ત્યારે કોકા કોલા આવતું. અમને બાળકોને એ પીવાની મનાઈ હતી. જીદ કરીએ તો કોઈક વાર લેમનેડ પીવા મળે. મને પપ્પાએ એની લાલચ આપી એટલે મેં આગળ શૉટ આપ્યો. 
કામ પસંદ કરતી વખતે મને એવું નહોતું લાગતું કે કેવળ હિરોઇનના રોલ મળવા જોઈએ. જો પાત્રમાં દમ હોય તો હું સેકન્ડરી રોલ કરવા માટે રાજી થઈ જતી. મોટી બહેન (નૂતન) પાસેથી હું ઘણું શીખી છું. મોતીલાલજી અદ્ભુત અભિનેતા હતા. સહજ અભિનય કેવી રીતે કરવો એ કોઈ તેમની પાસેથી શીખે. અભિનય એક ‘નૅચરલ પ્રોસેસ’ છે. એ અંદરથી આવે. આજકાલ ઍક્ટિંગ સ્કૂલ્સનો રાફડો ફાટ્યો છે. ‘મેથડ ઍક્ટિંગ’ એટલે શું એની મને ખબર નથી. મને એ જ સમજાતું નથી કે કોઈને અભિનય કેવી રીતે શીખવાડી શકાય. મેં જે કોઈ રોલ ભજવ્યા એમાં જીવ રેડી દીધો. મને તો રડવાનો અભિનય કરવામાં પણ મજા આવતી હતી.
lll
‘હમારી યાદ આએગી’ પછી તનુજાને ‘મેમ દીદી’, ‘આજ ઔર કલ’, ‘બેનઝીર’, ‘ચાંદ ઔર સૂરજ’, ‘નઈ ઉમર કી નઈ ફસલ’, ‘ભૂત બંગલા’, ‘દાદીમાઁ’, ‘બહારે ફિર ભી આએગી’, ‘જુઆરી’, ‘જ્વેલ થીફ’, ‘ઇઝ્ઝત’, ‘દો દૂની ચાર’ જેવી ફિલ્મો મળી. આ ફિલ્મોમાં કાં તો તેની સામે નવા હીરો હતા અથવા બે હિરોઇન હતી. 
૧૯૬૯માં એક ફિલ્મ આવી જેમાં તનુજાની સામે હીરો તરીકે એક યુવાન કલાકાર હતો જે ઇન્ડસ્ટ્રીમાં એસ્ટૅબ્લિશ થઈ ચૂક્યો હતો. એ ફિલ્મ સિંગલ હિરોઇન તરીકે તનુજાની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ બની અને ત્યાર બાદ તેને ટૉપના હીરો સાથે કામ મળવા લાગ્યું. જોકે શૂટિંગની શરૂઆત થાય એ પહેલાં જ એક ઘટના એવી બની કે એ ફિલ્મ તેના હાથમાંથી નીકળી જાય એમ લાગતું હતું. 
એ ફિલ્મ કઈ હતી એની વાત આવતા રવિવારે કરીશું. 

-રજની મહેતા


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 04:08 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK