હાલમાં તાહિરાએ એક ઇન્ટરવ્યુમાં પોતાના નાણાકીય સંઘર્ષ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે જ્યારે આયુષમાન સાથે લગ્ન કરીને મુંબઈ આવી હતી ત્યારે તેને નોકરી શોધવામાં બહુ સમય લાગ્યો હતો
આયુષમાન ખુરાના પત્ની તાહિરા કશ્યપ સાથે
આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપની ગણતરી ટૅલન્ટેડ રાઇટર તરીકે થાય છે. હાલમાં તાહિરાએ એક ઇન્ટરવ્યુમાં પોતાના નાણાકીય સંઘર્ષ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે જ્યારે આયુષમાન સાથે લગ્ન કરીને મુંબઈ આવી હતી ત્યારે તેને નોકરી શોધવામાં બહુ સમય લાગ્યો હતો એટલે તેનું બૅન્ક-બૅલૅન્સ ઝીરો થઈ ગયું હતું.
આ ઘટનાક્રમ વિશે વાત કરતાં તાહિરાએ કહ્યું, ‘મેં મારાં લગ્નમાં થોડા પૈસા ખર્ચ્યા હતા, પરંતુ મારી પાસે સારી એવી બચત હતી. જોકે હું લગ્ન કરીને મુંબઈ આવી ત્યારે મારી પાસે નોકરી નહોતી. હું નોકરી માટે અરજી કરી રહી હતી. આ આયુષમાન એ સમજ્યો જ નહીં કે અમારું ભોજન કઈ રીતે બની રહ્યું છે. મારું બૅન્ક-બૅલૅન્સ ઘટી રહ્યું હતું. મેં ક્યારેય કોઈ પાસેથી પૈસા માગ્યા નથી, મારાં માતા-પિતા પાસેથી પણ નહીં. હું હંમેશાં નાણાકીય રીતે સ્વતંત્ર રહી છું, પરંતુ એ સમયે મારું બૅન્ક-બૅલૅન્સ શૂન્ય થઈ ગયું હતું. એક દિવસ આયુષમાને મને પૂછ્યું કે તું કેરી કેમ નથી લાવી. આ સવાલ પર હું ખૂબ ગુસ્સે થઈ હતી, કારણ કે આયુષમાને એ નોટિસ જ ન કર્યું કે હું બે દિવસથી કેરી નથી ખાતી જેથી તે ખાઈ શકે. આયુષમાને પૂછ્યું કે શું થયું? અને હું રડવા લાગી. મેં કહ્યું કે તને શું લાગે છે કે કરિયાણું ક્યાંથી આવી રહ્યું છે? મેં કહ્યું કે મારું બૅન્ક-બૅલૅન્સ શૂન્ય થઈ ગયું છે. સાત-આઠ મહિના થઈ ગયા છે અને હું નોકરી શોધી રહી છું, આપણે ફક્ત મારી બચત ખતમ કરી રહ્યાં છીએ. ત્યારે આયુષમાનને આ વાતનો અહેસાસ થયો અને તેણે કહ્યું કે તેં મારી પાસે પૈસા કેમ ન માગ્યા? તો મેં કહ્યું, કારણ કે હું માગી શકતી નથી, તારે મારી સાથે કરિયાણું લેવા આવવું જોઈએ. એ સમયે આયુષમાન VJ (વિડિયો-જૉકી) બની ગયો હતો. તેની પ્રોફેશનલ કરીઅર શરૂ થઈ ગઈ હતી.’


